તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડૉક્ટરની ડાયરી:ભુલા પાના બહુત મુશ્કિલ હૈ, મુહોબ્બત કરનેવાલા ઇસલિયે બરબાદ રહતા હૈ

એક મહિનો પહેલાલેખક: ડૉ. શરદ ઠાકર
 • કૉપી લિંક
 • સામાન્ય રીતે સમયસર ઘરે આવી જતી પૌલોમી આજે ન આવી. ખૂબ શોધવા છતાં ક્યાંય ન મળેલી પૌલોમી અચાનક જ મળી અને તે પણ કઇ રીતે...?

પંદર વર્ષની પૌલોમી હાઇસ્કૂલમાં દસમા ધોરણમાં બણતી હતી. ઘરથી શાળાનું ત્રણ કિલોમીટરનું અંતર સાઇકલ બેસીને કાપતી હતી. શાળાનો સમય બપોરના 12થી 6નો હતો. સાંજે છ વાગ્યે શાળા છૂટે એટલે ટ્રાફિકની ભીડ વચ્ચેથી માર્ગ કરતી કરતી એ ઘરે પહોંચે ત્યારે સવા છ વાગી જતા હતા. ક્યારેક છને વીસ જેવું પણ થઇ જાય. મહિનામાં એક-બે વાર બહેનપણીઓ જોડે વાતોમાં રોકાઇ ગઇ હોય તો વધુમાં વધુ સાડા છ વાગે ઘરે પહોંચી જતી હતી. એક દિવસ પોણા સાત વાગ્યા ત્યાં સુધી પૌલોમી ઘરે ન આવી. એની મમ્મી ચિંતા કરવા લાગી. સાત વાગ્યા, સવા સાત થયા. પૌલોમીની પાસે એનો પોતાનો મોબાઇલ ફોન હતો પણ એ ઘરે મૂકીને ગઇ હતી. સ્કૂલમાં મોબાઇલ લઇ જવાની મનાઇ હતા. મમ્મી ઊંચી-નીચી થઇ ગઇ. એ વિચારવા લાગી ઃ પહેલાં પુલ્લુના પપ્પાને ફોન કરું કે એની ટીચરને પછી એણે વિચાર્યું કે દીકરીની ક્લાસ ટીચરને જ સૌથી પહેલાં ફોન કરવો જોઇએ. કદાચ એવું જાણવા મળે કે આજે એક્સ્ટ્રા પીરિયડ રાખવામાં આવ્યો છે. મમ્મીએ મોબાઇલના કોન્ટેક્ટ લિસ્ટમાં ટીચરનું નામ શોધ્યું. હેમાબહેનનો મોબાઇલ નંબર સેવ કરેલો હતો. એણે ફોન લગાડ્યો. સામે છેડે હેમાબહેનનો અવાજ સંભળાયો, ‘કોણ બોલો છો? શું કામ હતું?’ ‘ગુડ ઇવનિંગ, મેડમ. હું નીતા બોલું છું. તમારી સ્ટુડન્ટ પૌલોમીની મમ્મી.’ ‘હા, બોલો. શા માટે ફોન કરવો પડ્યો?’ ‘મેડમ, પૌલોમી હજુ સુધી ઘરે આવી નથી. એ ત્યાં છે?’

