તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દીવાન-એ-ખાસ:બ્લડ ડાયમંડ પછી હવે ‘બ્લડ ગોલ્ડ’

વિક્રમ વકીલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જરૂરિયાત કરતાં હજાર ઘણું સોનું અમેરિકન કંપનીઓ આયાત કરે છે. આ વધારાનું સોનું ડ્રગ માફિયાઓ ખરીદી લે છે. અમેરિકાના માયામી શહેરમાં મોટા પ્રમાણમાં આવા ગોરખધંધા થઈ રહ્યા છે

લેટિન અમેરિકાના દેશોએ 80ના દાયકાથી કોકેઇન જેવા નશીલા પદાર્થોને યુએસએમાં ઘુસાડવાની શરૂઆત કરી ત્યારથી ડ્રગ માફિયાઓને એક પ્રશ્ન સતાવતો રહ્યો છે. અમેરિકામાં બંધાણી સુધી તો દાણચોરી મારફતે મેક્સિકોના રસ્તેથી કોકેઇન કે હેરોઇન જેવા ડ્રગ્સ ઘુસાડી શકાય છે, પરંતુ આ ડ્રગ્સ સપ્લાય કરતા માથાભારે માફિયાઓ સુધી ડ્રગ્સના પૈસા કઈ રીતે પહોંચાડવા? પાબ્લો એસ્કોબારની ગણના એક સમયે વિશ્વની સૌથી ધનિક વ્યક્તિ તરીકે થતી હતી. કોલમ્બિયાના ડ્રગ માફિયા પાબ્લો એસ્કોબારે કોકેઇનનું ઉત્પાદન કરીને અમેરિકામાં ઘુસાડી અબજો ડોલર કમાયા હતા. 80-90ના દાયકામાં એસ્કોબાર અને બીજા માફિયાઓનાં વિમાનો ડ્રગ લઈને અમેરિકામાં ઊતરતાં. ત્યાં ખાલી થયા પછી એ વિમાનોમાં અમેરિકન ડોલરના કોથળાઓ ભરાઈને ફરીથી લેટિન અમેરિકાના દેશોમાં પહોંચતા. એસ્કોબાર પાસે એટલા બધા અમેરિકન ડોલરનો જથ્થો આવતો કે એનું શું કરવું એની એને ખબર પડતી નહોતી. તે ડોલર ભરેલા કોથળાઓ જમીન ખોદીને નીચે દાટી દેતો હતો. તેના એન્કાઉન્ટર પછી ડ્રગ માફિયાઓને ખબર પડી કે બે નંબરના ગમે તેટલા પૈસા હશે, પરંતુ તેઓ એનો ઉપયોગ કરી શકવાના નથી. ખાસ કરીને અમેરિકાસ્થિત ડ્રગ માફિયાઓ માટે બે નંબરના ડોલરને કાયદેસરના કરવાનું કામ મુશ્કેલ હતું અને ત્યાંથી જ શરૂઆત થઈ ગોલ્ડ મારફતે ડ્રગમનીને ધોળાં કરવાનું કૌભાંડ! ‘ગોલ્ડ લોન્ડરિંગ’ તરીકે ઓળખાતા આ કૌભાંડ વિશે ટૂંકમાં કહેવું હોય તો કહી શકાય કે ગેરકાયદેસર રીતે મેળવેલા સોનાને ગાળીને એને ફરીથી નવું સ્વરૂપ આપી એ સોનું વેચી, મેળવવામાં આવતા ડોલરની કરન્સીને કાયદેસરતા આપવાની વિધિ. કેટલાક કિસ્સાઓમાં તો ફક્ત ચોપડે જ આ પ્રક્રિયા બતાવીને ડ્રગમનીને સફેદ કરવામાં આવે છે. થોડાં વર્ષો પહેલાં કોલમ્બિયાએ સોનાની નિકાસ 70 ટનની બતાવી હતી, જ્યારે કોલમ્બિયા દર વર્ષે ફક્ત 15 ટન સોનાનું ઉત્પાદન કરે છે. કસ્ટમ અધિકારીઓ અને ડ્રગ માફિયા વચ્ચેના ગેરકાયદેસર સંબંધનો ઉપયોગ કરીને આ પ્રોસેસ કરવામાં આવે છે. કેટલાક કિસ્સાઓમાં સોનાની લે-વેચ પણ થાય છે. પેરુ જેવા દેશોની ખાણમાંથી નીકળતા સોનાની આયાત અમેરિકાની કેટલીક કંપનીઓ કરે છે. સોનાનાં વેચાણ દ્વારા પેરુની જે કંપનીઓ અમેરિકન ડોલર મેળવે છે એ કંપનીઓ હકીકતે તો ડ્રગ માફિયાઓની જ હોય છે. આ રીતે કાયદેસરના મેળવેલા અમેરિકન ડોલરને ફરીથી અમેરિકામાં રી-ઇન્વેસ્ટ કરવામાં આવે છે. ટેક્સ ચોરીના પૈસા બાબતે અમેરિકાના કાયદાઓ ખૂબ જ કડક છે. મોટા સોદા રોકડ મારફતે થઈ શકતા નથી અને એટલે જ ડ્રગ માફિયાઓએ એમની કમાણીનો મોટો હિસ્સો કાયદેસરનો કરવો જરૂરી બને છે. સોનું એક એવી ધાતુ છે કે, વિશ્વના કોઈપણ દેશમાં ચલણ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. સોનાને ગાળીને એને કોઈપણ આકાર આપી શકાય છે અને એની દાણચોરી પણ સહેલાઈથી થઈ શકે છે. જોકે, અમેરિકાના ફ્લોરિડા અને માયામી ખાતે આવેલી મોટાભાગની સોનાનું લે-વેચાણ કરતી કંપનીઓ ડ્રગમની સાથે સંકળાયેલી છે એમ કહી શકાય. અમેરિકાના સોનાની જરૂરિયાત લેટિન અમેરિકાના દેશો પૂરી કરે છે. ઝવેરાત કે ઈલેક્ટ્રોનિક ઉદ્યોગ માટે સોનાની જરૂર પડે છે, પરંતુ આ જરૂરિયાત કરતાં હજાર ઘણું સોનું અમેરિકન કંપનીઓ આયાત કરે છે. આ વધારાનું સોનું ડ્રગ માફિયાઓ ખરીદી લે છે. અમેરિકાના માયામી શહેરમાં ખૂબ મોટા પ્રમાણમાં આવા ગોરખધંધા થઈ રહ્યા છે. ડ્રગ માફિયાઓ જે સોનું ખરીદે છે એને હવે ‘બ્લડ ગોલ્ડ’ નામ આપવામાં આવ્યું છે.⬛ vikramvakil@rediffmail.com

અન્ય સમાચારો પણ છે...