તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમયના હસ્તાક્ષર:કોરોના કાળની વચ્ચે રાજભવન પણ સેવાભવન બની શકે?

9 દિવસ પહેલાલેખક: વિષ્ણુ પંડ્યા
 • કૉપી લિંક
 • જુદાં-જુદાં આયોજન માટે રાજભવન અને સ્વયં રાજ્યપાલ સક્રિય છે તે વિગતો એમની સાથેની બેઠકમાં જાણવા મળી

પ્રશ્નાર્થ એટલા માટે કે રાજભવનનું મૂળ કાર્ય તો બંધારણીય મર્યાદા જાળવવાનું છે. રાજ્યપાલ કેન્દ્ર વતી, કહો કે રાષ્ટ્રપતિ વતી, પ્રદેશ સરકારનું ધ્યાન રાખે છે. વિધાનસભાના કાનૂનો અને નિયમો જુએ છે, જરૂર પડ્યે તેમાં સુધારા સૂચવે છે. તે બંધારણીય રીતે રાજ્યના વડા છે. કોઈક વાર તે ધારા 356નો ઉપયોગ અને દુરુપયોગ પણ કરે ત્યારે વિવાદ સર્જાય છે. 1967થી 1988 સુધીમાં આવો 76 વખત ઉપયોગ થયો હતો એટલે રાજકીય વિચારક મીનુ મસાણીએ જયપુરમાં બે દિવસનો પરિસંવાદ કર્યો અને સરકારિયા પંચ અને કેન્દ્ર-રાજ્ય સંબંધોનું તીખું વિશ્લેષણ થયું. એક રસપ્રદ ઘટના નોંધવા જેવી છે કે 1952માં રાજ્યપાલ શ્રી પ્રકાશે મદ્રાસમાં સી. રાજગોપાલચારી (રાજાજી)ને મુખ્યપ્રધાન તરીકે જાહેર કર્યા. રાજાજી વિપક્ષી નેતા હતા. એટલે પછીના રાજ્યપાલ ડો. ધર્મવીરે એ પ્રધાનમંડળને રદબાતલ કરી નાખ્યું! આજે આપણે તે રાજકીય બંધારણીય પ્રશ્નો વિશે નહીં, પણ વર્તમાન પરિસ્થિતિમાં કોરોના સામે રાજભવન કેવું અને કેટલું સક્રિય રહી શકે તેની ચર્ચા કરવી છે. ચર્ચા માટેનું સરસ નિમિત્ત ગુજરાતે પૂરું પાડ્યું છે. આચાર્ય દેવવ્રત મૂળભૂત રીતે સેવાવ્રતી શિક્ષક છે. ‘આચાર્ય’ પદ યથોચિત છે. હમણાં તેમણે સમાજના જુદા-જુદા વર્ગો સાથે વિચારવિમર્શ શરૂ કર્યો છે કે કોરોના મહામારીનો કઈ રીતે સામનો થઈ શકે? સાધુ-સંતોને બોલાવ્યા. યુનિવર્સિટીઓના કુલપતિ અને કોલેજોના આચાર્યો સાથે બેઠક કરી. વિવિધ ક્ષેત્રોના આગેવાનો સાથે વાર્તાલાપ કર્યો. રાજભવનથી કોરોના વોરિયર્સ માટે કિટ્સનું વિતરણ શરૂ થયું. યુવકોને ગામડાં સુધી પહોંચવાની યોજના શરૂ કરી. ઉદ્યોગપતિઓ સાથે વાતચીત થઈ. વધુ ઓક્સિજન, સુવિધા ધરાવતી હોસ્પિટલ્સ, અગવડ વિનાની સારવાર આવાં જુદાં-જુદાં આયોજન માટે રાજભવન અને સ્વયં રાજ્યપાલ સક્રિય છે તે વિગતો એમની સાથેની બેઠકમાં જાણવા મળી, ત્યારે નાગરિક તરીકે મને લાગ્યું કે રાજભવન પણ સેવાભવનમાં બદલાય એ કેવી મોટી ઘટના છે! છેવટે તો બંધારણ, કાનૂન, સંસદ, ન્યાયતંત્ર, વ્યાપાર, શિક્ષણનો અંતિમ તો નાગરિક જ હોય ને? આજે તે ડરના માહોલમાં જીવી રહ્યો છે. હોસ્પિટલો ઊભરાઇ રહી છે. સ્મશાનો અને અખબારોમાં કે ફોન પર કેવળ મૃત્યુનું જ અસ્તિત્વ ભાસે છે. આનો ગેરલાભ લેવા એક વર્ગ બધી હદ પાર કરી ગયો તે આપણી કમનસીબી. આપત્તિ સમયે દૃઢતા અને સજ્જતાથી