ક્રાઈમ ઝોન:કરોડોની લાલચમાં નિર્દોષને કોબ્રાથી મૃત્યુદંશ

પ્રફુલ શાહ14 દિવસ પહેલા
  • કૉપી લિંક

શ્ચિમ મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના અકોલા તાલુકાના રાજુર પોલીસ સ્ટેશનના અધિકારીઓએ 2021ની 25મી ઓક્ટોબરે એક કલ્પનાતીત મર્ડર કેસ ઉકેલી નાખ્યો. આરોપીઓ પકડાઈ ગયા, મૃતક ઓળખાઈ ગયો, ખૂનનો ધ્યેય સ્પષ્ટ થઈ ગયો. સૌ જાણતા હતા કે હત્યાનું હથિયાર ક્યારેય મળવાનું નથી, પણ એ જરૂરી નથી. અનેક ગુનેગારોને જેલભેગા કરનારા પોલીસવાળાના મનમાં હજી એક સવાલ ઘૂમરાતો હતો કે કોઈ આવું કરી શકે ખરું? * * * રાજુર પોલીસ સ્ટેશનમાં 2021ની 22 એપ્રિલે સર્પદંશને લીધે એક ઈસમનું મોત થયાનો મામલો આવ્યો. મૃતકનું નામ પ્રભાકર ભીમાજી વાઘચૌરે, ઉંમર 54 વર્ષ. ફોર્માલિટી પતાવવા એક કોન્સ્ટેબલ હોસ્પિટલ ગયો ત્યારે મૃતકના ભત્રીજા પ્રવીણે લાશ કાકાની હોવાની ખાતરી આપી. ત્યાં જ હાજર હર્ષદ લાહમગેએ પણ લાશની ઓળખને સમર્થન આપ્યું. પોલીસે પોસ્ટમોર્ટમ સહિતના પ્રાથમિક મેડિકલ રિપોર્ટ કરાવ્યા બાદ પાર્થિવ દેહ પ્રવીણને સોંપી દીધો. પ્રવીણની ઉંમર કદાચ કાકા જેટલી જ પણ ચોકસાઈ વખાણવા લાયક. હોસ્પિટલ અને પોલીસના રેકોર્ડમાં કાકાનું નામ સાચું લખાય એ માટેની એની સ્વસ્થતા દાદને લાયક હતી. પોલીસને માહિતી મળી કે પ્રભાકર વાઘચૌરે બે દાયકાથી અમેરિકામાં રહેતા હતા. એક રસોઈયા તરીકે ગયા બાદ હાલ હોટેલના માલિક હતા. પરિવારમાં પત્ની અને બે દીકરા. બધી રીતે સુખી પણ જાણે મોતે વતન બોલાવ્યું હોય એમ ભારત આવ્યા બિચારા. સ્વદેશ આવીનેય સાસરિયાના ગામ ધામણગાંવ પાટમાં અંતિમ દિવસો ગુજાર્યા. આનું નામ નસીબ, ના કમનસીબ. * * * અચાનક રાજુર પોલીસ સ્ટેશનમાં એક ફોન અને એક વ્યક્તિના આગમન બાદ પ્રભાકર વાઘચૌરેની ફાઈલ પરથી ધૂળ ખંખેરાઈ. પોલીસ પ્રભાકરના ઘરે ગઈ, તો એકેય પાડોશીને સર્પદંશથી મોત થયાની જાણકારી સુદ્ધાં નહોતી. એટલું જ નહીં, કોઈ પાડોશી અંતિમ સંસ્કાર માટે પણ સ્મશાનમાં નહોતો ગયો જે વાત નાના ગામ માટે ખૂબ મોટી અને વિચિત્ર ગણાય. ભત્રીજા પ્રવીણના અસ્તિત્વનું જાણે બાષ્પીભવન થઈ ગયું હતું. હોસ્પિટલમાં મળેલા લાહમગેને પૂછ્યું તો એ ઉદાસ અવાજે બોલ્યો કે પ્રવીણનું તો કોવિડમાં મોત થઈ ગયું. વરસોના અનુભવી પોલીસને શંકા જાય જ કે ક્યાંક કંઈક ગરબડ ચોક્કસ છે. મગજનું દહીં, પગની ચટણી અને ન જાણે શું શું કર્યું ત્યારે માંડ આ કોયડાનો છેડો મળ્યો છેક ગુજરાતના વડોદરામાં. પોલીસને આશંકા તો હતી જ પણ સચ્ચાઈ સામે આવી ત્યારે આંચકો લાગ્યા વગર ન રહ્યો. હકીકતમાં પ્રભાકર વાઘચૌરે મર્યો નહોતો. એ જ વડોદરામાંથી પકડાયો. એટલું જ નહીં, ખુદ પ્રભાકરે જ ભત્રીજા બનીને, લાશને પ્રભાકરની હોવાનો દાવો કર્યો હતો. શા માટે? ને એ લાશ કોની હતી? એને માર્યો કોણે? પોલીસ ગંભીર અને ગુસ્સામાં હોય, મૂંગા તો ઠીક મડદાંય બોલવા માંડે. પ્રભાકર ઉર્ફે પ્રવીણ પટપટ વટાણા વેરવા માંડ્યો. પ્રભાકરે અમેરિકામાં પોતાના જીવનનો વીમો ઉતરાવ્યો હતો લાખો ડોલરનો. એટલે કે કરોડો રૂપિયાનો. પત્નીનો પણ પોતાનાથી ઓછી છતાં ખાસ્સી એવી મોટી રકમનો વીમો ઉતરાવ્યો હતો. પોતે મરી ગયાનું સર્ટિફિકેટ અને અન્ય પેપર્સ અમેરિકાની ઈન્શ્યોરન્સ કંપનીને મોકલીને વીમાની રકમ માટે દાવો કર્યો. આ ક્લેઈમ મળતાં જ કંપનીના સંબંધિત અધિકારીઓ જાગ્યા. આ જ માણસે ભૂતકાળમાં જીવતી પત્ની મરી ગઈ હોવાનો દાવો કરીને વીમાની રકમ માગી હતી. પ્રભાકરની ઈમેજ ખરાબ હોવાથી અમેરિકાની વીમા કંપનીએ એક ભારતીય કંપનીને ચકાસણીની જવાબદારી સોંપી. અગાઉ વીમાના દાવામાં ચાર મૃતકને જીવતા કરવાનો ચમત્કાર કરી ચૂકેલા પંકજ ગુપ્તાએ રાજુર પોલીસ સ્ટેશનમાં પહોંચીને પ્રભાકરની સાચી ઓળખ છતી કરી અને પોલીસ એકદમ કામે લાગી ગઈ. પ્રભાકર મર્યો ન હોવાનું લાગતા પોલીસે તેના મોબાઈલ નંબર ઉપર નજર રાખી. આમાંથી ખબર પડી કે એ વાતો કરે છે ને જીવતોય છે. એનું પગેરું દબાવતાં દબાવતાં પોલીસ વડોદરા પહોંચી ગઈ. વીમાની અગિયાર કરોડ રૂપિયાની લાલચ પ્રભાકરને અમેરિકાથી ભારત લાવી હતી. એના મનમાં એક ષડયંત્ર, ભયંકર ખૂની ખેલ આકાર લઈ ચૂક્યું હતું. સાસરે પહોંચ્યા બાદ તેણે પોતાના જેવા કદ-કાઠી ધરાવતી વ્યક્તિની શોધ આદરી. સાથીદારોની મદદથી 50 વર્ષનો માણસ મળી આવ્યો, પણ એ માનસિક રીતે અસ્વસ્થ હતો. એનું નામ નવનાથ યશવંત અનપ. પછી પ્રભાકરે નજીકના ગામ રાજુરીમાં એક મહિના માટે પ્રવીણ બનીને રૂમ ભાડે રાખ્યો. અહીં નવનાથને સારવાર-દરકારને નામે લાવવાની શરૂઆત કરી. પ્રભાકરે ચાર સાથીઓને આ ગુનામાં સામેલ કર્યા. તેમની સાથેય ખોટું બોલ્યો કે મારી પોલિસીના 70 લાખ રૂપિયા આવશે એમાંથી 35 લાખ રૂપિયા તમારા ચારેયના. આ લોકોને શીશામાં ઉતાર્યા બાદ એક સર્પ મિત્ર પાસેથી કોબ્રા લાવીને આઠ દિવસ બરણીમાં પૂરી રાખ્યો. પછી કોબ્રાને છૂટો મૂકીને નવનાથના પગ પર વારંવાર ડંખ મરાવ્યા. ડંખથી નવનાથનો જીવ ગયા બાદ એમ્બ્યુલન્સમાં લાશને પ્રભાકર સાથીઓ સાથે પોતાના ઘરે લઈ ગયો. પછી પોતે જ ભત્રીજો પ્રવીણ બનીને પોલીસમાં અકસ્માત મૃત્યુનો કેસ નોંધાવ્યો. હોસ્પિટલમાં નવનાથ અનપના શબને પ્રભાકર વાઘચૌરે તરીકે ખપાવી દેવાયું. આ રીતે પ્રભાકરના નામનું ડેથ સર્ટિફિકેટ મેળવ્યા બાદ વીમાની રકમ માટે દાવો કર્યો. પરફેક્ટ લાગતા પ્લાન મુજબ પત્નીને તોતિંગ રકમ મળી જાય પછી જલસા જ જલસા. પોલીસે એક માનસિક રીતે અસ્થિર વ્યક્તિના ખૂન બદલ પ્રભાકર વાઘચૌરે ઉપરાંત સર્પ મિત્ર હર્ષદ રઘુનાથ લાહમગેે, હરીશ રામનાથ, કુલાળ, પ્રશાંત રામહરી ચૌધરી અને સંદીપ સુદામ તપેકરની ધરપકડ કરી. અહમદનગર પોલીસ અધિકારી મનોજ પાટિલની આગેવાની હેઠળની ટીમે આ કેસ ઉકેલી નાખ્યો. છતાં ગામમાં એક સવાલ પડઘાતો રહ્યો કે લાલચનું ઝેર જીવલેણ કે કોબ્રાનું? {prafulshah1@gmail.com

અન્ય સમાચારો પણ છે...