તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નીલે ગગન કે તલે:બોયોયે નઠી ને ચાયોયે નઠી

13 દિવસ પહેલાલેખક: મધુ રાય
 • કૉપી લિંક

આજકાલ અમેરિકામાં એક તિલસ્મી અફસાનો ભજવાઈ રહ્યો છે, અમેરિકાના લોકશાહી મંદિરમાં! ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર મહાભિયોગ છે કે 2020ના ઇલેક્શનમાં તેણે તેની હારનો કદી સ્વીકાર કર્યો નહીં અને તે પરિણામનો વિધિસર સ્વીકાર કરવા રાજકારણીઓ ભેગા થયા ત્યારે ટ્રમ્પે જનતાને ખોટા દાવાઓથી ઉશ્કેરી રાજધારી ઉપર કુમક લઈ આવવા આમંત્રણ આપ્યું. તેના ચાહકોનાં ધાડાંએ રાજધાનીમાં આવી તોડફોડ કરી, હિંસા ફેલાવી જેમાં કેટલાય ઘાયલ થયા, પોલીસોનાં મોત થયાં. રાજનેતાઓને અને તેમના સ્ટાફને સુરક્ષા દળો સલામત સ્થળે ખસેડાયા અને આ તરફ હુલ્લડખોરો નેતાઓની ઓફિસોમાં જઈને લૂંટફાટ કરવામાં ગોઠવાયા. દરમિયાન નામદાર ટ્રમ્પે પોતાના પાગલ બનેલા ચાહકોને હિંસા ન કરવા એક હરફ પણ કહ્યો નહીં, ગેલથી એમની વિનાશલીલા ટીવી ઉપર જોતા રહ્યા અને અંતે એ લોકોને એટલું કહ્યું કે, આઈ લવ્હ યુ, પણ હવે ઘરે જાઓ. ટ્રમ્પની આવી કરપીણ હરકત છતાં, અને રોજ કલાકો સુધી આંખમાં લોહી તરી આવે એવી ગુનાઇત પ્રવૃત્તિઓના વિડિયો રજૂ થવા છતાં, સૌ જાણે છે કે રાજસભાના 100 સભ્યોમાંથી 67 તેને ગુનેગાર ગણે તો જ તેને ‘સજા‘ થાય, જેમાં ટ્રમ્પની પાર્ટીના 17 સભ્યોએ ટ્રમ્પને ગુનેગાર ગણાવા હાથ ઊંચો કરવો પડે, પણ ટ્રમ્પે કહ્યું છે હું ભરબજારે, બરબપોરે કોઈ માણસને ગોળીથી ઠાર કરું તોપણ મને કાંઈ થાય નહીં– યાને હવે પછી આવતી ચૂંટણીમાં ટ્રમ્પ ફરી પ્રેસિડેન્ટ બનવા ઇલેક્શન લડશે, બે વાર ઇમ્પીચમેન્ટમાં જીત્યાનો તાજ તેના માથે હશે અને પોતે પાખંડથી ભેગા કરેલા કરોડો ડોલરનું ફંડ ફૂંકીને– ન કરે નારાયણ– ને જીતશે. હજી લગભગ અરધા અમેરિકનો માને છે કે ટ્રમ્પે દુનિયામાં અમેરિકાનો વટ પડાવ્યો; ને અમેરિકનોને લાડ લડાવ્યા; આઠ મુસલમાન દેશોના પ્રવાસીઓને અટકાવ્યા, કેમકે તેમાં ટેરરિસ્ટો ઘૂસી આવે; ને ચોરીછૂપીથી અમેરિકા ઘૂસી આવેલા મેક્સિકન, ગ્વાટામાલા ને બીજા ભિખારી ગરીબ દેશોના લોકોને પાછા ખદેડ્યા, કેમકે તે લોકો આવીને ગોરી સ્ત્રીઓને રંજાડે છે ને ગુંડાગર્દી કરે છે; ને ચીન ફીન જેવા ફાંકોડીઓને હન્ટરથી ફટકાર્યા કેમકે ચીનાઓ અમેરિકાને આર્થિક રીતે લૂટે છે! વિસ્મિય થાય છે કે અમેરિકાના ઇન્ડિયનો કૂદી કૂદીને ટ્રમ્પને નવાજે આપે છે કેમકે તેઓ માને છે કે પોતે યાને ઇન્ડિયનો તો ગોરા જ કહેવાય ને બાકીના બધા કાળિયા, ને મિંયા, ને મેક્સા ને હલકા. ઇન્ડિયનો તે સમજતા નથી કે સરેરાશ અમેરિકનો ઇન્ડિયનોને પોતાનાથી નીચા ગણે છે. કહેવાય છે કે અમેરિકાના અર્ધશિક્ષિત ગોરાઓ ટ્રમ્પને દેવતુલ્ય માને છે કેમકે ટ્રમ્પ તેમના જેવી જ ખારીલી ભાષા બોલે છે. આ કારણે ટ્રમ્પને ગળા સુધી ખાતરી હતી કે 2020ના ઇલેક્શનમાં તે જીતશે, પરંતુ તે હાર્યા. ટ્રમ્પ ચિક્કાર આત્મપ્રીતિથી હજી સુધી માનતા નથી કે તે હાર્યા, તે હજી સુધી માને છે કે ઇલેક્શનમાં અંચાઈ થઈ છે ને સાચેસાચ તો ચૂંટણી જીત્યા છે નામદાર ડોનાલ્ડ ટ્રમ્પ. આ મનસ્વી, સ્વાર્થી અને સરાસર ઝૂઠ માન્યતાને ડઝનબંધ કોર્ટોએ ફગાવી દીધી છે, પણ પાવો વગાડીને બાળકોને નદીમાં દોરી જનાર ધુતારાની જેમ ટ્રમ્પે પોતાનું વાજું એવી સિફતથી વગાડ્યું છે કે તેના ચાહકો તેના બોલ ઉપર જાનની બાજી લગાવવા તૈયાર છે! ચારેચાર વર્ષ દરમિયાન તેની વફાદાર કૂતરા જેવી ભક્તિ કરનાર ખુદ તેના જ વાઇસ પ્રેસિડેન્ટ માઇક પેન્સને ફાંસીએ લટકાવો તેવા નારા તેના ચાહકો ગાતા હતા કેમકે પેન્સે ટ્રમ્પની સાવ દેશદ્રોહી હરકત સ્વીકારી નહીં! તે ચેલાઓ ટ્રમ્પ ઉપર કોઈ કેસ–બેસ થાય તો તે લડવા ખોબલે ખોબલે ફંડ આપે છે! અમેરિકાના પ્રથમ પ્રેસિડેન્ટ જોર્જ વોશિંગ્ટન કાયમ સત્ય બોલવા માટે પંકાયા હતા. અને ‘વોશિંગ્ટન પોસ્ટ‘ અખબારે કરલી નોંધણી મુજબ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના ચાર વર્ષના કાર્યકાળમાં ટ્રમ્પ 30,573 વાર હળાહળ જુઠ્ઠું બોલ્યા છે. બે વાર ઇમ્પીચ થયા છતાં તેનું કાંઈ બગડવાનું નથી કેમકે ટ્રમ્પે બેશરમીને પોતાના ગુણ તરીકે ખપાવી છે, તેને અરધોઅરધ પ્રજાનો ટેકો છે. જય જયોર્જ! ⬛ madhu.thaker@gmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો