રિસેપ્શનોમાં આમ લાખ રૂપિયાનો શૂટ પહેર્યો હોય ને નીચે શૂઝ રૂ. 599.99 પૈસાવાળા! અનેક વરરાજાઓને રિસેપ્શનના સ્ટેજ ઉપર મોંઘાદાટ શૂટની નીચે દોરીવાળા સ્પોર્ટ્સ-શૂઝ પહેરેલા જોયા છે. એમાંય, દોઢ કલાકથી સ્ટેજ પર ઊભા ઊભા પગ નીચે ખંજવાળ ઉપડે તો એક બૂટથી બીજા બૂટ ઉપર ખંજવાળી લે! તારી ભલી થાય ચમના, બે મિનિટ મહેમાનોને સ્ટેજના પગથિયે ઊભા રાખીને, વાંકો વળીને, બૂટ ખોલીને થોડું ખંજવાળી લે... એમાં કાંઈ બા ના ખીજાય!
અડધું ભારત તો શૂઝ પહેરતુંય નથી, સિવાય કે મોટી કંપનીમાં નોકરો કરતો હોય! પણ એનાય છૂંછા બહાર લબડતા દેખાતા હોય! ઈન્ડિયનો જેટલાં કપડાં પસંદ કરવામાં તૂટી જાય છે, એટલું ભાન શૂઝ-ચપ્પલ ખરીદવામાં નથી પડતું. અરે, અંબેમાની કૃપાથી બૂટ સારા લેવાઈ પણ ગયા, તો બાબાની ચડ્ડી ઉતરી ગઈ હોય એમ પગ નીચે કધોણીયા મોજાં ઢીલાં થઈને એમ બૂટની કિનારીએ મોજાં લબડતા હોય!
અમે સમજણા થયા (એ તો અમે એવું માની લીધેલું!) ત્યારથી શૂઝ પહેરવાનું ચાલુ કર્યું હતું... ઉપર પણ બધું પહેરવાનું! પણ બૂટની એક જોડી મિનિમમ ત્રણેક વર્ષ ચલાવવાની અને ચાલેય ખરી કારણ કે, બૂટ પહેરીને બહાર નીકળવાના પ્રસંગો જવલ્લે જ આવે. પપ્પાની પર્સનાલિટી અદ્્ભુત હતી કે, એસ.ટી.ના અધિકારી હોવાને કારણે ખાખી યુનિફોર્મની નીચે ચકચકિત શૂઝ પહેરવા પડે, રોજ! પણ અમને તો સ્કૂલમાં વ્યાયામના પીરિયડ સિવાય સફેદ કેન્વાસના બૂટ પણ પહેરવા ન મળતા. એ તો કહેવાય કેન્વાસના, બાકી એક વાર પહેરો એટલે અન્ડરવેર કાપીને બનાવ્યા હોય એવું લાગે!
બૂટ-ચપ્પલ બનાવતી કંપનીઓય હવે હોશિયાર થઈ ગઈ છે. એક જમાનામાં હું ગાંધી-પટ્ટીની ચપ્પલ પહેરતો. એકાદ વર્ષ સુધી તો એની સામેય જોવું ન પડે એટલી ટકે, એની વાત થાય છે : સ્પષ્ટતા પૂરી) એ જમાનામાં શૂઝ પહેરવાનુંય કોઈ કારણ મળતું નહોતું, એટલે વર્ષમાં એકાદ પ્રસંગ તો માંડ આવે! છતાંય ખાદી હાટની ગાંધી-ચપ્પલો લાંબુ ચાલતી. ગાંધી રોડના ખાદી ગ્રામોદ્યોગ મંદિરમાં રૂ.12/-ની એ ચપ્પલ આવતી... અમને મોંઘી પડતી, એટલે કોકના લગન-બગનમાં જવાનું હોય તો જ કાઢવાની, નહીં તો બે પટ્ટીની સ્લીપરો ક્યાં નથી?
