મનદુરસ્તી:‘ફૂલેલા ઇગોનો ફુગ્ગો ફૂટી શકે?’

ડૉ. પ્રશાંત ભીમાણી20 દિવસ પહેલા
  • કૉપી લિંક

આ રત્નેશભાઇ છે, ગ્રેટ પેઇન્ટર ઓફ ગુજરાત. એમનું બધે જાણીતું નામ છે. ડોક્ટર, એમને એવો પ્રોબ્લેમ છે જેની કદાચ કોઇ ‘દવા-ગોળી’ નથી. એમને એવું છે કે, હું જ્યાં જઉં ત્યાં બધાંએ મારી ‘વાહ-વાહ’ કરવી જોઇએ. મને દરેક જણાએ માન આપવું જ જોઇએ. આપણે એવું સાંભળ્યું હોય છે કે સ્ત્રીઓને વખાણ ગમતાં હોય, પણ આમને તો સતત એપ્રીશિએશન જોઇએ. જો કોઇ વખાણ કરે તો જ જાણે શ્વાસ લઇ શકે. ક્યારેક કોઇ પેઇન્ટિંગ બરાબર ન હોય અને હું એક જૂના મિત્ર તરીકે ‘ઠીક છે’ એવું કહું તો મારુંય આવી બને ને કહે,‘તને તો આર્ટમાં ખબર જ ન પડે.’ સાહેબ, મને એ બોલે એનો વાંધો નથી પણ તકલીફ એ છે કે રત્નેશનો ફૂલેલો ‘ઇગો’ ક્યાં સુધી ચાલશે? દુનિયામાં બધાં જ આપણને સ્વીકારી લે એવું તો ન જ બને ને!’ કોઇ રત્નેશનો હવે વિરોધ કરે કે અલગ ઓપિનિયન આપે તો એ તરત નિરાશામાં સરી પડે છે અને પછી બધાં સાથે સંપર્કો કાપી નાંખે છે. આકાશભાઇની વાતમાં એમના દોસ્ત માટેનું દર્દ દેખાઇ રહ્યું હતું. એમની સાથે જ કન્સલ્ટિંગ રૂમમાં બેઠેલા રત્નેશભાઇ કદાચ મનમાં મલકી રહ્યા હતા અને પોતાના આ સ્વભાવને પોતાની વિશેષ ખાસિયત માનીને પોતે જાણે સંપૂર્ણ સ્વસ્થ છે એવો જાણે-અજાણે દેખાવ કરી રહ્યા હતા અને એવું બોલી પણ ઊઠ્યા કે, ‘સારવારની મને નહીં પણ આકાશને જરૂર છે’. કેટલાંક લોકો પોતાના જ ભારથી પીડાતાં હોય છે જેની એમને ખુદને જાણ નથી હોતી. જ્યારે આસપાસનાં લોકો દ્વારા સહેજ પણ અવગણના થઇ હોય તેવું લાગે ત્યારે એ બધાં સમજ વગરનાં છે, એવું માનતાં હોય છે. ક્યારેક કેટલી વ્યક્તિત્વ વિકૃતિઓમાં પણ આ પ્રકારનું વર્તન જોવા મળે છે. આવાં લોકો ભૂતકાળનાં એ બાળકો હોય છે કે, જેમણે ઘરે આવનાર મહેમાનોની સામે માતાપિતાના કહેવા ઉપર કોઇને કોઇ પર્ફોમન્સ કર્યું હોય છે અને વાહ-વાહ મેળવવાની આદત પડી ગઇ હોય છે. એટેન્શન સિકિંગની આદત બાળપણમાં આ રીતે જ શરૂ થાય છે. ધીમે-ધીમે અહંકારનું કદ અને વજન એટલાં મોટાં થઇ જાય છે કે પછી પોતે જ એનું વહન કરી શકતા નથી. એટલે નિકટની વ્યક્તિઓમાં પણ અણગમતા થઇ જાય છે. જો કોઇ વ્યક્તિ એમની આવી ખામી ઉપર ધ્યાન દોરવાનો પ્રયાસ કરે એ લેટેસ્ટ દુશ્મન બની જાય છે. અહંકારને પંપાળવાની ટેવના લીધે આવાં લોકો પોતાનાથી આગળ કે વિશેષ કશું જોઇ શકતા નથી. આવી વ્યક્તિઓમાં અહંકાર અને સ્વાર્થ સહોદર જેવા બની જાય છે. ખાટલે મોટી ખોડ પાછી એ હોય છે કે, આવાં લોકો પોતાના આ માઇન્ડસેટને ખુમારીનું નામ આપે છે. ખરું જોઇએ તો ખુમારી અને ખોખલાપણામાં ભેદ હોય છે. સાઈકોલોજિસ્ટ આલ્બર્ટ એલિસે એક અદ્ભુત સારવાર પદ્ધતિની મનોવિજ્ઞાનને ભેટ આપી છે. એ છે ‘તર્કયુક્ત ભાવાત્મક મનોપચાર પદ્ધતિ’. એ સાયકોથેરેપીમાં એલિસે કેટલાક કૉમન અતાર્કિક વિચારોને દર્શાવ્યા છે. દા.ત. દરેક કાર્ય માટે વ્યક્તિને દરેક તરફથી પ્રશંસા, પ્રેમ અને સ્નેહ મળવા જ જોઇએ. બીજું, વસ્તુઓ કે ઘટનાઓ આપણી ઇચ્છા અનુસાર ન બને તો એ અત્યંત ભયાનક બાબત ગણવી જોઇએ. ત્રીજું, આપણાં આવેગો અને લાગણીઓ પર આપણું નિયંત્રણ હોતું નથી અને અમુક પ્રકારની લાગણી થતી હોય તો આપણે એ વિશે કશું જ કરી શકતા નથી. વગેરે... વગેરે... આવી તો અનેક અતાર્કિક માન્યતાઓથી આપણે પીડાતાં હોઇએ છીએ. ‘આમ જ હોવું જોઇએ’, ‘આમ જ થવું જ જોઇએ’, વગેરે આપણી સ્વરચિત માનસિક સાંકળો છે. આવી વિકૃત માનસિક સાંકળો તોડવાનું કામ એ જ મનોપચારનું ધ્યેય હોય છે. રત્નેશભાઇને એમની અહંકાર પંપાળવાની આદતથી છૂટવા માટે આવી તર્કબદ્ધ થેરેપી આપવામાં આવી. આવી જૂની વૈચારિક આદતોને બદલાતા વાર લાગતી હોય છે. આ માટે પરિવાર કે મિત્રોનો સહયોગ ખૂબ જરૂરી છે. કોઇ વ્યક્તિ ખોટો અહંકાર કરે એટલે એ સંપૂર્ણ ખરાબ જ હોય તેવું નથી. આ કિસ્સાની બીજી બાજુ જોઇએ તો, વ્યક્તિ પોતાના સાચા કે કાલ્પનિક ઇગો માટે થઇને લોકોને બતાવવા માટે પણ જીવનમાં કેટલાક આશ્ચર્યજનક અચિવમેન્ટ્સ કરી નાંખતા હોય છે. અલબત્ત, આ અચિવમેન્ટ્સ વળી પાછા અહંકારની આગમાં ઘી હોમવાનું જ કામ કરે છે. વ્યક્તિને શું ખોટું છે તે તટસ્થ રીતે બતાવવું, તેનો સ્વીકાર કરાવવો અને તેમાંથી સમસ્યાના ઉકેલ તરફ જવું એ મનોચિકિત્સાનું મહત્ત્વનું કાર્ય છે. { વિનિંગ સ્ટ્રોક ઃ અહંકારના ફુગ્ગામાં પોતાના વિશેની ગેરમાન્યતાઓની હવા ભરેલી હોય છે, જે સમજણની સોય વાગતાં નીકળી જાય છે. drprashantbhimani@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...