હેમાબહેનના અવાજમાં આશ્ચર્ય ઉમેરાઇ ગયું, ‘વ્હોટ?! શાળા તો શાર્પ છ વાગે છૂટી ગઇ હતી. બધાં જ સ્ટુડન્ટ્સ રવાના થઇ ગયા હતા. પટાવાળાએ બધા ક્લાસરૂમ્સ લોક કરી દઇને મેઇન ગેટ પર તાળું પણ મારી દીધું હશે. તમે બીજે બધે તપાસ કરી જુઓ. હું પણ પ્રિન્સિપાલને કહીને બધા ક્લાસરૂમ્સ ખોલાવું છું.’ નીતાબહેન હવે ખરેખર ગભરાયાં. પતિને ફોન કર્યો. અનિલભાઇ કાન પડતું મૂકીને દોડી આવ્યા. પૌલોમીની જેટલી બહેનપણીઓ હતી, એ તમામનાં ઘરે તપાસ કરી આવ્યા. સ્નેહા, જિયા, નિષ્કા, માહી, આયુષી બધાં પાસેથી માત્ર આટલું જ જાણવા મળ્યું, સ્કૂલ છૂટી ત્યાં સુધી પુલ્લુ અમારી સાથે જ હતી. અમે બધાં સાથે જ સાઇકલ પર બેસીને બહાર નીકળ્યાં હતાં. પછી એ ક્યાં ગઇ તેની અમને જાણ નથી પણ આજે એ ખૂબ જ ખુશ દેખાતી હતી.’ અનિલભાઇ સમજી ગયા કે એમની દીકરી સાથે અવશ્ય કશુંક અઘટિત બની ગયું હતું. ટીનએજર છોકરીની બાબતમાં હાથ જોડીને બેસી ન રહેવાય. પોલીસ પાસે જવું જ પડે. પોલીસખાતું પણ સક્રિય બની ગયું. પૌલોમીના દેખાવનું વર્ણન પૂછ્યું. ત્રણ-ચાર તસવીરો માગી. સ્કૂલ ખોલાવીને ખૂણેખૂણો તપાસી લીધો. આચાર્ય અને ક્લાસ ટીચરથી લઇને પટાવાળા સુધીના બધાંની પૂછપરછ કરી દીધી. પૌલોમીની સાથે ભણતાં બધાં જ સ્ટુડન્ટ્સને અલગ અલગ બોલાવીને પ્રશ્નો પૂછ્યાં. ક્યાંયથી કશું જાણવા ન મળ્યું. પૌલોમીને ધરતી ગળી ગઇ કે આસમાન લઇ ગયું? પોલીસ વધુ તો શું કરી શકે? ટીવીમાં સમાચાર વહેતા કર્યા. પૌલોમીના ફોટોગ્રાફ્સ મૂક્યા. પોસ્ટરો છપાવીને જાહેર સ્થાનો ઉપર ચોંટાડ્યાં. ગુજરાતના પ્રમુખ અખબારોમાં જાહેરાત આપી. માહિતી આપનારને ઇનામ અપાશે એવું પણ જાહેર કર્યું.

ક્યાંયથી પૌલોમીના સગડ ન મળ્યાં. એનાં મમ્મી-પપ્પાના રડીરડીને બૂરા હાલ થઇ ગયાં હતાં. પૌલોમીની ઉંમર ભલે 15 જ વર્ષની હતી, પરંતુ સારા પોષણનાં લીધે એનું શરીર 18 વર્ષની યુવતી જેવું વિકસિત લાગતું હતું. એના પુષ્ટ અંગો જોઇને અત્યારથી જ એના માટે માગાં આવવાં શરૂ થઇ ગયાં હતાં. આવી ગોરી અને ખૂબસૂરત દીકરી સાથે કંઇ પણ થઇ શકે તેવું હતું. અનિલભાઇએ પોતાની ઓળખાણો વડે વગદાર નેતાઓ સુધી પહોંચવાની કોશિશ પણ કરી લીધી, પરંતુ બધા પ્રયત્નોમાં નિષ્ફળતા મળી. ક્યાંકથી જરાક જેટલો છેડો મળે તો તપાસમાં આગળ વધી શકાય ને? અહીંયા તો સ્કૂલના ઝાંપા આગળથી વાર્તા પૂરી થઇ જતી હતી. આમ ને આમ સમય પસાર થતો રહ્યો. છ મહિના, આઠ મહિના, દસ મહિના વીતી ગયા. અનિલભાઇ અને નીતાબહેન સુખની પોટલીને સળગાવી દઇને ઘોર હતાશાની રાખ વચ્ચે જિંદગી જીવતા રહ્યા. ***

દૃશ્ય બદલાય છે. શહેર બદલાય છે. ઘટના હોય છે. ગુજરાતનાં જ બીજા એક મોટા શહેરમાં ગંદી, ગરીબ, ગીચ બસ્તીમાં એક ચોવીસ કલાક બંધ રહેતાં મકાનમાં મેડા પર આવેલી એક ઓરડીમાં કેદ પુરાયેલી એક કિશોરી ચીસો પર ચીસો પાડતી હતી. ‘ચાચી, મુઝ પર રહમ કરો. મેરે પેટ મેં દર્દ હોતા હૈ. મુઝે ડોક્ટર કે પાસ લે જાઓ. મેરા ઇલાજ કરવાઓ વરના મૈં મર જાઉંગી.’ જવાબમાં નીચે આવેલા ઓરડામાંથી એક ઢીટ ઓરતનો કરડો અવાજ સંભળાયો. ‘ચૂપચાપ પડી રહ. તુઝે કુછ હુઆ નહીં હૈ. ખાલીપીલી ઢોંગ કરતી હૈ. તૂ જબસે આઇ હૈ, તેરી ઇક હી શિકાયત રહતી હૈ. નીચે દર્દ હોતા હૈ. દર્દ તો હોગા હી. અગલી બાર દુનિયા મેં મર્દ બન કે આના તબ દર્દ નહીં હોગા.’

