સાંઈ-ફાઈ:વિચાર બદલો!

સાંઈરામ દવે20 દિવસ પહેલા
  • કૉપી લિંક

બદલો’ આ એક શબ્દને લીધે સૃષ્ટિના અઠ્ઠાણુ ટકા સમરાંગણો થયાં છે. બદલો શબ્દ પાછળ લાખો કરોડો લાશોના ખડકલા થયા છે. રક્ત નીતરતી નદીઓ વહી છે. ક્યારેક મને પ્રશ્ન થાય છે કે શક, હૂણ, પોર્ટુગીઝ, મુઘલો, અંગ્રેજો કે ફિરંગીઓ વગેરે કેટલીય વિદેશી પ્રજા આપણી ઉપર રાજ જમાવી ગઈ. પરંતુ ભારતના એક પણ રાજાએ કે દુઃખી થયેલી પ્રજાએ કેમ બદલો ન લીધો? બસ્સો વરસ બ્રિટિશરોએ ભારતના આંચળમાં ઇતડી થઈને રક્ત ચૂસ્યું. આપણને પાયમાલ કરીને સદીઓ સુધી માનસિક વિકલાંગ કરવા માટેની શિક્ષણ પદ્ધતિઓ એ લોકો આ દેશમાં વાવી ગયા. 15મી ઓગસ્ટ, 1947ની મધ્ય રાત્રિએ ગોબરાણ કરી આપણને આપણો દેશ પરત આપ્યો, પરંતુ દેશના કોઈ મંડળને છેલ્લા સાત દાયકામાં બ્રિટિશરોને હેરાન પરેશાન કરવાનું સ્વપ્ન પણ નથી આવ્યું. ઊલટાનું ઈંગ્લેન્ડમાં ભણવા જવાની કે સેટલ થવા માટેની તીવ્ર ઈચ્છા ગુલામી કાળથી અખંડિત છે. જલિયાંવાલા કે માનગઢના પિશાચી હત્યાકાંડ માટે આજ સુધી ઈંગ્લેન્ડના એકપણ વાઈસરોય કે રાણીએ ક્ષમા માંગી? શું આપણે માનસિક રીતે નપુંસક થઈ ગયાં છીએ? વળતો ઘા કરવાની આપણી શક્તિ હણાઈ ગઈ છે કે હિંમત? આપણાં અસ્તિત્વ અને અસ્મિતા પર કોઈ જનોઈવઢ પ્રહાર કરે તો’ય આપણે તો ક્ષમા જ આપવાની? ‘ક્ષમા વિરસ્ય ભૂષણમ્!’ ક્ષમા વીરોનું આભૂષણ છે એ સુભાષિત યાદ છે તો ‘શઠં શાઠ્યે સમા ચરેત’ દુષ્ટની સામે દુષ્ટની જેમ જ વર્તો આ સુભાષિત કેમ ભુલાયું છે? આપણી ક્ષમા આપણને નમાલી અને માયકાંગલી ચિતરતી હોય તો એવી ક્ષમા લાભદાયક કે હાનિકારક? સાબુ, શેમ્પૂથી લઈ મોબાઈલ સુધીની વિદેશી વસ્તુઓનું અબજો ડોલરનું માર્કેટ આ વાતની શાખ પૂરે છે કે આપણને દેશની બહુ પડી જ નથી. હવે ક્યાં કોઈને ભગતસિંહની જેમ દેશ માટે ફાંસીએ ચડવાનું છે? માત્ર પોતાની જરૂરિયાતની વસ્તુ ખરીદતી વખતે સ્વદેશી વસ્તુઓની દિલથી માવજત કરવાની છે. ચાઇનાની સો-બસ્સો એપ બંધ કરી દીધી; બસ કલ્યાણ થઈ ગયું? થોડો સમય સૌએ સોશિયલ મીડિયા પર ચાઈના વિરુદ્ધ લખ્યું; બસ બદલો લેવાઈ ગયો? પાછાં હતાં ત્યાં ને ત્યાં જ આવી ગયાં. ચાઈનીઝ વસ્તુઓના અતિરેકથી ક્યાંક આપણી દેશભક્તિ પણ ચાઈનીઝ નથી થઈ ગઈ ને? ચેક તો કરજો. આપણે આપણા સનાતન ધર્મ માટે કટ્ટર નથી, પરિણામે જ વટાળ પ્રવૃત્તિઓ દેશભરમાં ધાધરની જેમ વકરી છે. આપણે આપણી ભાષા માટે કટ્ટર નથી માટે એક આખી પેઢીને ભારતની એકપણ ભાષા સરખી આવડતી નથી. સાઉથની ફિલ્લમ હજાર કરોડનો બિઝનેસ કરે છે ત્યારે આપણને એ જ્ઞાન કેમ નથી થાતું કે આ સાઉથ ઇન્ડિયનો તેની ભાષાને વફાદારીપૂર્વક વળગ્યાં છે. તેથી તેઓ વધુ સર્જનશીલ છે. શુદ્ધ અને સાત્વિક મનોરંજનમાંથી પણ રૂપિયા કમાઈ શકે છે, જ્યારે આપણને આપણી ગુજરાતી ફિલ્મો જ થિયેટરમાં લોહચુંબકની જેમ ખેંચતી નથી. એ તો મોબાઈલમાં મફત જ જોવાની હોય ખરું ને? આપણને આપણી ગુજરાતી થાળી પણ કાંઈ ખાસ વહાલી નથી. પહેરવેશ તો માત્ર નવરાત્રિ પૂરતો જ જરૂરી છે, બાકી તો જગતભરનાં ફેશનિયાં કપડાં આપણાં અંગને ઓપાવે છે. આવું લિસ્ટ તો બહુ લાંબુંલચક થઈ શકે એમ છે, પરંતુ અર્ક એટલો કે આપણે ઉલ્લુ નથી, પણ ઉદાસીન છીએ. મને આશ્ચર્ય એ વાતનું છે કે ક્ષમા એ આપણો સ્થિર સદ્્ગુણ નથી. કોઈ ધંધાનું નુકસાન કરે ત્યારે સામેવાળાને બરાબર ટક્કર આપીએ છીએ. એક જ્ઞાતિ બીજી જ્ઞાતિનો બદલો લેવા માટે E.V.M.માં પાંચ-પાંચ વરસ રાહ જુએ છે, પરંતુ દેશના દુશ્મનો સામે બદલો સામાન્ય માણસને ન લેવાનો હોય એવી ભ્રમણા ભેજામાં દૃઢ થઈ ગઈ છે. દેશના શત્રુઓની સાથે તો દિલ્હીથી જ લડવાનું હોય. આવી ક્યાંક ગેરસમજ ઘર કરી ગઈ છે. મહાભારતનો આખો ઈતિહાસ આમ જુઓ તો પ્રતિશોધનું પ્રતિબિંબ છે! ગુરુ દ્રોણે તેના મિત્ર દ્રુપદ સામે બદલો ન લીધો હોત તો? ‘આંધળીના આંધળા જ હોય’ આ વાક્યનો દુર્યોધને પ્રતિશોધ ન લીધો હોત તો? શૂર્પણખાના નાકનો બદલો લેવામાં જ રામાયણ થઈ ને? શ્રીરામે બદલો લેવા જ લંકા પર આક્રમણ કરી રાવણ સંહાર્યો, પરંતુ રામના બદલાથી કેટલાંયનું કલ્યાણ થયું. દિલ્હીનું કટક ચાંપરાજપુર બદલો લેવા ન આવ્યું હોત તો ચાંપરાજવાળાના માથા વગરના ધડને લડવું થોડું પડત? પ્રતિશોધને લીધે અનેક ઇતિહાસ સર્જાયા અને ભુંસાયા પણ...! ભારતના વીરવર યોદ્ધા પૃથ્વીરાજ ચૌહાણે શત્રુને સોળ સોળ વખત ક્ષમા આપી. પરિણામ શું આવ્યું? એ હરામખોર શત્રુઓએ પૃથ્વીરાજ સાથે કેવો વર્તાવ કર્યો? આ ઈતિહાસ શીખવે છે કે તમારી ક્ષમાને લાયક ન હોય તેને માફ ન કરશો, નહીંતર પેઢીઓએ ભોગવવું પડશે. 