ચપ્પલની પર્સનાલિટી ‘મલ્ટિપલ’ છે. પહેરવાના તો ઠીક, એ ખાવાના, મારવાના, સુંઘાડવાના, વરસાદ વખતે એક હાથમાં બંને ચપ્પલો પકડવાના કે ફેંકવાના કામમાંય આવે છે. બૂટ હજી એ લેવલે પહોંચ્યા નથી. એક જમાનામાં રોમિયોને ભગાડવા યુવતીઓ ચપ્પલ ‘ખાવું’ છે? એવું પ્રશ્નપત્ર કાઢતી. કોઈ મર્દનો બચ્ચો ગમે તેટલો દાનેશ્વરી હોય, એ પોતાનું બૂટ કોઈને ખવડાવતો નથી. આ જ ચપ્પલ કોઈ બેભાનને સુંઘાડીને ભાનમાં લાવવાના કામમાં પણ આવતું! નેતાઓ ઉપર હવે કોઈ ચપ્પલ ફેંકતું નથી કારણ કે, મિનિમમ હજાર રૂપિયાના ચપ્પલમાંથી બે સાથે ફેંકાય નહીં ને બાકી રહેલું એક ચપ્પલ પહેરવાના કામમાં આવે નહીં. હવે તો કોઈ વિધાનસભાઓમાં પણ નેતાઓ ચપ્પલબાજી કરતા નથી કારણ કે સરકાર ફેંકેલા ચપ્પલનો ખર્ચો મજરે આપતી નથી. આ જ કારણે, આપણા દેશમાં આટલાં વર્ષોથી લોકસભા-વિધાનસભાઓ ચાલે છે, પણ એકેય મર્દ ધારાસભ્ય કે સંસદસભ્ય સામેવાળાઓ માટે બૂટ ફેંકતો જોવા મળ્યો નથી. કોઈ બેભાન થઈ ગયું હોય તો એના નાક પાસે જૂતું મૂકીને સુંઘાડવામાં આવે છે, પણ કોઈ સાફ કરીને સુંઘાડતું ન હોવાથી આજુબાજુવાળા, ‘આને જૂતું સુંઘાડો...’ એટલું બોલે, એમાં તો ભલભલો બેભાન કાચી સેકન્ડમાં વગર જૂતું સુંઘાડે ઊભો થઈ જાય છે. સાયન્સે શોધી કાઢ્યું છે કે, આમાં પૂરો વાંક ટોળાનો હોય છે કે, એવું બોલવાનું જ ન હોય કે, ‘આને જૂતું સુંઘાડો.’ બેભાનસ્થ પણ જાણતો હોય કે, ‘આપણાવાળા ગમે ત્યાં પગ મૂકીને ચાલે છે, એ જૂતું મારે સુંઘવાનું?’ બોલ્યા વગર સુંઘાડી જ દેવાનું!
સેન્ડલને બૂટ અને ચપ્પલની નાજાઈઝ ઔલાદ કહેવામાં આવે છે, કારણ કે એ નથી બૂટ કે નથી ચપ્પલ! હોંશમાં ને હોંશમાં લોકો સેન્ડલ ખરીદી તો લે છે પણ બે-ચાર વાર પહેરી લીધા પછી, પાછળ વાંકા વળીને સેન્ડલની પટ્ટી ચઢાવવાનો ભ’ઈ સા’બ... ભારે કંટાળો આવી જાય છે, એટલે સેન્ડલ-વિશ્વમાં આજે પણ લાલમલાલ ક્રોધ છે કે, અમને ચપ્પલ જ બનાવવા હતા તો પાછળ પટ્ટી શું કામ લટકાડી?
સ્લીપર ગરીબો રોડ ઉપર પહેરે છે ને પૈસાવાળા ઘરમાં પહેરે છે. ધોમધખતા ઉનાળામાં લારીવાળાઓ સ્લીપરને બદલે કંતાનના ટુકડાથી સ્લીપર બનાવીને પગ દાઝતા બચાવે છે... અને રૂ. 50 હજારના શૂઝ કરતાં લારીવાળાની આ સ્લીપર સાચા અર્થમાં ગરીબોને દાઝતા બચાવે છે. યુવતીઓને સ્લીપર માફક આવતી નથી, કારણ કે એ કોઈને ફટકારવાના કામમાં આવતી નથી અને મેં તો હજી સુધી સ્લીપર પહેરેલી એકેય યુવતીને જોઈ નથી. ‘યે ઉનકી શાન કે ખિલાફ હૈ...!’
જૂતાં જાપાની હોય ને દિલ હિન્દુસ્તાની ભલે રહ્યું... ઈશ્વર મંદિર બહાર એને બે ઘડી સાચવે, તો જે શી ક્રસ્ણ!
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.