તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બુધવારની બપોરે:પુકારો મુઝે નામ લેકર પુકારો

23 દિવસ પહેલાલેખક: અશોક દવે
 • કૉપી લિંક
 • એ માસ્ક પહેરીને ગાડીમાંથી હજી ઉતર્યો જ હતો ને પોલીસે ઝાલ્યો ‘ગાડી ક્યાં છે?’

ફિલ્મો વિશે લખનારા લેખકોની કમનસીબી હવે શરૂ થઈ ગઈ છે. મુહમ્મદ રફી કે લતા મંગેશકર વિશે વાંચવા માંગતા વાચકો હવે 70-80 ઉપર પહોંચવા આવ્યા ને એમની પાસે અરિજીતસિંહ અને શ્રેયા ઘોષાલ માટે લખેલું કાંઈ ન ચાલે અને અમારી પેઢીવાળાઓ તો ફોન કરીને પૂછે, ‘ભ’ઈ આ અરિજીત કે હરિજીત કોણ છે? સરદારજી છે? અમે તો નામે ય નથી સાંભળ્યું! કોઈ તલત-હેમંતની વાત કરો, તો જરા પિચે ય પડે!’ તે એમાં સ્વ. ગાયક મુકેશ વિશે લખવાનું આવે ત્યારે પહેલો ફફડાટ એ થાય કે, અમારે 50 ટકા વાચકો તો લેખ વંચાયા વગરના ગુમાવવાના ને? આજની જનરેશન તો રાજ કપૂર એટલે કોણ, એ ય સમજાવવું પડે ત્યાં મુકેશ તો બહુ દૂરની વાત થઈ જાય! પણ સાવ એવું નથી. લતા, રફી, મુકેશ કે આશા ભોંસલેના ગીતે એટલીસ્ટ, હજી સુધી તો સ્ક્રેપમાં કાઢવા પડે એવાં નથી. સ્ટેજ-શોઝમાં આજે પણ આ ગાયકોના ગીતો તાળીઓના ગડગડાટો સાથે સંભળાય છે, એટલું જ નહીં, રીમિક્સ પણ જૂનાં ગીતોના જ થાય છે એટલે શ્રદ્ધા બેસે છે કે, એટલીસ્ટ હજી બીજા પચ્ચી-પચ્ચા વર્ષ સુધી મુકેશના ગીતો ય નવી પેઢી જૂની થાય ત્યાં સુધી સંભળાવાના! મુહમ્મદ રફી મારા પ્રિય ગાયક તો મુકેશ પણ પહેલા ખોળાનો જ! એક ઇંચ પણ ઓછો ગમે નહીં. હું એ ગળાની ઈર્ષ્યા કરું છું જેણે, તુમ સે હી ઘર ઘર કહેલાયા (ભાભી કી ચૂડિયાં), ફરીશ્તોં કી નગરી મેં મૈં આ ગયા હું (હમારી યાદ આયેગી), પુકારો મુઝે નામ લેકર પુકારો (ભૂલ ન જાના), જા પરવાને જા, કહીં શમ્મા જલ રહી હૈ (રાજપુતાની), અપની નઝર સે, ઉનકી નઝર તક, એક જમાના એક ફસાના (હમલોગ), અય જાને જીગર, દિલ મેં સમાને આજા (આરામ), બહે ના કભી નૈન સે નીર, ઉઠી હો ચાહે દિલ મેં પીર (વિદ્યા), ભૂલનેવાલે યાદ ન આ (અનોખી અદા), કૈસે મનાઉં પિયવા, ગુન મેરે એકહૂ નાંહી (ચાર દીવારી), મેરે ખ્વાબો મેં ખયાલોં મેં છુપે (હનિમૂન), સાથ હો તુમ ઔર રાત જવાં, નીંદ કિસે ઔર ચૈન કહાં, (કાંચ કી ગુડીયા), યહાં રાત કિસી કી રોતે કટે, યા ચૈન સે સોતે સોતે કટે (જય ભવાની) ગાયા હતા. આ બધાને આવા બીજા પચાસ મુકેશીયન ગીતો મને ઊંઘમાંથી ઉઠાડીને પૂછો તો હું ગાઉં નહીં... સાંભળું પાગલ થઈને! મુકેશ ગાવામાં સહેલો પડતો એ જોઈને એના ગીતોનો સ્ટ્રાઈક-રેટ લતા-રફી કે અન્ય કોઈ પણ ગાયક કરતાં ઊંચો છે. મુકેશના ઓલમોસ્ટ 900 ગીતોમાંથી મને-તમને મિનિમમ 400-500 ગીતો તો યાદ છે. લગભગ 50 ટકા સ્ટ્રાઈક રેટ થયો ને? એની સામે વિશ્વના સર્વોત્તમ ગાયકો હોવા છતાં લતા-રફીના 5-7 હજાર ગીતોમાંથી સાચું બોલજો... આપણને 400-500થી વધારે ગીતો યાદ છે? આને સ્ટ્રાઈક-રેટ કહેવાય. બસ, મુકેશ તો ગાવામાં ય સહેલો પડે, છતાં આપણને ‘મેં એક બિલાડી પાળી છે, એ રંગે બહુ રૂપાળી છે...’ જેવી કવિતાઓ ય મોંઢે નથી ત્યાં મુકેશના બહુ બહુ તો સો-દોઢસો ગીતો આવડે અને એ ય આખા નહીં! અને એમાં ય, મોટાભાગે તો એના ગીતો કાને ચોક્કસ પડી ગયા હોય, પણ એ મુકેશે જ ગાયું છે, કઈ ફિલ્મનું છે કે એના સંગીતકાર કોણ છે, એ બધું જાણવાની ઇચ્છા બહુ હોય, પણ જણાવે કોણ? પણ એકાદું ગીત ઝનૂનપૂર્વક ગમી ગયું તો સોટો તરત ઉપડવાનો કે, ‘યાર... આટલું મીઠડું ગીત છે! કઈ ફિલ્મનું હશે? સંગીતકાર કોણ છે?’ એની માહિતી ન હોય ત્યારે સુરતના આજન્મ મુકેશપ્રેમી હરીશ રઘુવંશી પાસે જવું પડે. ઠેઠ સુરત સુધી લાંબા થવું ન હોય તો આજથી 36 વર્ષ પહેલાં હરીશે મુકેશના તમામ ગીતો સંકલિત કરીને તમારે જે ગીત વિશે જે કોઈ માહિતી જોઈતી હોય, એ પૂર્ણ માહિતી સાથે માર્ચ- 1985માં ‘મુકેશ ગીતકોશ’ બહાર પાડ્યો હતો, તે મેળવવો પડે, જે સ્ટોકમાં નથી, પણ મુકેશના ડાયહાર્ડ ફેન તરીકે મારે-તમારે જે કાંઈ વિગતો જોઈતી હોય, તે બધી આ કોશમાં હતી જ... પણ નાનકડી ય માહિતી રહી જાય એ હરીશથી સહન ન થાય. ’85 પછી આજે ’21 સુધીના 35-36 વર્ષ સુધી હરીશના મનમાં ખટકા ચાલુ જ રહ્યા કે, ભલે બીજાને સામાન્ય લાગતી હોય, એવી કોઈ માહિતી આ કોશમાં રહી જવી ન જોઈએ. આમ તો કોઈ રહી ગઈ નહોતી, પણ કાનપુરના હિંદી ફિલ્મસંગીતના ઇતિહાસના ભીષ્મપિતામહ હરમન્દિરસિંહ ‘હમરાઝ’ને સાથે રાખીને જેટલી અપ્રાપ્ય માહિતી બાકી રહી ગઈ હોય, તે ભેગી કરીને હરીશે ’85વાળા એ જ ગીતકોશનું નવસંસ્કરણ બહાર પાડ્યું. ‘હમરાઝ’ પ્રકાશક બન્યા. ઘણી સનસનાટીભરી માહિતી શોધાઈ ગઈ જેમ કે, રાજ કપૂરની ફિલ્મ ‘મેરા નામ જોકર’માં શારદા સાથે મુકેશે એક ગીત ગાયું હતું,‘ગાઓ, ગાઓ, ગાઓ ઝૂમ કે ગાઓ, ભૂલ દર્દ ગમ મુસ્કુરાઓ...’ ફિલ્મમાંથી તો કાઢી નંખાયું હતું જ, પણ આવું કોઈ ગીત બન્યું છે, એની માહિતી કોઈની પાસે નહોતી. જે પૂરા શબ્દો સાથે હરીશે મુકેશના નવસંસ્કરણ કોશમાં સમાવી છે. શંકર-જયકિશનના સંગીતમાં આ ગીત શૈલેન્દ્રએ લખ્યું હતું. આ એક નહીં, આવા થોડા ઘણા ગીતો અને અનેક નવી માહિતી ’85વાળા કોશમાં બાકી હતી, તે આ નવા પુસ્તકમાં ભૂલ વગર સમાવી લીધી છે. મુકેશ ગીતકોશની ખૂબી એ છે કે, એના ‘ક્લાસ વન’ ચાહક તરીકે એને વિશે તમારે જે કોઈ માહિતી જોઈતી હોય, તે બધી તો આમાં છે જે, પણ તમને ખબરે ય ન હોય એવી અનેક માહિતી ઉપલબ્ધ કરાવી છે જેમ કે, મુકેશના પિતાશ્રીનું નામ લાલા જોરાવરચંદ માથુર હતું અને મુકેશ ઉપરાંત એમને બીજા 9 સંતાનો હતા... (સાચ્ચે જ ‘જોરાવર’ કહેવાય!) મુકેશના પત્ની ‘બચીબેન’ વડોદરાના ગુજરાતી શ્રીમાળી બ્રાહ્મણ હતા. મુકેશે હિંદી ઉપરાંત ભારતની બીજી 11 ભાષામાં ગીતો ગાયા હતા, પણ એની પોતાની પંજાબી ભાષામાં ટોટલ ચાર ગીતો ગાયા છે, પણ હિંદી પછીના નંબરે ગુજરાતી ભાષામાં મુકેશે પૂરા 50 ગીતો ગાયા છે. કહેવાની જરૂર નથી કે, ગીતકોશમાં ચોક્સાઈ એ હદે રખાઈ છે કે, હિંદી ભાષાના આ પુસ્તકમાંથી હ્રસ્વ-દીર્ઘની તમે એક નાનકડી ભૂલે ય પકડી ન શકો. અર્થાત્ માહિતીમાં આપણને અપેક્ષિત ન હોય, એટલી હદે ચોક્સાઈ રાખવામાં આવી છે. વધારે આશ્ચર્યજનક વાત એ છે કે, મુકેશે ઈ.સ. 1941માં સર્વપ્રથમ ગીત (ફિલ્મ ‘નિર્દોષ’, સંગીતકાર અશોક ઘોષ, ગીતકાર નીલકંઠ તિવારી) ‘દિલ હી બુઝા હુઆ હો તો ફસલ-એ-બહાર ક્યા?’થી શરૂઆત કરી હતી, એ હિસાબે આપણા રફી, લતા, હેમંત, આશા, મન્ના ડે, તલત, કિશોર કે ગીતા દત્ત કરતા ય મુકેશ સિનિયર હતો. આ બધા ગાયકોનું પહેલું રેકોર્ડેડ ગીત મુકેશ પછી એટલે કે ’42ની સાલ પછી આવ્યું હતું. મુકેશે કોઈ એડનું મોડેલિંગ નહોતું કર્યું, પણ એ જમાનામાં બહુ પીતાવી ‘ન્યુ ડીલક્સ’ના ગીતની એડમાં ગાયું હતું, ‘સિગરેટોં મેં સબસે આલા, પબ્લિક જાને કાલા પાકિટવાલા, પીનેવાલા પી ગુન ગાયે, ન્યુ ડીલક્સ સિગરેટ...’ (જાહેરાતનું આ ગીત પણ રાગ બહાર ઉપર આધારિત હતું.) કાનપુર નિવાસી હરમિન્દરસિંઘ ‘હમરાઝે’ 1931થી 1985 સુધીની હિંદી ફિલ્મના ગીતોના 6 કોશ બહાર પાડ્યા છે, એમ હરીશે ’32થી શરૂ કરીને 1994 સુધીની ગુજરાતી ફિલ્મોની માહિતી ‘ગુજરાતી ફિલ્મગીતકોશ’માં આવી જ મહેનત કરીને આપી છે. ફિલ્મી ગીતોના શોખીનો માટે તો આ બંને હસ્તિઓ પ્રણામયોગ્ય છે. મુકેશના આત્માને પરમ સંતોષ આપી રહેલા ત્રણ અદ્્ભુત મુકેશીયન ગાયકો શ્રી. કમલેશ આવસત્થી, શ્રી સલિમ મલિક અને શ્રી મુખ્તાર શાહે ધાર્મિક ગ્રંથની જેમ મુકેશ ગીતકોશ આત્મસાત કર્યો છે. એક કામ વાચકો કરી શકે. તમને મુકેશના સૌથી વધુગમતા મેક્સિમમ પાંચી ગીતો (માત્ર મુખડા જ) મને આ સાથે આપેલા મારા ઈ-મેલ આઈડી પર મોકલાવી આપશો, તો તમને ગમતા એ ગીતો તમારા નામ સાથે મુકેશપુત્ર નીતિન મુકેશના ઘરે પહોંચાડવામાં આવશે. ashokdave52@gmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો