તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બ્લેક એન્ડ વ્હાઈટ:બ્લેકહોલ: ખરેખર ગાગરમાં સાગર!

એક મહિનો પહેલાલેખક: આશુ પટેલની કલમે
 • કૉપી લિંક

થોડા મહિનાઓ અગાઉ ઓસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટી દ્વારા એક સ્ટડી થયો હતો જેમાં એક ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ બ્લેકહોલ દરરોજ એક સૂર્ય જેટલો પદાર્થ ‘આરોગી’ જતો હોવાનું જણાયું હતું. એ પહેલાં 2019માં અમેરિકન સ્પેસ એજન્સી ‘નાસા’ અને યુરોપિયન સ્પેસ એજન્સી ‘ઈએસએ’ દ્વારા એક સુપરમેસિવ બ્લેકહોલ શોધાયો હતો. એ બ્લેકહોલ એના ખોરાકમાં ચાર ચંદ્ર જેટલો પદાર્થ ગળચી જતો હતો અને એ પણ દિવસમાં એક વાર નહીં ત્રણ-ત્રણ વાર! એ બ્લેકહોલ આપણા સૂર્ય કરતા ચાર લાખ ગણો મોટો હતો અને પૃથ્વીથી અઢીસો મિલિયન પ્રકાશવર્ષ દૂર હતો. એ દરેક નવ કલાકે ચાર ચંદ્ર જેટલો પદાર્થ પોતાનામાં ખેંચી લેતો હતો. ‘નેચર’ જર્નલમાં એના વિશે એક અભ્યાસ પ્રકાશિત થયો હતો. એના મુખ્ય લેખક જીઓવાની મ્યુનિટીએ કહ્યું હતું કે અગાઉ ક્યારેય પણ જોવાયેલા બ્લેકહોલ કરતાં આ બ્લેકહોલ મોટો છે, પરંતુ થોડા મહિનાઓ અગાઉ ઓસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટી દ્વારા એક સ્ટડી થયો હતો જેમાં એક ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ બ્લેકહોલ દરરોજ એક સૂર્ય જેટલો પદાર્થ ગળચી જતો હોવાનું જણાયું હતું. એને J2157 નામ અપાયું છે (એનું આખું નામ તો SMSS J215728.21-360215.1 છે, પણ ઉલ્લેખમાં સહેલું પડે એટલે સંશોધકો એને J2157ના ટૂંકા નામથી ઓળખે છે). J2157 બ્લેકહોલ આપણા સૂર્ય કરતાં 34 બિલિયન ગણો વજનદાર છે. એ બ્લેકહોલ વિશે ‘મંથલી નોટિસિસ ઓફ ધ રોયલ એસ્ટ્રોનોમિકલ સોસાયટી’માં એક સ્ટડી પ્રકાશિત થયો હતો. એ સ્ટડીના મુખ્ય લેખક ક્રિસ્ટોફર ઓન્કરે કહ્યું હતું કે આપણી મિલ્કી વે ગેલેક્સીના બ્લેકહોલ ‘સેજિટેરીયસ’ને જો આ બ્લેકહોલ જેટલા મોટા થવું હોય તો એણે આપણી ગેલેક્સીના તમામ સ્ટાર્સ પૈકી બે તૃતિયાંશ એટલે કે પોણા ભાગ જેટલા સ્ટાર્સને હડપ કરી જવા પડે! જો આ આંકડાઓ વાંચીને તમારું મગજ બહેર મારી ગયું હોય તો જાણી લો કે J2157 બ્લેકહોલથી મોટા બ્લેકહોલ એબેલ85 (Abell85)નું વજન આપણા સૂર્ય કરતાં 40 બિલિયન ગણું વધુ છે. એ બ્લેકહોલ સેજિટેરીયસ (જે મિલ્કી વેના સેન્ટરમાં છે) બ્લેકહોલ કરતા આઠ હજાર ગણો મોટો છે અને પૃથ્વીથી 1.2 બિલિયન પ્રકાશવર્ષ દૂર છે. અને એબેલ85 પણ સૌથી મોટો બ્લેકહોલ નથી! અત્યાર સુધીમાં સૌથી મોટો બ્લેકહોલ શોધાયો છે એ TON 16 છે જે આપણા સૂર્ય કરતાં 66 બિલિયન ગણું વધુ વજન ધરાવે છે અને એ પૃથ્વીથી 10.37 બિલિયન કિલોમીટર દૂર છે (એક પ્રકાશ-સેકન્ડ એટલે એટલું અંતર જે પ્રકાશ એક સેકન્ડમાં કાપે એટલે કે અંદાજે 3 લાખ કિલોમીટર (ચોક્કસ અંતર કહીએ તો 2,99,792 કિલોમીટર), એક પ્રકાશ મિનિટ એટલે એટલું અંતર જે પ્રકાશ એક મિનિટમાં કાપે એટલે કે 180 લાખ કિલોમીટર, એક પ્રકાશ કલાક એટલે એટલું અંતર જે પ્રકાશ એક કલાકમાં કાપે એટલે કે 10,800 લાખ કિલોમીટર (એટલે કે 1 અબજ 8 કરોડ કિલોમીટર) અને એક પ્રકાશવર્ષ એટલે એટલું અંતર જે પ્રકાશ એક વર્ષમાં કાપે એટલે કે 9460 અબજ (એક્ઝેક્ટ કહેવું હોય તો, 9460,73,04,72,580) કિલોમીટર! હવે એને 10.37 બિલિયન સાથે ગુણી જુઓ!). બ્લેકહોલને ભદ્રંભદ્રની ભાષામાં કાળું બાકોરું કહેવાય! બ્લેકહોલ વિશે તળિયાઝાટક વાત કરવી હોય તો વિજ્ઞાનમાં ઊંડા ખૂંપેલા ભલભલા જ્ઞાનીઓને પણ ભારે પડી જાય. તો સામાન્ય વાચકો માટે તો આ વિષય બહુ અઘરો પડે. એટલે બ્લેકહોલ વિશે વાચકોને સરળતાથી સમજાવી શકાય એ માટે મેં જાણીતા ખગોળ વૈજ્ઞાનિક અને ઈન્ડિયન પ્લેનેટરી સોસાયટીના અધ્યક્ષ ડોક્ટર જે.જે. રાવલની મદદ લીધી. ડોકટર રાવલ કહે છે કે, ‘જ્યારે પ્રકાશ જ પલાયન ગતિ બને ત્યારે એવા ભારે અને ચોક્કસ સાઇઝવાળા નાના આકાશીપિંડોમાંથી પ્રકાશ પણ છટકી શકતો નથી અથવા કહો કે કોઈ ચોક્કસ દળવાળા આકાશીપિંડની ત્રિજ્યા એટલી નાની હોઈ શકે, જેથી ત્યાંથી પ્રકાશ પણ છટકી શકે નહીં. આવા આકાશીપિંડને બ્લેકહોલ કહે છે. બ્લેકહોલ બે શબ્દોનો બનેલો શબ્દ છે: બ્લેક અને હોલ. બ્લેક એટલે એ દેખાય નહીં. આવા આકાશીપિંડ પર પ્રકાશ ફેંકીએ તો પ્રકાશ એ આકાશીપિંડમાં ચાલ્યો જાય અને પછી પરાવર્તિત થઈને પાછો આવે નહીં. બ્લેકહોલ એટલે એવું બાકોરું કે જેના તળિયાની આપણને ખબર જ પડે નહીં. આમ બ્લેકહોલ્સ આપણા સૂર્યમાં જે પદાર્થ છે એના કરતાં સેંકડો, હજારો, લાખો, કરોડો અને અબજો ગણો પદાર્થ ધરાવતા આકાશીપિંડો છે. જોકે, બ્લેકહોલ વિશાળ જ હોય એ જરૂરી નથી. તદ્દન મિની બ્લેકહોલ પણ હોય છે જે એટલા બધાં સૂક્ષ્મ છે કે નજરે પણ પડે નહીં.’ ડોક્ટર જે.જે. રાવલ ઉમેરે છે કે ‘સૂર્યમાં જે પદાર્થ છે એના કરતાં બ્લેકહોલમાં સેંકડો, હજારો, લાખો, કરોડો કે અબજો ગણો પદાર્થ હોય. બ્લેકહોલનું ગુરુત્વાકર્ષણ

એટલું અતિ ભયંકર હોય છે કે એમાં ગયેલી વસ્તુ કદી પાછી આવી શકતી નથી. પછી એ મિની બ્લેકહોલ હોય કે જાયન્ટ બ્લેકહોલ હોય. બ્લેકહોલ તળિયા વગરના કૂવા જેવા છે કે પછી અત્યંત ઊંડા પણ તળિયાવાળા કૂવા છે એ કહી શકાય નહીં. જો એ તળિયા વગરના કૂવા હોય તો સૂર્યથી સેંકડો હજારો, લાખો, કરોડો, અબજો ગણા પદાર્થો ક્યાં જાય છે? બીજા વિશ્વમાં જાય છે અને બિગબેંગ કરે છે કે વોર્મહોલ યા અન્ય રૂપે આપણી જ ગેલેક્સીમાં બહાર પડે છે એના વિશે માનવજાત પાસે કોઈ ચોક્કસ માહિતી નથી. વિજ્ઞાનીઓ કલ્પના કરે છે કે એ પદાર્થ બીજા વિશ્વમાં જાય છે અથવા વોર્મહોલ, વ્હાઇટ હોલ કે અન્ય કોઈ રૂપે ફરી પાછો બ્રહ્માંડમાં આવે છે. જોકે, આ માત્ર કલ્પના છે. બ્લેકહોલ્સ નાના, મોટા અલગ-અલગ પદાર્થ ધરાવતા એમ કેટલાય પ્રકારના હોઈ શકે. મિની બ્લેકહોલ્સ આપણી આજુબાજુ હોઈ શકે છે. આપણું આટલું વિશાળ બ્રહ્માંડ પણ બ્લેકહોલ હોઈ શકે. આપણે પોતે પણ કદાચ બ્લેકહોલમાં રહેતા હોઈએ! કારણ કે આપણે માહિતી નથી તો આપણા બ્રહ્માંડની બહાર મોકલી શકતાં નથી કે નથી તો આપણે બહારથી માહિતી મેળવી શકતા.’ વર્ષો અગાઉ પ્રોફેસર સુબ્રમણ્યન ચંદ્રશેખર મુંબઈમાં ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચમાં આવ્યા હતા ત્યારે ટાટા ઇન્સ્ટિટ્યૂટે તેમનું બ્લેકહોલ પર વ્યાખ્યાન ગોઠવ્યું હતું. એ વખતે તેમણે કહ્યું હતું કે બ્રહ્માંડમાં બ્લેકહોલ જેવી સરળ અને સુંદર એક પણ વસ્તુ નથી. ખરેખર બ્લેકહોલ લાગે ખૂબ કોમ્લિકેટેડ, પણ એ સરળ અને સુંદર છે. બ્લેકહોલને ગુરુત્વાકર્ષણરૂપી ચાર પરિમાણવાળી અદૃશ્ય દીવાલ હોય છે. એ તળિયા વગરનાં છે કે તળિયાવાળાં એ વિશે હજુ ખરેખર ખગોળવિદોને ખબર નથી. બ્લેકહોલ વિશે પ્રથમ વિચાર 23 માર્ચ, 1749માં જન્મેલા અને 5 માર્ચ, 1827માં મૃત્યુ પામેલા મહાન ગણિતશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી લાપ્લાસને 1810માં આવ્યો હતો. તેમણે જ્યાં પલાયનગતિ જો પ્રકાશગતિ હોય તો એ વસ્તુ કેવી હોય એ વિશે પ્રશ્ન કરેલો. એ સવાલનો જવાબ 150 વર્ષ પછી મળ્યો અને એવી વસ્તુનું ચિત્ર 210 વર્ષ પછી મળ્યું. ઈવેન્ટ હોરાઇઝન ટેલિસ્કોપ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા (હવાઈથી સાઉથ પોલ સુધીમાં બેઠેલા) 200 ખગોળવિદોએ પૃથ્વી નજીકના (M87 ગેલેક્સીના કેન્દ્રમાં સ્થિત) બ્લેકહોલ M 87નું પિક્ચર 2017માં કેપ્ચર કર્યું હતું. બ્લેકહોલનું માનવજાતે જોયેલું એ પ્રથમ ચિત્ર હતું. બાય ધ વે, પૃથ્વીની ‘નજીકનો’ એ બ્લેકહોલ - M 87 પૃથ્વીથી માત્ર 55 મિલિયન પ્રકાશવર્ષ દૂર છે અને એનું વજન આપણા સૂર્ય કરતાં 6.5 બિલિયન ગણું વધુ છે!

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો