તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપણી વાત:કોરોના જતો નથી, આપણે જવાતું નથી

વર્ષા પાઠકએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અમારા પરિવારમાં એક ભાઈને બહાર જમવા જવાનો ભારે શોખ હોવાની છાપ છે અને એ પણ પરિવારના સભ્યો અને મિત્રોની સાથે. રજાનો દિવસ આવે એટલે નીકળી જ પડ્યાં હોય. દૂર-દૂર જાય, ભલે પછી કોઈ ધાબા પર ભજિયાં ખાઈને પાછાં આવે. એમની ટીકા કરવાવાળાં પણ છે, પણ મને સમજાતું હતું કે એમના માટે ખાવાપીવા કરતાં, લોન્ગ ડ્રાઈવ પર જવાનો આનંદ વધુ મોટો હતો, પછી એ મુંબઈના બીજે છેડે જવાનું હોય કે બહારગામ. એ ભાઈ ચાલવાના ભારે આળસુ, પણ અડધી રાતે ઊંઘમાંથી ઊઠાડીને કહો કે ગાડી કાઢ, ફલાણે જવું છે તો કૂદકો મારીને ઊભો થઇ જાય. કલાકો સુધી ડ્રાઈવ કરે, ભલે પછી કોઈ નાની, દેખાવે મામૂલી લાગતી જગ્યાએ ચા પીને પાછા આવે. સાચું કહું તો એક સમયે હું પણ એવી હતી. ચાલ એક આંટો મારી આવીએ, એવું મન થાય એટલે ગાડી લઈને મુંબઈથી સો-દોઢસો કિલોમીટર દૂર લોનાવાલા જેવી કોઈ જગ્યાએ ઉપડી જાઉં, ક્યારેક મિત્રો સાથે તો કોઈવાર સાવ એકલી. મારી પહેલી કાર ટચુકડી આલ્ટો હતી. એ લઈને ઊટી ગઈ ત્યારે એનાં થોડાં વર્ષ પહેલાં હોંગકોંગ જતી વખતે કેથે પેસિફિકના ફર્સ્ટ ક્લાસમાં કરેલી મુસાફરીથીયે વધુ આનંદ થયેલો. તમારાંમાંથી પણ ઘણાં લોકો આવાં હશે, જે એવું કરતાં હશે. આપણાં જેવા લોકો માટે ડેસ્ટિનેશન કરતાં જર્ની વધુ મહત્ત્વની હોય. બસ, એયને ખુલ્લા રસ્તા પર ગાડી દોડાવ્યે જાવ. કોઈ વળી એવી ટકોર કરી શકે કે આ બધાં પૈસાવાળાં લોકોના શોખ છે. પરંતુ મુદ્દો અહીં પૈસા નહીં, શોખનો છે. બહુ પૈસા હોય તો તમે સારાં કપડાં પહેરીને શહેરની ફાઈવસ્ટાર હોટેલમાં લંચ કે ડિનર માટે જઇ શકો, અને એમાંયે ઘણાં લોકો ડ્રાઈવર વિના બહાર નથી નીકળતાં. બીજી તરફ કાર હોય કે ન હોય પણ મોટરસાઇકલ લઈને પહાડી રસ્તે લડાખ કે સ્પિતી જવા માટે તૈયાર લોકો હોય છે. અમારા જ પરિવારની એક યુવતી મોટરસાઇકલ પર લડાખ જઇ આવી, એનો પતિ વળી પોતાના દોસ્તો સાથે સાઇકલ પર ત્યાં જઇ આવ્યો. હવે એ યુગલે મને સ્પિતી જવા માટે ‘ડબલ સીટ જર્ની’ની ભારે લલચામણી ઓફર આપી છે. મેં મારી 61 વર્ષની ઉંમર યાદ દેવડાવી તો એનોયે ઉપાય તૈયાર હતો. થાકી જાવ ત્યાં અટકી જવાનું. છેક ઉપર સુધી જઈને ક્યાં ઝંડો ફરકાવવાનો છે? અને તેમ છતાં સાથે એક કાર પણ રાખશું. હસબન્ડ-વાઇફમાં વારાફરતી એક જણ બાઈક અને બીજું કાર ચલાવશે. વર્ષા આન્ટીએ બસ નક્કી કરવાનું કે કયાં વાહનની પાછલી સીટ પર બેસવું છે. કદાચ રખડપટ્ટીનો કીડો અમને વારસામાં મળ્યો છે. મારી મમ્મી એના ગ્રૂપ સાથે પુષ્કળ ફર્યાં કરતી, હું એક વાર, પણ એ ત્રણ વાર અમરનાથ જય આવી. એવા જ શોખીન મારા એક કાકા હતા. કમનસીબે એમનાં પત્નીની દૃષ્ટિ ધીમે-ધીમે ઝાંખી થવા લાગી. દેશ-વિદેશના ડૉક્ટરોએ કહી દીધું કે એનો કોઈ ઉપાય નથી, અંધાપો નક્કી છે. પરંતુ આવી સ્થિતિમાં પણ મોટી ઉંમર સુધી એ બધે ફરવાનાં સ્થળે કાકીને લઇ જાય અને જ્યાં જાય એ જગ્યાનું વર્ણન કરતા જાય. મુંબઈમાં મારા નવા ઘરે એ કાકી આવ્યાં ત્યારે આંખે દેખાતું લગભગ બંધ થઇ ગયેલું, પણ રૂમની દીવાલ પર હાથ ફેરવીને એમણે હસતા ચહેરે ‘સરસ છે’ એવું કહ્યું, એ દૃશ્ય તો હું ક્યારેય નહીં ભૂલું. કાકીનું અવસાન થયું. કાકા એંસીની ઉંમર વટાવી ગયા. સામાન્ય રીતે આ ઉંમરે આપણે ત્યાં લોકો ધાર્મિક સ્થળે જવાની વાત કરે. કાકા એમનાં દીકરા-વહુ, દીકરી-જમાઈઓ, નાનાં-મોટાં બાળકો, મોટાભાઈના પરિવારને પોતાના ખર્ચે ફ્લાઈટની ટિકિટ્સ બુક કરીને ગોવાની જાત્રાએ લઇ ગયા. તોફાન-મસ્તી કરી. ઘેર ગયા બાદ કેન્સરનું નિદાન થયું. થોડા જ સમયમાં એ મોટી વન વે ટૂર પર ઉપડી ગયા. મને જોકે ખૂબ લખવાના, ખૂબ ફરવાનાં આશીર્વાદ આપતાં ગયાં છે. માત્ર ફરવાનાં આશીર્વાદ આપ્યાં હોત તો વધુ ગમત, પણ મોટાભાગના આશિષ પેકેજ ડીલ જેવાં હોય છે. સ્વીકારી લેવાં પડે. હમણાં તો જોકે દુષ્ટ કોરોના વાઇરસ અને એના પાપે આવેલાં લોકડાઉને આપણાં જેવાં ઘણાં લોકોના આવા મસ્ત મજાના પ્લાન ચોપટ કરી દીધા છે, પણ ઇસ રાત કી સુબહ તો હોગી. ક્યારેક તો રસ્તા અને જીવન પર લાગેલાં તાળાં ખુલશે. આમેય ટુરિસ્ટ સ્પોટ્સ ગણાતાં સ્થળો પર તાજેતરમાં જોવા મળતાં માસ્કવિહોણાં લોકોની બેફામ ભીડભાડ તો ચિંતા કરાવે એવી છે. સોશિયલ મીડિયા પર ગ્રેટ વેકેશનની ઢગલાબંધ પોસ્ટ થાય છે. જોકે, મારાં જેવાં ઘણાં લોકો તો ફરવાની મજા માણતી વખતે ફોટા પાડવાનીયે ઝાઝી પરવા નહીં કરતા હોય. પ્રવાસ દરમિયાન જાણે-અજાણે કોઈ એડવેન્ચર કરી નાખ્યું હોય પણ એ ઘટનાની તસવીરો ક્લિક કરવાનો વિચાર સુદ્ધાં ન આવ્યો હોય. નો પિક્ચર્સ, નો સોશિયલ મીડિયા પોસ્ટ. જેવી જેની મરજી. સરખામણી ન જ થાય. ગમે તેવા માણસ હોય, ક્યાં સુધી પિંજરામાં પુરાઈને જીવી શકે? બીજી તરફ બહાર નીકળો તો રોગચાળાના પ્રસારમાં મદદ કરી કહેવાય. શું કરવું? વેક્સિનના બે ડોઝ લઇ લેનાર પર થોડી દયા કરી શકાય? વરસાદની મોસમમાં પહાડો બહુ સુંદર લાગે છે. રોજ બોલાવે છે. શું કરવું? ⬛ viji59@msn.com

અન્ય સમાચારો પણ છે...