અંદાઝે બયાં:ચલો, એક બાર ફિર સે એક રાણી બે બાદશાહ!

સંજય છેલ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

ટાઇટલ્સ સંબંધો વિશે જાહેરમાં લખવાથી ખાનગીમા સંબંધ બગડી શકે!(છેલવાણી) એક લેખકની પત્ની એના મિત્ર સાથે ભાગી ગઇ. સ્વાભાવિક છે કે લેખકને બહુ દુ:ખ થયું. મૂળ તો દુ:ખ એ વાતનું થયું કે વ્હાલી પત્ની તો ઠીક એણે લાઇફમાં સારો મિત્ર ગુમાવ્યો! આમ તો આ જોક છે, પણ સાઇકોલોજિસ્ટ ફ્રોઇડ કહે છે કે એવરી જોક ઇઝ અ હિંટ. દરેક મજાક પાછળ એક છૂપો સંદેશ હોય છે! તમે એક વાત માર્ક કરી હશે કે આપણે ત્યાં મોટા ભાગે સ્ત્રીનાં ત્યાગની, સમર્પણની વાર્તાઓ, કવિતાઓ, નવલકથાઓ ટનબંધ લખાય છે, આંસુઓના સમંદર ઉલેચાઇ જાય છે, ડૂસકાંઓનાં ડમરું બાજે છે, પણ કોઇ ઉદ્દાત કે દિલેરીની વાતોમાં બિચારા પુરુષને હંમેશાં અવગણવામાં આવે છે. પતિ અને પ્રેમી વચ્ચે અટવાતી, રહેંસાતી સ્ત્રીની વાત સહેલાઈથી વાર્તાઓ, ફિલ્મોમાં મળી આવશે, પણ પુરુષના હૃદયનું દ્વંદ્વ? ઝીરો! સ્ત્રી પોતાની લાગણીઓ વ્યક્ત કરવામાં, રજૂ કરવામાં ફ્રી હોય છે, તે રડી શકે છે. જ્યારે પુરુષને રડવાની ફેસિલિટી બહુ હોતી નથી. ઉપરથી મર્દનું ટાઇટલ અને ‘મર્દ કો કભી દર્દ નહીં હોતા’વાળું માચો લેબલ! એણે બહારની દુનિયા સાથે લડવાનું. આર્થિક, સામાજિક જવાબદારીઓ નિભાવવાની… તેમાં ક્યાં પોતાનું દુઃખ રડવા બેસે? ઇન શોર્ટ, મા કસમ, પુરુષજાત આ બાબતે તો બહુ અન્યાય પામી છે. માનો યા માનો ક્યારેક પુરુષનાં ત્યાગ કે પ્રેમ કે સમર્પણ સ્ત્રી કરતાં પણ ચાર ચાસણી ચડે એવાં ચડિયાતાં હોઇ શકે છે. સ્ત્રીની લાગણીઓને, તેના બળવાને ખૂબ જ સશક્ત રીતે ઈબ્સને ‘ડૉલ્સ હાઉસ’ નાટકમાં બતાવી અને તેમાં તેની હિરોઈન નાટકને અંતે ઘરનું બારણું પછાડીને ઘર છોડી જાય છે. એ બારણાંના પડઘાનો અવાજ આખી દુનિયાને વર્ષો સુધી સંભળાયો. ફેમિનિઝમની કે નારીવાદની નાનકડી ચીસ લગભગ ત્યારથી જ સંભળાવવાની શરૂ થઇ. ગુજરાતીમાં ‘ઢીંગલીઘર’ નામે આ નાટક ભજવાયેલું… એ જ મહાન નાટ્યકાર ઈબ્સને પુરુષની વેદનાને વાચા આપતું અદ્ભુત નાટક આપ્યું: ‘ધ લેડી ફ્રોમ ધ સી’, જેમાં પુરુષના ભવ્ય ત્યાગને જબરદસ્ત રીતે રજૂ કર્યો છે. આ નાટકમાં હિરોઈન એક ડોક્ટરને-બીજવરને પરણી છે, પણ હજુ પોતાના પ્રેમીને ભૂલી શકી નથી અને એ પ્રેમી એના જીવનમાં પાછો આવે છે. તો હવે? સોરી, ટિપિકલ સોપ ઓપેરા કે ટીવી સીરિયલ જેવી વાત નથી અહીં! ઓકે? ઈન્ટરવલ વો અફસાના જિસે અંજામ તક લાના ના હો મુમકિન, ઉસે એક ખૂબસૂરત મોડ દેકે છોડના અચ્છા. (સાહિર) પ્રેમી નયિકાને પોતાની સાથે લઈ જવા આતુર છે. નાયિકાને પણ એની સાથે ચાલ્યા જવું છે. ડોક્ટર એને સાચા દિલથી પ્રેમ કરે છે. વિનંતી-આજીજી-કાલાવાલા પછી ધાક-ધમકીનો ઉપયોગ પણ કરે છે. પત્ની માનતી નથી. છેવટે ડોક્ટર કહે છે કે તારે જવું જ છે, તો જા! હું તને મુક્ત કરું છું. તેની આ ઉદારતા જોઈને ભાગી જવા તૈયાર થયેલી હિરોઈનનું દિલ પીગળે છે અને તે ભાગી જવાનું કેન્સલ કરે છે. પોતાના પ્રેમીને ખાલી હાથે વળાવે છે અને પોતે ડોક્ટર સાથે જ બાકીનું જીવન ગુજારે છે. કમબખ્ત માનવીનું મન પણ કેવું છે નહીં? પહેલાં એને ભાગી જવું છે ને પતિ ના પાડે છે, રોકે છે. પછી જ્યારે ઉદાર પતિ રજા આપે છે ત્યારે એનું જ મન ના પાડે છે ને રોકાઈ જાય છે! એના દિલને પીગળાવે છે- પતિનો પ્રેમ! આવો જ કિસ્સો ફિલ્મી હિરોઈન કામિની કૌશલ સાથે બનેલો. તેની બહેન ગુજરી જતાં એનાં બાળકોને સાચવવા માટે તેણે પોતાના બનેવી સાથે લગ્ન કરવાં પડેલાં. એ સાચી વાર્તાના આધાર પરથી જ બી. આર. ચોપરાએ ‘ગુમરાહ’ ફિલ્મ બનાવેલી, જેમાં સાહિરના ‘ચલો એક બાર ફિર સે અજનબી બન જાયે’ જેવાં બધાં ગીતો સુપરહિટ હતાં. એમાં માલા સિન્હાને નાનાં બાળકોને કારણે અશોકકુમાર સાથે લગ્ન કરવાં પડે છે ને એનો પ્રેમી સુનીલ દત્ત એના જીવનમાં પાછો આવે છે. આવી જ એક લોકકથા આપણે ત્યાં પણ છે: ‘શેતલને કાંઠે.’ જૂની રંગભૂમિ પર આનું નાટક ભજવાતું. આની સુપરહિટ ફિલ્મ પણ બની હતી. તેમાં દેવરો અને આણલદે વચ્ચે પ્રેમ છે. આણલદેને ઢોલરા સાથે પરણવું પડે છે. આણલદે પોતાના પતિને દેવરા સાથેના પ્રેમની વાત કરે છે. ઢોલરો આણલદેને લઈ જઈને એના પ્રેમી દેવરા સાથે પરણાવે છે. સામે દેવરો પોતાની બે બહેનોને ઢોલરા સાથે પરણાવે છે! પુરુષની ઉદારતા, એનો દ્વંદ્વ, એની કશ્મકશને પડદા પર ઉતારતી વાર્તાઓ, ફિલ્મો, ગીતો ખૂબ ઓછાં છે, પણ એ જ્યારે જ્યારે પણ આવ્યાં છે ત્યારે લોકો ચોંકી ગયાં છે કે સ્ટીરિઓ ટાઇપ યાને ટિપિકલ પથ્થર દિલ દેખાતા પુરુષમાં પણ લાગણીઓની કૂંપળ ફૂટી શકે છે! અફકોર્સ, ક્યારેક જ, હોં! એન્ડ ટાઇટલ્સ આદમ: મારા ગયા પછી મને મિસ કરીશ? ઇવ: અત્યારે જ કરું છું! { sanjaychhel@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...