નીલે ગગન કે તલે:કલકત્તા, કલકત્તા

મધુ રાયએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અ મારા પરસોતમમામાને જ્યારથી જાણ થઈ કે ગુડ એટલે સારું ને બેટર એટલે વધારે સારું, ત્યારથી તે ગુડને બદલે બેટર બોલતા થયેલા. ડો. બેનરજી બહુ બેટર ડાક્ટર છે; મધર ઇન્ડિયા બહુ બેટર પિક્ચર છે; વિલ્સન બહુ બેટર ફાઉંટન છે. પરસોતમમામાનું સૌથી બેટર વિશેષણ હતું મેટ્રિક્યુલેટ! સરદાર પટેલ બહુ મેટ્રિક્યુલેટ માણસ હતા. ગુજરાતમાં દિવાળીની પાંચ દિવસની નિર્જળા રજા હોય છે અને નોરતાં–વિજયાદશમીના તહેવાર ખરા પણ મેટ્રિક્યુલેટ તહેવાર તો ચોપડાપૂજન ને દિવાળી ને બેસતું વરસ જ. જ્યારે બંગાળમાં શાક્તપંથ યાને શક્તિમાન દેવીઓની પૂજા, નોરતાં ને વિજયાદશમી તે વર્ષનો પરમ મહોત્સવ છે અને કાલિપૂજા યાને કાળી ચૌદસ ને દિવાળી વગેરે ઇતર તહેવાર છે. પેન્ડેમિક પ્રેરિત બે વરસના નિર્જળા ‘અપવાસ’ પછી હવે જનસમાજ માસ્ક–મુક્ત થયાથી પશ્ચિમ બંગાળમાં પહેલા નોતરાથી વિજયાદશમી સુધી દસ દિવસની રજા પડાયેલી, ને જનસાધારણે બમણી ઊલટથી ઠેરઠેર ભપકાદાર દુર્ગામાતાની પ્રતિમાના સુશોભિત પંડાલો ઊભા કરી પોતાની શ્રદ્ધા વ્યક્ત કરેલી. આ વર્ષે, મધ્ય કલકત્તાના મહમદ અલી પાર્ક દુર્ગાપૂજા સમિતિ તેના 54મા વર્ષમાં, અનન્ય અને નવીન થીમ લાવેલી: શીશમહલ! રાજસ્થાનના શીશમહલ જેને મિરર પેલેસ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેનું થીમ લઈને ચકાચૌંધ કાચની સામે કાચ મૂકેલાં જ્વાજલ્યમાન દુર્ગામાતા તથા અન્ય દેવીઓની પ્રતિમાઓથી શોભીતા શ્રદ્ધાના અદ્્ભુત ઓચ્છવમાં રાજસ્થાનના અસલી શીશમહેલની ભવ્યતાનું જાણે આબેહૂબ પ્રતિબિમ્બ પુનર્નિર્મિત કરાયેલું. આવાં અનૂઠાં કારણોસર મોહમ્મદ અલી પાર્ક દુર્ગા પૂજા પંડાલને યુનેસ્કોની માનવતાના સાંસ્કૃતિક વારસાની યાદીમાં સ્થાન અપાયું છે. કલકત્તાની દુર્ગા પૂજા હવે કેવળ શાક્ત ભક્તોનો તહેવાર નથી હિન્દુ, મુસ્લિમ, શીખ, ઇસાઈ, બંગાળી, મારવાડી, પંજાબી કે મદ્રાસી દરેક કલકત્તાવાસીએ દુર્ગાપૂજાને સાંસ્કૃતિક તહેવાર બનાવી મૂક્યો છે, જે દરમિયાન સાધારણ પ્રજાજન રાજસી પાઠમાં જરીજામા પહેરી ટ્રામોબસોમાં ઠસ્સોઠસ્સ ભરાઈને, વાજાંનગારાં ને લાઉડસ્પીકરનો કાન ફાડતો શોર મચાવી, મહાલે છે ને રસગુલ્લાં ને રાજભોગનાં પ્રીતિભોજ અને સંગીત, નૃત્ય, નાટકચેટકની જિયાફત કરે છે. કિન્તુ કેવળ દુર્ગાપૂજા જ બંગાળનો મેટ્રિક્યુલેટ તહેવાર નથી. સરસ્વતીપૂજા, કાલિપૂજા, વિશ્વકર્માપૂજા એમ નાનામોટા અનેક તહેવારો ઉપરાંત કવિ રવીન્દ્રનાથનો જન્મદિવસ પણ જાહેર તહેવાર છે, સાંસ્કૃતિક બંગાળમાં અને સંભવત: બંગલા દેશમાં પણ. આ ઉપરાંત, ઇન્ટરનેટ ઉપર એક પત્રકાર કહે છે કે બંગાળમાં શાક્તપંથ, અથવા નારીશક્તિનાં વિવિધ સ્વરૂપોની પૂજા, તે શક્તિઆસ્થાનો સૌથી દૃશ્યમાન ભાગ છે, કારણ કે તે સવર્ણોમાં પ્રચલિત છે. વધુમાં, શાક્તપૂજાઓ ઉપરાંત બંગાળમાં બીજાં અલ્પખ્યાત ધાર્મિક આચરણો પણ છે જે દલિતોમાં શ્રદ્ધેય છે પણ લોકમાધ્યમોમાં તેનો ઉલ્લેખ બહુ થતો નથી. એવી એક જાત્રા છે, કલત્તાથી ઉત્તરે 60 કિમીના અંતરે દિલ્હીના રસ્તે તારકેશ્વર મહાદેવની, ખુલ્લા પગે થતી પગપાળા જાત્રા. ગગનવાલાના મતે આ તહેવાર ઓછો પ્રખ્યાત છે તેનું કારણ સવર્ણ કે દલિતો નથી, કારણ તે છે કે તેમાં જાહેર જનતાને મજા પડે તેવાં નયનાભિરામ પૂજનઅર્ચન નથી, મોજશોખ નથી, ને છે કેવળ અાત્મસમર્પણ અને અંતરતમની શ્રદ્ધા, હુગલી જિલ્લામાં આવેલું તારકેશ્વર કે તારકનાથનું મંદિર સ્વયંભૂ શિવનાં 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે. આ મંદિરની સ્થાપના બંગાળના જમીનદાર રાજા ભારમલ્લરાવ દ્વારા ઇ.સ. 1729માં થઈ હતી. તેની બાંધણી બંગાળની મંદિર–સ્થાપત્ય શૈલીમાં થઈ છે જેમાં ‘અચલા’ અને ‘નટમંદિર’ જેવી વિશેષતાઓ છે. મંદિરના ગર્ભગૃહની ઉપર ચાર અગાશીઓ છે અને ભક્તોના દર્શનાર્થે વિસ્તૃત દીર્ઘાઓ છે. મંદિરના પરિસરમાં દૂધપુકુર તળાવ છે, ને ભક્તો માને છે કે તેમાં ડૂબકી મારનારની પ્રાર્થના પૂર્ણ થાય છે. દર વર્ષે શ્રાવણ માસની પૂર્વસંધ્યાએ લગભગ 1 કરોડ ભક્તો ભારતના વિવિધ ભાગોમાંથી લગભગ 39 કિમી દૂરના નિમાઈતીર્થ ઘાટ ઉપરથી ગંગાનું પવિત્ર જળ ભગવાન શિવને ચડાવવા આવે છે. તે મહિના દરમિયાન, કેસરી રંગનાં કપડાં પહેરેલાં લોકોની લાઇન 39 કિમી સુધી લંબાય છે. તે પશ્ચિમ બંગાળનો સૌથી લાંબો અને સૌથી મોટો મેળો છે. ગગનવાલાના બાળપણની સ્મૃતિ છે કે બંગાળી પંચાગ મુજબ ચૈત્ર માસમાં યાને એપ્રિલમાં, કલકત્તાથી દર વર્ષે મામા પરસોતમ વ્યાસ તેમજ બીજા શિવભક્તો ખભે કાવડ લઈ, કાવડમાં બંને બાજુ ગંગાજળનાં માટલાં લટકાવી ખુલ્લા પગે પગપાળા નીકળી પડતા અને હજી નીકળતા હશે. અતિશ્રદ્ધાળુઓ તો ચાલતા નહીં પરંતુ આખા રસ્તે અષ્ટાંગ પ્રણામ કરતા કરતા તે 300 વર્ષ જૂના તારકેશ્વર શિવમંદિર તરફ. અત્યારે પણ ગગનવાલાને આંખો બંધ કરતાં ઝડપથી પગ ઉપાડતા પરસોતમમામાની એકવડી કાયા અને ઝડપથી શિવસ્તોત્ર બોલતા એમના બીડી પીધેલા હોઠ દેખાય છે. કલ્પના થાય છે કે મામા આ વાંચીને ગગનવાલાએ એમના ઇંગ્લિસની મજાક કીધી છે, તેથી નારાજ થઈ કહે છે, છોકરા! મામાની મસકરી કરવી બહુ બેટર ના કહેવાય, સમજયો? જય બાબા તારકનાથ!⬛ madhu.thaker@gmail.com

અન્ય સમાચારો પણ છે...