(પ્રસ્તુત લેખ, જેમને નવું મકાન બનાવવા માટે મિનિમમ રૂ. એકથી ત્રણ-ચાર કરોડ પોસાય છે, એવા લાચાર મજબૂરો માટે જ છે. એથી સસ્તો બંગલો કે ફ્લેટ હવે તો સેકન્ડમાંય નથી મળતો.) આલોકોએ નદીના પટમાં નદી બનાવી નાંખી, નહીં તો ત્યાં મીનુભ’ઈનો વિચાર એક આલિશાન બંગલો બનાવવાનો હતો. બાજુમાંથી નાળાની માફક સાબરમતી થોડી થોડી વહેતી હોય, એનો વાંધો નહીં, પણ કોઈ ગરીબનું ઘર બનતું હોય ત્યાં આ લોકોને એમ પણ ન થાય કે, નદીઓ તો ઘણી છે, અહીં ભલે મીનુભ’ઈ જેવા લાચારો બંગલો બાંધે, આપણે નદી બીજે ખોદાવીશું. નદી તો પ્રહલાદ નગર, બોપલ કે શીલજ તરફ લેવડાવી લેવાય. એ બાજુ નવી સ્કીમો માટે અઢળક જગ્યા મળે છે, તો શું નાનકડી દીકરી જેવી એક નદી તમને નડવાની છે? સાબરમતીના પટમાં શું દાટ્યું છે? એલિસ બ્રીજ લેવાદેવા વગરનો ધૂળ ખાતો પડ્યો રહ્યો છે, એની ઉપર નવી ફ્લેટ-સ્કીમો આપો. મીનુભ’ઈનો વિચાર તો નેહરુ બ્રીજ પર કોઈ ફ્લેટ બાંધે, તો ત્યાં રહેવા જવાનો હતો, પણ એય ન થયું. બિચારાની હાલત વ્યાજબી હતી. શહેરભરમાં હવે આ બે ઠેકાણાં સિવાય મકાન બનાવવાની કોઈ જગ્યા રહી નથી. નહીં તો પછી આ બાજુ સાણંદ તરફ જાઓ, પેલી બાજુ નરોડાની પેલે પાર જાઓ, હિંમતનગર પહેલા કેવા સરસ સરસ ટુકડાઓ જમીનના પડ્યા છે કે કાંઈ ન મળે તો અમદાવાદ-વડોદરા હાઈવે ઉપર કોઈ ખેતર-બેતર શોધીને ત્યાં બંગલો બનાવો! અને રૂપિયા નહીં જોવાના? આજે સાવ નાનકડો ત્રણ બેડરૂમનો ફ્લેટ લેવા જાઓ તો મિનિમમ 70-લાખ કહે છે. બંગલો બાંધવો હોય તો બે અઢી કરોડ સિવાય વાત નહીં! ફર્નિચર અને કાગળ-ફાગળના બીજા વીસ-પચ્ચી લાખ નહીં ઘૂસી જવાના? માણસ નવું મકાન ખરીદે ક્યાં? તમે શીલજ, બોપલ કે સિંધુ ભવન બાજુ ચક્કર તો મારો, એ લોકો ખાલી ચક્કર મારવાનાય આઠ-દસ લાખ લઈ લે, એટલા મોંઘા ભાવ જમીન-મકાનોના ચાલે છે. એ બાજુ હવે દસ-પંદર માળના ફ્લેટોની વણઝારો જોવા મળે છે. સાલો એક ફ્લેટ મિનિમમ 75 લાખનો ગણો અને ફર્નિચર-બર્નિચર વગેરેના બીજા વીસ-પચ્ચી લાખ નાંખો, ત્યારે રહેવા જવાય. દેશમાં કરોડપતિઓ તો આજકાલ ભિખારીઓની સંખ્યાનેય વટાવી ચૂક્યા છે. અમારા જમાનામાં ઓમપ્રકાશની ફિલ્મ ‘દસ લાખ’ આવી હતી. એ જમાનામાં ‘લખપતિ’ શબ્દ ભલભલાને ઈમ્પ્રેસ કરી નાંખતો કે, ‘ભ’ઈ... એ તો લખપતિ છે.’ કોઈની પાસે લાખ રૂપિયા હોવા બહુ મોટી વાત કહેવાતી. આજે તો આવા લખપતિ ભિખારીઓ મંદિરના પગથિયે ભટકાય છે, પણ સરખામણીઓ જવા દો. માંડ બે-પાંચ રૂપિયા ભેગા કરેલો મિડલ-ક્લાસીયો નવા ફ્લેટ/બંગલાનું સપનું જુએ છે. હવે એ એકાદ કરોડ (ભલે બેન્ક લોન કે પી.એફ. ભેગું કરીને) કાઢી શકે એમ છે ને દર રવિવારે છાપાઓમાં આવતી ફ્લેટ/બંગલાની જાહેરાતો એની ઊંઘ હરામ કરી નાંખે છે. અલબત્ત, આજથી વીસ-પચીસ વર્ષ પહેલાં ફેશન શરૂ થઈ હતી કે, ફ્લેટ કરતાં બંગલો લેવામાં મોભો વધારે પડે, એટલે ભલે પછીથી તૂટી જવાય, ફ્લેટ કાઢીને બંગલો લેનારા, દરમાંથી કીડીઓ નીકળવા માંડે, એમ નીકળી પડ્યા હતા. છતાં, હવે જે લોકો ગળે આવી ગયા છે ને બંગલો કે ફ્લેટ લેવો જ છે, એ લોકો માટે છાપાનું પ્રોપર્ટીનું પાનું, રવિવારે પૂરા ફેમિલીના આઠ-દસ કલાક ખેંચી કઢાવે એવું ઈન્ટરેસ્ટિંગ બન્યું છે. પણ વારંવાર અટકવાનું થાય છે, બંગલો લેવો કે ફ્લેટના સવાલમાં! બંગલો ફ્લેટ કરતાં વધુ મોભાદાર કહેવાય, એની ક્યાં ના જ છે? અરે, અડોસ-પડોસની કોઈ ખટપટ નહીં, પાર્કિંગ આપણું પોતાનું ને બે ગાડીઓ તો રમતાં રમતાં આવી જાય. બાજુવાળી કોઈ હોય જ નહીં, એટલે તમારા ભ’ઈનીય શાંતિ અને બંગલાની લોન પર બ્રેકફાસ્ટ ટેબલ લગાવીને બેઠા હોં, એટલે ઝાંપાની પેલે પારથી ડોકિયાં કરનારાને જોવાની આપણનેય મઝા આવે! અરે, લોન પર શિયાળામાં દોસ્તોના ફેમિલી સાથે ‘બાર્બેક્યૂ’ ગોઠવો તો લઝ્ઝત ફાઈવસ્ટારની મળે કે નહીં? કેમ કોઈ બોલતું નથી? બીજું બધું તો ઠીક છે, પણ ગોરધન સાથે તડાફડી ચાલતી હોય તો બાજુમાં કોઈ હોય તો ખબર પડવાની છે ને? પણ તકલીફો તો બંગલામાંય મોટી છે. એક તો આવડા મોટા બંગલામાં ગોરધનના ગયા પછી આખો દિવસ એકલો કાઢવાનો. એકાદ નોકર તો રખાય નહીં! ક્યારે સાલો ગળું દાબીને લૂંટી જાય, એની તો ગોરૂને સાંજે પાછો આવે ત્યારે ખબર પડે! એ તો ઠીક, આટલા મોટા બંગલામાં 3-4 નોકરો તો રાખવા પડે, જેમાં એક મહારાજ (રસોઈયો), બેનજી માટે આખા દિવસનો એક ડ્રાઈવર, બીજા રૂમો તો ઠીક છે, પણ કમ્પાઉન્ડને ઝાડુ તો રોજેરોજ મારવું પડે, એ કાંઈ આપણે જાતે થોડા મારવા જવાના હતા? માળી તો સાલો બહાનાં કાઢે કે, ‘મારું કામ તો ફક્ત ફૂલ-ઝાડ પૂરતું, કમ્પાઉન્ડ-ફમ્પાઉન્ડ હું સાફ ન કરું!’ તારી ભલી થાય ચમના, બે વાર તો બેનજી જાતે માળી કામ કરવા ગયાં’તાં તે ઠેઠ સાંજે ભીના ગારામાંથી હાથ ખેંચીને બહાર કાઢવા પડ્યાં હતાં! તો ફ્લેટોમાં કાંઈ તકલીફો ઓછી છે? એક તો ગુજરાતમાં હવે લગભગ બધા બબ્બે ગાડીઓવાળા થઈ ગયા છે ને પાર્કિંગ પહેલેથી એક જ ગાડીનું મળે. બીજીને મૂકવા શું એરપોર્ટ જવાનું? અને હવે તો બપોર પડી ને ભલભલા ફ્લેટોના દરવાજા અંદરથી ટાઈટમટાઈટ બંધ... કોણ આવ્યું ને કોણ ગયું, એનીય ખબર ન પડે! સાલો ફ્લેટ ભલે ત્રણ કરોડનો પડ્યો હોય, પણ બાજુના બંગલાવાળો (વર્ષો પહેલાં એના ફાધરે આઠ લાખમાં આખો બંગલો લીધો હોય, એય આપણી સામે સુપિરિયારિટીથી જુએ... હટ્ટ! કોઈ તુચ્છ યાત્રિકોને જોતા હોય એવા મોંઢે બંગલાવાળાની વાઈફ ‘આ તો બિચારા ફ્લેટવાળા...!’ કહીને દયા ખાય) અલબત્ત, આ બધી તડાંમાંથી છૂટવા મીનુભ’ઈએ તો રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર જ રહેવા જવાનું નક્કી કરી લીધું છે!{ ashokdave52@gmail.com
-------------------------
નેક્સસ : અમેરિકા અને ભારતની સ્ટાર્ટઅપ યુતિ
સ્ટાર્ટઅપ ટોક કુણાલ ગઢવી સેક્શન અધિકારી, સચિવાલય
અમેરિકા જેવો નાણાકીય રીતે સમૃદ્ધ, રોજગારી વિષયક નવીન અભિગમ ધરાવતો દેશ અને ભારતીય લોકોની બૌદ્ધિક મિલકત એમ બંને ભેગું થઈ, સ્ટાર્ટઅપ્સનાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે યુએસ એમ્બેસી, નવી દિલ્હી અને ACIR (Alliance For Commercialization and Innovation Research) વચ્ચેના સહયોગથી ‘નેક્સસ’નું નિર્માણ થયું છે. ભારતમાં યુએસ એમ્બેસી દ્વારા Nexus ઇન્ક્યુબેશનમાં અમેરિકન બેસ્ટ પ્રેક્ટિસને દર્શાવવા અને વધતી જતી ભારતીય સાહસિકતા અને ઇનોવેશન ઇકોસિસ્ટમને ટેકો આપવા માટેની આ પહેલ છે. સ્ટાર્ટઅપ્સને ટેકો આપવા માટે વિશેષ ફંડ મેનેજર પ્રદાન કરે છે. આ પ્રક્રિયાનાં 9 અઠવાડિયાં ‘પ્રી-ઈન્ક્યુબેશન તબક્કા’ કહેવાય છે તે માટે શરૂઆતમાં Nexus 15 જેટલી કંપનીઓ પસંદ કરે છે. દરેક પસંદ કરેલી ટીમ 2 ટીમના સભ્યોને નેક્સસમાં તાલીમ, રોજબરોજનાં માર્ગદર્શન માટે લાવી શકે છે. તે startupsનાં મૂલ્યોના પ્રસ્તાવને વધુ તીવ્ર બનાવવા, ધારેલું માર્કેટ મેળવવા, ઉત્પાદન/ટેક્નોલોજી પર માર્કેટનો પ્રતિસાદ મેળવવા અને કંપનીને માર્કેટમાં લાવવા માટે મદદ કરે છે અને પગભર બનાવે છે. નેટવર્ક એક્સેસ : યુએસ અને ભારતીય નિષ્ણાતો દ્વારા નેક્સસ ખાતે હેન્ડ્સઓન તાલીમ કાર્યક્રમો થાય. શરૂઆતનાં 9 અઠવાડિયાં પછી, 3-4 કંપનીઓ નેક્સસમાં લાંબા, વધુ ગહન ઇન્ક્યુબેશન સમયગાળા માટે રહેવા માટે પસંદ કરે અને આ કંપનીઓને વધારાના 8 મહિના સુધી ઇન્ક્યુબેટર સુવિધાઓ અને નેટવર્કની સંપૂર્ણ એક્સેસ મફતમાં મળી રહે. દરમિયાન તમારી કંપનીને તમારી પ્રોડક્ટને બજારમાં લાવવા, ગ્રાહક અને આવકનો આધાર અને કામગીરી વધારવા, માર્કેટના વિકાસ માટે ભંડોળ મેળવવા માટે, કંપનીને આગળ લઈ જવા સાથે રહે છે. સ્ટાર્ટઅપ્સમાં મદદરૂપ : છેલ્લાં 3 વર્ષમાં, 95થી વધુ સ્ટાર્ટઅપ્સ પ્રોગ્રામમાંથી સ્નાતક થયા છે અને લાખો ડોલરનું ભંડોળ એકત્ર કર્યું છે, સેંકડો નોકરીઓ ઊભી કરી છે અને અસંખ્ય ભારતીય અને યુએસ કંપનીઓ એક સાથે આવી છે. તેની સફળતાને કારણે, ACIRની નેક્સસ ટીમ હવે ઘણાં ભારતીય રાજ્યો સાથે હાલમાં કામ કરી રહી છે, જેથી તેઓ તેમનાં ઇન્ક્યુબેશન અને સ્ટાર્ટઅપ પ્રોગ્રામ્સ બનાવવામાં મદદ કરી શકે. વિચારને મળે યોગ્ય દિશા : સ્ટાર્ટઅપ્સ સાથે સંકળાયેલી વ્યક્તિને ફાઇનાન્સ કે સાહસની ક્ષમતાનાં બંધન સિવાય ફક્ત તેને આગળ ધપાવવાની તક મળે, રાષ્ટ્રીય ઇનોવેશન ઇકોસિસ્ટમ મજબૂત બને એ માટે નેક્સસ ઇન્ક્યુબેટર પસંદગીના સ્ટાર્ટઅપ્સને અપ્રતિમ તક, ટોચના વ્યાપારીકરણ નિષ્ણાતો પાસેથી તાલીમ, વ્યાપક માર્ગદર્શક નેટવર્ક તેમજ સ્ટાર્ટઅપ્સને ટેકો આપવા માટે વિશેષતા ધરાવતા ખાનગી અને જાહેર ફંડ મેનેજર પૂરા પાડે છે.{ kunalgadhavi08@gmail.com (લેખક SIR, SEZ પોલિસી, વાઈબ્રન્ટ ગુજરાત, ઈન્ડસ્ટ્રિયલ-આન્ત્રપ્રેન્યોરશિપ ટ્રેનિંગ સહિતની કામગીરીમાં આઠ વર્ષનો અનુભવ ધરાવે છે.)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.