નાનું એવું ગઢુલા ગામ. ગામમાં કોઈ અજાણ્યો આવીને પૂછે કે ભોજાબાપાની ડેલી ક્યાં? તો ગામવાળો તરત કેશે કે અમારા ગામમાં બે ભોજાબાપા છે. એમાં તમારે કોને ન્યાં જાવું છે? આવેતુ બોલશે કે ભોજા કરશન. ‘તો તમારે ભોજા ભૂલકણાને ઘેર જાવું છે એમ ક્યો ને! સીધેસીધા વયા જાવ, જમણી કોર્ય બેય બાજુ ઓટલાવાળી ખડકી આવે, ઈ ભોજા ભૂલકણાની. આગંતુક એંધાણી પરમાણે પૂગીને ઓટલા માથે બેઠા બેઠા શેરડી ખાતા ભાભાને પૂછે: ‘ભોજા કરશનનું ઘર આ જ ને?’ ‘ઈ તો વાંહલી શેરીમાં...’ પછી તરત જ બત્તી થઇ કે ભોજા કરશન તો હું જ છું! ભોજો નાનપણથી જ ભૂલકણો. બપોરે ખાધું ‘તું કે નઈ ઈ ભૂલી જાય. વારે વારે પગરખાં ભૂલીને આવે. ઘણીવાર તો ઘરવાળી જમના ડોશીનેય ઓળખે નહીં ને પૂછે: ક્યા ગામનાં, મે’માન ?’ ‘મરો મરો! પચાહ વરહથી આવી હું ને તોય હજી મે’માન!’ વાળુમાં રોજ ખીચડી હોય તોય ભોજોભાભો બોલે: કારેક કારેક ખીચડી કરતા હો તો! મને ભાવે. એક દી તો ભારે થઈ. એક આતિથિ સાધુને હરિહર માટે નોતર્યા. સાધુએ પૂછ્યું : ‘તુમારા નામ ક્યા હૈ, બચ્ચા?’ અને ભોજો ઘૂમરીએ ચડ્યો. પોતાનું નામ જ ભૂલાઈ ગ્યું. સાધુ તો હરિહર કરીને ગ્યા, પણ ભોજો ચકરાવે ચડ્યો. બધાં વગર હાલે પણ નામ વગર તો કેમ હાલે! જે છે ઈ નામ થકી જ છે! નામ વન્યા તો કેમ જીવાય! બે દી થઈ ગ્યા. નામ તો ગ્યું ઈ ગ્યું. કોઈને પૂછે તો ઠેકડી થાય. છેવટે નક્કી કર્યું કે નામ એનો નાશ. હવે નામ જ નથી તો જીવાય નહીં. મરી જાવું છે. ગઢુલા ગામથી અર્ધો ગાઉ છેટો જ દરિયો. ભોજો ભાભો તો હાલ્યા દરિયામાં પડવા. રસ્તામાં જ ધનો લુવાર મળ્યો. ‘ભોજા બાપા! કેણી કોર્ય ઊપડ્યા?’ ભોજાને તો ઝબકારો થ્યો. રૂંવાડે રૂંવાડે દીવા થ્યા! નામ જડી ગ્યું! ‘ધના! ધન્ય છે તને! ખમા, બાપ! તેં તો મારો જીવ બચાવ્યો. ભગવાન તારું ભલું કરે, પણ, હેં જવાન! તારું નામ તો કે’ તું કયા ગામનો?’⬛
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.