ઈમિગ્રેશન:ગ્રીનકાર્ડની પિટિશન બર્થ-સર્ટિફિકેટ ન હોય તો ફાઈલ થઈ શકે?

10 દિવસ પહેલા
  • કૉપી લિંક

રમેશ રાવલ

સવાલ : હું ડોક્ટર છું અને મારી ઉંમર 72 વર્ષ છે. હું નિયમિત દિવ્ય ભાસ્કર વાંચું છું અને આ કોલમનો પ્રશંસક છું. મેં વિઝિટર વિઝા દ્વારા ત્રણ વખત અમેરિકાની વિઝિટ કરી છે. મારી પાસે મારું બર્થ-સર્ટિફિકેટ નથી, પરંતુ મારો પાસપોર્ટ મારા સ્કૂલ લીવિંગ દ્વારા પ્રોસેસ થયેલો છે. મારી અમેરિકન સિટીઝન પુત્રી મારા માટે IR-5ની ગ્રીનકાર્ડ માટે પિટિશન ફાઈલ કરવા માગે છે, તો બર્થ-સર્ટિફિકેટ હોય નહીં તો તે માટે તમારો શું અભિપ્રાય છે? - ડો. એમ. એચ. રબાડીયા જવાબ : કોઈ પણ પ્રકારની કે IR-5 ડિપેન્ડન્ટ માટે પિટિશન ફાઈલ કરવા બર્થ-સર્ટિફિકેટ સરકારી રેકોર્ડ હોઈ જરૂરી છે. સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ સરકારી રેકોર્ડ નહીં હોવાથી ઈમિગ્રેશન માટે માન્ય નથી, પરંતુ બર્થ સર્ટિફિકેટ મળી શકે તેમ હોય નહીં તો પણ તેનો ઉપાય છે. એટલે કે તમારો જ્યાં જન્મ થયો હોય તે શહેરની કે ગામની મ્યુનિસિપલ ઓફિસ કે પંચાયતમાંથી જન્મની નોંધણી થઈ ન હોવા બાબતનું No Record સર્ટિફિકેટ મેળવો. પછી તમારા જન્મના વખતમાં બે હયાત વ્યક્તિની ફોર્મેટ મુજબની બે જુદી જુદી એફિડેવિટ કરાવી પિટિશન સાથે રજૂ કરવાથી તમારી પિટિશન એપ્રૂવ થઈ શકે, કારણ કે આપણો દેશ આઝાદ થયા પછી 23 વર્ષ સુધી જન્મ અને મરણની નોંધણી અંગે કોઈ કાયદો થયો જ નહોતો જે Registration of births and deaths act 1969નો ફરજીયાત રજિસ્ટ્રેશનનો કાયદાનો અમલ 1-4-1970થી ભારતનાં તમામ રાજ્યો માટે અમલ કરવા ફરજીયાત થયેલો. તેથી તે પહેલાંનાં બર્થ-સર્ટિફિકેટ મળતાં નથી, જે નોંધાયા જ ના હોય તેવું બની શકે. સવાલ : હું ગ્રીનકાર્ડ હોલ્ડર છું અને કોવિડ-19 પહેલાં અમેરિકાથી ઈન્ડિયા આવીને રહું છું. એને પણ બે વર્ષ થઈ ગયાં હોવાથી હવે હું અમેરિકા જઈ શકું?- શાંતિલાલ મિસ્ત્રી, સુરત જવાબ : ના, કારણ કે તમે 2019માં આવ્યા હો તો ચાર વર્ષ થઈ ગયાં હોઈ પાછા જવામાં જોખમ છે. તેના કરતાં ગ્રીનકાર્ડ સરેન્ડર કરી 10 વર્ષના વિઝિટર વિઝા માટે એપ્લાય કરી શકાય અથવા ગ્રીનકાર્ડ ચાલુ રાખવું હોય તો રિટર્નિંગ રેસિડન્ટ વિઝા માટેના નિયમોને આધીન એપ્લાય કરી શકાય, પરંતુ બંને સંજોગોમાં વિઝા મળશે જ તેમ કહી શકાય નહીં, કારણ કે પ્રોસીજર ગૂંચવાડાભરી છે. કેટલાંક લોકો જોખમ લઈને પણ અમેરિકા કોરોના વખતે ગયેલા તેમને પ્રવેશ મળેલો, પરંતુ હવે પરિસ્થિતિ અલગ છે. સવાલ : મારે વિઝા માટે તમારી સલાહની જરૂર છે. મારા પાસપોર્ટમાં મારું નામ Dhanshri છે અને મારી બધી જ માર્કશીટ્સ અને ડિગ્રીમાં મારું નામ Dhanshreeben છે. તો શું મારે બધા જ ડોક્યુમેન્ટ્સ્માં એકસરખું નામ રાખવા એ બદલાવવાની જરૂર છે કે પછી જેમ છે એમ ચાલશે?- ધનશ્રી પટેલ, અમદાવાદ જવાબ : હાલમાં કોઈ ફેરફાર કે બદલવાની જરૂર નથી. વિઝિટર વિઝા માટે પાસપોર્ટમાં જે નામ હોય તે ચાલશે, પરંતુ ઈમિગ્રન્ટ વિઝા માટે બર્થ-સર્ટિફિકેટ જરૂરી છે તેમજ જુદાં જુદાં નામે બે એફિડેવિટ કરી શકાય. તમે બર્થ-સર્ટિફિકેટમાં શું નામ છે તે જણાવ્યું નથી. સવાલ : હું દિવ્ય ભાસ્કરની આ કોલમ રેગ્યુલર વાંચું છું. તમે અગાઉ અહીં જણાવ્યા પ્રમાણે મારું ગ્રીનકાર્ડ સરેન્ડર કરવા માટે I-407 અને D.S. 160 વિઝા ફોર્મ ફાઈલ કરીને એપોઈન્ટમેન્ટ લઈ શકું, પરંતુ મારી પાસે F-4માં L.P.R. મળેલ હોઈ ઈન્ટરવ્યૂ વેવર માટે એપ્લાય કરી શકું? હું માનું છું કે મારી પાસે વેલિડ વિઝા છે તેથી ઈન્ટરવ્યૂ વેવર માટે હકદાર છું. - જિજ્ઞેશ શાહ, અમદાવાદ જવાબ : ના. તમારી માન્યતા બરાબર નથી, કારણ કે ગ્રીનકાર્ડ સરેન્ડર કરી 10 વર્ષના વિઝિટર વિઝા લેવા હોય તો ઈન્ટરવ્યૂ આપવો જરૂરી છે, જેથી તમે તમારો કેસ સાબિત કરી શકો. તમે લીગલ પરમેનેન્ટ રેસિડન્ટ હતા તે સ્ટેટસ ગુમાવ્યું ગણાય તેથી વેવર મળે નહીં. સવાલ : મારે Religious Visa (R-1) સંબંધિત તમામ પ્રોસીજર જાણવી છે, તો મને આ માટે માર્ગદર્શન આપશો? - કેદાર દવે, અમદાવાદ જવાબ : આ પ્રકારના વિઝા સરળતાથી મળતા નથી. તેની પ્રોસીજર આ પ્રમાણે છે: (1) તમે ક્વોલિફાઈડ પૂજારી અર્થાત્ ધર્મના કર્મકાંડી બ્રાહ્મણ તરીકે પૂજા-પાઠ વગેરે કરવામાં સક્ષમ છો. તેથી રિલિજિયસ વિઝા મેળવવા હકદાર છો તે સાબિત કરવું જોઈએ. (2) તમને અમેરિકા બોલાવનાર ધાર્મિક સંસ્થા અમેરિકાની નોન-પ્રોફિટ રિલિજિયસ ઓર્ગેનાઈઝેશન હોવી જરૂરી છે. (3) તમે અમેરિકામાં ટેમ્પરરી રિલિજિયસ એક્ટિવિટી જ કરવા જાઓ છો તે દર્શાવવું પડે. (4) વિઝા ઈન્ટરવ્યૂ વખતે અમેરિકન સંસ્થા નોન-પ્રોફિટ સંસ્થા છે તે પુરવાર કરવું પડે. (5) તમારું સ્ટેટસ પૂજારીનું જ છે અને તમે કર્મકાંડ જ કરો છો તે સાબિત કરવું પડે અને તેમને મંત્ર, જપ-જાપ સંસ્કૃત આવડે છે તે દર્શાવવું પડે.{ info@ravaladvocates.com (લેખક ઇમિગ્રેશન નિષ્ણાત એડવોકેટ અને અમેરિકાના લાયસન્સ્ડ લીગલ કન્સલ્ટન્ટ છે.)