તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લાઈટ હાઉસ:બ્રાન્ડ એમ્બેસેડર્સ ઓફ પેશન્ટ્સ

રાજુ અંધારિયા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લોકોની કીમતી જિંદગી બચાવવા માટે જેઓ કાર્ય કરે છે એમની યાદી ઘણી લાંબી બને

મુંબઈના ઘરેણારૂપ ગેટવે ઓફ ઇન્ડિયા પર આવેલી તાજ પેલેસ હોટલ જેના પર નવેમ્બર 26, 2008ના ત્રાસવાદીઓએ હુમલો કરેલો. એ સમયે હોટલના રૂમોમાં 500 પ્રવાસીઓ રોકાયેલા હતા. હોટલની વિવિધ રેસ્ટોરાં અને બેન્કવેટ હોલમાં બીજા 600 લોકો હતાં. ઉપરાંત એ વખતે હોટલમાં કાર્યરત 600 જણાનો સ્ટાફ. સ્ટાફને હોટલમાંથી બહાર નીકળવાના વિવિધ માર્ગોની ખબર હોય, પણ એમાંથી એક પણ માણસ ભાગી ગયો નહીં. ઊલટાનું સમયસૂચકતા વાપરીને હોટલમાં હાજર મહેમાનો સાથે સતત કોમ્યુનિકેશન કરીને શાંતિ અને સ્વસ્થતા સાથે સપોર્ટ, સલામતીની ખાતરી સાથે પૂરી સંભાળ લીધી. એ સમયે ત્યાંથી 1700 લોકોમાંથી 1600ને સલામતીપૂર્વક બહાર કાઢવામાં આવ્યાં. 34 લોકોનાં મૃત્યુ થયાં એમાંથી અડધોઅડધ તો સ્ટાફના માણસો હતા. સ્ટાફની આવી વર્તણૂકનું કારણ શું? હાર્વર્ડ યુનિવર્સિટીમાં આ ઘટના સમયે સ્ટાફ દ્વારા કરવામાં આવેલ કામગીરીનો કેસ સ્ટડી કરવામાં આવ્યો. એ મુજબ ત્યાં સ્ટાફની ભરતી એના માર્કના આધારે નહીં, પરંતુ હોસ્પિટાલિટી મેનેજમેન્ટના છેલ્લા વર્ષમાં ભણતા એવા વિદ્યાર્થીઓને પસંદ કરવામાં આવે કે જેઓ મા-બાપ, વડીલ અને શિક્ષકોને સન્માન આપવાનો સ્વભાવ ધરાવતા હોય. આમ એમની નિમણૂક માર્ક્સના આધારે નહીં, પરંતુ એમના એટિટ્યૂડ-વલણના આધારે થાય. બીજું, પ્રારંભિક ટ્રેનિંગ આપવામાં આવે ત્યારે એમને હોટલના બ્રાન્ડ એમ્બેસેડર નહીં, પરંતુ ગ્રાહકોના એમ્બેસેડર (એમ્બેસેડર ઓફ કસ્ટમર્સ) તરીકેની ભૂમિકા ભજવવાનું કહેવામાં આવે. આ પ્રકારની કાર્યપદ્ધતિને લીડરશિપ ફ્રોમ બિલો કહેે છે. આ આઈડિયાનો આધાર છે ‘મેનેજ યોર મેનેજર.. લીડ યોર લીડર.’ કોવિડ-19ની પરિસ્થિતિના સંદર્ભમાં જોઈએ તો એવાં લાખો લોકો હશે જેમણે લીડરશિપનો આ સિદ્ધાંત શીખેલો ન હોવા છતાં અમલમાં મૂક્યો હશે. કોરોના વોરિયર્સ તરીકે આપણે જેમને સન્માન આપીએ છીએ એ બધાં આ કેટેગરીમાં આવી જાય. નીચેના સ્તરેથી આગેવાની પૂરી પાડીને લોકોની કીમતી જિંદગી બચાવવા માટે જેઓ કાર્ય કરે છે એમની એક શક્ય યાદી બનાવીએ: હોસ્પિટલ કે કેર સેન્ટરના દરવાજે લોકોની આવનજાવનને નિયંત્રણમાં રાખતા પહેરગીર, લોકોના ફોનના જવાબ આપતા કૉલ સેન્ટરમાં કામ કરતા કર્મીઓ, બેકઓફિસ મેનેજમેન્ટ સ્ટાફ, જરૂરિયાતમંદ લોકોનાં ઘરે જમવાનું પહોંચાડતાં પરગજુ લોકો, કોઇપણ દેખાડો કર્યા વગર મદદ કરતા ઉદારદિલ દાતાઓ, પેરામેડિકલ/નર્સિંગ સ્ટાફ અને ડોક્ટરો, વેક્સિનેશનનું કામ કરનારાં, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કાર્યરત પોલીસ-સુરક્ષાદળના જવાનો, અન્ય વહીવટી સ્ટાફ... આ યાદી સંપૂર્ણ નથી, હજુ એમાં અન્ય લોકોને ઉમેરી શકાય. લોકોનું હિત આ એમ્બેસેડર્સ માટે સર્વોપરી છે એનું એક ઉદાહરણ: એપ્રિલ 2021 દરમિયાન કેરળને ભારત સરકાર તરફથી 73,38,806 કોવિડ વેક્સિનના ડોઝ આપવામાં આવેલા. વેક્સિનના દરેક વાયલમાં આપી શકાય એટલાં ડોઝ કરતાં વેસ્ટેજ ફેક્ટર તરીકે થોડું વધારે વોલ્યુમ ભરવામાં આવતું હોય છે જેનો ઉપયોગ કરીને કેરળના હેલ્થ વર્કરોએ 74,26,164 લોકોનું રસીકરણ કર્યું. આ છે પાયાના સ્તરની લીડરશિપની સજાગતા, સંવેદનશીલતા અને કુશળતા!⬛ rajooandharia@gmail.com

અન્ય સમાચારો પણ છે...