1965માં ભારતની સેનાએ લાહોર સુધી તિરંગો લહેરાવ્યો હતો, પરંતુ આપણે દયા ખાધી. પરિણામે કાશ્મીરનું શૂળ વરસો સુધી ઘૂસી ગયું. ‘દયા ડાકણને ખાય’ કહેવત આપણે ન અનુસર્યાં, પરિણામે ડાકણોએ દયા ન ખાધી અને લાખો નિર્દોષ લોકો આજે પણ મરી રહ્યાં છે. સૌને કટ્ટર બનાવવાના સંકલ્પ માટે આ કલમ કદી નથી ચાલી અને ચાલશે પણ નહીં, પરંતુ રાષ્ટ્ર માટે, ધર્મ માટે, ભાષા માટે ટટ્ટાર બનાવવા તો આ કલમ આજીવન ચાલવાની છે. ‘ગણ તો દુશ્મનનો પણ ન ભુલાય!’ આ કહેવત આપણી ઉપર એટલી બધી સવાર થઈ ગઈ કે આપણે તો દુશ્મનનો ‘અવગણ’ પણ વિસરી બેઠાં. કલાકારોના હાથ કાપીને સર્જેલા કોઈ સ્મારકને પ્રેમની નિશાની કેવી રીતે ગણી શકાય? બસ્સો વર્ષ દેશને તહસ નહસ કરનાર બ્રિટિશરોની ભાષાને ભગવાન કેવી રીતે માની શકાય? સરહદ પર ભારતનું સૈન્ય એનું ટાણું આવશે ત્યારે સણસણતો બદલો અવશ્ય લેશે જ! પરંતુ સરહદની અંદર રોજ બદલો લેવાની તક પ્રત્યેક ભારતીયને મળે છે. દસ રૂપિયાથી માંડી દસ કરોડ સુધીની વિદેશી વસ્તુઓ સામે આપણે 140 કરોડ ભારતીયો સ્થિર સૂગ ધરાવતાં થઈ જઈએ તો પછી ભારત તેની મેળે મહાસત્તા બની જશે. એક સમયે બદલો તલવારની ધારથી લેવાતો હતો, હવે રૂપિયાના વ્યવહારથી લેવાનો છે. કોઈ પણ વસ્તુ ખરીદતાં પહેલાં તમારા માંહ્યલાને એક સવાલ પૂછજો કે આ વસ્તુ ખરીદવાથી મારું ભલું થાશે પરંતુ મારા દેશનું? અંદર જે જવાબ આવે એ પછી નિર્ણય લેજો. ક્ષમા આપતાં પહેલાં સામેવાળાના ગુનાહોની સંખ્યા અને તેની માનસિકતાના પણ માર્ક આપજો. આપણા દેશમાંથી કોઈ તલવારની ધારે ગીતાજીના પ્રચારાર્થે અને અનુયાયીઓની સંખ્યા વધારવા ક્યાંય વિદેશ ગયું નથી. કદી જશે પણ નહીં, પરંતુ આપણા દેશમાં આપણું રાજ સલામત અને સુરક્ષિત રહે એ તો આપણી ફરજ છે ને! ભલે પ્રહાર ન કરીએ પણ હાથમાં શસ્ત્ર તો ધારણ કરીએ; જેથી શત્રુને ડર તો લાગે! બદલો જ્યાં-ત્યાં અને જેની તેની સાથે હરગીઝ નથી લેવો, પરંતુ આપણા હોવાપણાં પર પ્રશ્નાર્થ સર્જે છે તેને જીવતો પણ ન જ મુકાય! ‘હણે તેને હણવામાં પાપ નથી’ આવું નારાયણ જ બોલ્યા છે ને? પ્લીઝ ચેક. વિચાર બદલો દેશ બદલાશે. વાઈ-ફાઈ નહીં, સાંઈ-ફાઈ આવે તો વિચારજો.

અન્ય સમાચારો પણ છે...