નીલે ગગન કે તલે:ચેતી ચાંદ

મધુ રાય20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સિંધી માડૂઓ નિરાશ્રિતમાંથી માલેતૂજાર વેપારી બનીને દૂધમાં કેસરની જેમ એવા ભળી ગયા કે આપણને યાદ પણ નથી કે સિંધીઓનો કોઈ પ્રાન્ત નથી!

ગયા અંકમાં અમે સૌને સાલમુબારક જણાવતાં વિધવિધ નવાં વર્ષ વિશે લખેલું તે સબબ Sk Sk નામે એક વાચકે સંદેશો મોકલ્યો છે કે ‘લેકિન આપને સિંધી ધર્મ કે નયે સાલ ‘ચેતી ચાંદ’ કે બારે મેં નહીં લિક્ખા હૈ. સિંધી ન્યુ યર ભી મહારાષ્ટ્ર કે ન્યુ યર ‘ગુડી પડવા’ કે દિન હી હોતા હૈ.’ પોતે વિશ્વનાગરિક હોવાની પીપૂડી વગાડે છે પણ ગગનવાલાને પોતાની જન્મભૂમિના બીજા લોકોની રહેણીકરણીનું કશું ભાન નથી. દાયકાના દાયકાઓ પહેલાં અમદાવાદમાં અમે એક એક્ટરના પરિચયમાં આવેલા, શ્રીરામ નિંગૂ. અને દિલ્હીના એક નાટક ડાયરેક્ટરે અમારું નાટક ભજવેલું, રાજેન્દર નાથ, બીજા અનેક દશક બાદ લોસ એન્જલસ નગરમાં એક દાક્તરાણી દ્રૌપદી તલરેજાની ઓળખાણ થયેલી. આ દાયકા બાયકાની કથાનું કારણ? કારણ વડી વડી શ્રીરામ, જે. બી. કૃપલાણી અને દ્રૌપદી તલરેજા સર્વે સિંધી. સન 1947ના લોહિયાળ ભાગલા બાદ નવા બનેલા પાકિસ્તાનથી ભાગી આવેલા સિંધીઓનો ભારતમાં કોઈ પ્રાન્ત નહોતો. પાકિસ્તાનમાં જબ્બર દૌલત મૂકી પહેરેલે કપડે નાસી આવેલા સિંધીઓ ગુજરાત અને મહારાષ્ટ્રમાં ઝાડૂવાળા, ઇસ્રીવાળા, વાસણવાળા ફેરિયા બનીને કે જે મળે તે કામમાં જાત ઘસીને તેમ જ વેપારધંધાની કુશાગ્ર કુનેહ વાપરીને સિંધી માડૂઓ નિરાશ્રિતમાંથી માલેતૂજાર વેપારી બનીને દૂધમાં કેસરની જેમ એવા ભળી ગયા કે આપણને યાદ પણ નથી કે સિંધી એટલે ગુજરાતી નથી! કે સિંધીઓનો કોઈ પ્રાન્ત નથી! કચ્છના મહારાજાએ નિરાશ્રિતો માટે ગામનાં ગામ વસે એટલી જમીનો આપી જેમાં ગાંધીધામ નામે નવું ગામ વસ્યું, કેમકે સિંધી અને કચ્છી લગભગ જોડિયા ભાષાઓ છે, સિંધી ફારસી લિપિમાં તેમ જ નાગરી લિપિમાં લખાય છે ને ગુરુ નાનકના અનુયાયી બનેલા સિંધીઓ ગુરુમુખી લિપિ પણ લખે–વાંચે છે, અને કોઈ વળી ખુદાબાદી લિપિ પસંદ કરે છે! પંજાબી, ગુજરાતીઓની માફક સિંધીઓ વેપારમાં ચતુર છે, પરંતુ સિનેમા અને રાજકારણમાં પણ એમની વડી વડી હાજરી છે. જેમકે જે. બી. કૃપલાણી કુશાગ્ર નેતા હતા, ગોવિંદ નિહલાની ફિલ્મકાર છે, ને સાધના શિવદાસાની હતી આપણી નમણી નટી. પાકિસ્તાનમાં 3 કરોડ મોટા ભાગના મુસ્લિમ સિંધીઓ છે અને ભારતમાં 38 લાખ મોટાભાગે હિન્દુ કે શીખ સિંધીઓ છે. ‘ગુડી પડવા’ તથા ‘ઉગાડી’ની માફક ચૈત્ર માસના ‘પડવા’થી સિંધી નવું વર્ષ શરૂ થાય છે તેનો ઓચ્છવ બે દિવસ ચાલે છે. ‘ચેતી ચાંદ’ એટલે ચૈત્રનો ચાંદ, જેમાં વસંતના આગમનના વધામણા છે, ને ઉપરાંત ઉદેરોલાલનો જન્મોત્સવ. સન 1007માં મર્કશાહ નામના મુસ્લિમ આતંકીએ ઘાતકી રીતે સિંધીઓને મુસ્લિમ બનાવવાનું આદરેલું ત્યારે સિંધુ નદીના કિનારે વસેલા અને સાગર પાર દેશાવરમાં વેપાર કરતા સિંધીઓના ઇષ્ટદેવ છે, જલદેવતા વરુણ દેવ. એમની આરાધનાના ફળરૂપે ભગવાને ઉદેરોલાલ નામે યોદ્ધા તરીકે અવતાર ધારણ કીધો જેણે મર્કશાહને સમજ પાડી કે હિન્દુ અને મુસ્લિમ બંનેને પોતપોતાના ધર્મ પાળવાની આઝાદી હોવી ખપે. તે જ યોદ્ધા ઝૂલેલાલ નામે હિન્દુઓમાં અને સૂફી મુસ્લિમોમાં ખ્વાજા ખિજિર અથવા શેખ તાહિર નામે પંકાયા. પાકિસ્તાન તથા હિન્દુસ્તાન બંને દેશોમાં હિન્દુ સિંધીઓ આ ચેતી ચાંદ ઉત્સવ ઉજવે છે. એમાં ભક્તો ઝૂલેલાલની સાકર અને એલચીની બનાવેલી પ્રતિમાને ફળફૂલ તથા જલકળશમાં નાળિયેર સાથે કોઈ નદી કે જલાશય ઉપર લઈ જઈ પધરાવે છે. અને જી, સિંધી નારીઓ શ્રાવણ માસમાં એક બીજો તહેવાર ઊજવે છે, ‘તીજરી’ જે બીજા પ્રાન્તોમાં કડવા ચોથ કે હરિયાલી નામે ઉજવાતા તહેવારોની માફક ચોમાસામાં આવે છે. તે દિવસે સિંધી નારીઓ અપવાસ કરે છે ને પ્રિયજનની રક્ષા કાજે ખીરના અર્ઘ્ય સાથે પ્રભુના પાયે પડે છે. તો ભલું થજો સિંધી માડૂ Skનું જેની ટકોરના કારણે ગગનવાલાને ફરી એકવાર ડૂબકી મારવી પડેલી જ્ઞાનોદધિમાં જે ડૂબકીમાં લાધીઆ ફુલગુલાબી ઉત્સવોની માહિતીની જાણ થઈ. જય ઝૂલેલાલ. ⬛ madhu.thaker@gmail.com

અન્ય સમાચારો પણ છે...