તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્યંગવિશ્વ:માસ્તરની મીઠી મૂંઝવણ

એક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઓનલાઇન ભણાવવા માટે શિક્ષકોએ પહેલાં શીખવું પડે!

- ડૉ. જગદીશ ત્રિવેદી

આજકાલ વિદ્યાર્થીઓને કોરોના કરતાં ઓનલાઇન શિક્ષણ વધુ કનડે છે, કારણ કોરોના વળગે તો અઠવાડિયામાં મટી જાય છે, પરંતુ ઓનલાઇન શિક્ષણની હોળી સાત મહિનાથી સળગી છે એ ક્યારે ઠરશે એની જાણ શિક્ષણમંત્રીને પણ નથી. આ ઓનલાઇન એજ્યુકેશન વિદ્યાર્થીઓ જેટલું જ શિક્ષકોને પણ મૂંઝવે છે, આમ તો વિદ્યાર્થીઓની અંદર જે પ્રતિભા પડી છે એ પારખીને કેળવવી એનું નામ કેળવણી છે. એમાં બહારથી કશું જ નાખવાનું નથી, પણ આપણાં શિક્ષકો પ્રત્યક્ષ શિક્ષણમાં જે રીતે હુકમથી ભણવાતા હતા, એવી જ રીતે આ પરોક્ષ શિક્ષણમાં પણ વિદ્યાર્થીઓને પરાણે ભણાવવા માટે ઘાંઘા થયા છે. મોટા ભાગના માસ્તરને રૂબરૂ ભણાવતાં આવડતું નહોતું. એને ઓનલાઇન ભણાવવાનો જગન આદરવો પડ્યો એટલે અમુક શિક્ષકોને તો ટેક્નોલોજીના જાણભેદુ માણસો પાસેથી ‘વિદ્યાર્થીઓને ઓનલાઇન કેવી રીતે ભણાવવા?’ એ વિષય ભણવો પડ્યો હતો, જે પીટીસી કે બી.એડ.માં ક્યારેય ભણ્યા નહોતા. અમુક ઓનલાઇન ભણાવતા શિક્ષકો એટલા બધા ઉત્સાહી નીકળ્યા કે પોતાના છાત્રોને લિંક મોકલી દીધા પછી ફોન કરીને પૂછતા કે તમને લિંક પૂરેપૂરી મળી ગઇ છે કે નહીં? પોતાના વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓના ઘરે રૂબરૂ જઇને લિંક આપવા સુધીનો ઉત્સાહ અમુક કર્મઠ શિક્ષકોએ બતાવ્યો હતો.

અત્યારે ઓનલાઇન એજ્યુકેશન લેનારા તમામ વિદ્યાર્થીઓ એકલવ્ય છે અને પરોક્ષ શિક્ષણ આપનાર બધા દ્રોણાચાર્ય છે, કારણ અપ્રત્યક્ષ શિક્ષણના પૌરાણિક ઇતિહાસનું પુનરાવર્તન થઇ રહ્યું છે. મોહનલાલ માસ્તરે સૌપ્રથમ રાત-દિવસ એક કરીને પોતાના સહકર્મી સુમનભાઇ પાસે વિદ્યાર્થીઓને ઓનલાઇન ભણાવવાનું શીખી લીધું. ત્યારે બાદ પોતાના પરોક્ષ વર્ગના શ્રીગણેશ કર્યાં. તમામ છાત્રોને લિંક મોકલ્યા બાદ સૌને ફોન કરીને ખાતરી કરવા એક વિદ્યાર્થીને ફોન લગાડ્યો. વાલીએ મવાલીની જેમ વડચકું ભર્યું કે તમે કોણ બોલો છો? છતાં માસ્તરે સંયમ જાળવી પૂરી નમ્રતાથી પોતાનું પૂરું નામ, પોતાના પિતાનું નામ, પોતાની અટક અને શાળાનું નામ તથા હોદ્દા વિશેની માહિતી આપી.

ત્યાર બાદ શ્રીમાન વાલીએ ફોન ચાલુ રાખી વિદ્યાવાંચ્છુ પુત્રને ભરઊંઘમાંથી જગાડવાના પિતાસહજ પ્રયત્ન શરૂ કર્યાં. એ માટે તેમને નાછૂટકે એકાદ-બે અપશબ્દનો પણ સહારો લેવો પડ્યો. માસ્તર સાંભળે એમ વાલી સ્વગત બોલ્યો કે, આ માસ્તર પણ આવી ટાઢનો સૂઇ રહેતો હોય તો સારું. એકાદ વાલીએ માસ્તરને ફોનમાં કહ્યું કે અમે મોબાઇલ લઇને કડિયાકામ કરવા આવી ગયા છીએ. તમે સાંજે છ વાગ્યા પછી ભણાવવાનું રાખો. એક વાલીએ તો સ્પષ્ટ કહ્યું કે ઘરમાં મોબાઇલ એક છે અને છોકરાં અડધો ડઝન છે. તમે દરેક છોકરાને અઠવાડિયામાં એક દિવસ ભણાવો તો દરેક બાળક ઓનલાઇન શિક્ષણનો મહાલાભ લઇ શકે.

આ પ્રકારના પ્રતિકૂળ સંજોગોમાં પણ માસ્તરે વિદ્યાર્થીઓને ભણાવવાનો હઠાગ્રહ ચાલુ રાખ્યો, પરંતુ એક દિવસ જે થવાનું હતું એ થઇને જ રહ્યું. ઓનલાઇન શિક્ષણના વર્ગમાં એક વિદ્યાર્થીને ઝોકાં ખાતો જોઇને માસ્તર ભૂલી ગયા કે મારી સામે વિદ્યાર્થી નથી, પરંતુ કમ્પ્યૂટરનો ડિસપ્લે છે. માસ્તરે ઘરમાં થયેલા વાક્યુદ્ધની હૈયાવરાળ વર્ગખંડમાં ઠાલવી દીધી. એમણે ચાલુ અભ્યાસે ઊંઘતા વિદ્યાર્થીને જગાડવા પોતાનો જમણો હાથ વીંઝી દીધો અને પરિણામે ડિસપ્લે ટેબલ ઉપરથી જમીનદોસ્ત થઇ ગયો. અપ્રત્યક્ષ વિદ્યાપ્રાપ્તિ માટે અનિચ્છાએ બેઠેલા વિદ્યાર્થીઓને થયું કે કનેક્ટિવિટી ખોરવાઇ ગઇ લાગે છે. વિદ્યાર્થીઓ રાજી થઇને રમવા લાગ્યા અને મોહનલાલ માસ્તર રડવા લાગ્યા.
(કથાબીજ : મહેશ પઢારીઆ)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો