• Gujarati News
  • Magazine
  • Kalash
  • Closet; There Are Two Ways For Ghosts To Come And Go. One Is The Corner Of The Closet And The Other Is The Ion

અગોચર પડછાયા:કબાટ; પ્રેતના આવવા-જવા માટે બે રસ્તા હોય છે. એક તો કબાટનો ખૂણો અને બીજો આયનો

10 દિવસ પહેલાલેખક: જગદીશ મેકવાન
  • કૉપી લિંક

‘મમ્મી, મારા કબાટમાં ચુડેલ છે.’ નાનકડી સેતુ બોલી. ધારા પોતાની દીકરીને થોડા આશ્ચર્ય અને શંકાથી તાકી રહી. પછી કાંઈ ના સૂઝતાં બોલી, ‘ચલ બતાવ.’ કહીને સેતુનો હાથ પકડીને એ સેતુને લઈને એના રૂમમાં ગઈ. સેતુએ પોતાના કબાટ તરફ આંગળી ચીંધી. ધારાએ ડરતાં ડરતાં કબાટનો દરવાજો ખોલ્યો. બે ક્ષણ સુધી ઊભી રહી. રૂમમાં સન્નાટો હતો. માત્ર મા-દીકરીના શ્વાસનો તેજ અવાજ આવી રહ્યો હતો. ધારાએ કપડાં હટાવ્યાં. કબાટમાં કોઈ ન હતું. ધારાનો જીવ હેઠે બેઠો. અને પછી સેતુને એક હળવી ટપલી મારીને એણે સવાલ કર્યો, ‘ક્યાં છે ચુડેલ?’ ‘એ કબાટમાંથી બહાર આવે છે.’ સેતુએ રડમસ સ્વરે જવાબ આપ્યો. એટલે આછા ગુસ્સાથી ધારાએ પૂછ્યું, ‘તો અત્યારે ક્યાં છે?’ ‘કોઈને ખાવા ગઈ હશે. એ એવું કહેતી હતી કે આ કબાટમાં એનું ઘર છે.’ સેતુએ પોતાની વાત સાબિત કરવા આક્રમકતાથી જવાબ આપ્યો. એ જોઈને ધારા વિચારમાં પડી ગઈ. * * * ધારાના છૂટાછેડા થયા હતા. એ પોતાની દીકરી સેતુ સાથે આ ભાડાના ઘરમાં એક મહિના પહેલાં જ રહેવા આવી હતી. આ ઘર એને ફર્નિચર સાથે ભાડે મળ્યું હતું. તે ખુશ હતી, પણ આ કબાટવાળી ઘટના એને ભયાનક જણાતી હતી. એટલે એણે પોતાના ગુરુજીનો સંપર્ક સાધ્યો. ગુરુજીએ કહ્યું, ‘દરેક ઘરમાં પ્રેતના આવવા-જવા માટે બે રસ્તા હોય છે. એક તો કબાટનો ખૂણો અને બીજો આયનો. પણ એ બે દરવાજામાંથી ચોક્કસ ચોઘડિયામાં જ પ્રેતની આવ-જા શક્ય બને છે. શક્ય હોય ત્યાં સુધી એ પ્રેત ઘરમાં રહેનારાઓને પોતાની હાજરીનો અહેસાસ થવા દેતું નથી, જેથી એ કુટુંબ કોઈ વિધિ કરાવીને એને ભગાડે નહીં. અને એ પ્રેત બેરોકટોક એ આયનમાંથી કે કબાટના ખૂણામાંથી આવ-જા કરી શકે. ક્યારેક કોઈ અડધી રાત્રે વોશરૂમનો ઉપયોગ કરવા જાગે અને એ સમયે જો પ્રેત ઘરમાં હાજર હોય તો એના હોવાનો બારીક અહેસાસ થાય છે. એવો અહેસાસ દરેક જણને જીવનમાં ક્યારેક ને ક્યારેક તો થાય જ છે, પણ માણસ અડધો ઊંઘમાં હોવાથી એને બરાબર ખ્યાલ આવતો નથી. અને એ વાત યાદ પણ રહેતી નથી. તારા ઘરમાં કબાટના ખૂણામાંથી પ્રેતના આવવા-જવાની ઘટના ઘટી રહી છે.’ ‘જો એવું હોય તો એ ચુડેલ ફક્ત મારી દીકરી સેતુને જ કેમ દેખાય છે?’ ધારાએ સવાલ કર્યો. ‘તારી દીકરી ખતરામાં છે. એણે તારી દીકરીને અવેજીમાં રાખી હોય એમ લાગે છે. તાત્કાલિક ઘર ખાલી કરી નાખ. એ ચુડેલ તને છેતરવાની કોશિશ કરશે. એ સમયે માત્ર પોતાના આત્માના અવાજને અનુસરજે. અને સલામતી માટે આ હંમેશાં તારી પાસે રાખજે.’ બોલીને ગુરુજીએ એને મંત્રેલી ભસ્મ આપી. * * * નવું ઘર ભાડે લેતા એને સાત દિવસ થઈ ગયા. જ્યારે ઘર છોડવાનો દિવસ આવ્યો ત્યારે એણે રેસ્ટોરન્ટમાંથી ચાર ઓમલેટ અને ચીકન પાસ્તા મંગાવીને સેતુને ખવડાવી દીધાં. પછી એને ડ્રોઈંગ રૂમમાં બેસાડીને એ ઘરમાં છેલ્લો આંટો મારવા ગઈ. બધા ઓરડાઓમાં તપાસ કરતાં કરતાં એ જ્યારે સેતુના રૂમમાં ગઈ, તો એને ખુલ્લા કબાટમાંથી સેતુની ‘મમ્મી...મમ્મી...’ એવી બૂમ સંભળાઈ. એ ભડકી. સેતુને તો એ ડ્રોઈંગ રૂમમાં બેસાડીને આવી હતી! એ બીતાં બીતાં કબાટ પાસે ગઈ. કબાટમાંથી સેતુનો સ્પષ્ટ અવાજ આવી રહ્યો હતો. બીક લાગતી હોવા છતાં એણે હિંમત કરીને કબાટમાં નજર નાખી. અંદરનું દૃશ્ય જોઈને એ ચોંકી ઊઠી. કબાટની અંદર મોટો ઓરડો હતો, જેમાં માત્ર એક બલ્બ સળગતો હતો. હજી પણ સેતુના રડવાનો અવાજ આવી રહ્યો હતો. સેતુને એ જાતે બેઠક ખંડમાં બેસાડીને આવી હતી. તો પણ સેતુના અવાજને સાંભળીને એ ઓરડામાં ઘૂસી ગઈ. અંદર પ્રવેશતાં જ ઓરડામાંનું દૃશ્ય જોઈને એનાં રુવાડાં ઊભાં થઈ ગયાં. ચારે તરફ હાડપિંજરો પડ્યાં હતાં અને એની વચ્ચે બાંધેલી હાલતમાં પડેલી સેતુ કણસતી હતી. માતાને જોતાં જ એ રડતાં રડતાં બોલી ઊઠી, ‘મમ્મી મને છોડાવ...આપણે ભાગી જઈએ. ચુડેલ આવી જશે તો આપણને બંનેને મારી નાખશે.’ ‘હું આવી ગઈ.’ ધારાની પાછળથી અવાજ આવ્યો. ધારા પલટી. પાછળ સેતુ ઊભી હતી. એ કર્કશ અવાજે બોલી, ‘તમને બંનેને તો મેં અત્યાર સુધી એટલા માટે જીવતાં રાખ્યાં હતાં કે કોઈ દિવસ માણસ ખાવા ના મળે તો તમને ખાઈ શકાય.’ પણ એની વાત પર ધ્યાન આપ્યા વિના ધારાએ બાંધી રાખેલી સેતુને છોડી નાખી. એ દરમિયાન સેતુના વેશમાં રહેલી ચુડેલ પોતાના અસલી સ્વરૂપમાં આવીને બોલી, ‘મને બહાર બેસાડીને તું અહીં તારી છોકરીને છોડાવવા આવી?’ ‘કેમ કે મને ખબર પડી ગઈ હતી કે તું સેતુ નહીં પણ ચુડેલ છે.’ ધારા બોલી. ‘તને કઈ રીતે ખબર પડી?’ ‘અમે ચુસ્ત શાકાહારી છીએ. મેં જાણી જોઈને સેતુને મતલબ કે તને ઓમલેટ અને ચીકન પાસ્તા આપ્યા. અને તેં એ ખાઈ પણ લીધા. એટલે મને તરત જ ખ્યાલ આવી ગયો કે તું મારી સેતુ નથી. મારા ગુરુજી પાસેથી હું તારો ઈલાજ પણ લાવી છું.’ બોલીને પોતાના ખિસ્સામાં રહેલી ભસ્મ કાઢીને એણે જેવી ચુડેલ પર છાંટી કે એ ચુડેલ ચીસ પાડીને ફર્શ પર પટકાઈને તરફડિયાં મારવા લાગી. એ તકનો લાભ લઈને ધારા સેતુને ઊઠાવીને દોડીને ઘરની બહાર નીકળી ગઈ. જ્યારે એ લોકો ટેમ્પામાં સામાન લઈને જઈ રહ્યાં હતાં ત્યારે ધારાએ સેતુના રૂમની બારી તરફ નજર નાખી. બારીમાં ઊભેલી ચુડેલ ખૂન્નસભરી નજરે એ લોકોને જતાં જોઈ રહી હતી. અને એ સમયે ધારાના ચહેરા પર ડરનો નહીં, પણ વિજયનો ભાવ હતો. એ ચુડેલ એક માતાની તાકાતનો અંદાજો લગાવવામાં થાપ ખાઈ ગઈ.{ makwanjagdish@yahoo.com