સમયના હસ્તાક્ષર:શતરંજના ખેલાડીઓ આગામી ચૂંટણીની ફિરાકમાં...

વિષ્ણુ પંડ્યા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક, બે, કે ત્રણ પાંખિયાં નહીં, અનેકોની વચ્ચે સત્તા પ્રાપ્ત કરવા અથવા તો સત્તાની નજીક જવાનો આ વખતનો સંઘર્ષ ખતરનાક રહેવાનો

બાકી બધું છોડી-તોડીને બધા પક્ષો પાંચ રાજ્યોની અને પછી લોકસભાની ચૂંટણી માટે તૈયાર છે અને તેની વ્યૂહરચના પણ ઘડી લીધી છે. ભાજપ તેના એન.ડી.એ.ના પ્રાદેશિક પક્ષોની સાથે બેસીને ઉમેદવારોની તૈયારી કરવા માંડ્યો, તો કોંગ્રેસ એ વિમાસણમાં છે કે એકલા જવું કે પછી બીજા પક્ષોને સાથે લેવા. અગાઉ મુલાયમ-અખિલેશના સમાજવાદી પક્ષની સાથે ગઠબંધન કર્યું તેનાં પરિણામોનો માર હજુ ઉતર્યો નથી, પણ આ પાંચે રાજ્યોમાં અને પછી લોકસભા ચૂંટણીમાં એકલા હાથે ભાજપનો સામનો કઈ રીતે કરવો તે પ્રશ્ન મૂંઝવે છે, બીજી તરફ કોંગ્રેસની ભીતર પક્ષ-પ્રમુખની ચૂંટણીની માંગ વરિષ્ઠ નેતાઓ કરી રહ્યા છે. કેટલાક કોંગ્રેસજનો પ્રામાણિકતાથી એવું માને છે કે ગાંધી પરિવારના નેતૃત્વ વિના તો મોટો ભૂકંપ સર્જાશે અને કોંગ્રેસ આજે છે તેના કરતાં વધુ નબળી પડશે. મૂળભૂત રીતે સંગઠનમાં લોકશાહી ભારે મહત્ત્વની છે, તેવો ખ્યાલ દુનિયાભરના લોકશાહી દેશોમાં પ્રવર્તે છે તેની ભારતીય પક્ષ-પ્રથામાં ખામી હોવાથી આવી વારસદારી ચાલતી રહે છે. મોટાભાગના પક્ષોમાં પિતા, માતા, પત્ની, પુત્ર, જમાઈ, ભત્રીજા પક્ષના નેતા બને તેવાં ઉદાહરણો ઓછાં નથી. લાલુ પ્રસાદ યાદવનો અને મુલાયમ સિંહનો પક્ષ તેનાં કનિષ્ઠ ઉદાહરણો છે, જેમાં કુટુંબના સભ્યો એકબીજાની સામે મોરચો માંડે છે. વારસદારીથી આવતા નેતાઓ પક્ષને કાબૂમાં રાખી શકતા નથી. પંજાબ અને બીજે કોંગ્રેસમાં પ્રમુખ અને મુખ્યમંત્રીની વચ્ચે ઘમાસાણ અટક્યું નથી, પણ વારસદારીની એક રસપ્રદ બાજુ એ પણ છે કે દક્ષિણના પ્રાદેશિક પક્ષોમાં વારસદારો મજબૂત હોય ત્યાં સુધી રાજકીય રીતે પ્રભાવી રહે છે. દ્રવિડ પક્ષોમાં અને શિવસેના કે અમુક અંશે બસપામાં એવું બન્યું છે. જોકે, પછી તેમાં પણ ગાબડાં પડ્યાં અને અન્નાદુરાઇ કે બાળાસાહેબ ઠાકરે જતાં આપસી સ્પર્ધા વધી પડી. પ્રાદેશિક અસ્મિતાના અપમાન જેવી ઘટના આંધ્રપ્રદેશના કોંગ્રેસ મુખ્યમંત્રીને વરિષ્ઠ કેન્દ્રીય નેતા દ્વારા સહન કરવી પડી. તેમાંથી એન. ટી. રામારાવનું નવું નેતૃત્વ સ્થાપિત થયું અને એક સમય એવો પણ આવ્યો કે તેમનું નામ સંભવિત વડાપ્રધાન તરીકે થોડા સમય માટે ચમકતું રહ્યું. પરંતુ ‘તેલુગુ દેશમ’ તેમના ગયા પછી પત્ની-જમાઈના સત્તાલક્ષી ઝઘડામાં ફસાઈ ગયો. આજે તે પક્ષની ધાર ઘસાઈ ગઈ છે. રાજકીય પક્ષોમાં મુખ્યત્વે પ્રદેશ સ્તરે જે આંતરિક લડાઈ ચાલે છે તેને કારણે સૌથી વધુ સહન કરવાનું કોંગ્રેસને આવ્યું. ગાંધી પરિવારનું નેતૃત્વ તેને રોકી શક્યું નહીં અને આગામી ચૂંટણી દરમિયાન જો વધુ ખાનાખરાબી થાય તો શું તેની ગભરામણમાં પક્ષમાં એવાં લોકોને ઉમેરવામાં આવી રહ્યાં છે, જે ભવિષ્યમાં કોંગ્રેસને માટે જ નુકસાનકારક સાબિત થશે એવું ખુદ કોંગ્રેસના નેતાઓ માની રહ્યા છે. જે. એન. યુ.