તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાયન્સ સફર:આકાશી ભુલભુલામણી: સિલેસ્ટિયલ સુપરહાઇવે

વિરલ વસાવડાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • યુરેનસ અને તેની પારના આકાશ વચ્ચે ચીલા ચાતરતો નવો માર્ગ

ધરતી પરના રસ્તા તો ‘આંકેલા’ હોય એટલે વાંધો ન આવે, પણ દરિયામાં જહાજ હંકારવું હોય તો રસ્તો કેમ યાદ રાખવો? અલબત્ત, અત્યારે તો નેવિગેશન સિસ્ટમ કામ લાગે છે, પણ એ નહોતી ત્યારે શું થતું? બીજા જહાજ જે રસ્તે વારંવાર ગયા હોય તે રસ્તો પાણીમાં ‘ખેડાયેલો’ જણાય, બીજા ચિહ્્નો યાદ રાખવા પડે. આવા દરિયાઈ માર્ગને ‘શિરોટો’ કહેવાય. આ પ્રકારના અદૃશ્ય માર્ગો અંતરિક્ષમાં પણ હોય છે. મજાની વાત એ છે કે આવા માર્ગોનો ઉપયોગ કેવી રીતે કરવો એ ખગોળવિદો બખૂબી જાણતા હોય છે. આવો જ એક નવો સુપરહાઇવે હાથ લાગ્યો છે, જે ભવિષ્યના સ્પેસમિશન્સ અને ખગોળીય પિંડોથી પૃથ્વીની સલામતી સુનિશ્ચિત કરવા માટે મહત્વનો પુરવાર થવાનો છે. ‘આંતરગ્રહીય રાજમાર્ગ’ (ઇન્ટરપ્લેનેટરી સુપરહાઇવે..!) એ આમ જુઓ તો કોઈ નવી બાબત નથી. નાસા જેવી એજન્સીઝ દાયકાઓથી તેનો ઉપયોગ કરે છે. અવકાશમાં છોડેલા યાનને ગ્રહોના ગુરુત્વક્ષેત્રને સહારે જોરદાર ‘ધક્કો’ લગાવીને યાનનું ઈંધણ બચાવવાની પ્રણાલી બહુ જાણીતી છે. 1970ના દાયકામાં આવા ગ્રેવિટેશનલ ફિલ્ડનો ઉપયોગ વધતો ગયો એટલે તેનો વ્યવસ્થિત આકાશી નકશો, કહો કે ‘પ્લોટિંગ’ શરૂ થયું. ગ્રહો અને તેમના ઉપગ્રહો વચ્ચેનું આકાશ આવા અવકાશી રસ્તાઓ બનાવતું હતું. એકબીજા ગ્રહો વચ્ચેના આવા માર્ગોનું અટપટું નેટવર્ક એટલે જ ઇન્ટરપ્લેનેટરી સુપરહાઇવે. દૂરદરાજના સ્પેસ મિશન્સ માટે એ બહુ કામનું છે. બીજું, દરેક ગ્રહ અને તેના ઉપગ્રહને પાંચ અવકાશી લોકેશન્સ હોય છે, જેને ‘લેગરેન્જ પોઈન્ટ’ કહેવાય. રસ્તા પરના માઈલસ્ટોનની ગરજ સારતાં એ સ્થાનો છે. ગ્રહ પર સૂર્યનું અને ઉપગ્રહ પર ગ્રહનું ગુરુત્વાકર્ષણ એકમેકને જ્યાં કાપે તે સ્થાનોને ‘પિનપોઈન્ટ’ કરીને સ્પેસક્રાફ્ટ્સનો રૂટ નક્કી થતો હોય છે. સૌથી અટપટો ને ‘ભેદી’ માર્ગ રાક્ષસી ગુરુત્વાકર્ષણ ધરાવતા ગુરુના ગ્રહ સાથે જોડાયેલો છે. અત્યાર સુધી પ્રચલિત આવા અદૃશ્ય અવકાશી માર્ગોમાં એકનો વધારો થયો છે. આ માર્ગ યુરેનસ અને તેની પારના બ્રહ્માંડમાં લઈ જતો સુપરહાઇવે છે. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના સંશોધકોએ જોયું કે યુરેનસના એસ્ટેરોઇડ્સ બેલ્ટ અને તેની પારના ખાલીખમ અવકાશમાં એકબીજા સાથે સુવ્યવસ્થિત રીતે જોડાયેલા માર્ગોનું એક નેટવર્ક ‘ઝૂલતું’ હતું. અંદરના રસ્તાઓમાં તો કમાન રચાઇ હોય એવા વળાંકો પણ હતા! એ ખરેખર કામ લાગે એવો રસ્તો છે કે ભૂલેચૂકેય એ રસ્તે ન જવાય? એ સવાલ પાયાનો હતો. એટલે સંશોધક ટુકડીએ આપણા સૌરમંડળની લાખો ભ્રમણકક્ષાઓનો આંકડાકીય ડેટા તૈયાર કર્યો. અત્યાર સુધી પરિચિત માર્ગો સાથે એ કેટલા અંશે ‘ફીટ’ બેસે છે તેનો અભ્યાસ કર્યો. બધી ભેજાંફોડીના અંતે નક્કી એ થયું કે નવો શોધાયેલો માર્ગ ખરેખર ‘સિલેસ્ટિયલ સુપરહાઇવે’ હતો અને ભવિષ્યમાં લોન્ચ થનારા સ્પેસ મિશન્સ માટે કામનો હતો. અલબત્ત, તેને કેવી રીતે ‘નાથી’ શકાય અને મહત્તમ લાભ કેવી રીતે લઈ શકાય એ અભ્યાસનો વિષય કહેવાય. અત્યંત દૂરના બ્રહ્માંડમાં કોઈ સ્પેસક્રાફ્ટ મોકલવું હોય તો આ માર્ગેથી પ્રમાણમાં વધારે ઝડપથી અને ઓછા ખર્ચે તેને મોકલી શકાય એવું તો લગભગ નક્કી છે. એટલું જ નહીં, પૃથ્વી તરફ આવતા આકાશી પિંડો અને પૃથ્વી સાથે તેની અથડામણની શક્યતાઓ કેટલી, એ પણ આ નવો સુપરહાઇવે કહી શકશે. નિર્ધારિત ગંતવ્યસ્થાન સુધી પહોંચતાં સુધીમાં અવકાશયાનોએ જે મોંઘુદાટ ઈંધણ બેહિસાબ વાપરવું પડે છે, એ પણ હવે ઘટી જશે. જે અદૃશ્યની પણ કલ્પના કરી શકે, જોઈ શકે એનું નામ મનીષિ. બ્રહ્માંડમાં રસ્તા પણ હોઇ શકે એવું પહેલવહેલાં માર્ટિન લોએ કહેલું. નાસાની જેટ પ્રોપલ્ઝન લેબોરેટરીમાં એ ઇજનેર હતો. 2001માં લોન્ચ થયેલા ‘જિનેસિસ મિશન’નો ફ્લાઇટ પાથ નક્કી કરવામાં તેણે બનાવેલો સોફ્ટવેર જ સચોટ પુરવાર થયેલો. વિસ્ફારિત આંખે અંધારા આકાશ તરફ નજર નાંખતી વખતે હવે એ પણ વિચારજો કે સાવ ખાલીખમ દેખાતા બ્રહ્માંડમાં પણ કેટકેટલા રહસ્યો, કેટકેટલી ઇશ્વરી ઈજનેરી છૂપાયેલાં છે. એ બધાનો અભ્યાસ કરીને માનવજાતને બહેતર બનાવી રહેલા આવા વૈજ્ઞાનિકોને પણ આદરથી માથું નમાવી લેજો. visu.vasavada@gmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો