તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમયના હસ્તાક્ષર:શતાબ્દી વિજેતા બે રાજકીય પક્ષો : પણ પછી શું?

એક મહિનો પહેલાલેખક: વિષ્ણુ પંડ્યા
  • કૉપી લિંક
  • સો વર્ષે દિશાહીન રાજકીય પક્ષ તરીકે કોંગ્રેસનું અસ્તિત્વ છે. તેને ઊગારી શકે તેવા નેતૃત્વ અને કાર્યકર્તાનો અભાવ છે

જુલાઈની શરૂઆતમાં દુનિયાના એક મોટા રાજકીય પક્ષે પોતાની 100 વર્ષની ઉજવણી કરી તે ચીનની સામ્યવાદી પાર્ટીએ. 2020માં તેના 2.43 મિલિયન સભ્યો હતા, હવે તેમાં ઉમેરો થયો અને 95.15 મિલિયન સંખ્યા થઈ. જિનપિંગ તેનો, માઓ પછીનો સૌથી શક્તિશાળી નેતા તરીકે સત્તા અને સંગઠન બંને સંભાળે છે. આ સામ્યવાદી પક્ષ તિયાનમેન ચોકમાં 100 વર્ષ પહેલાં સ્થપાયો હતો અને એ જ ચોકમાં 1989ની ચોથી જૂને જુવાન છોકરા-છોકરીઓ લોકતંત્ર માટે મેદાને પડ્યાં અને ચીની ‘લાલ સેના’એ ટેન્ક નીચે કચડી નાખ્યાં હતાં. પાછું સેનાનું નામ પણ કેવું, ‘પીપલ્સ આર્મી!’ ‘પીપલ’ જ ‘પીપલ’ને મારી નાખે તે રાજનીતિની કમાલ છે! ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીને 100 વર્ષ થયાં અને ભારતની કોંગ્રેસ (મૂળ નામ ભારતીય રાષ્ટ્રીય મહાસભા), જેના અત્યાર સુધીમાં 37 ટુકડા થયા છે તે ચીની કોમ્યુનિસ્ટ પાર્ટી કરતાં મોટી છે. છેક 1885માં કેટલાક ચિંતિત બ્રિટિશ મહાનુભાવોની ચિંતામાથી તેનો જન્મ 1885માં થયો મુંબઈની ગોકુલદાસ તેજપાલ સંસ્થાના પટાંગણમાં. પ્રમુખ તો વ્યોમેશચંદ્ર બેનર્જી હતા, પણ પાછળ દિમાગી કસરત એલેન ઓક્ટેવિયન હ્યૂમની હતી. લોર્ડ ડફરિન પણ તેમાં સામેલ હતા. 1857ના વિપ્લવ જેવી સ્થિતિ ફરી વાર પેદા ન થાય તે માટે બ્રિટિશ સત્તા અને પ્રજાની વચ્ચે સેતુ બને તેવો હેતુ. મહારાણી વિક્ટોરિયાને શુભેચ્છા આપતું બ્રિટિશ રાષ્ટ્રગીત ગવાયું અને કેટલાક ઠરાવો થયા, પણ તેનું દેશપ્રેમી સંસ્થા તરીકે રૂપાંતર તો 1907માં સુરતમાં થયું અને તેનું ગુજરાતે ગૌરવ લેવા જેવું છે. કનૈયાલાલ મુનશીની નવલકથા ‘સ્વપ્નદૃષ્ટા’માં અને ‘શ્રી અરવિંદ ઇન સુરત’માં રસપ્રદ ભાષામાં તેનું વર્ણન છે. લગભગ 135થી વધુ વર્ષો જૂની કોંગ્રેસની ખુશનસીબી એ રહી કે અંગ્રેજોએ ભારતની રાજ્યસત્તા છોડી અને પહેલાં ‘ડોમિનિયન સ્ટેટ’ પ્રજાને સોંપ્યું તો કોંગ્રેસની સરકાર બની અને લાંબા સમય સુધી તેની કેન્દ્રમાં અને મોટાભાગનાં રાજ્યોમાં સત્તા રહી. 1967થી તેના વળતાં પાણી થયાં. કોંગ્રેસથી છુટ્ટા પડેલા રાજાજી, ડો. લોહિયા, જયપ્રકાશ નારાયણ , આચાર્ય કૃપલાણી વગેરેએ કોંગ્રેસને પડકાર આપ્યો અને 1951માં હિન્દુ મહાસભાથી અલગ થઈને ભારતીય જનસંઘની સ્થાપના કરનાર ડો. શ્યામાપ્રસાદ મુખર્જીએ અને તેમના અનુગામીઓએ સત્તા પરિવર્તનમાં મોટો ભાગ ભજવ્યો. 