તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિચારોના વૃંદાવનમાં:બ્લેકમેઈલ તો નરકનું પ્રવેશદ્વાર છે એમાં ફજેતીની કેમિસ્ટ્રી સંતાયેલી હોય છે

4 મહિનો પહેલાલેખક: ગુણવંત શાહ
 • કૉપી લિંક
 • બ્લેકમેઈલ એક એવો ગુનો છે જેનું કદ નોર્મલ માણસના કોઈ કુકર્મ કરતાં અનેકગણું વધારે હોય છે. બ્લેકમેઈલ દ્વારા થતી ફજેતીની કેમિસ્ટ્રી સમજી રાખવા જેવી છે

આપણા રોગપ્રિય સમાજમાં કોઈ નિર્દોષ મનુષ્યની ફજેતી થાય ત્યારે અંદરથી હરખ પામનારાંઓની સંખ્યા છેક નાની નથી હોતી. મનુષ્ય જેટલો જાણીતો અને માનીતો હોય એટલી એની ફજેતી વધારે સ્વાદિષ્ટ જાણવી. સીતાને ફજેત કરવા માટે એક ધોબી પૂરતો ગણાય. ફજેતીની કેમિસ્ટ્રી એનું કામ કરતી રહે છે. ‘બ્લેક’ શબ્દ સમજી લેવા જેવો છે.

આજથી 50-60 વર્ષો પહેલાં આપણાં વડીલોને ‘બ્લેકમેઈલ’ શબ્દ અજાણ્યો હતો. ‘બ્લેક કોડ’ એટલે કાળો કાયદો. સન 1349માં યુરોપમાં આજના કોરોના જેવી મહામારી ફેલાઈ ગઈ હતી. એ મહામારીને ‘બ્લેક ડેથ’ તરીકે ઓળખાવવામાં આવી હતી. સન 1756માં સિરાજ ઉદ્દોલ્લાએ કેદીઓને એક બંધ કોટડીમાં પૂરી દઈને ગૂંગળાવી માર્યા હતા. એ દુર્ઘટનાને ‘બ્લેક હોલ’ તરીકે ઓળખવામાં આવે છે. હડતાલ પડે ત્યારે ખાનગીમાં હડતાલ તૂટી પડે તેવું ષડ્્યંત્ર કરનારા લોકોને ‘બ્લેક શીપ’ તરીકે ઓળખવામાં આવે છે. સત્તાવાળા લોકોની અવકૃપા પામનારા લોકોની યાદીને ‘બ્લેક લિસ્ટ’ કહેવામાં આવે છે. આયર્લેન્ડના ક્રાંતિકારી પક્ષ સીનફીનની સામે બ્રિટિશ સરકારે ઊભું કરેલું ખાસ દળ ‘બ્લેક એન્ડટેન્સ’ નામે ઓળખાતું હતું. મોટા નેતાની ચુસ્ત સુરક્ષા માટે રચાયેલું સૈનિકોનું ખાસ દળ ‘બ્લેક કેટ કમાન્ડો’ નામે ઓળખાય છે. આજકલ આપણા દેશને ‘ બ્લેક મની’ પજવે છે. મેલી વિદ્યાને અંગ્રેજીમાં ‘બ્લેક મેજિક’ કહે છે. કરજણથી થોડે દૂર મેલડી માતાનું મંદિર જોયાનું યાદ છે. ખગોળ શાસ્ત્રમાં અનંત અવકાશના વિરાટ શૂન્યને પણ ‘બ્લેક હોલ’ કહેવામાં આવે છે. બાયપાસ સર્જરી થઈ ત્યારે બેભાન અવસ્થામાંથી ફરી ભાનમાં આવ્યો ત્યારે આ જ કોલમમાં મેં લખેલું કે હું ‘બ્લેક હોલ’માં પ્રવેશવાનો છું. ત્યાંથી પાછો ફર્યો ત્યારે સ્વજનોને નિરાંત થયેલી. હું હતો કે ન હતો? કોને ખબર?

