જાણવું જરૂરી છે:હું પિતા બની શકીશ કે નહીં?

ડૉ. પારસ શાહ15 દિવસ પહેલા
  • કૉપી લિંક

સમસ્યા : મારુું વીર્ય એકદમ પાતળું અને પાણી જેવું આવે છે. તો હું પિતા બનવા સક્ષમ ગણાઉં કે નહીં? મારા લગ્નને એક વર્ષ થયું છે, પણ બાળક રહેતું નથી. કયા સમયે સેક્સ માણવાથી બાળક રહે તેનો ચોક્કસ સમયગાળો જણાવશો? ઉકેલ : એકવારના સ્ખલનમાં 69% સેમાઇકલ વેસિકલ, 30% પ્રોસ્ટેટ ગ્રંથિનો સ્ત્રાવ અને માત્ર એક ટકો વીર્ય હોય છે. આ એક ટકા વીર્યની અંદર લાખો અને કરોડો શુક્રાણુઓ હોય છે, જે નરી આંખે દેખાતા નથી. આ શુક્રાણુ યોનિમાર્ગની દીવાલ સાથે ચોટીં જાય છે અને ધીરે ધીરે ગતિ કરતા ગર્ભાશયમાં પહોંચી જાય છે. જો આ વખતે સ્ત્રીના અંડાશયમાંથી સ્ત્રી બીજ ત્યાં આવેલ હોય અને આ બંનેનું મિલન થાય તો ગર્ભ રહેતો હોય છે. આના માટે વીર્ય પાતળું, ઘાટું, સફેદ કે પીળું હોવાથી કોઇ જ ફરક પડતો નથી. સામાન્ય રીતે વીર્યનો રંગ અને જથ્થો સંભોગની સંખ્યા ઉપર આધાર રાખતો હોય છે. તમે આજે સંભોગ કરશો અને આવતીકાલે ફરી કરશો તો તેનો જથ્થો ઓછો હશે, ચીકાશ પહેલાં કરતાં ઓછી હશે અને એના કલરમાં પણ ફરક હશે. પરંતુ અઠવાડિયા પછી કરશો તેનો જથ્થો વધારે હશે, રંગ પણ અલગ હશે અને ચીકાશ પણ અલગ જોવા મળશે. ગર્ભ રહેવા માટે પુરુષના શુક્રાણુની સંખ્યા, તેની હલન-ચલન શક્તિ અગત્યની છે. સ્ત્રી બીજ માસિકના બારમાથી અઢારમા દિવસની વચ્ચે અલગ પડતું હોય છે. આ દિવસોમાં તમારે નિયમિત સંબંધ રાખવો જોઇએ. આપના વીર્યનો રિપોર્ટ કરાવો. એના માટે ઓછામાં ઓછા ત્રણ દિવસ અને વધારેમાં વધારે પાંચ દિવસ સુધી સંબંધ રાખેલો ના હોવો જોઇએ. જો તમારો રિપોર્ટ નોર્મલ આવે તો પત્નીનો રિપોર્ટ કરાવવો જરૂરી બને છે. પરંતુ જો કોઇ કારણસર આપના શુક્રાણુ ઓછા હોય અથવા કોઇ તકલીફ હોય તો હવે ચિંતા કરવા જેવું નથી. નવી આવેલી દવાઓથી શુક્રાણુની સંખ્યા અને હલન-ચલન શક્તિ ચોક્કસ વધી શકે છે. તમે ચોક્કસ પિતા બની શકો છો. સમસ્યા : મારી ઉંમર 28 વર્ષની છે અને પત્નીની 23 વર્ષ. મારાં લગ્ન થયાંને ચાર મહિના થયાં છે. હું જ્યારે સમાગમ કરવા જાઉં છું, ત્યારે મારી પત્નીને ગમતું નથી. આથી સમાગમમાં પત્નીને આનંદ મળે તેવી દવા અથવા ગોળી આપવા તમને વિનંતી. ઉકેલ : કહેવાય છે કે પુરુષ સેક્સ મેળવવા માટે પ્રણય કરે છે, જ્યારે સ્ત્રી પ્રેમ મેળવવા માટે સેક્સ આપે છે. પતિ જો શરીર સંબધ ન રાખે તો ચાલે પણ તે જો લાડ ન કરે, આત્મીયતા ન દર્શાવે, સુંદરતાનાં વખાણ ન કરે અથવા પ્રેમાળ વાક્યો ન બોલે તો તેમને ચાલતું નથી. ઘણી વાર પુરુષને તમાકુ, સિગારેટ કે અન્ય કોઈ વ્યસનો હોય છે, જેમાં તેમને તો આનંદ આવે જ છે, પણ આ વ્યસનને લીધે મોઢામાંથી આવતી વાસ કદાચ સ્ત્રીની પંસદ ના પણ હોય અને આ વખતે જો પુરુષ કિસ કરવાનો પ્રયત્ન કરે તો સ્ત્રીને કેટલી પણ ઉત્તેજના હોય પણ તે સોડાની જેમ બેસી જતી હોય છે. શરીરમાં આવતી પરસેવાની વાસથી પણ આમ બની શકે છે. જોકે, આનો સૌથી સરળ અને સાદો ઉપાય છે કે વ્યસનો ત્યજી દો. સમાગમ પહેલાં બ્રશ કરો અને સ્નાન કરો. કોઇક કિસ્સામાં એવું પણ બને કે પતિ ફોર પ્લેમાં પૂરતો સમય ન આપે અથવા તેમને શીઘ્ર સ્ખલનની બીમારી હોય તો પણ સ્ત્રીને સંતોષ મળતો નથી. જો આમ વારંવાર બને તો પણ સ્ત્રીને સેક્સમાંથી રસ ઓછો થઇ જતો હોય છે, જેના માટે ફોર પ્લેમાં પંદર-વીસ મિનિટનો સમય આપવાથી અને શીઘ્ર સ્ખલનની સારવાર કરાવવાથી તકલીફ દૂર થઇ શકે છે અને પત્નીમાં ફરીથી કામેચ્છા જગાવી શકાય છે. બાકી જગતમાં પ્રેમાળ અને સમજદાર સાથીથી ઉત્તમ કોઇ જ સેક્સ ટોનિક નથી.

સમસ્યા : મારી ઉંમર ચાલીસ વર્ષની છે. મને ઇન્દ્રિયની લંબાઈનો પ્રોબ્લેમ છે, પરંતુ બધાં કરતાં જુદો છે. મારી ઇન્દ્રિયની લંબાઇ વધારે છે. મને કોઇ એવો ઉપાય બતાવો કે જેથી ઇન્દ્રિયની લંબાઇ ઓછી થઇ શકે. આના માટે કોઇ દવા અથવા ઓપરેશન શક્ય છે? ઉકેલ : એક વાત દરેક પુરુષે યાદ રાખવી જોઈએ કે સ્ત્રીનો યોનિમાર્ગ ઇલાસ્ટિક રબર જેવો હોય છે એ કારણે એની લંબાઇ અને જાડાઇ વધારે કે ઓછી હોવાથી આનંદમાં કોઇ જ ફેર પડતો નથી. એમાં ઈન્દ્રિયની લંબાઈ ઓછી હોય કે વધારે કોઈ ફેર પડતો નથી અને આ દરેકમાં સરળતાથી પ્રવેશ પણ થઈ શકે છે. હા, ઈન્દ્રિયની લંબાઈ ઓછી હોય તો વધી શકે ખરા, પણ જો વધારે લંબાઈ હોય તો ઓપરેશન કે દવા દ્વારા પણ તે ટૂંકી તો નથી જ થઈ શકતી. બની શકે કે તમારા સાથીને કોઈ તકલીફ પડતી હોય. એવા સમયે આપના સાથીની તકલીફ દૂર કરવા માટે તમે તમારો ફોર પ્લેનો સમય વધારી શકો છો અથવા કોઇ પણ ક્રીમ કે તેલનો પ્રયોગ પણ પ્રવેશ પહેલાં કરવાથી તેમને જરાય તકલીફ નહીં થાય. dr9157504000@shospital.org

અન્ય સમાચારો પણ છે...