1969થી વળી એક વધુ શક્તિશાળી જૂથ કોંગ્રેસથી છૂટું પડ્યું અને તેના નેતા તરીકે મોરારજીભાઇ દેસાઇ હતા. જનતા પક્ષે 1977માં કોંગ્રેસને કેન્દ્રમાં પણ હચમચાવી દીધી અને હવે તેનું સ્થાન ભારતીય જનતા પક્ષે લીધું છે અને ઘણાં રાજ્યોમાં પણ સત્તાને હસ્તગત કરી છે. સો વર્ષ જૂની ચીની સામ્યવાદી પાર્ટી અને તેનાથી પણ જૂની ભારતની કોંગ્રેસ પાર્ટી- આ બંને વચ્ચે શો તફાવત છે તેની ચર્ચા રસપ્રદ થઈ શકે. બંનેનાં મૂળમાં પોતાના દેશમાં સ્વાધીન રાજ્યસત્તા સ્થાપિત કરવાની હતી. કોમ્યુનિસ્ટ પાર્ટીને માઓ, ચાઉ એન લી અને હવે જિનપિંગ જેવા મજબૂત પણ આપમુખત્યાર સામ્યવાદી નેતા મળ્યા. કોંગ્રેસને ગાંધીજી સહિતના વિશાળ વ્યક્તિત્વ ધરાવતા નેતા પ્રાપ્ત થયા, પણ આઝાદી પછી નહેરુની સ્વપ્નશીલ નેતાગીરી લગભગ નિષ્ફળ ગઈ. લાલ બહાદુર શાસ્ત્રી વધુ જીવ્યા હોત તો જમીન પરનો નેતા મળ્યો હોત, પણ તાશ્કંદમાં તેમનું અવસાન થયું. સ્વતંત્રતા પછી અપાર પરિશ્રમ સાથે રજવાડાઓનું વિલીનીકરણ કરવામાં તમામ શક્તિ લગાવનાર સરદારનું સ્વાસ્થ્ય ઠીક ના રહ્યું અને વિદાય લીધી. ઇન્દિરાજી સશક્ત મહિલા વડાપ્રધાન તરીકે સ્થાપિત થયાં અને પૂર્વ પાકિસ્તાનને બાંગ્લાદેશમાં પરિવર્તિત કરવાની ઐતિહાસિક ઘટના સાકાર થઈ, પણ સત્તા ગુમાવવાના ભયે તેમને આંતરિક કટોકટી લાદવા તરફ દોર્યાં. તેનાથી દેશના લોકતંત્રને અને તેમના પક્ષને ભારે નુકસાન થયું તેનાં પરિણામો આજે પણ દેખાય છે. સો વર્ષે દિશાહીન રાજકીય પક્ષ તરીકે કોંગ્રેસનું અસ્તિત્વ છે. તેને ઊગારી શકે તેવા નેતૃત્વ અને કાર્યકર્તાનો અભાવ છે. એવું ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીનું નસીબ નથી. તેનું એક કારણ તો ચીનમાં સમગ્ર રીતે તમામ સત્તા સામ્યવાદી પક્ષ પાસે છે. કહેવા ખાતર તો બીજા આઠેક રાજકીય પક્ષો પણ અસ્તિત્વમાં છે, પરંતુ તેનું કઈ નીપજે તેમ નથી. હા, પાર્ટીની ભીતર અસંતોષનો અગ્નિ છે. જેમ માઓની એકહથ્થુ સત્તા તેના જ પક્ષના બીજા શક્તિશાળી જૂથે સમાપ્ત કરી તેવું જિનપિંગનું ભવિષ્ય હોઈ શકે છે. સામ્યવાદી સત્તાનું આ ચરિત્ર છે. લેનિન, સ્ટેલિન આવ્યો, તેણે લિયોન ટ્રોટ્સકી સહિતના ઘણા નેતાઓને મારી નંખાવ્યા. અનુગામી નિકિતા ક્રુશ્ચોફે પણ એવું જ કર્યું. મિખાઈલ ગોર્બાચોફે તો સામ્યવાદના પ્રદૂષિત વિચાર અને કાર્યોને વિદાય આપવા માટે ‘ગ્લાસ્નોસ્ત’ અને ‘પેરિસ્ત્રોઇકા’નાં હથિયાર વાપર્યાં તો યેલત્સિને તેને હાંકી કાઢ્યા. અત્યારે પુતિન બેહદ સત્તા ભોગવે છે, પણ પક્ષના જ કેટલાક મોકાની રાહ જોઈ રહ્યા છે. યુગોસ્લાવિયા અને ક્યુબાની ભીતરની કહાણી પણ તેવી જ છે. વિજય ગોખલે ચીનમાં ભારતીય રાજદૂત રહી ચૂક્યા છે. હમણાં તેમણે ચીની કોમ્યુનિસ્ટ પક્ષની મજબૂતીનું રહસ્ય બતાવ્યું છે. સીપીસી અર્થાત કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈના પાસે તેની તાકાત વધારનારું એક માળખું છે અને તેનું નામ યુનાઈટેડ ફ્રન્ટ વર્ક ડિપાર્ટમેન્ટ (યુ. એફ. ડબલ્યુ. ડી.) છે. ઓક્ટોબર, 1939ના દિવસે સ્થાપના થઈ. માઓએ તેને વૈચારિક માળખામાં બદલાવ્યું. હોંગકોંગ, મકાઉ, અને તાઇવાન સુધી તેની જાળ ફેલાયેલી છે. તે સામાન્ય પ્રજા અને જૂથોમાં ઘૂસે છે ને પલોટે છે. આપણે ત્યાં વિવિધ પ્રકારનાં નક્સલ, કથિત ‘લિબરલ્સ’ અને એન. જી. ઓમાં તેનો કેવો, કેટલો પ્રભાવ છે તે સંશોધનનો વિષય છે.{vpandya149@gmail.com

અન્ય સમાચારો પણ છે...