બુધવારની બપોરે:રસોઈયો મળતો નથી

અશોક દવેએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ફિલ્મ ‘મધર ઈન્ડિયા’માં નરગીસ એના (ફિલ્મ પૂરતા) પુત્ર સુનિલ દત્તને શોધવા ‘નગરી નગરી દ્વારે દ્વારે…’ ભટકતી રહે છે, એમ હકીય પૂરા નારણપુરામાં રસોઈયો શોધવા ફ્લેટે-ફ્લેટે ભટકી ચૂકી છે. ‘મધર ઈન્ડિયા’માં નરગીસ જે પુત્રને શોધવા નીકળે છે, એ સુનિલ દત્ત પણ દેખાવમાં કોઈ ધૂળજીથી કમ નહોતો. દેખાવ જ નહીં, વંચર જેવો સ્વભાવ આપણો ધૂળજી હોય કે ફિલ્મવાળા ‘બિરજુ’નો હોય, બંનેનો હોય છે. ઘરમાં જે રીતે હકી ધૂળજી સાથે યાચનાઓ કરતી હોય છે, એ સાંભળીને ઊંચો હું થઈ જતો કે, ‘સાલો, શેઠ હું છું કે આ ધૂળીયો?’ કમનસીબે, વાત હવે ધૂળજીથી આગળ વધીને રસોઈયાઓ સુધી પહોંચી છે. બાય ધ વે, અમદાવાદના સિંધુ ભવન કે શીલજ જેવા વિસ્તારોમાં ‘કૂક’ બોલાય અને બાકીના ગુજરાતમાં ‘રસોઈયો’ કહો તો ચાલે! તોય, ગુજરાતી ફેમિલીઓમાં થોડો ઘણો વિવેક આવ્યો છે અને રસોઈયાને બદલે ‘મહારાજ’ બોલાતંુ થયું છે, જેમનો આપણા ફેમિલીમાં ઠાઠઠસ્સો જયપુર-રિવાના મહારાજાઓથી કમ નથી હોતો! ગોરધનને આદરસન્માન મળે કે ન મળે, મહારાજને આપવું પડે. જ્યારથી ગોરધનો વાઈફોને પોશ હોટલોમાં લઈ જવા માંડ્યા છે, (હવે જોકે, કહાણી ઊલટી ચાલે છે. આ માયાઓ હવે એકલેએકલી ક્લબોમાં ‘પોતાની’ ગાડી લઈને પહોંચી જાય છે, ને ત્યાં બીજી માયાઓ જોડાય છે!) ક્લબોમાં જતી દેસી સખીઓ ‘મહારાજ’ને બદલે ‘શેફ’ બોલતી થઈ છે. ‘અલી, યૂ નો… આજે જ મારો શેફ આયો નથી, બોલ!’ એમને ‘શેફ’ અને ‘કૂક’ વચ્ચેના ભેદની ખબર ન હોય, એ શક્ય છે. શેફ પોતે વાનગીઓ બનાવવા બેસતા નથી. એ તો ફક્ત ‘મેન્યુ’ નક્કી કરે અને જે તે ડિપાર્ટમેન્ટના કૂકને માલસામાન આપે. ‘Clean Hygiene Ethnic Food’નો ‘શેફ’ ટુંકાક્ષરી શબ્દ છે. ગુજરાતીઓ ‘મેનુ’ બોલે છે, તે પણ ખોટો ઉચ્ચાર છે. ‘મેન્યુ’ સાચો ઉચ્ચાર છે. કારણ જે કોઈ હોય, શહેરોમાં કૂક આસાનીથી મળતા નથી ને એમને રાખ્યા પછી એમનેય ‘ભ’ઈ સા’બ-બાપા’ કરવા પડે છે. સાચું પૂછો તો વાઈફોની આળસ, ઠસ્સો બતાવવાનો દંભ કે અણઆવડતને કારણે મ્હોં માંગ્યા પગારથી મહારાજ રાખવા પડે છે. પૈસાપાત્ર બેવકૂફ ગૃહિણીઓ મહારાજને મ્હોં-માંગ્યા પૈસા આપતી રહે છે, એમાં આ લોકો ફાટે છે ને બીજે બધેય એટલો ઊંચો પગાર દાદાગીરીથી માંગે છે… અને આપવોય પડે છે! આમાં એક ફાયદો ગોરધનોને થાય છે કે, મહારાજ ટકે છે, ત્યાં સુધી સારી રસોઈ જમવા મળે છે…! એ લોકોય પોતાની કિંમત સમજી ગયા છે અને પૂરતો પગાર આપવા છતાં આડેધડ રજાઓ પાડવી કે દાદાગીરી કરવી એમને માટે રોજનું થઈ ગયું