દીવાન-એ-ખાસ:કોરોના હવે વિશ્વને નહી ડરાવી શકે?

વિક્રમ વકીલ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિમાનમાં બેસતાં પહેલાં કે હોટલમાં ચેક-ઇન કરતાં પહેલાં આપણે ટીબીના રોગથી મુક્ત હોવાનું સર્ટિફિકેટ બતાવવું પડતું નથી

‘ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ’ (એઇમ્સ)ના વડા ડો. રણદીપ ગુલેરિયાએ હમણાં એમ કહ્યું કે, કોરોનાની ત્રીજી વેવ આવવાની શક્યતા નથી અને જો ત્રીજી વેવ આવે તો હવે આપણે શરદી-ખાંસીની સાથે જીવવાનું શીખી લીધું છે, એ રીતે કોરોના સાથે પણ જીવવાનું શીખી લેવું પડશે. આ લખનારે આ જ વાત આજથી દોઢ વર્ષ પહેલાં પણ લખી હતી. ડો. ગુલેરિયા નિષ્ણાત હોવાથી એમની વાત સ્વીકારવા જેવી પણ છે. છેલ્લા ચાર મહિનાથી દેશ સહિત વિશ્વ આખામાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. આપણા દેશમાં કેરળ રાજ્ય જ એવું છે કે જ્યાં કોરોના કાબૂમાં આવી શક્યો નથી. એ માટે ત્યાંની સરકાર પણ જવાબદાર છે. ડો. ગુલેરિયાની એક વાત સાથે વિશ્વ આખું સહમત થશે કે બીજા રોગોની જેમ કોરોનાની સાથે પણ આપણે જીવતાં રહેવું પડશે. કોરોનાની બીજી વેવ દરમિયાન ગુજરાતની તત્કાલીન રૂપાણી સરકારે સંપૂર્ણ લોકડાઉન નાખવાનો ઇનકાર કરીને આંશિક લોકડાઉનથી જ કોરોનાને કાબૂમાં લઈ લીધો, એનાં વખાણ થઈ રહ્યાં છે. માની લઈએ કે કોરોનાની ત્રીજી વેવ આવે તો પણ હવે વિશ્વના કોઈ પણ દેશને સંપૂર્ણ લોકડાઉન નાખવાનું પોસાશે નહીં. લોકડાઉનના કેટલાક ફાયદા કરતાં ગેરફાયદા વધુ છે એ પ્રસ્થાપિત થઈ ચૂક્યું છે. લોકડાઉનને કારણે કોઈ પણ દેશની આર્થિક કરોડરજ્જુ તૂટી જાય છે. ઈંગ્લેન્ડમાં હમણાં પેટ્રોલ અને ડીઝલ પંપ પર લાંબીલચક લાઈનો દેખાઈ રહી છે. ઇંગ્લેન્ડવાસીઓ આ માટે લોકડાઉનને જવાબદાર માને છે. ઈંગ્લેન્ડમાં લોકડાઉનને કારણે ત્યાંના ટ્રક અને ટ્રેઇલર ડ્રાઇવરો પોતાનું લાઈસન્સ રિન્યૂ કરાવી શક્યાં નહોતાં. આ કારણે ઘણા નિષ્ણાત ડ્રાઇવરો યુરોપના બીજા દેશોમાં ચાલ્યા ગયા. ઇંગ્લેન્ડમાં રાતોરાત ભારે વાહનો ચલાવનાર ડ્રાઈવરોની ખોટ પડી અને જીવનજરૂરી વસ્તુઓની હેરફેર ખૂબ જ મુશ્કેલ બની ગઈ. છેલ્લા ચાર મહિનાથી કોરોનાનો ડર ઓછો થયો અને સમગ્ર વિશ્વને વિચારવાનો મોકો મળ્યો. જો આજે સર્વે કરવામાં આવે તો ખબર પડે કે બહુમતી પ્રજા આર્થિક તકલીફનો સામનો કરવાને બદલે કોરોનાનો સામનો કરવાનું વધુ પસંદ કરે એમ છે. લોકો સમજી રહ્યાં છે કે કોરોનાના કહેવાતા નિયમોનો અમલ કરવાનું લાંબા સમય સુધી શક્ય નથી. ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને યુરોપના દેશોમાં તો હવે ફરજિયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જેવા કાયદાઓ સામે પણ હજારો લોકો ભેગાં થઈને આંદોલન કરી રહ્યાં છે. અખબારોમાં છપાતા ટીબી જેવા રોગનો ભોગ બનેલાઓનો આંકડો વાચીએ તો કોરોના પીડિત દર્દીઓની સંખ્યા ફિક્કી લાગે. એક જમાનો હતો કે જ્યારે ટીબીના રોગનો ભોગ બનેલી વ્યક્તિનું મોત પાકું જ ગણાતું. જે આર્થિક રીતે સમૃદ્ધ હોય તે હવાફેર માટે હિલ સ્ટેશનો પર જતાં. જોકે, એનાથી પણ એમની તકલીફો ઓછી થતી નહીં અને ટીબીના રોગનો ભોગ બનેલો દર્દી લોહીના ગળફા થૂંકતો મોતને ભેટતો હતો. હવે એ જ ટીબી, શરદી-ખાંસીની જેમ આસાનીથી મટતો રોગ બની ગયો છે. વિમાનમાં બેસતાં પહેલાં કે હોટલમાં ચેક-ઇન કરતાં પહેલાં આપણે ટીબીના રોગથી મુક્ત હોવાનું કોઈ સર્ટિફિકેટ બતાવવું પડતું નથી. આજથી લગભગ 32 વર્ષ પહેલાં એઇડ્સના રોગ બાબતે પણ દુનિયા આખીમાં ડર ફેલાયો હતો. હજી સુધી એઇડ્સની કોઈ વેક્સિન શોધાઇ નથી. આમ છતાં જાહેર સ્થળોએ કે યાત્રા કરતી વખતે આપણાં શરીરમાં એઇડ્સનાં જંતુ નથી એના પુરાવા આપવા માટે આપણે કોઈ સર્ટિફિકેટ સાથે રાખતા નથી. ભારત જેવા દેશ સહિત વિશ્વ આખામાં માર્ગ અકસ્માતને કારણે દરરોજ હજારો લોકો મરે છે. આ આંકડાઓ જોઈને આપણે હાઇવે પર ટ્રાવેલ કરવાનું બંધ કરી દીધું નથી. ઉલટાનું સરકાર દરરોજ નવા નવા એક્સપ્રેસ હાઇવે બનાવવાની જાહેરાત કરતી જ રહે છે! શું તમે માનો છો કે કોરોના હવે ફરીથી આપણને ડરાવી શકે? ⬛ vikramvakil@rediffmail.com

અન્ય સમાચારો પણ છે...