તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાયન્સ અફેર્સ:વૃક્ષો પર્યાવરણને નહીં બચાવી શકે?

નિમિતા શેઠ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંશોધનો સ્પષ્ટ નિર્દેશ કરે છે કે માત્ર વૃક્ષો ઉગાડીને ગ્લોબલ વોર્મિંગ અટકાવી ન શકાય

દર વર્ષની જેમ યુનાઇટેડ નેશન્સ (UN) દ્વારા 5 જૂને ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિત્તે ઉજવણી કરવામાં આવી. આ વખતે યજમાન પાકિસ્તાન હતું અને વિષય હતો : ‘Ecosystem Restoration’, એટલે કે પર્યાવરણનાં એકમોનું પુનર્વસન. આ કાર્યક્રમની આપણે ત્યાં ખાસ નોંધ નથી લેવાઈ. નોંધવા જેવું એ છે કે, પહેલાં આપણે ‘પર્યાવરણની જાળવણી’ વિશે વાત કરતાં હતાં, હવે ‘પર્યાવરણનાં પુનર્વસન’ વિશે વાત કરવી પડે છે. ‘Ecosystem Restoration’ માટે UN દ્વારા એક દાયકાનો (2021-2030) કાર્યક્રમ ઘડવામાં આવ્યો છે. પાકિસ્તાને પહેલ કરીને દેશમાં 1000 કરોડ (એટલે 10 અબજ) વૃક્ષ ઉગાડવાનું વચન આપ્યું છે, જે અંતર્ગત 10 લાખ હેક્ટર જમીનનું વનીકરણ કરવામાં આવશે. આપણને લાગે કે, જ્યાં આટલાં બધાં વૃક્ષો ઉગાડવામાં આવશે એ દેશના પર્યાવરણમાં ઘણો સુધારો આવી જશે, પણ એ આપણો ભ્રમ છે. તાજેતરનાં ઘણાં સંશોધનો સ્પષ્ટ નિર્દેશ કરે છે કે માત્ર વૃક્ષો ઉગાડીને ગ્લોબલ વોર્મિંગને અટકાવી ન શકાય. આપણે એ હદે પેટ્રોલિયમ પેદાશો, કોલસો અને કુદરતી ગેસ વાપરી રહ્યાં છીએ કે કુલ મળીને ચાર પૃથ્વી જેટલાં વૃક્ષો ઉછેરીએ તો પણ ઓછાં પડે તેમ છે. વૃક્ષો ઉગાડીને બચવાનો ઉપાય આપણે વર્ષો પહેલાં ચૂકી ગયાં છીએ. આગળ જતાં આપણે CO2 ઉત્સર્જન ઘટાડવાનો સમય પણ ચૂકી જઈશું તો પછી વાતાવરણમાંથી CO2 વગેરે ગ્રીનહાઉસ વાયુઓને કાઢી શકે એવી ટેક્નોલોજી વિકસાવવી પડશે. એ પણ નહીં કરીએ તો અનુકૂલનના ભરોસે હોઈશું અથવા અસ્તિત્વ ગુમાવીશું. જો આજથી આપણે આખી પૃથ્વી પર ક્યાંય એક પણ વૃક્ષ ન કપાવા દઈએ તો પણ CO2ના વાર્ષિક ઉત્સર્જનમાં 10% ઘટાડો જ થાય. ટૂંકમાં, જંગલોના કપાવાના કારણે જે CO2 વાતાવરણમાં ઉમેરાય છે, તે માત્ર 10% છે. બાકીના 90% આપણી ઔદ્યોગિક પ્રવૃત્તિઓ, વાહન વ્યવહાર, જીવનશૈલી વગેરે દ્વારા ઉમેરાય છે. એ 90%માં આપણે કોઈ ફેરફાર કરતા નથી. પછી વૃક્ષો ઉગાડવાની ઠાલી વાતો કરવાથી ફરક ના જ પડે. અત્યારે પેટ્રોલિયમ પેદાશોનો ન્યૂનતમ ઉપયોગ, સૌર ઊર્જા અને પવન ઊર્જાથી ચાલતાં સાધનોનો વપરાશ, વસ્તી નિયંત્રણ, માંસાહારમાં કાપ વગેરે ઉપાયો વૃક્ષારોપણ કરતાં વધુ અગત્યના છે. પૃથ્વી પર કુલ વૃક્ષની સંખ્યા આશરે 3040 અબજ જેટલી છે, માનવવસ્તી 7.5 અબજથી વધુ છે. વ્યક્તિદીઠ આશરે 400 વૃક્ષ છે. જે ઓછાં કહેવાય, કારણ કે વૃક્ષની ઘનતા જંગલોમાં ઘણી વધુ છે અને માનવની ભીડ શહેરોમાં વધુ છે. માનવ સભ્યતા અસ્તિત્વમાં આવી ત્યારે જેટલાં વૃક્ષ હતાં, તેના કરતાં અત્યારે અડધાં (50%) છે. વૃક્ષોની સંખ્યા જાળવી રાખવી જરૂરી છે, પણ વાતાવરણમાં ગ્રીનહાઉસ વાયુઓને શીઘ્ર નિયંત્રણ કરવા પડે એમ છે.⬛ nimitasheth21@gmail.com

અન્ય સમાચારો પણ છે...