સામનો કરવો જોઈએ તેને બદલે કેટલાંક તત્ત્વો અરાજકતા પેદા થાય તેમાં સક્રિય છે. ભાંગી પડેલો નાગરિક તેનો ભોગ બને છે. આર્થિક, સામાજિક, માનસિક પરિસ્થિતિનો નકશો બદલાઈ ગયો ત્યારે ઉપદેશ, વિશ્લેષણના નામે નિરર્થક વિગતો, આક્ષેપો, સોશિયલ મીડિયા પર કેટલાક ચોક્કસ ઈરાદા સાથે તૂટી પડેલાં ટોળાં અને કલંકિત કાળાબજારના કિસ્સાઓ… આ આપણી એવી માનસિકતા છે કે તેના વિશે નિદાનનો વિચાર જ થયો નથી. વ્યવસ્થા અને વ્યક્તિ બંનેનું ગુણાત્મક સંવર્ધન થવું જોઈએ, તે ભુલાઈ જાય ત્યારે આપત્તિ કેવી ખતરનાક બને તે ભોગવી રહ્યાં છીએ. એટલે જ આનો ઉપાય છિદ્રો અને બાકોરાં, ખાડા અને અવરોધો દૂર કરવા પ્રયાસ અને પુરુષાર્થનો છે. સરકાર, પ્રશાસન, ઉદ્યોગો, હોસ્પિટલો, શિક્ષણ સંસ્થાઓ, સ્વૈચ્છિક સંગઠનો, ડોક્ટરો, આરોગ્યકર્મીઓ સમજી ગયાં છે કે ભીષણ આપત્તિને સમાપ્ત કરવી એ જ ઉપાય છે. રાજભવન આમાં સક્રિય થાય એ ગુજરાતના સાર્વજનિક જીવનને અભિનંદન આપવા જેવી નિર્ણાયક ઘટના છે. આમેય ગુજરાત ઉત્તમ રાજ્યપાલો માટે જાણીતું છે. મોટા ભાગના રાજ્યપાલ કોઈ ને કોઈ રીતે સક્રિય રહ્યા છે ને ગુજરાતની પ્રજાને તેનો સંતોષ છે. ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારે મહેંદીનવાઝ જંગે પ્રથમ પ્રધાનમંડળને રવિશંકર મહારાજની સાથે સાબરમતી આશ્રમમાં શપથ લેવડાવ્યા હતા. શ્રીમન્નનારાયણની અટક અગરવાલ હતી, પણ તેનો ઉપયોગ કરતા નહીં. તેમનાં પત્ની મદાલસાએ 18 વર્ષના નવા મતદારોનંુ અભિવાદન કરતો કાર્યક્રમ કર્યો હતો. ડો. સ્વરૂપ સિંહ (1990થી 1995) અધ્યાપક સાહિત્યકાર હતા. એક વાર વિપક્ષ નેતા અટલબિહારી વાજપેયી અમદાવાદ આવ્યા, તો તેમણે રાજ્યપાલને મળવાની વ્યવસ્થા કરવા સૂચવ્યું. મેં કારણ પૂછ્યું તો કહે, ‘અરે, બડે સાહિત્યકાર હૈ સ્વરૂપ સિંહ.’ ગુજરાતને શ્રેષ્ઠ પ્રશાસનિક રાજ્યપાલ મળ્યા હતા, બી.કે. નેહરુ. મુંબઈના એક પરિસંવાદમાં મેં સૂચવ્યું કે આપે સંસ્મરણ કથા લખવી જોઈએ, ત્યારે મંચ પર બેઠેલા બાબુભાઇ પટેલ અને સ્વયં નેહરુ મુસ્કરાયા. કે.કે. વિશ્વનાથન કટોકટી સમયના રાજ્યપાલ. નવનિર્માણ આંદોલન, રાષ્ટ્રપતિ શાસન, વિધાનસભા ચૂંટણીમાં પહેલી વાર કોંગ્રેસની હાર અને જનતા મોરચાનો વિજય, કટોકટી અને સેન્સરશિપ અને મીસા હેઠળ રાજકીય ધરપકડો, સોલંકી સરકાર, પછી દેશવ્યાપી ચૂંટણી… આ ઉતારચડાવ તેમના નસીબે રહ્યા. ભાવનગર જેલમાં મને ખબર મળ્યા કે મારા પુસ્તકને સરકારી ઈનામ મળ્યું છે, ત્યારે રાજયપાલને પત્ર લખીને પાછું વાળ્યું. હાલના રાજ્યપાલના પૂર્વ ઓમપ્રકાશ કોહલીએ રાજભવનને સંવાદ ભવન બનાવ્યું હતું, હવે તે સેવાભવન છે! { vpandya149@gmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો