સમસ્યા : છેલ્લાં દસ વર્ષથી મને હસ્તમૈથુનની આદત છે. તેને કારણે મને જલદી સ્ખલન થઇ જાય છે. આ ઉપરાંત આ કારણસર શિશ્ન આડું થઇ ગયું છે. હવે મને બીક છે કે જ્યારે સંભોગ કરવાનો વારો આવશે ત્યારે આડા શિશ્નને લીધે મને તકલીફ પડશે અને પત્નીને આનંદ નહીં આપી શકું. મહેરબાની કરીને આનો ઉપાય અને દવા સૂચવવા વિનંતી છે. જો દવાથી ફાયદો ન થાય તો ઓપરેશનથી થાય એમ હોય તો તેનો ખર્ચ કેટલો આવશે તે પણ જણાવશો? મારો બીજો પ્રશ્ન પણ છે. કોઇ એઇડ્સગ્રસ્ત સ્ત્રીને આપણે હોઠથી હોઠ મિલાવીને ચુંબન કરીએ તથા મુખમૈથુન કરીએ તો એઇડ્સ થઇ શકે? ઉકેલ : હસ્તમૈથુન એક આદત છે. કોઇ બીમારી નથી. મોટાભાગના પુરુષોએ અને ઘણીબધી સ્ત્રીઓએ તેમનાં જીવનમાં ક્યારેક ને ક્યારેક તો હસ્તમૈથુનનો આનંદ માણેલો જ હોય છે. જો હસ્તમૈથુનથી શારીરિક તકલીફ થતી હોય તો ભારત દેશની વસ્તી એકસો પાંત્રીસ કરોડની થઇ જ ન હોત. યાદ રાખો, વપરાશથી વૃદ્ધિ થાય છે અને બિનવપરાશથી શિથિલતા આવે છે. શીઘ્રસ્ખલનની સારવાર ઘણીવાર અહીં ચર્ચી ચૂકેલ છે. નવી આધુનિક દવાઓથી મોટાભાગના પુરુષોને શીઘ્રસ્ખલનની તકલીફમાં સાતથી દસ દિવસમાં સુધારો જોવા મળે છે અને ઈચ્છે એટલો સમય સ્ખલન રોકી શકે છે. તેના માટે જૂના લેખો વાંચવા વિનંતી. દરેક પુરુષની ઇન્દ્રિય થોડી જમણી કે ડાબી બાજુ, થોડી ઉપર કે નીચે તરફ વળાંક ધરાવતી જ હોય છે. કેળાના આકાર જેટલો વળાંક સામાન્ય બાબત છે. એમાં ચિંતાનો વિષય નથી. જો મારી પાસે દરવાજાની ચાવી નહીં હોય તો હું બારીમાંથી દાખલ થઇશ. મારો મતલબ રૂમમાં પ્રવેશ કરવાનો છે. પછી બારણા કે બારીમાંથી પ્રવેશ કરવાથી કોઇ ફરક પડે? તે જ રીતે ઇન્દ્રિયનો વળાંક ડાબી તરફ હોય કે જમણી તરફ પ્રવેશ તો સીધો જ થશે. આનાથી તમને કે તમારા સાથીને જાતીય સંબંધમાં કોઇ જ તકલીફ નહીં પડે. આના માટે દવા કે ઓપરેશનની કોઇ જ જરૂર નથી. હા, પરંતુ લગ્નેતર સંબંધ રાખશો તો એઇડ્સ થવાની શક્યતા પૂરેપૂરી છે. શરીરનાં દરેક પ્રવાહી જેવાં કે લોહી, આંસુ, લાળ, દૂધ વગેરેમાં એઇડ્સના વાઈરસ મળેલ છે. તેથી ચેતતો નર સદા સુખીવાળી કહેવત યાદ રાખવી જોઇએ. સમસ્યા : મારી ઉંમર ત્રેવીસ વર્ષ છે અને પત્નીની ઉંમર એકવીસ વર્ષની છે. મારા લગ્ન થયાને હજી બે મહિના થયા નથી. અમારે બે વર્ષ સુધી બાળક જોઇતું નથી. આપની કોલમમાં વાંચ્યું છે કે 18 દિવસ પછી સેક્સ કરવાથી ગર્ભ રહેતો નથી. અમે માસિકના 12મા દિવસે સેક્સ માણેલું. મને લાગે છે કે પત્નીને ગર્ભ રહી ગયો છે. તેને પેટમાં દુ:ખાવો થાય છે. જો ગર્ભ રહી ગયો હોય તો તેને મટાડવા શું કરવાનું? ડોક્ટર પાસે ગયા વગર જ ગર્ભ પડી જાય તેવી દવા જણાવશો? ઉકેલ : સૌ પ્રથમ તો આપ માસિકની તારીખ સુધી રાહ જુઓ. જો સાતેક દિવસ ઉપર ચડી ગયા હોય તો પેશાબની તપાસ કરાવો. તેમાં પ્રેગ્નન્સી ટેસ્ટ પોઝિટિવ આવે તો સ્ત્રીરોગ નિષ્ણાત ડોક્ટર પાસે ચેકઅપ કરાવો. હા, હવે એવી દવાઓ ઉપલબ્ધ છે કે જેનાથી શરૂઆતના દિવસનો ગર્ભ દૂર કરી શકાય છે, પરંતુ આ બધી દવા સ્ત્રીરોગ નિષ્ણાતની દેખરેખ નીચે જ લેવી પડે. જો આપ ગર્ભ ના રહે તેમ જ ઇચ્છતા હો તો નિરોધનો ઉપયોગ કરી શકો. નિરોધ માફક ન આવે તો ગર્ભનિરોધક ગોળી આપની પત્ની લઇ શકે છે. આ ગોળી નિયમિત લેવાથી અસરકારક નીવડે છે. તેની પહેલા જેવી આડઅસર જોવા નથી મળતી. આ બંને માફક ના આવે તો ત્રીજો રસ્તો પણ છે. તેમાં સંભોગ પૂર્વે સ્ત્રીના યોનિમાર્ગમાં મૂકવાની દવા. મેં ક્યારેય એમ નથી લખ્યું કે માસિકના અઢારમા દિવસ પછી સંબંધ રાખવાથી બાળક નથી રહેતું. મેં લખ્યું છે કે આ દિવસો રિલેટિવલી ગર્ભ ના રહે તેવા દિવસો છે. માસિકના બારમા દિવસથી સોળમા દિવસમાં જાતીય સંબંધ રાખવાથી બાળક રહેવાની શક્યતાઓ મહિનાના બીજા દિવસો કરતાં વધારે રહેલી હોય છે.⬛dr9157504000@shospital.org
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.