કેન્સર:કેન્સરથી બચવા માટે શરીરમાં કોઈપણ ફેરફાર દેખાય તો ડોક્ટરની સલાહ લો

12 દિવસ પહેલા
  • કૉપી લિંક

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના રિપોર્ટ મુજબ દર 10માંથી એક ભારતીયને કેન્સર થવાનું જોખમ છે. આ આંકડાઓ દર્શાવે છે કે કેટલી ઝડપથી કેન્સર પોતાનો વિસ્તાર વધારી રહ્યું છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, કેન્સરથી બચવું હોય તો એનાં લક્ષણોને અવગણશો નહીં. શરીરમાં કોઈપણ ફેરફાર દેખાય તો ડોક્ટરની સલાહ જરૂરથી લેવી.

ઓરલ કેન્સર

જડબાંના રંગમાં ફેરફાર પણ કેન્સરનું એક લક્ષણ હોઈ શકે છે. તમાકુ સંબંધિત ઉત્પાદનો જેવાં કે બીડી, તમાકુ અને સ્મોકિંગથી દૂર રહેવું. એકથી વધારે પાર્ટનરની સાથે જાતીય સંબંધ બાંધતી વખતે હ્યુમન પેપિલોમા વાઈરસના સંક્રમણથી બચવા માટે કોન્ડોમનો ઉપયોગ કરવો. મોંમાં જડબાંની લાઈનિંગમાં દુખાવો થવો અથવા એનો રંગ બદલાઈ જાય તો ડોક્ટરની સલાહ લો.

સાવચેતી

લક્ષણો દેખાય તો ડેન્ટિસ્ટ, કાન, નાક, ગળાના સર્જન અને ઓરલ સર્જન પાસે તપાસ કરાવવી. સીટીસ્કેન ઉપરાંત ગરદન અને માથાનો MRI કરાવવાથી પણ એની ઓળખ કરી શકાય છે.

બ્રેસ્ટ કેન્સર

​​​​​​​બ્રેસ્ટ કેન્સરના 75 ટકા કેસ મહિલાઓમાં હોર્મોન્સ પર આધારિત છે. એવી મહિલાઓ જે બાળકોને બ્રેસ્ટફીડ નથી કરાવતી, મેદસ્વિતાથી પરેશાન છે અને એક્સરસાઈઝ નથી કરતી તેમને વધારે જોખમ રહે છે. આ કેન્સરનું જોખમ ઓછું કરવા માટે ધૂમ્રપાન, આલ્કોહોલ, હોર્મોન થેરાપી અને ડીડીટી જેવાં રસાયણોથી બચવાની જરૂર છે. કીમોથેરાપીથી કેન્સરની ગાંઠનું કદ નાનું કરીને જો સર્જરી કરવામાં આવે તો બ્રેસ્ટ કાઢવાની જરૂર પડતી નથી. એમાં રેડિયોથેરાપીનો રોલ મહત્ત્વનો હોય છે. ગાંઠ કાઢ્યા પછી બ્રેસ્ટ પર ફોરવર્ડ આઈએમઆરટી રેડિએશન આપવામાં આવે છે. ત્રણથી પાંચ અઠવાડિયાં સુધીની આ પેઈનલેસ પ્રક્રિયા હોય છે. એમાં દરરોજ દસ મિનિટ રેડિએશન આપીને દર્દીને ઘેર મોકલી દેવામાં આવે છે. એની કોઈ પ્રકારની સાઈડ ઈફેક્ટ્સ નથી થતી. ડાબા બ્રેસ્ટની સારવાર કરતી વખતે હાર્ટ સુરક્ષિત રાખવા માટે ડીપ ઈન્સ્પિરેશન બ્રેથ હોલ્ડ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. એનાથી કેન્સરમાંથી મુક્તિ મળે છે અને બ્રેસ્ટ પણ બચી જાય છે.

સાવચેતી

20 વર્ષની ઉંમરથી તમારા બ્રેસ્ટની તપાસ કરાવો. એમાં ગાંઠ, આકારમાં ફેરફાર અને લિક્વિડ નીકળવાં જેવાં લક્ષણ દેખાય તો એલર્ટ થઈ જવું. 40 વર્ષની ઉંમર બાદ વર્ષમાં એક વખત મેમોગ્રાફી જરૂરથી કરાવો. દરરોજ 30 મિનિટ સુધી એક્સરસાઈઝ કરવી અને ખાણીપીણીમાં ફળ અને શાકભાજીની માત્રા વધારવી.

સર્વાઇકલ કેન્સર

આ કેન્સરનું કારણ હ્યુમન પેપિલોમા વાઇરસ છે. એક્સપર્ટ કહે છે કે એકથી વધારે પાર્ટનર સાથે અસુરક્ષિત જાતીય સંબંધ બનાવવાથી પણ આ વાઇરસનો ચેપ લાગવાનું જોખમ સૌથી વધુ રહે છે. આ ઉપરાંત યોનિમાંથી કોઇ પ્રકારનું બ્લીડિંગ થાય, વધુ લિક્વિડ ડિસ્ચાર્જ થાય, વાસ મારવા પર અથવા સેક્સ દરમિયાન દુખાવો થાય તો અેલર્ટ થઈ જાઓ.

સાવચેતી

લક્ષણો દેખાય તો પેપ સ્મિયર, સર્વાઇકલ બાયોપ્સી, પેટનો અલ્ટ્રાસાઉન્ડ કરાવીને ટેસ્ટ કરાવી લો.

લંગ્સ કેન્સર

​​​​​​​અવાજ બદલાઈ જવો એ પણ કેન્સર હોવાનો સંકેત છે. લાંબા સમયથી ઉધરસ, કફ અથવા એમાંથી લોહી આવે તો

એલર્ટ થઈ જાઓ. શ્વાસની તકલીફ, છાતીમાં દુખાવો અને અવાજમાં ફેરફાર એ પણ કેન્સરની નિશાની છે. આ કેન્સરથી બચવા માટે તમાકુથી દૂર રહો. જો તમને કોઈ લક્ષણો દેખાય તો પછી તબીબી સલાહ લો.

સાવચેતી

લક્ષણો દેખાય તો ચેસ્ટ એક્સ-રે, HRCT સ્કેન, લંગ બાયોપ્સી અથવા બ્રોન્કોસ્કોપી ટેસ્ટ કરાવો.

કોલેરેક્ટલ કેન્સર

​​​​​​​મળનો રંગ બદલાય તો ડોક્ટરની સલાહ લો. તેને કોલોન કેન્સર પણ કહેવામાં આવે છે. જે લોકો વૃદ્ધ છે, જો કુટુંબના કોઈ સભ્યને કોલેરેક્ટલ કેન્સર થયું હોય તો એવા લોકોમાં આ કેન્સર થવાનું જોખમ રહેલું છે. ખોરાકમાં ઓછું ફાઇબર લેવું, એક જ જગ્યાએ લાંબા સમય સુધી બેસવું, ડાયાબિટીસ, ધૂમ્રપાન અને આલ્કોહોલ આંતરડાંના કેન્સરનું જોખમ વધારે છે. જો તમને લાંબા સમય સુધી કબજિયાત, ઝાડા રહેતા હોય અથવા મળનો રંગ બદલાયેલો જોવા મળે તો તબીબી સલાહ લો.

સાવચેતી

લક્ષણો દેખાય તો કોલોનોસ્કોપી, બાયોપ્સી, સિટી સ્કેન અથવા MRI કરાવીને ચેક કરાવો કે કેન્સર છે કે નહીં.

અન્ય સમાચારો પણ છે...