છે. ક્યારેક રસોઈ ઢંગધડા વગરની બનાવી હોય તો કોઈની હિંમત નથી કે, મહારાજનું ધ્યાન દોરી શકે. જે સ્ત્રીનું શરીર અદોદળું હોય, એને ત્યાં કૂક હોવાનો. આપણા જમાનામાં કિચનના ફ્લોર પર પલાંઠી વાળીને બેસીને સ્ત્રીઓએ શાક સમારવાથી માંડીને રોટલી વણવી પડતી. બબ્બે મિનિટે કંઈક ને કંઈક લેવા ઊભા થઈને કબાટમાંથી મસાલા-ફસાલાના ડબ્બા લેવા પડતા, જેને પરિણામે આટલી બધી ઊઠબેસ કરવાને પરિણામે શરીરો સપ્રમાણ રહેતાં. પેટની કસરત આપોઆપ થઈ જતી, પણ વર્ષોથી સ્ટેન્ડિંગ-કિચનો અને હવે પાછાં ‘મોડ્યુલર-કિચનો’ આવવા માંડ્યાં, એટલે વખત એ આવવાનો કે ડ્રોઈંગરૂમમાંથી કિચનમાં જવા માટે બેનજીને રિક્ષા કરવી પડશે! હવે આલમ એ આવ્યો છે કે, ધૂળજીઓની માફક મહારાજો પણ મળતા નથી. મહિને મહિને એકે એક ધૂળજી શોધવાનો પ્રશ્ન તો ઊભો જ છે, ત્યાં હવે મહારાજો શોધવાની જવાબદારી ગોરધનો ઉપર આવી પડી છે. હું પણ એક સામાન્ય ગોરધન જ છું. મારેય નીકળવું પડ્યું. સવાલ એ છે કે, દેખાવ ઉપરથી ફલાણો માણસ રસોઈયો છે કે નહીં, એની ખબર કેવી રીતે પડે? મારે તો બે-ત્રણ વાર લોચા પડેલા. હું કોઈ શોપિંગ-મૉલમાં હકીની રાહ જોઈને ઊભો હતો, ત્યાં સુંદર અને શિક્ષિત જણાતી યુવતીએ મારી પાસે આવીને પૂછી જોયું, ‘એક્સક્યૂઝ મી… બે ટાઈમ રસોઈ બનાવવાનું શું લો છો?’ એ ભોળીનો વાંકેય નહોતો. કોઈના કપાળ ઉપર કોતરાવેલું હોતું નથી કે, ‘હું રસોઈયો છું’ કે ‘બોપલમાં એક તોતિંગ ઈન્ડસ્ટ્રીનો માલિક છું?’ એમાંય, મને જોઈને તો કોઈ પણ સન્નારી ભૂલ ખાઈ જાય એમ છે. આમ તો મહારાણી આવા ગોર્જિયસ મળતાં હોય તો મને મહારાજ બનવાનો કોઈ વાંધો નહોતો, પણ વિશ્વના તમામ ગોરધનો જે ક્ષણે છવાઈ જવાના હોય છે, તે જ ક્ષણે પાછળથી અવાજ આવે છે, ‘ચલો હવે… ઘેર નથી જવું?’ જીલ્લે ઈલાહી શહેનશાહ અકબર આખો મહેલ ફેંદી વળ્યા તોય સલિમ નહોતો મળ્યો, એમ મને પૂરું નારણપુરા ફરી વ‌ળવા છતાં કોઈ મહારાજ ન મળ્યો. જે એક બે સાથે વાત થઈ, એ મને મળે છે એના કરતાં દોઢો પગાર માંગતો હતો અને મને મળતી નથી એટલી માસિક રજાઓ એને જોઈતી હતી! પગાર નહીં કાપવાનો! ખભે લાલ ઘમછો નાંખીને ઊભેલા રાજસ્થાની મૂછો અને મોટા પેટવાળા એક કાકાને મેં પૂછ્યું, ‘તમે રસોઈવાળા મહારાજ છો?’ જવાબમાં મુછ્છડે કહ્યું, ‘આ સામે દેખાય છે, આ ડાયનિંગ-હૉલનો માલિક છું… નોકરી માટે આયો છે, ભ’ઈ? બધી રસોઈ બનાવતા આવડે છે?’ આજે હું દોસ્તોના ફેમિલીઓને ડિનર પર બોલાવી શકતો નથી… બધાંને મારી બનાવેલી રસોઈ ખૂબ ભાવે છે… એમાં તો સાલી મારી આખી કરિઅર બદલાઈ જાય ને? સુઉં કિયો છો? {ashokdave52@gmail.com

અન્ય સમાચારો પણ છે...