તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવામાં ગોળીબાર:આપણને ઊંધા રવાડે ચડાવતી સેલિબ્રિટીઓ

મન્નુ શેખચલ્લીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હવે તો અમેય કહીશું કે તમે આખો દહાડો દાંત કાઢતા રહો, જીવનમાં હાસ્યલેખો એની મેળે લખાઈ જશે!

મોબાઈલમાં રતન ટાટાને નામે એક મેસેજ ફરે છે. એમાં રતન ટાટા શિખામણ આપે છે કે ‘તમારાં સંતાનોને પૈસા કમાતાં ન શીખવશો, એમને સુખી રહેતાં શીખવજો.’ લો બોલો! આપણને થાય કે જમશેદજી ટાટાએ રતનજીને અને રતનજીએ નવલજીને આવું જ શીખવાડ્યું હશે? પૈસા કમાતાં શીખવાડ્યું જ નહીં હોય? હા, શક્ય છે કે નવલજીએ રતન ટાટાને ખુશ રહેવાની ચાવી ભૂલમાં બતાડી દીધી હશે એટલે જ રતન ટાટાએ જિંદગીભર લગ્ન જ ના કર્યાં! અમને તો ખરેખર નવાઈ લાગે છે કે શું ધીરુભાઈ અંબાણીએ મુકેશભાઈને પૈસા કમાતાં શીખવાડ્યું જ નહીં હોય? ડાયરેક્ટ ખુશ રહેતાં જ શીખવાડી દીધું હશે? અને શું મુકેશભાઈ એમના દીકરાઓ આકાશ અને અનંતને પૈસા કમાતાં શીખવાડતા જ નહીં હોય? કોને ઉલ્લુ બનાવી રહ્યા છો યાર? પહેલી વાત તો એ કે જ્યાં રતન ટાટાને પોતાને જ કોઈ સંતાનો નથી ત્યાં એને શું ખબર પડે કે આજની જનરેશનને કંઈ પણ શીખવાડવું મા-બાપ માટે કેટલું અઘરું છે? અને બીજી વાત એ કે પોતે કમાઈને કરોડોના ઢગલા ઉપર બેઠા છે છતાં જાણે સલાહ તો એવી આપે છે કે પૈસા કમાવામાં કંઈ મોટા લાડવા દાટ્યા જ નથી. આ બધી સેલિબ્રિટીઓ શા માટે આપણને હંમેશાં ઊંધા રવાડે ચડાવે છે? તમે કોઈ પણ ફિલ્મી હિરોઈનનો ઈન્ટરવ્યૂ જોજો. એકેએક ચાંપલી ક્યારેક ને ક્યારેક તો બોલી જ હશે કે ‘બહારની બ્યૂટીનું કોઈ મહત્ત્વ નથી. સાચી સુંદરતા તો ઈનર બ્યૂટીમાં!’ અલી, રોજનાં તું સત્તાવીસ જાતનાં કોસ્મેટિક્સ અને સત્તાણું જાતનાં ફેશનેબલ કપડાં શેના માટે ટ્રાય કરે છે? તારી ‘ઈનર બ્યૂટી’ને ઢાંકવા માટે કે બહાર લાવવા માટે? તારી સલાહ માનીને કોઈ પુરુષ એની કામવાળીની ‘ઈનર બ્યૂટી’ના ચક્કરમાં પડવા જાય તો એની બૈરી ધોકેણું લઈને ભાઈની આઉટર બ્યૂટીનું કચુંબર જ કરી નાખે ને? ક્રિકેટરો પણ કંઈ ઓછા નથી. પોતે વર્લ્ડ રેકોર્ડો બનાવી લીધા પછી કહેશે ‘ક્રિકેટ ઈઝ અ માઈન્ડ ગેમ!’ અરે યાર, એવું જ હોય તો પેલા વિશ્વનાથ આનંદને જ કેપ્ટન બનાવો ને? એ તો ચેસનો વર્લ્ડ ચેમ્પિયન છે! અને ભાઈ, ફિઝિકલ ટેલેન્ટની કોઈ વેલ્યૂ જ નહીં? 140 કિલોમીટરની સ્પીડે હવામાં છ ઈંચનો સ્વિંગ લઈને બોલ બરોબર બેટ્સમેનના પગના પંજા પાસે પડે એ ‘યોર્કર’ની માસ્ટરી કંઈ માઈન્ડથી આવે છે? વાત કરો છો? ભલભલા સફળ લોકો પણ આપણને ઊંધા રવાડે જ ચડાવતા હોય છે. લગભગ દરેક સફળ માણસના મોઢે તમે સાંભળ્યું હશે કે ‘જીવનમાં સફળતા એટલી મહત્ત્વની નથી, પરંતુ તમે જે કંઈ કામ કરો છો તેનો આનંદ લેવો એ જ મહત્ત્વનું છે. સફળતા તો એની મેળે આવે છે.’ લો બોલો! અમારી ગલીના નાકે એક મસ્તમોલા ટાઈપનો ભિખારી છે. એ બેટમજીને મફતની ભીખ માગવામાં જ આનંદ આવે છે. તો શું એને સફળતા એની મેળે મળી જશે? ફક્ત 2020માં જ એવું બન્યું છે કે 10મા અને 12માના સ્ટુડન્ટોએ આખું વરસ મોબાઈલ મચડી ખાવાના આનંદમાં કાઢ્યું અને પાસ એની મેળે થઈ ગયા! આવું દર વરસે ના થાય. શું ક્યારેય એવું બન્યું છે કે બાંગ્લાદેશની ટીમમાંથી સળંગ છ વાર ડ્રોપ થયેલા બિચારા કોઈ મામૂલી ક્રિકેટરે એમ કહ્યું હોય કે સ્પોર્ટ્સમાં હાર-જીતનું કોઈ મહત્ત્વ નથી? શા માટે જીતનારી ટીમ જ આવી ચાંપલાશો ઠોકતી હોય છે? હવે તો અમેય કહેવાના છીએ કે હાસ્યલેખક બનવા માટે કંઈ ફની વિચારો આવવા જરૂરી નથી. બસ, તમે આખો દહાડો દાંત કાઢતા રહો, જીવનમાં હાસ્યલેખો તો એની મેળે જ લખાઈ જશે!⬛ mannu41955@gmail.com

અન્ય સમાચારો પણ છે...