ની ટુકડે ટુકડે ગેંગનો વિદ્યાર્થી નેતા જે ગઈ ચૂંટણીમાં સામ્યવાદી પક્ષના ઉમેદવાર તરીકે હારી ગયો હતો, તેને કોંગ્રેસમાં લેવામાં આવ્યો. ગુજરાતમાં પણ એવા બે અલગ અલગ નેતાઓને પ્રવેશ અપાયો. આ વ્યૂહરચના થીગડાબાજી પુરવાર થાય તેવા ભૂતકાળના બોધપાઠ પણ છે. પણ ભાજપ સામે શક્તિ બતાવવા કૈંક તો કરવું પડશે. ઉત્તર પ્રદેશમાં બે-ત્રણ ટચૂકડા પક્ષો અને ડાબેરી સામ્યવાદીઓ સાથે ગઠજોડ થઈ શકશે એવું લાગે છે, પણ ઉત્તર પ્રદેશનો તખ્તો બેશુમાર ભીડનો છે. માયાવતી, સમાજવાદી પક્ષો, ઓવૈસીની મુસ્લિમ પાર્ટી.. આ બધાં પણ તલવાર તાણીને ઊભાં છે. એક, બે, કે ત્રણ પાંખિયાં નહીં, અનેકોની વચ્ચે સત્તા પ્રાપ્ત કરવા અથવા તો સત્તાની નજીક જવાનો આ વખતનો સંઘર્ષ ખતરનાક રહેવાનો. ભાજપને હરાવવા સેક્યુલર, પ્રગતિશીલ પક્ષો એક થાય તે સૂત્ર લોભામણું છે પણ તેનો અમલ તો જ થાય, જો કોંગ્રેસ સિવાયના પક્ષોના નેતૃત્વને ગાંધી પરિવારની સમકક્ષ ગણવામાં આવે. એટલું જ નહીં કોંગ્રેસમાં નેહરુજીના જમાનાથી ડાબેરીઓથી દૂર રહેવું જોઈએ એવો દૃઢ અભિપ્રાય ધરાવનારા ઘણા નેતાઓ રહ્યા છે. રાજેન્દ્રપ્રસાદ, ડી. પી. મિશ્રા, રાજાજી, પુરુષોત્તમ દાસ ટંડન અને બીજા તેવાં નામો હતાં. કોંગ્રેસે લાંબા સમય સુધી સત્તા ભોગવી તે દરમિયાન પણ કેટલાંક જૂથ અલગ પડ્યાં તેમાં મુખ્યમંત્રીઓ જેવા હોદ્દેદારો પણ હતા. બંગરપ્પા એવું નામ છે. પ્રણવ મુખર્જીએ પોતાનો પક્ષ બનાવ્યો હતો. ગુજરાતમાં ચીમનભાઈએ ‘કિસાન મજદૂર લોકપક્ષ’ બનાવ્યો તે બધા સમયાંતરે કોંગ્રેસના મુખ્ય પ્રવાહમાં જોડાઈ ગયા. આવા પક્ષોમાંના કેટલાક તો હજુ પણ અસ્તિત્વ ધરાવે છે. થોડાંક નામો જાણવા જેવાં છે. નારાયણ દત્ત તિવારીએ કોંગ્રેસથી અલગ થઈને ‘ઓલ ઈન્ડિયા કોંગ્રેસ’ (તિવારી)ની સ્થાપના કરી હતી. બંગાળમાં એકલી તૃણમૂલ નહીં, એક બીજી બાંગ્લા કોંગ્રેસ પણ ઊભી થઈ. એક ‘ભારતીય લોક કોંગ્રેસ’ છે. તમિળનાડુમાં ‘ભારત મક્કાલ કોંગ્રેસ’ અને ‘ડેક્કન કોંગ્રેસ’ છે. આમ તો ભારત વિભાજન પછી તરત મતભેદો પેદા થયા ત્યારે ડો. લોહિયા અને આચાર્ય કૃપલાણી જેવા મજબૂત નેતાઓએ સમયાંતરે પક્ષ છોડીને સમાજવાદી નેતૃત્વને મજબૂત બનાવ્યું, પણ 1968માં કોંગ્રેસનું વિભાજન બે કોંગ્રેસ પક્ષો બનાવી ગયું. તે પછી એક ‘ગાંધી-કામરાજ નેશનલ કોંગ્રેસ’ પણ થઈ હતી. ભગવાન જાણે, આજે તે અસ્તિત્વમાં છે કે નહીં. હા, ઈન્ડિયા કોંગ્રેસ(જે), ઈન્ડિયન કોંગ્રેસ(જે), ભલ્લા જૂથ, ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ (અર્સ), ઈન્ડિયન કોંગ્રેસ (શરત ચંદ્ર સિંહા) એવા એકાદ નેતાના નામધારી પક્ષો રચાયા. એમ તો એક ‘ઓલ ઈન્ડિયા ગરીબ કોંગ્રેસ’ પણ છે. કેરળનો તો ભારે રસપ્રદ મામલો છે. ત્યાં પાંચ કોંગ્રેસ પક્ષ છે. ‘જન કોંગ્રેસ’, ‘કેરળ કોંગ્રેસ’, ‘કેરળ કોંગ્રેસ-જે’, ‘કેરળ કોંગ્રેસ-એમ’, ‘કેરળ કોંગ્રેસ-પ.’ તેલંગાણા, તામિલનાડુ, ઓરિસ્સામાં પણ આવાં બે-ત્રણ જૂથ પોતાને કોંગ્રેસ ગણાવે છે. આપણે ત્યાં રતુભાઈ અદાણીએ પણ એક કોંગ્રેસની સ્થાપના કરી હતી. શરદ પવારની એન. સી. પી. હજુ છે અને મહારાષ્ટ્રમાં માતૃસંસ્થાની સાથે સત્તા પર છે. બધાંની પોતાની શતરંજ છે, ને પોતાના ખેલાડી! { vpandya149@gmail.com

અન્ય સમાચારો પણ છે...