‘બ્લેકમેઈલ’ એટલે શું? મૂળે આ શબ્દ ચોર ચોરી ન કરે એટલે આગળથી એને પૈસા આપવાની યુક્તિ પરથી ઊતરી આવ્યો છે. આજે તો કોઈ માણસ જાહેરમાં ફજેત થાય તેવી કોઈ ગુપ્ત વાતનો જાણકાર એ વાતનો ભાંડો જાહેરમાં ન ફોડે તે માટે જે લાંચ-લાલચ આપવી પડે તેવા ભય માટે પ્રયોજાય છે. માણસને પોતાની ફજેતી થાય તેનો ડર લાગે છે. ક્યાંક સેક્સની છૂટ લેતી વખતે કોઈ હલકટ માણસ એ દૃશ્ય જોઈ જાય ત્યારે પોતે જાણે સોનામહોર પામ્યા હોય એવો તમોગુણી હરખ પામે છે. એમ બને પછી એ પ્રતિષ્ઠિત સજ્જનને ડરાવતો રહે છે. જે મનુષ્ય એવા ભયનો સામનો કરે તો એ સજ્જનની અંદરની તાકાત ખૂબ વધી જાય છે. તકલાદી પ્રતિષ્ઠા ચાલી જાય એવા ભયનો લાભ કેવળ દુર્જનોને મળતો રહે છે. આવો લાભ લેવા માટે હૃદયશૂન્ય હોવું ખૂબ જરૂરી હોય છે. આપણા રુગ્ણ સમાજમાં દુર્જનો કાયમ બહુમતીમાં હોય છે.

ફજેતી બે પ્રકારની હોય છે: (1) વેજીટેરિયન ફજેતી અને (2) નોનવેજીટેરિયન. વેજીટેરિયન ફજેતીમાં થાય તેમાં માણસ નિર્દોષ હોય તોય અમથો ફજેત થતો રહે, દુઃખી થતો રહે. આવી ફજેતીમાં નનામો પત્ર કેન્દ્રસ્થાને હોય છે. ક્યારેક અખબારો મસાલાભૂખ્યાં હોવાને કારણે આવી વાનગીને ચગાવે છે. નિર્દોષ માણસ ક્યારેક વેજીટેરિયન ફજેતીથી પણ ફફડે છે. લોકો આવે વખતે ગમ્મતનાં ગુલાબજાંબુ પેટમાં પધરાવતાં રહે છે. સજ્જન વિનાકારણ નીચું જોઈ જાય તે વાતે હરખાનારો સમાજ મનોરોગી ગણાય. નોનવેજીટેરિયન ફજેતી એટલે શું? નોર્મલ માણસ ક્યારેક કોઈ કુકર્મ કરી પાડે છે. એવે વખતે અયોધ્યાનો ધોબી કામે લાગે છે. બ્લેકમેઇલર કરનારની અવગણના કરવી એ જ ખરો ઉપાય છે. ઉપેક્ષામાં બહુ મોટી તાકાત રહેલી હોય છે. બ્લેકમેઈલ એ એવો ભયંકર ગુનો છે, જે બ્લેકમેઈલ કરનાર હલકટ માણસ પોતે પણ કરતો હોય છે. વેરભાવ તો બ્લેકમેઈલરનો સ્થાયીભાવ ગણાય. બ્લેકમેઈલ એક એવો ગુનો છે જેનું કદ નોર્મલ માણસના કોઈ કુકર્મ કરતાં અનેકગણું વધારે હોય છે. બ્લેકમેઈલ દ્વારા થતી ફજેતીની કેમિસ્ટ્રી સમજી રાખવા જેવી છે:

(1) કોઈનો પત્ર જે તે માણસની જાણબહાર વાંચવો એ એવડો મોટો ગુનો છે, જે પત્રમાં પ્રગટ થતા કોઈ પણ ખાનગી ગુના કરતાં પણ અનેકગણો મોટો ગણાય. (2) કોઈનો પ્રેમપત્ર છાનામાના વાંચવામાં રહેલું પાપ સજ્જનની હત્યા કરતાં નાનું ન હોઈ શકે. જો પ્રેમપત્ર લખવો એ ગુનો હોય, તો પંડિત નેહરુ દુનિયાના મહાન ગુનેગાર ગણાય. લેડી માઉન્ટબેટન સન 1947 પછી બ્રિટન ગયાં તે પછી વડાપ્રધાન બનેલા પંડિતજી રોજ એક પ્રેમપત્ર લેડી માઉન્ટબેટનને લખી મોકલતા. આ વાત જાણીને પંડિતજી પ્રત્યેનો મારો આદર વધી ગયો ! પચાસ વર્ષની ઉંમરે પહોંચેલા પંડિતજી પદ્મજાના લાંબા અંગત તારનો જવાબ આપતી વખતે તાર દ્વારા લખે છે : ‘પ્રિયે ! તારો તાર મને મળ્યો છે. કેટલો મૂખર્તાભર્યો, સ્ત્રીસહજ અને ખર્ચાળ ! કે પછી તંે સુભાષને પ્રેમ કર્યો તે બદલ કરેલું પ્રાયશ્ચિત્ત હતું ?’ પ્રેમપત્ર લખવાની બાબતે પંડિતજીની હરીફાઈ કરી શકે તેવા બે મહાનુભાવો વંદનીય છે : (1) ગુરુદેવ રવીન્દ્રનાથ ઠાકુર અને (2) બર્ટ્રાંડ રસેલ. ત્રીજા ગણવા જ હોય, તો જે. કૃષ્ણમૂર્તિ. નેહરુજી સાથે વિચારભેદ ધરાવનાર સરદાર પટેલે કદી પણ આ બાબતે એક શબ્દ પણ ઉચ્ચાર્યો નથી. સાચા પ્રેમ આગળ સતયુગ પણ ઝંખવાણો પડી જાય એમ બને.

દુનિયામાં કેટલાંય યુગલો એવાં હશે જે બ્લેકમેઇલના કલ્પિત ભયને કારણે નરકમય સહજીવન વેઠી રહ્યાં હોય! દુનિયામાં કેટલીય એવી દીવાલો હોય છે, જેના પર લટકતો અરીસો ઉતારવા જાઓ તો આખી દીવાલ તૂટી પડે! સદ્્ગત ખુશવંત સિંઘની નિખાલસતાનો હું જબરો પ્રશંસક છું. ક્યાંક મેં એમને ‘નિખાલસ સિંઘ’ કહીને વધાવ્યા છે. યાદદાસ્તને આધારે એમનું bold વિધાન અહીં પ્રસ્તુત કરું? ‘પરદેશની અનેક સ્ત્રીઓ સાથે હું સૂતો છું, પરંતુ મને એવું લાગે છે કે ખાટલામાં તો બધી જ સરખી હોય છે.’ ફજેતીની કેમિસ્ટ્રીને ખુશવંત સિંઘે એક સાવ જ નવું પરિમાણ આપ્યું ગણાય. ચાર્લી ચેપ્લિને કહ્યું છે કે ‘કલાકૃતિ એટલે આ જગત પરનો સુલિખિત પ્રેમપત્ર.’ પ્રશ્નપત્ર અને પ્રેમપત્રને ફૂટી જવાની કુટેવ હોય છે.

સજ્જન હોય એવા નોર્મલ મનુષ્યોએ એક ખાસ ફજેતી અવશ્ય ટાળવી જોઈએ. ક્યારેક સીધી લીટીનો મનુષ્ય પણ એવું કોઈ કામ કરી પાડે છે, જેને કારણે એ પોતાની જ નજરમાંથી ઊતરી જાય છે. અંગ્રેજીમાં જેને self-esteem કહે છે તે બાબત આપણી પર્સનાલિટી માટે અત્યંત મૂલ્યવાન છે. નાનપણમાં અમે સુરતના નગીનચંદ હૉલમાં શ્રીકાન્ત આપટેજીએ લખેલું અને સર્જેલું નાટક ‘સંત તુકારામ’ ભજવેલું. એમાં તુકારામ મહારાજને કાયમ ફજેત કરનારા ઇર્ષ્યાળુ અને તમોગુણી બ્રાહ્મણનું પાત્રનું નામ હતું: ‘નિર્લજ્જાનંદ’ આવું નામ આજે બ્લેકમેઈલ કરનારા પ્રતિ માનવ માટે જરૂર પ્રયોજી શકાય. આ નાટક જોનારાં કેટલાક લોકો રાંદેરમાં આજે પણ જીવે છે. એ નાટકમાં હું તુકારામ મહારાજનો પુત્ર બન્યો હતો. નિર્લજ્જાનંદ નામના બ્રાહ્મણે દેહુ ગામ પાસે વહેતી ઈન્દ્રિયાણી નદીમાં સંત તુકારામને પોતે રચેલા અભંગ પધરાવી દેવાની ફરજ પાડી હતી. એ નદી દેવીસ્વરૂપે સંતને અભંગ પાછા અર્પણ કરે તે પાત્ર ચંદ્રભાગા નામનાં બહેને ભજવ્યું હતું. તેઓ રાંદેરમાં જીવે છે અને સારાં પુસ્તકો વાંચવામાં રમમાણ રહે છે.
***
પાઘડીનો વળ છેડે
લેનિનનો પ્રેમપત્ર કોયાને
મોસ્કો 9-7-1919
પ્યારી કોયા,
લાંબા સમય માટે મારે તારાથી દૂર રહેવું પડ્યું તેથી આ સફર મને કઠિન અને કષ્ટદાયક લાગી... તું ખૂબ ખા, ખૂબ ઊંઘ... પછી તો શિયાળા સુધીમાં તું કામકાજ માટે તૈયાર થઈ જઈશ. હું તને આલિંગન કરું છું. તું મને લખ અને તાર કર.
-લેનિન
Blog:http://gunvantshah.wordpress.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો