ઓફબીટ:સમકાલીન સંઘર્ષ...

અંકિત ત્રિવેદી25 દિવસ પહેલા
  • કૉપી લિંક

સ્વા મી આનંદે ‘સંસ્કૃતિનાં બારદાન’ નામના નિબંધમાં લખેલું વાક્ય યાદ આવ્યું, ‘માનવી માત્રને જન્મથી મળેલો એવો એક જ અધિકાર છે : પુરુષાર્થ, કર્મ, સતત, સવિરત, અતંદ્રિત કર્મ.’ પુરુષાર્થ મારા નસીબનો સ્વભાવ છે. હવે એની એટલી આદત પડી ગઈ છે કે નસીબ ગેરહાજર હોય તો પણ મારો પુરુષાર્થ ચાલુ જ હોય છે. આ મારા પુરુષાર્થ પ્રત્યેની મારી વફાદારી જે દુનિયાને સંઘર્ષ લાગે છે. મારો સંઘર્ષ દુન્યવી નથી...! વારસામાં મળેલો નથી. કટુતાથી કટાયેલો નથી. એ તો ધાવણ છૂટ્યાની સાથે જ ઘરેડમાં બંધાઈને દુનિયામાં જીવવા માટે કરવા પડે એવા પ્રયાસો છે. ભાખોડિયાં ભરતો હતો ત્યારે જોડેલી દુનિયા હતી, વિસ્મય હતું. આજે મારી દીકરીને ખભા પર બેસાડું છું ત્યારે આંખ પાછળ સેવેલી દુનિયા છે. જ્યાં આશ્ચર્ય છે. આંખો પાછળ અને હૃદયમાં છુપાયેલું બધું જ દિવાળી સમયે સાફસૂફ કરીને પાછું એની એ જ જગ્યાએ નથી મૂકી શકાતું...! શું એને આપણે સંઘર્ષ કહીશું? સ્પર્ધાથી સંતોષ મળે તેને સફળતા કહેવાય. સ્પર્ધાથી અજંપો જીવે ત્યારે સંઘર્ષ? તો એના આંકડા દુનિયા સામે છે. મારા કેનવાસ પર ઉપસેલા, ચીતરેલા બધા જ રંગો હવે ઊડી રહ્યા છે અને સફેદ થઇ રહ્યા છે. જે રસ્તે ચાલતાં ચાલતાં વૃક્ષોને ‘કેમ છો?’ પૂછવાનું ભૂલી ગયેલો એ જ રસ્તે પાછો વળું એ મારો સંઘર્ષ છે... જે ઝંખ્યું એ ન મળ્યું એ નિષ્ફળતા હોય તો ઉંમરના આજના એ પડાવે મને મંજૂર છે, કારણ કે એ બાબતે મને અત્યારે ખુશી થાય છે. મારી જાતને મૂર્તિમાંથી પથ્થર કરવાના મૂડમાં મારો સંઘર્ષ છે. કયા સંઘર્ષની વાત કરું? કોઈએ મારી પાછળ કરેલી વાત મને પાછળથી જાણવા મળી એનો...? જેને મેં એ વાત ખોટી છે એ સાચી કરવાનો પ્રયત્ન કર્યો? બીજા શું માને છે એ મારા આત્માનું આધારકાર્ડ ન હોઈ શકે... હું મને કેવો ગણું છું...? એ મારી સાબિતીનું સમયપત્રક હોઈ શકે છે. મને ઈશ્વરે બધું જ આપ્યું છે. એ મને ઓછું પડશે અને એને મેળવવાનો પ્રયત્ન કરીશ તો એ મારો સંઘર્ષ કહેવાશે. મને જે મળ્યું છે એને મમળાવતો રહીશ તો એનો મેં કરેલો સ્વીકાર સહર્ષ કહેવાશે, પણ આ તો હું ‘ટપાલીવેડા’ અને ‘ટપલીવેડા’ કરું છું, મારી જાત સાથે...! સંઘર્ષ ભૌતિક સુખનો હશે તો સગવડ ગણાશે. આધ્યાત્મિકતા ભળશે તો આનંદ થઇ ઊજવાશે. મારો સંઘર્ષ મારાપણાને ઓળખવાનો છે, જે પ્રત્યેક ક્ષણે અમીબાની જેમ આકારવિહોણો થઇ જાય છે. દુનિયાની આભડછેટ એને નથી નડતી. ખુલાસા અને તમાશાથી એ પર છે. એ આપઘાતની વાતને પ્રત્યાઘાતના જવાબમાં આપે છે. એટલે કે ભરેલા નિસાસામાં એ અદકેરો ઉન્માદ ઠાલવે છે. એ પરિતૃપ્ત છે. એ અખંડ છે. એને કોઈ બોલાવે કે ને બોલાવે એની પડી નથી. થોડાક કાગળો, એકાદ શ્યાહી ભરેલી પેન, ગમતો ન હોય એવો ઉશ્કેરાટવાળો સમય એના મૌનને હચમચાવે છે. એ એના શબ્દને અજમાવે છે. મારો સંઘર્ષ મારા અજંપા સાથે છે, જે રોજ મને અરીસામાં જોઇને મારી જાતને ઓળખી લીધાનું ફોસલાવે છે. મારો સંઘર્ષ શરૂ જ નથી થયો. પ્રાસ્તાવિક વાત એ છે કે સંઘર્ષના કારણે આપણે આગળ વધીએ છીએ. સંઘર્ષ સમય નામના કવિનું ઉપનામ લાગે છે જે મારાપણાને એના ‘હું’ની માફક જીવાડે છે. રવીન્દ્રનાથ ટાગોરનું જ વાક્ય યાદ આવે છે કે, જીવનની પારાવાર, અશેષ, પ્રાણ, નિચોવી મૂકનારી યંત્રણાઓ વચ્ચે જ સંસારના પયગમ્બરો પાક્યા છે. મારો ઈશ્વર મારાથી કમ હશે, પણ હું એનાથી મક્કમ છું. ‘મારો સંઘર્ષ’ કરતાં ‘સંઘર્ષનો હું’ વધારે અગત્યનું છે...⬛ ઓન ધ બીટ્સ ‘કંઈક પંખી નવાં નવાં આવે, બાગમાં જે એ ચાલવા આવે.’ -ભાવિન ગોપાણી ghazalsamrat@gmail.com

અન્ય સમાચારો પણ છે...