મનદુરસ્તી:આવી રહ્યો છે... વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે

19 દિવસ પહેલા
  • કૉપી લિંક

‘અમારી પાસે બધું જ છે, ડોક્ટર પણ મારા મનને ક્યાંય શાંતિ નથી. સતત ઉચાટ રહ્યા કરે. જીવ બળ્યા કરે. એવી બીક રહે કે મને કંઇક રોગ થઇ જશે અથવા તો મારા પરિવારના કોઇ સભ્યને કોઇ બીમારી થઇ જશે કે એક્સિડન્ટ થઇ જશે તો? ક્યાંય ચેન નથી પડતું. ઊંઘ બરાબર નથી આવતી. જમતી વખતે એવો દરરોજ વિચાર આવે કે, આમાંથી કયાં કયાં પોષકતત્ત્વો મળે! આ બધું હું સતત ગૂગલ પર સર્ચ કર્યા કરું છું. મને કંઇ ખબર પડતી નથી. પ્લીઝ આમાંથી છોડાવો....’ શાલિનભાઇ જાણે અનેક લોકોની સમસ્યા વિશે નિવેદન કરી રહ્યા હતા. આવતી 10મી ઓક્ટોબરે ‘વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે’ છે. કદાચ પહેલાં ક્યારેય નહોતી તેટલી વધારે મનોવૈજ્ઞાનિક સમસ્યાઓના દોરમાંથી હાલ વિશ્વ પસાર થઇ રહ્યું છે. તેમાંય કોવિડે તો પડતાં પર પાટું માર્યું છે. સમગ્ર વિશ્વના 93 ટકા દેશોમાં માનસિક સમસ્યામાં ઉછાળો આવ્યો છે, એવું ડબલ્યુ.એચ.ઓ.નો સર્વે કહે છે. લાખો લોકોનાં મૃત્યુ, આર્થિક અસલામતી, વાસ્તવિક સામાજિક સંપર્કોનો અભાવ, ભય, તેમજ એકલતાએ ભયાનક અસરો જન્માવી છે. હાર્વર્ડ મેડિકલ સ્કૂલ, બોસ્ટનના સાઈકોલોજિસ્ટ ડો. લુઆના માર્કિસના મત મુજબ કોવિડ પછી આ વધેલી સમસ્યાઓ ઝડપથી ઘટે એવી ખૂબ ઓછી શક્યતાઓ છે. આમ પણ દર વર્ષે માત્ર ડિપ્રેશન અને એન્ગ્ઝાયટીને લીધે વિશ્વનાં અર્થતંત્રને 71 લાખ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થાય છે. દર સાતે એક ભારતીય માનસિક વિકૃતિથી પીડિત છે, એવું ‘લેન્સેટ સાઇક્યાટ્રી’ જણાવે છે. ચિંતાની વાત એ છે કે દેશમાં આશરે કુલ 19થી 20 કરોડ જેટલા દર્દીઓમાંથી માંડ દસ ટકા જેટલા જ સારવાર માટે આગળ આવે છે. વર્ષ 2021 માટે ‘વિશ્વ માનસિક સ્વાસ્થ્ય’ દિવસની થીમ છે- ‘Mental Health in an Unequal World’. વિશ્વમાં હાલમાં અનેક સ્તરે અસમાનતા, ભેદભાવ અને તિરસ્કાર પ્રવર્તે છે. આવા સંજોગોમાં માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અતિઆવશ્યક બની જાય છે. દરેકને માનસિક સ્વાસ્થ્ય જાળવવાનો સમાન અધિકાર છે. ચાલો, એવા કેટલાક સંકેતો ઓળખીએ કે શું થાય તો તાત્કાલિક નિષ્ણાતનો સંપર્ક કરવો જોઇએ. પહેલાં જે બાબતો કે ક્રિયાઓમાં આનંદ આવતો હોય અને એ હવે ના રહ્યો હોય તો પણ જાતને ચકાસવી જરૂરી છે. શક્ય છે કે અંતરમનમાં ક્યાંક મનો-સમસ્યા મોટી થઇ રહી હોય. જ્યારે સતત ઉદાસી, દુઃખ કે ચિંતા રહે અને પ્રયત્ન કરવા છતાં એને દૂર ન કરી શકાય ત્યારે સાઈકોલોજિસ્ટનો સંપર્ક સાધવો જરૂરી છે. માત્ર મનોવિકૃતિ માટે જ નહીં પણ ‘મેન્ટલ વેલ બીઇંગ’ મતલબ માનસિક રીતે સારું અને સુચારુ જીવન કેવી રીતે જીવી શકાય તે વિશે પણ માર્ગદર્શન મેળવી શકાય. જ્યારે ચીડિયાપણું કે ગુસ્સો કારણ વગર કે સકારણ આવતો હોય તો એને સંકેત સમજવો. ઘણાં આને ‘ગરમ સ્વભાવ’ માનવાની ભૂલ કરે છે. વાસ્તવમાં આવાં વ્યક્તિત્વો પોતાને અને બીજાને ઘણી વાર કારણ વગર દુઃખી કરે છે. કેટલાંક માથાના દુખાવા કે શારીરિક દુખાવાનાં કારણો શરીરમાં નહીં પણ મનમાં પડ્યાં હોય છે જેને ‘સાઇકોસોમેટિક’ અથવા ‘સોમેટોફાર્મ ડિસઓર્ડર્સ’ કહે છે. ક્યારેક પાચનની તકલીફો કે ‘ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ’ જેવી સમસ્યાઓ માટે માનસિક કારણ કે સ્ટ્રેસ જવાબદાર હોય છે. ક્યારેક પોતાના પરિવાર તરફથી હૂંફને બદલે સ્ટ્રેસ મળે છે. આવા સંજોગોમાં ‘સોશિયલ સ્કિલ્સ’ કેવી રીતે વિકસાવી શકાય તે માટે મનોવિજ્ઞાન મદદ કરે છે. પતિ-પત્ની વચ્ચેના સંબંધો સુમેળભર્યા કરવા માટે ‘કપલ કાઉન્સેલિંગ’ અસરકાર ઉપાય છે. આ માટે ધીરજ અને ખુલ્લાં મનથી થતા દ્વિપક્ષીય પ્રયાસો લગ્નજીવનની ગાડી ફરી પાટા પર ચડાવી શકે છે. પેરેન્ટિંગ સ્કીલ્સ વિકસાવવા માટે મનોવૈજ્ઞાનિક માર્ગદર્શન ખૂબ ઉપયોગી છે. કામનાં સ્થળોએ અનુભવાતો તણાવ ધીરે ધીરે પર્ફોર્મન્સ પર અસર કરે છે. સહકાર્યકરો કે બોસ સાથેનાં સંઘર્ષો અને વર્કપ્રેશરની અસર સીધી કે આડકતરી રીતે પરિવારના સભ્યો સુધી પહોંચે છે. ક્યારેક ભૂતકાળમાં બની ગયેલા આઘાતજનક બનાવો પીછો છોડતા નથી. પ્રેમભંગ, અન્ય નુકસાન કે કોઇ અપરાધભાવના મનને કોરી ખાય છે. આ માટે મનોપચાર સફળ રીતે ઉપયોગી થાય છે. હવે સમય આવી ગયો છે કે કોઇ પણ સામાજિક શરમ કે સંકોચ વિના માનસિક સારવાર માટે આપણે આગળ આવીએ. લોકો શું કહેશે, એ વિચારથી સૌથી વધુ નુકસાન પોતાને જ થાય છે. વિનિંગ સ્ટ્રોક : સામેની સમસ્યા કદાચ નબળી ન બને પરંતુ આપણે તો મજબૂત બની જ શકીએ છીએ. drprashantbhimani@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...