ક્રાઈમ ઝોન:હત્યાનું ષડયંત્ર રચનારાને જન્મટીપ, રૂ. 500 માટે મર્ડર બદલ મૃત્યુદંડ!

પ્રફુલ શાહએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સજા જાહેર થઈ ત્યારે આખો દેશ સ્તબ્ધ થઈ ગયો. કોર્ટે ડો. જૈન, ચંદ્રેશ અને રાકેશને જન્મટીપની સજા આપી, પણ કરતાર અને ઉજાગરને મૃત્યુદંડ અપાયો!
  • વિદ્યા મર્ડર કેસમાં અદાલતના ચુકાદાથી આંચકો

ચં(ગયા અંકથી આગળ) દ્રેશ શર્માનાં પગલાં દબાવતાં પોલીસ પહોંચી કોન્સ્ટેબલ રાકેશ કૌશિક સુધી. એક સંભવિત ગુનેગાર અને કાયદાના રક્ષક વચ્ચેની વાતચીતના દૌરે વિદ્યા જૈનનો જીવ કેવી રીતે લીધો એ હવે જાણવા અને સાબિત કરવાનો પડકાર પોલીસ સમક્ષ હતો. પણ પોલીસ તેજાબી કસોટીમાં પાછી ન પડી. વિદ્યા જૈનની હત્યાની એફ.આઈ.આર. ભલે અજાણ્યા શખ્સો સામે નોંધાઈ હતી, પણ પછી પોલીસે એક-બે નહીં, સાત આરોપીનાં નામ નોંધ્યાં, જેમાં ડો. નરેન્દ્ર સિંહ જૈન, ચંદ્રેશ શર્મા સહિતનાં નામ હતાં. અહીં સુધી પહોંચવાની મજલ ખૂબ રસપ્રદ હતી. હકીકતમાં ડો. જૈન તો ચંદ્રેશ શર્મા સાથે પરણવા માટે આતુર જ નહીં, ઉતાવળમાં હતા. મોટા માણસો વચ્ચેની ઊઠબેસને લીધે છૂટાછેડાની બદનામીથી તેઓ ડરતા હતા. અંતે આ યુગલે નક્કી કર્યું કે વિદ્યા નામના કાંટાને બંનેના સંબંધમાંથી કાઢી નાખ્યા પછી આગળ વધવાનું. ચંદ્રેશે પોતાના 25 વર્ષના કોન્સ્ટેબલ મિત્ર રાકેશ કૌશિકને સાફ શબ્દોમાં કહી દીધું કે વિદ્યાને માર્ગમાંથી હટાવવી છે, તો તું કંઈક મદદ કર. રાકેશે નજીકમાં જ રહેતા કરણ સિંહને મળીને આ કાતિલ ઓપરેશન માટે 20 હજાર રૂપિયા ઓફર કર્યા. 10 હજાર એડવાન્સ ને 10 હજાર કામ પત્યા પછી. કરણે 10 હજાર લઈ લીધા, પણ ત્રણ મહિના સુધી કંઈ કરવાને બદલે ગોળ ગોળ વાતો અને વાયદાબાજી ચલાવી. ટૂંકમાં 10 હજાર ચાઉં કરી ગયો. ત્યાર બાદ પત્નીની માંદગીનું બહાનું કાઢીને એ પોતાના ગામે ગયો. હરિયાણાના ચરખી દાદરી ગામમાં રાકેશે 20 વર્ષના મોટર મિકેનિક રામકિશનને પોતાની સાથે દિલ્હી આવવાનું આમંત્રણ આપ્યું. કામ મેળવવાની લાલચે રામકિશન દિલ્હી આવ્યા બાદ રાકેશ કૌશિકે રંગ બદલીને ધમકી આપી કે વિદ્યા જૈનની હત્યા કરી નાખ, નહીંતર તારે જીવ ગુમાવવો પડશે. રામકિશન માની ગયો.હકીકતમાં રામકિશને નાટક કર્યું હતું, જેના ભાગરૂપે એ ગાઝિયાબાદમાંથી ચાકુય ખરીદી ખરીદી લાવ્યો. પછી કેટલાય દિવસો સુધી રાકેશ કૌશિક અને રામકિશન ટેક્સીમાં વિદ્યા જૈનનો પીછો કરતા રહ્યા. કંઈક ને કંઈક વિચારાય પણ વિદ્યા જૈન બચી જાય. અંતે 1973ની પહેલી ડિસેમ્બરે રામકિશને હિંમતભેર ધડાકો કર્યો, હું હત્યા કરવાનો નથી, પરંતુ આવું કામ કરનારા કલ્યાણ નામના માણસ વિશે જાણકારી આપી ખરી. રાકેશ કૌશિકે તરત કલ્યાણને મળીને પ્લાન સમજાવ્યો. કલ્યાણે આ હત્યાના કામમાં પોતાના ગુરુ ભાગીરથને સામેલ કર્યો. ભાગીરથે વળી બીજા બે માણસ ઉજાગર સિંહ અને કરતાર સિંહને મનાવી લીધા. ઉજાગર અને કરતારે 25-25 હજાર માગ્યા અને રાકેશ માની ગયો. અને એ દિવસ આવી ગયો. ચોથી ડિસેમ્બરે સાંજે 4.30 વાગ્યે ચાંદની ચોકની એક રેસ્ટોરાંમાં બેઠક યોજાઈ. આ મીટિંગમાં હાજર રહીને ડો. નરેન્દ્ર સિંહ જૈને તાકીદ કરી કે જે કામ છે એ આજે રાત્રે જ પતાવવાનું છે. કરતાર-ઉજાગરે યાદ અપાવ્યું કે અમને હજી માત્ર પાંચસો-પાંચસો રૂપિયા જ મળ્યા છે. ડોક્ટરે વચન આપ્યું કે કામ પતાવો એટલે તરત પૂરી રકમ મળી જશે. નક્કી એવું થયું કે ડો. જૈન અને વિદ્યા ઘરેથી બહાર નીકળે કે તરત જ વિદ્યાનું કાસળ કાઢી નાખવાનું. ચંદ્રેશે અને ડો. જૈને વારંવાર યાદ કરાવ્યું કે માત્ર વિદ્યાને જ મારવાની છે, ડોક્ટરને ઘસરકોય પડવો ન જોઈએ. આ જ નિર્ણય તેમની સૌથી મોટી ભૂલ સાબિત થયો. આ બહુ મોટા બ્રેકિંગ ન્યૂઝ હતા. જાણીતા ડોક્ટર અને રાષ્ટ્રપતિના તબીબ અનૈતિક સંબંધને લીધે પત્નીની હત્યા કરાવે એ અસાધારણ હેડલાઈન બની ગઈ. સેશન કોર્ટમાં ઝડપી કાર્યવાહીમાં ડો. જૈન, ચંદ્રેશ અને રાકેશને ઉંમરકેદની સજા થઈ. કરતાર અને ઉજાગરને ફક્ત બે વર્ષની જ કેદ થઈ અને એ પણ શસ્ત્ર રાખવાના ગુના બદલ! સ્વાભાવિક છે કે મામલો હાઈકોર્ટમાં ગયો. બચાવ પક્ષની મુખ્ય દલીલ એ રહી કે હત્યા પાછળનો ડો. જૈન કે ચંદ્રેશનો મોટિવ સાબિત થતો નથી. બંનેના અફેરની જાણ તો વર્ષોથી વિદ્યાને હતી, તો અચાનક હત્યા શા માટે કરાવે? પરંતુ કરણ સિંહ અને રામકિશન જેવા સાક્ષીઓની મદદથી મોટિવ સાબિત થઈ ગયો. અદાલતે ડો. જૈન, ચંદ્રેશ, રાકેશ, કરતાર અને ઉજાગરને ગુનેગાર જાહેર કર્યા, પરંતુ સજા જાહેર થઈ ત્યારે આખો દેશ સ્તબ્ધ થઈ ગયો: કોર્ટે ડો. જૈન, ચંદ્રેશ અને રાકેશને જન્મટીપની સજા આપી, તો કરતાર અને ઉજાગરને મૃત્યુદંડ અપાયો! સુપ્રીમ કોર્ટમાંય આ ફેંસલો યથાવત રખાયો. જેમને માત્ર 500 રૂપિયા મળ્યા હતા એમને ફાંસીની સજા અને હત્યાનું ષડયંત્ર રચનારાઓને જન્મટીપ. સુપ્રીમ કોર્ટે ચુકાદામાં જણાવ્યું કે ભલે પ્લાનિંગ જૈને અને ચંદ્રેશે કર્યું પણ અસલી ગુનેગાર કરતાર અને ઉજાગર ગણાય. તેમણે પૈસાની લાલચ ન રાખી હોત તો વિદ્યા જીવતી હોત, પરંતુ આ લેન્ડમાર્ક જજમેન્ટની એટલી બધી ચર્ચા થઈ કે એ પછીના ચુકાદામાં સુપારી આપનારા અને હત્યા કરનારાને સરખા દોષિત મનાવા માંડ્યા. જોકે, વિદ્યા જૈન મર્ડર કેસમાં તો ઉજાગર સિંહ અને કરતાર સિંહ બંનેને ફાંસીને માંચડે લટકાવી દેવાયા. પરંતુ 16 વર્ષના જેલવાસ બાદ ડો. નરેન્દ્ર સિંહ જૈન અને ચંદ્રેશ શર્મા જેલમાંથી છૂટી ગયાં હતાં. નેત્રચિકિત્સક ડો. નરેન્દ્ર સિંહ ભલે બીજાની દૂરની નબળી નજરના નંબર કાઢી આપતા હશે, પણ આ સંબંધમાં તેમણે ન દાખવેલી દૂરંદેશીમાંથી વિદ્યા, કરતાર અને ઉજાગરના જીવ ગયા અને ન જાણે કેટલાંયનાં જીવન બરબાદ થઈ ગયાં. માત્ર 500 રૂપિયાની સુપારી અને શકવર્તી ચુકાદાને પ્રતાપે ભારતના ન્યાયતંત્રના ઈતિહાસમાં આ હત્યાનો ખટલો અનન્ય અને અભૂતપૂર્વ બની રહ્યો. એક સવાલ આજેય નિરુત્તર છે કે વિદ્યાનો વાંક શું? (સમાપ્ત){prafulshah1@ gmail.com

અન્ય સમાચારો પણ છે...