તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
- વિરલ વસાવડા
ભૂત-પ્રેતની ફિલ્મોનો આધાર શું? નહીં પૃથ્વી પર કે નહીંં સ્વર્ગ-નર્કમાં, એવી ત્રિશંકુ અવસ્થામાં તરતી કોઈ વ્યક્તિનો આત્મા બીજાના શરીરમાં ઘૂસી જાય, એના મગજ પર પોતાનો કાબૂ જમાવી લે અને એ ઈચ્છે તેમ પેલી વ્યક્તિ વર્તે. પછી બધા વાંધા-વચકા શરૂ થાય અને ફિલ્મ બે-અઢી કલાકમાં પૂરી થાય. જરા વિચારો કે સાજાસમા માણસના મગજ પર કોઈ પરોપજીવી ‘જીવડું’ સવાર થઇ જાય અને માણસ ‘ઝોમ્બી’ જેવો બનીને અલગ જ રીતે વર્તે તો? ફિલ્મ માટે ભલે આ કોઈ પ્લોટ હોઈ શકે, પણ વાસ્તવમાં પણ આવું શક્ય બની શકે અને એ ખતરનાક પણ નીવડી શકે. સંશોધન તો એવું કહે છે કે બિલાડી પાળી હોય એવા લોકો આ જોખમના ‘લક્કી ડ્રો’ના ખરા ઉમેદવાર છે!
ચૌંક ગયે...? તો વધુ ચોંકવા માટે તૈયાર રહો. ભૂત-પ્રેતને એક બાજુએ મૂકો અને એ કહો કે જગતમાં કોઈ મોટી બિઝનેસ ડીલ થાય અને એ ડીલ કરનાર બીજા કરતાં વધારે નાણા કમાય એમાં પેલા માણસની વ્યાપારબુદ્ધિનો નહીં, પણ કોઈ ‘પેરાસાઈટ’નો હાથ છે, તો? બિઝનેસવર્લ્ડ માણસ નહીં, પેરાસાઈટ ચલાવે છે તો? હસી નાખવા જેવી આ વાતને ફ્રેન્કફર્ટ સ્કૂલ ઓફ ફાયનાન્સ એન્ડ મેનેજમેન્ટના પ્રાધ્યાપક માર્કસ ફિત્ઝાએ ભારે ગંભીરતાથી લીધી અને તેમના તારણો ખરેખર ચોંકાવનારા છે. ટોક્સોપ્લાઝ્મા ગોંડી, ઉંદરના શરીરમાં વસતું આ પરોપજીવી (પેરાસાઈટ) સ્વભાવે તોફાની બાળક જેવું છે. ‘પી ગયા ચૂહા, સારી વ્હિસ્કી, કડક કે બોલા, કહાં હૈ બિલ્લી...’ એવું કામ ઉંદર પાસે જો કોઈ કરાવતું હોય તો તે આ ગાંડું ગોંડી જ છે! મોટા ભાગના સસ્તન જીવોના શરીરમાં ઘૂસીને જીવી શકતું આ પેરાસાઈટ બિલાડીને તેનું ‘પિયર’ માને છે કેમ કે બિલાડીના આંતરડા એમનો હનિમૂન સ્યૂટ છે! ઉંદર મારફતે બિલાડીના આંતરડામાં પહોંચેલા ટોક્સોપ્લાઝ્મા ગોંડીને રિ-પ્રોડ્યુસ કરવા માટે લિનોલેઈક એસિડ જોઈએ, જે બિલાડીના આંતરડામાં હોય છે. એમના પ્રજનન જગતની કદાચ આ એકમાત્ર જગ્યા છે...!
ટોક્સોપ્લાઝ્મા ગોંડીની એક ખાસિયત એ છે કે ઉંદરને એ બિલાડીની હગારની ગંધ તરફ આકર્ષિત કરે છે. મતલબ કે એ ઉંદરના મગજમાં એવું કંઇક કરે છે જેને લીધે ઉંદર બિલાડીની બીક રાખ્યા વગર છાતી કાઢીને બહાર નીકળે છે અને બિલાડીની સામે શિકાર તરીકે પહોંચી જાય છે. ખરો ખેલ જ હવે શરૂ થાય છે. ઉંંદર પચાવીને બેઠેલી બિલાડીને પાળતા લોકો તેની હગારને સાફ કરતી વખતે આ પેરાસાઈટના સંપર્કમાં આવે છે અને બિલાડી મારફતે આ જીવ તેમના શરીરમાં પ્રવેશી જાય છે. અભ્યાસ તો એવું કહે છે કે જેમના ટેસ્ટ પોઝિટિવ આવ્યાં છે એમના દિમાગમાં કંઇક એવું થાય છે કે તેઓ કોઈ પણ જાતનું જોખમ ઉઠાવવા તૈયાર થઇ જાય છે. ચાહે નોકરીને લાત મારીને ધંધો શરૂ કરવાનું જોખમ હોય કે બીજું કોઈ. ‘બ્રેઈન મેનિપ્યુલેશન’ એનો મુખ્ય ધંધો છે. માનવામાં આવે છે કે વિશ્વની ત્રીજા ભાગની વસ્તી ટોક્સોપ્લાઝ્મા ગોંડીનો શિકાર બની ચૂકી છે. કાચા માંસ કે પાણીથી ધોયા વગરના શાકભાજીનો ઉપયોગ પણ ટોક્સોપ્લાઝ્મોસિસને નોતરું આપી શકે. આનો ચેપ લાગે ત્યારે ફ્લુ જેવો ઝીણો તાવ આવે, પણ ઘણી વખત તો ખબર પણ નથી પડતી.
માર્કસ તો ત્યાં સુધી કહે છે કે જે રીતે ચેપગ્રસ્ત ઉંદર સાહસિક બની જાય છે, એ જ રીતે માણસ પણ જોખમ ઉઠાવતો થઇ જાય છે. ‘એક ઘા ને બે કટકા’ જેવી બિઝનેસ ડીલ કરીને મબલખ કમાણી કરતી વ્યક્તિ ‘ટોક્સોપ્લાઝ્મોસિક’ હોવાની શક્યતા પ્રમાણમાં વધુ છે. એમને ડર નથી લાગતો હોતો. તેજ ગતિએ કાર ચલાવીને અકસ્માતનો ભોગ બનેલી અનેક વ્યક્તિ આ પરોપજીવીના પાપે સાહસિક બની હતી, એવું તો અભ્યાસ પણ કહે છે! કેમ કે માણસના મગજ સુધી પહોંચી ગયેલો આ જીવ પોતાની ચિરકાળ છાપ છોડી જાય છે. મગજમાં ડોપામાઈનનું પ્રમાણ વધતું જાય અને માણસ ઉત્તેજિત બનીને ‘ત્રાડ’ પાડતો થઇ જાય. બિલાડીપ્રેમીઓના રોષથી બચવું હોય એમ માર્કસ અંતે એવું ડીસ્ક્લેઇમર લટકાવે છે કે આવું બધું થાય છે એમ અમારો અભ્યાસ કહે છે, પણ આવું શા માટે થાય છે એ બાબતે અમે હજુ શત પ્રતિશત સ્પષ્ટ નથી...! visu.vasavada@gmail.com
પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.