વિશ્વ અલ્ઝાઈમર દિવસ:ભૂલથી પણ ભૂલી ન જતાં આ ‘ભૂલવાની બીમારી’ને...

11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દુનિયાભરમાં દર વર્ષે 21 સપ્ટેમ્બર ‘વિશ્વ અલ્ઝાઈમર દિવસ’ તરીકે ઊજવવામાં આવે છે. અલ્ઝાઈમર એ મૂળ તો ‘ભૂલવાનો રોગ’ છે. તેનું નામ અલોઈસ અલ્ઝાઈમર ઉપરથી રાખવામાં આવ્યું છે કે જેમણે સૌપ્રથમ વાર આ રોગનો ઉલ્લેખ કર્યો હતો

અલ્ઝાઈમરની બીમારીમાં ઉંમર થતા યાદશક્તિ નબળી થતી જાય છે એવું ઘણાં લોકો માને છે. ખાસ કરીને 60 વર્ષથી ઉપરની વયનાં લોકોમાં 50થી 75 ટકા લોકો આ રોગથી પીડાય છે. અલ્ઝાઈમરથી પીડાતી વ્યક્તિ કોઈ વસ્તુને જ્યાં મૂકી હોય તે ભૂલી જાય, બેધ્યાન બની જાય, ક્યારેક તો દર્દી પોતાના પરિવારજનને પણ ભૂલી જઈ શકે, પણ આજે તો યુવાનોમાં પણ આ બીમારીનાં લક્ષણો જોવા મળે છે. શા માટે થાય છે આ બીમારી? અને એની સારવાર કેવી રીતે શક્ય છે તે વિશે આવો જાણીએ...

શું છે અલ્ઝાઈમર?
અલ્ઝાઇમર એ મગજના કોષોનો નાશ કરતો રોગ છે અને તેની અસર યાદશક્તિ તેમજ આપણી વર્તણૂક ઉપર થાય છે. એક તબક્કે વ્યક્તિ પોતાના ભૂતકાળને જ યાદ ન કરી શકે એ હદ સુધી આ રોગ વધી શકે છે. વ્યક્તિની વિચારવાની અને તર્કની શક્તિ એટલી ઓછી થઈ જાય છે કે એના રોજિંદાં કામોમાં પણ એની અસર જોવા મળે. આ ઉપરાંત અન્ય ઘણી માનસિક તકલીફો પણ થવા લાગે છે.

દર્દીમાં મગજની સમસ્યા સર્જાય
અલ્ઝાઈમરના દર્દીના મગજમાં સંદેશો પહોંચાડનારી કોશિકાઓ એટલે કે ન્યૂરોન્સ યોગ્ય રીતે કામ કરી શકતી નથી. સામાન્ય રીતે ન્યૂરોન્સ અંદરોઅંદર એકબીજા સુધી સંદેશો મોકલે છે. એના કારણે વિવિધ શારીરિક ક્રિયાઓ શક્ય બને છે. ન્યૂરોન્સ એવી કોશિકાઓ છે જે ક્ષતિગ્રસ્ત કે નષ્ટ થઈ જાય તો તે સાજી થઈ શકતી નથી અને નવી પણ બની શકતી નથી. આ કાયમી નુકસાન પહોંચાડે છે. ન્યૂરોન્સ ક્ષતિગ્રસ્ત થાય છે ત્યારે એકબીજા સુધી સંદેશો પહોંચાડી શકાતો નથી એટલે કે પરસ્પરનો સંપર્ક તૂટી જાય છે. આમ, મગજના જુદા જુદા ભાગ કે જે સામાન્ય રીતે એકબીજા સાથે જોડાઈને કામ કરે છે, તે સારી રીતે કામ કરી શકતા નથી.

લક્ષણો
-ખૂબ જ સરળ કામ કરવામાં પણ તકલીફ પડે. જે વસ્તુઓ તમે વર્ષોથી કરતાં આવ્યાં છો એ વસ્તુઓ અચાનક ન થઈ શકે.
-કોઈ પણ વસ્તુનું પ્લાનિંગ કરતા ન આવડે.
- આંખોની રોશની ઘટી જવી, મૂકેલી વસ્તુઓ ભૂલી જવી, પરિવારના સભ્યોને ઓળખી ન શકવા, ડિપ્રેશનમાં સરી પડવું.
-યાદશક્તિ ઘટતી જાય. હમણાં જ બનેલી ઘટનાઓ ભુલાઈ જાય અથવા તો ઘટનાની અમુક એવી વસ્તુઓ જે સામાન્ય રીતે ભૂલી જ ન શકાય છતાં પણ ભૂલી જવી.
-ખૂબ રેગ્યુલર આવવા-જવાનું થતું હોય છતાં રસ્તો ભુલાઈ જાય. ઘણી વખત પોતાના ઘરે પાછો જવાનો રસ્તો પણ ભુલાઈ જાય.
-બોલવામાં પણ તકલીફ પડે. મૂડ અને પર્સનાલિટી વારંવાર બદલાયા કરે. કાર્યક્ષમતા અને કામગીરીના અગાઉના સ્તરમાં ઘટાડો થતો જોવા મળે.
- ચીજવસ્તુઓ અને ચહેરો ઓળખવાની ક્ષમતાનો અભાવ જોવા મળે.
- કોઈ પણ કારણ વિના નિર્ણય લેવામાં અને સમસ્યાનું સમાધાન કરવાની ક્ષમતામાં ઘટાડો થાય.

ત્રણ સ્ટેજ અલ્ઝાઈમરનાં ત્રણ સ્ટેજ છે. પ્રારંભિક અવસ્થામાં વ્યક્તિમાં એનાં સાવ જ સામાન્ય લક્ષણો દેખાય છે, જ્યારે એના બીજા સ્ટેજમાં તકલીફો વધતી જાય છે. તે પોતાને અને પરિવારજનોને ભૂલવા લાગે છે. ત્રીજા સ્ટેજમાં એનો પ્રોબ્લેમ ખૂબ જ વધી જાય છે અને દર્દીને એકલા છોડી શકાતા નથી.

અલ્ઝાઈમરની સારવાર
આ રોગનો સંપૂર્ણ ઈલાજ શક્ય નથી, પણ હા, દવાઓથી આ રોગને કંટ્રોલમાં રાખી શકાય છે. આ ઉપરાંત લાઈફસ્ટાઈલમાં પરિવર્તન લાવીને એનાથી બચી શકાય. અલ્ઝાઈમરના પહેલા સ્ટેજમાં વ્યક્તિને મેમરીનો પ્રોબ્લેમ શરૂ થાય છે, તો એની દવા આવે છે કે જે મેમરીને ટકાવી રાખે છે. અલ્ઝાઈમરનાં લક્ષણો દેખાય કે તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. કેટલીક મેડિસિન્સ અને મેનેજમેન્ટ સ્ટ્રેટેજી દ્વારા અલ્ઝાઈમરને કંટ્રોલ કરી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...