અગોચર પડછાયા:બંગલો

જગદીશ મેકવાન11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એટલે એ બંગલાનો માલિક એ હોન્ટેડ બંગલો તને પધરાવીને છૂટવાના ચક્કરમાં છે

એબંગલો ના લઈશ. તને કેમ આટલા સસ્તા ભાવે એ બંગલો મળે છે? એનો માર્કેટ રેટ મિનિમમ બે કરોડ છે. જ્યારે એ બંગલાનો માલિક તને એ બંગલો માત્ર ચાળીસ લાખમાં આપી દેવા તૈયાર છે. તો એની પાછળ કંઈક તો કારણ હશે ને?’ રજતનો દોસ્ત બોલ્યો. જવાબમાં રજતે કહ્યું, ‘એ બંગલામાં ભૂત છે. એવું આસપાસનાં લોકો કહે છે.’ ‘એટલે…’ રજતનો દોસ્ત બોલી ઊઠ્યો, ‘એ બંગલાનો માલિક એ હોન્ટેડ બંગલો તને પધરાવીને છૂટવાના ચક્કરમાં છે.’ ‘હું ભૂતમાં નથી માનતો. એટલે મારા માટે એ બંગલો ફાયદાનો સોદો છે.’ રજતે જવાબ આપ્યો. એના દોસ્તે એને ઘણું સમજાવવાની કોશિશ કરી, પણ રજતે એની વાતને હસવામાં કાઢી નાખી. રજત એ જ અઠવાડિયે પરિવાર સહિત એ બંગલામાં શિફ્ટ થઈ ગયો. અઠવાડિયુ એણે એ બંગલામાં પોતાના પરિવાર સાથે સુખેથી વિતાવ્યું. એ દરમિયાન એને અને એના પરિવારને કંઈ જ ના થયું. એમને ત્યાં કોઈ પણ જાતનો ગેબી અનુભવ ના થયો. છેવટે હંમેશની જેમ એ એક મહિનાની બિઝનેસ ટૂર પર યુરોપ ઊપડી ગયો. ત્યાંથી એ જ્યારે પણ સમય મળે ત્યારે પોતાના પરિવારના સભ્યો સાથે વિડીયો કોલથી વાત કરી લેતો હતો, પણ એ દરમિયાન એને ક્યારેય એવું ના લાગ્યું કે એના પરિવારને એ બંગલામાં ભૂત-પ્રેતનો કોઈ અનુભવ થયો હોય. એટલે હવે એને ખુશી થઈ. અને એ બંગલો ખરીદવાના પોતાના નિર્ણય પર ગર્વ પણ થયો. છેવટે એ બિઝનેસ ટૂર પરથી પાછો આવ્યો. એ સમયે એનો પરિવાર ક્યાંક બહાર ગયો હતો. એટલે પોતાની પાસે રહેલી એક્સ્ટ્રા ચાવીથી ઘર ખોલીને, સામાન ઠેકાણે મૂકીને ફ્રેશ થઈને એ સોફા પર બેઠો. એને થયું કે પત્નીને ફોન કરીને જાણ કરે, પણ પછી એને થયું કે એણે પત્ની અને બાળકોને સરપ્રાઈઝ આપવી જોઈએ. એટલે એ લોકોની રાહ જોઈને એ ત્યાં જ બેઠો. છેવટે પત્ની અને બાળકો આવ્યાં અને રજતને જોતાની સાથે ખુશ થઈને બોલ્યાં, ‘સરપ્રાઈઝ...તમે અહીંયા બેઠા છો?’ ‘મને ખબર જ હતી કે તમે ઘરે જ હશો, પણ કમ સે કમ અમને જાણ તો કરવી હતી. ચાલુ મૂવીમાં ઊઠીને ઘરે આવી ગયા. તમે દર વખતે આવું જ કરો છો. ગયા અઠવાડિયે પણ તમે એવું જ કરેલું. ચાલુ મૂવીએ અમને છોડીને ઘરે આવી ગયેલા.’ પત્નીએ ફરિયાદના સ્વરમાં કહ્યું. એ સાંભળીને રજત ગૂંચવાયો, ‘ગયા અઠવાડિયે?’ ‘હં...જ્યારથી આપણે આ ઘરમાં રહેવા આવ્યાં ત્યારથી જ તમે અમને સરપ્રાઈઝ પર સરપ્રાઈઝ આપી રહ્યા છો. હું બાળકોને સૂવડાવી દઉં.’ બોલીને રજતની પત્ની બાળકોને સૂવડાવવા જતી રહી. પણ રજત ગૂંચવાઈ ગયો. એને સમજ ના પડી કે એની પત્ની શું બોલી રહી હતી. અડધા કલાક પછી બંને બેડરૂમમાં મળ્યાં ત્યારે એ પોતાની પત્નીની નજીક સરક્યો, પણ એની પત્ની બોલી, ‘ના. હવે નહીં. તમે જાણો તો છો કે હું પ્રેગ્નન્ટ છું.’ ‘પ્રેગનન્ટ?’ ‘હા. આ બંગલો ખરેખર લકી છે. આપણે અહીં રહેવા આવ્યાં એ પહેલાં આપણી મેરેજ લાઈફ એકદમ રુટિન...બોરિંગ...બની ગયેલી. તમે પણ સાવ ઠંડા પડી ગયેલા અને ઉપરથી એ જ અઠવાડિયે તમે તો બિઝનેસ ટ્રિપ પર ઊપડી ગયા. મને તો ગુસ્સો જ ચડી ગયેલો, પણ તમે તો જબરી સરપ્રાઈઝ આપી. તમે તો બીજે જ દિવસે ટ્રિપ પરથી પાછા આવી ગયા.’ ‘હેં?’ રજતને તમ્મરિયા આવી ગયા. એ કાંઈ સમજે કે બોલે એ પહેલાં તો એની પત્નીએ વાત આગળ ચલાવી, ‘ખબર નહીં તમે ત્યાં કઈ દવા ખાઈને આવ્યા? તમે તો જબ્બર, જુવાનિયાઓને પણ શરમાવે એવા એક્ટિવ થઈ ગયા. છેલ્લા એક મહિનામાં તમે મને જેટલો પ્રેમ કર્યો છે એટલો તો અત્યાર સુધી ક્યારેય નથી કર્યો. જુઓને મને પ્રેગનન્ટ કરી દીધી, પણ હવે બધું બંધ. આપણાં આવનારા બાળકને કોઈ નુકસાન ના પહોંચે એ માટે હવેથી આપણે આપણી જાત પર કાબૂ રાખીશું. ગુડ નાઈટ સ્વીટહાર્ટ.’ બોલીને રજતની પત્ની તો ઊંઘી ગઈ, પણ રજતની ઊંઘ ઊડી ગઈ. એને કાંઈ ના સમજાયું, પણ એને એ વાતનો અહેસાસ તો થયો કે કંઈક તો ગરબડ છે. ઊંઘ ઊડી ગઈ અને મગજ ભમી ગયું એટલે એક પેગ બનાવીને એ ડ્રોઈંગ રૂમમાં આવીને બેઠો. થોડી વાર પછી એને પોતાના બેડરૂમમાં કંઈક અવાજ સંભળાયો. એટલે એ બેડરૂમ પાસે ગયો. દરવાજો ખુલ્લો હતો. એણે અંદર નજર નાખી તો બેડ પર એ જાતે પોતાની પત્ની સાથે છેડછાડ કરી રહ્યો હતો. એની પત્નીને પણ મજા પડી રહી હતી. એ દૃશ્ય જોઈને રજતને તમ્મરિયા આવી ગયા. એ જ સમયે બેડ પર રહેલા રજતે 360 અંશે ડોકું ઘુમાવીને દરવાજે ઊભેલા રજતને સ્મિત આપ્યું. એ જોઈને દરવાજે ઊભેલો રજત ચીસ પાડીને બેભાન થઈ ગયો. સવારે એ પત્નીની ચીસ સાંભળીને સફાળો જાગ્યો ત્યારે એ પોતાના બેડ પર હતો. એની પત્નીને પેટમાં ભયંકર દુ:ખાવો ઉપડ્યો હતો. એ તાત્કાલિક પત્નીને હોસ્પિટલ લઈ ગયો, જ્યાં એની પત્નીને મિસકેરેજ થઈ ગયું અને મિસકેરેજમાં અડધા ફૂટનો મરેલો કાળા રંગનો કરોળિયો જોવા મળ્યો. હવે એને ખ્યાલ આવ્યો કે એ બંગલો એને આટલો સસ્તો કેમ મળ્યો હતો. એણે એ જ દિવસે એ બંગલો ખાલી કરી નાખ્યો. એ લોકો જેવા નવા ઘરમાં પ્રવેશ્યાં કે અત્યાર સુધી એકદમ તંદુરસ્ત અને હ્યુષ્ટપુષ્ટ દેખાતાં રજતનાં પત્ની અને બાળકો એક જ કલાકમાં ચિમળાઈ ગયાં અને એ જ અઠવાડિયે મરી પરવાર્યાં. રજતને એ સસ્તો બંગલો મોંઘો પડી ગયો.⬛ makwanjagdish@yahoo.com

અન્ય સમાચારો પણ છે...