દીવાન-એ-ખાસ:કોંગ્રેસના છૂપા શત્રુ છે, ખુરશીદ જેવા નેતાઓ!

વિક્રમ વકીલ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેટલાક નિષ્ણાતોને તો શંકા આવે છે કે ખુરશીદ અને ઐયર જેવા કોંગ્રેસી નેતાઓ કદાચ ભાજપને ઇશારે તો કામ નથી કરતા ને?

જ્યારે પણ અગત્યની ચૂંટણી માથાં પર હોય છે ત્યારે મણિશંકર ઐયર, દિગ્વિજય સિંહ અને સલમાન ખુરશીદ જેવા કોંગ્રેસી નેતાઓ એવાં વિવાદિત નિવેદનો કરે છે કે જેને કારણે કોંગ્રેસને ભારે રાજકીય નુકસાન થાય. ગુજરાતની છેલ્લી વિધાનસભાની ચૂંટણી દરમિયાન વાતાવરણ બેલેન્સ હતું ત્યારે જ મણિશંકર ઐયરે નરેન્દ્ર મોદીને ‘નિમ્ન કક્ષાનો એક અણછાજતો શબ્દ’ કહીને સંબોધ્યા. કોંગ્રેસે ફેંકેલા ફુલટોસ બોલ પર છગ્ગા મારવા માટે નિષ્ણાત નરેન્દ્ર મોદીએ તરત જ ઐયરના નિવેદનને પકડી લીધું. ગુજરાતની દરેક ચૂંટણી સભામાં એમણે આ મુદ્દો ઊઠાવ્યો અને ગુજરાતમાં કોંગ્રેસની હાર થઈ. થોડા સમયમાં ઉત્તર પ્રદેશ સહિત દેશનાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. આ વખતે જ કોંગ્રેસના નેતા સલમાન ખુરશીદનું પુસ્તક બહાર પડ્યું છે, જેમાં એમણે નર્યો બકવાસ લખ્યો હોવાનું કહેવાય છે. આ પુસ્તકમાં એમણે હિન્દુત્વની સરખામણી ઇસ્લામિક આતંકવાદી સંગઠન આઈએસઆઇએસ અને બોકોહરામ જેવા આતંકવાદી સંગઠનો સાથે કરી છે. આ લખતી વખતે એમને ખબર જ હતી કે આ લખાણને કારણે બહુમતી હિન્દુઓ નારાજ થશે અને કોંગ્રેસને પરવડી નહીં શકે એવો વિવાદ પણ થશે. અને એમ જ થયું. દેશભરમાંથી સલમાન ખુરશીદ પર માછલાં ધોવાયાં. ફક્ત હિન્દુવાદી સંગઠનો જ નહીં, પરંતુ સેક્યુલર ગણાતા રાજકારણીઓએ પણ સલમાન ખુરશીદના આ લખાણની ટીકા કરી. પોતાની વિચારધારા સાથે સહમત નહીં થનારાઓને આ બંને આતંકવાદી સંગઠનો અતિ ક્રૂરતાથી મારી નાંખે છે. એમને ખબર હતી જ કે દેશના બહુમતી હિન્દુઓ હિન્દુત્વ, હિન્દુઇઝમ અને હિન્દુ શબ્દો વચ્ચે ઝાઝો ફેર જોતાં નથી. જો હિન્દુઓ આઇએસઆઇએસ જેવાં આતંકવાદી કૃત્યો કરતા હોત તો સલમાન ખુરશીદ આજે જીવતા ન હોત. નવાઈની વાત એ છે કે રાહુલ ગાંધીએ સલમાન ખુરશીદની વાતને ટેકો આપ્યો. ઉત્તર પ્રદેશ જેવા રાજ્યમાં મોગલોના ઇતિહાસ બાબતે જ્યારે મતદારોનું ધ્રુવીકરણ થઈ રહ્યું છે ત્યારે ખુરશીદ અને રાહુલ ગાંધીનાં વિધાનો ફેન્સ પર બેઠેલા હિન્દુ મતદારોને કોંગ્રેસથી વિમુખ કરી નાખશે. આગમાં પેટ્રોલ છાંટતા હોય તેમ ખુરશીદે એક ટીવી ડિબેટમાં એવું પણ બાફ્યું કે કાશ્મીરમાંથી હિન્દુઓની હકાલપટ્ટી થઈ તો થઈ, એમાં શું? ખુરશીદના ઉપરનાં નિવેદનો દેશ આખામાં વાઈરલ થઈ ગયાં છે. કોંગ્રેસના બહુમતી નેતાઓ સમસમી ગયા છે કે એમની મહેનત પર ખુરશીદ અને ઐયર જેવા નેતાઓ હંમેશાં પાણી ફેરવી દે છે. ખુરશીદના પુસ્તક પછી મણિશંકર ઐયર પણ શું કામ પાછળ રહી જાય? એમણે તરત જ એવું નિવેદન કર્યું કે મોગલોના શાસનમાં બળજબરીથી ધર્મપરિવર્તન કરાતું હોવાની વાત ખોટી છે અને મોગલો તો મહાન હતા. ઐયર અને ખુરશીદનાં આ નિવેદનોને કારણે કોંગ્રેસના મતો વધશે કે ઘટશે એનો જવાબ મેળવવા વધારે માથાપચ્ચી કરવી પડે એમ નથી. ભાજપના ચૂંટણી નિષ્ણાતો જ ચૂંટણી એજન્ડામાં સલમાન ખુરશીદ અને મણિશંકર ઐયરનાં નિવેદનો ચગાવશે એ નક્કી થઈ ગયું છે. કેટલાક નિષ્ણાતોને તો શંકા આવે છે કે ખુરશીદ અને ઐયર જેવા કોંગ્રેસી નેતાઓ કદાચ ભાજપને ઇશારે તો કામ નથી કરતા ને? ⬛ vikramvakil@rediffmail.com

અન્ય સમાચારો પણ છે...