ચાચીની વાતમાં આંશિક સત્ય રહેલું હતું. કાચી કળી જેવી એ કિશોરી દસ-દસ મહિનાથી આ ભેદી મકાનમાં કેદીની હાલતમાં બંધ હતી. દિવસમાં બે-ત્રણ વાર ઘરનાં દ્વાર ખૂલતાં હતાં અને બંધ થતાં હતાં. દરેક વખતે છાપેલાં કાટલાં જેવા શિકારી પુરુષો આવી ચડતા હતા અને એની રસપૂર્ણ કાયાને ચૂસીને ચાલ્યા જતા હતા. દિવસ-રાતની યાતના વેઠી-વેઠીને છોકરી કરમાવા લાગી હતી. અંગેઅંગમાંથી ચીસો ફૂટતી હતી અને પેલી જાડી ચામડીવાળી ચાચી એવું માનતી હતી કે અહીંથી છટકવા માટે છોકરી બહાનાં શોધી રહી છે. પણ આ વખતે છોકરીની ચીસો કંઇક અલગ લાગતી હતી. ચાચીને થયું કે આને દવાખાને લઇ જવી પડશે નહીંતર ક્યાંક મરી જશે, તો પોલીસની બબાલ થશે. ચાચી બહાર જઇને એક વિશ્વાસુ રિક્ષાચાલકને બોલાવી લાવી. છોકરીને રિક્ષામાં નાખીને નજીકની હોસ્પિટલમાં લઇ ગઇ. ગાયનેકોલોજિસ્ટે તપાસ કરી ત્યારે પણ છોકરીની પાસે જ ઊભી રહી. ગાયનેકોલોજિસ્ટ કહ્યું, ‘પ્રેગ્નન્સી છે. પાંચ મહિના પૂરા થવામાં છે. એવું લાગે છે કે પૂરતો આરામ ન મળવાને કારણે દુખાવો શરૂ થઇ ગયો છે. ગર્ભ ટકશે નહીં. એની જાતે જ બહાર નીકળી જશે. એક-બે દિવસ અહીં રહેવું પડશે.’ ચાચીને આ ગમ્યું તો નહીં પણ એ લાચાર હતી. છોકરીને લેબરરૂમની અંદર ટેબલ પર સૂવડાવી દેવામાં આવી. લેડી ડોક્ટર બાટલા, ઇન્જેક્શનો વગેરે આપીને ઘરે ગયાં. હવે છોકરી એકલી હતી અને સાથે એક નર્સ હતી. છોકરીએ ભયભીત નજરે ચોતરફ જોઇ લીધું. પછી નર્સને પૂછ્યું, ‘સિસ્ટર, તમારું નામ શું છે?’ નામ જાણ્યા પછી છોકરીનો શ્વાસ હેઠો બેઠો. એણે વિનંતી કરી, ‘તમે મને મદદ કરશો? તમારા મોબાઇલ ફોનમાંથી એક કોલ કરવા દેશો?’

નર્સે તરત જ મોબાઇલ ફોન આપી દીધો. છોકરીએ એની ક્લાસ ટીચર હેમાબહેનનો ફોન લગાડ્યો. ધ્રૂજતા અવાજમાં તારની ભાષામાં માહિતી આપી, હું પૌલોમી. તમારી સ્ટુડન્ટ. વધુ વાત નહીં થાય. મમ્મી-પપ્પાને જણાવવા જેટલી હિંમત નથી. હું પ્રેમના નામથી ભોળવાઇને બરબાદ થઇ ગઇ છું. સ્કૂલથી થોડે દૂર સાઇકલનું પંક્ચર રિપેર કરાવવા ક્યારેક ક્યારેક જતી હતી. ત્યાં અડ્ડો જમાવતા એક બદમાશ યુવાને... મને ગમે તેમ કરીને અહીંથી છોડાવો. હું બીજો ફોન નહીં કરી શકું?’ એ પછીનો મામલો નર્સે પોતાના હાથમાં સંભાળી લીધો. હેમાબહેન સાથે ફોન પર સક્રિય રહીને, પોલીસ ખાતાંની મદદ લઇને પોતાનું લોકેશન જણાવીને પાંચ-છ કલાકમાં જ તેણે કસાઇવાડામાં પુરાયેલી અબોલ વાછરડીને મુક્ત કરાવી દીધી. પોલીસે ચાચીને ઝડપી લીધી. પેલા બદમાશો ફરાર છે. ડોક્ટરની ડાયરીમાં 27 વર્ષના ઇતિહાસમાં આ ત્રીજી ઘટના છે, જ્યારે હું દયાની દેવી જેવી એ સિસ્ટરને વંદન કરું છું. drsharadthaker10@gmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો