તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંદાઝે બયાં:ભીગ જાયે દિલ કા કોના: રોના, કભી કભી રોના!

6 દિવસ પહેલાલેખક: સંજય છેલ
 • કૉપી લિંક
 • રુદનથી મોટું શસ્ત્ર કોઇ નથી. એ તમને રાતોરાત સફળતા અપાવી શકે છે

ટાઇટલ્સ રોયેંગે હમ હઝાર બાર, કોઇ હમેં સતાયે ક્યું?(ગાલિબ) ‘60-70’ના દાયકામાં રાજેશ ખન્ના, અમજદ ખાન કે સંજીવકુમાર જેવાં ત્યારનાં ઉગતા કલાકારો મુંબઇની આંતરકોલેજ નાટ્યસ્પર્ધામાં ભાગ લેતા. એ એકાંકી નાટકોમાં થાકેલો-હારેલો-બેકાર હિરો બહારથી પ્રવેશે, બૂઢી મા એના હાલ પૂછે, હિરો માટલામાંથી ગ્લાસ વડે પાણી કાઢીને પીવે ને પછી કરુણ નાટક ભજવાય.ધૂંધવાયેલા બેકાર યુવાન અને વિધવા માતા વચ્ચે ખૂબ રોતલ દૃશ્યો ભજવાય અને પાછાં આવાં નાટકો દર વરસે અચૂક ઇનામ પણ જીતી જાય! આવાં નાટકોની ફોર્મ્યુલા માટે મશ્કરાઓએ નામ રાખેલું ‘મા-માટલા અને ખાટલાં’! માતા, ગરીબી કે સંઘર્ષ એ બધાં કમાલનાં ઇમોશનલ તત્ત્વો છે. તમે તમારી માની વાત કરો અને સામેવાળો પોતાની માને યાદ કરીને રડી પડે, કારણ કે લગભગ સૌને એક મા તો હોય જ છે. વાત એટલે યાદ આવી, કારણ કે મોદીજીએ અમુક વરસ પહેલાં અમેરિકામાં એક ઇન્ટરવ્યૂમાં માતા વિશે વાત કરતી વખતે ગળગળાં થઇ ગયેલાં... એ જ રીતે હમણાં સંસદમાં ગુલામ નબી આઝાદની વિદાયવેળાએ મોદીજીએ જે ભાષણ આપ્યું એ સાંભળીને ગુલામ નબી અને સૌના આંખોમાં અશ્રુ આવી ગયેલાં. રોજ લડતા ઝગડતા નેતાઓ આમ પીગળી જાય તે જોવું કેટલું સારું લાગેને? રાજકારણમાં રડવાની પરંપરા બહુ જૂની છે. 1962માં ચીન સાથેના યુદ્ધ પછી લતા મંગેશકરે જાહેર સમારંભમાં ‘અય મેરે વતન કે લોગો, ઝરા આંખ મેં ભર લો પાની’ ગીત સ્ટેજ પર ગાયેલું ત્યારે નેહરુજીને રડવું આવી ગયેલું. 90ના દાયકામાં થોડો જ વખત ભુલથી પીએમ બની ગયેલાં દેવેગૌડાને અચાનક ખબર પડી કે તેઓ વડાપ્રધાન બનવાના છે ત્યારે એમને પણ રડવું આવી ગયેલું. પુત્ર સંજય ગાંધીના મૃત્યુ વખતે ઇન્દિરા ગાંધીએ પણ આંસુ છૂપાવવા કાળા ગોગલ્સ પહેરીને ચલાવેલું. અરે, અમે તો કહીએ છીએ કે નેતાઓને રડતા જોઇને આપણને ધરપત થવી જોઇએ કે હજી એ લોકો નોર્મલ છે! પ્રજાને ધરપત પણ થાય કે અમે એકલા જ શા માટે રડીએ? નેતાઓ પણ ક્યારેક રડે તો ખરાં! વળી, જે આજે સંસદમાં ઇમોશનલ થાય છે એ આવતીકાલે લાખો કરોડો ગરીબ માટે પણ ભાવુક થઇ શકે ને? યુ નેવર નો! જોકે, આપણે ત્યાં પુરુષો રડે છે ત્યારે લોકો મજાક ઉડાવે છે, પણ એ ગલત છે. કોઇએ કોઇના રડવા પર હસવું ના જોઇએ. આમ પણ ‘મર્દ કો દર્દ નહીં હોતા’ એવા ડાયલોગ ફિલ્મમાં જ શોભે. ભારતમાં તો રામ ને કૃષ્ણ જેવા દેવતાઓ માતાના પ્રેમ સામે રડી પડેલા તો નેતા શું ચીજ છે? દેવાનંદ જ્યારે ફિલ્મોમાં રડતા ત્યારે પ્રેક્ષકો હસવા માંડતા, પણ દિલીપકુમાર જો પડદા પર ના રડે તો એની ફિલ્મો નહોતી ચાલતી અને પ્રોડ્યૂસરે રડવું પડતું. દિલીપકુમાર, રાજેન્દ્રકુમાર, આલોકનાથ, એ.કે. હંગલ જેવા કલાકારો ઘરેથી નકલી આંસુ લાવવા ગ્લિસરીન નામનું કેમિકલ લઇને જ શૂટીંગ કરવા નીકળતા હશે. મીનાકુમારી અને નૂતન પડદાં પર જેટલું રડી છે એટલો તો ચેરાપૂંજીમાં વરસાદ પણ નહીં આવતો હોય. રડવું ફોર્મ્યુલા છે જે હંમેશાં સફળ થાય જ. રડતો માણસ આપણને આપણા જેવો લાગે છે, કારણકે દરેક માણસ ક્યારેક તો રડે જ છે. ઈન્ટરવલ મુજ હાસ્યને દિવાનગી લોકો ભલે સમજે, જ્યાં જઈને રડું એવી નથી કોઈ જગા યાદ!(મરીઝ) રડવામાં પાછી એક પ્રકારની કોમેડી પણ છૂપાયેલી છે. અમારી મિત્ર અભિનેત્રી તબ્બુને જ્યારે ‘બાગબાન’ ફિલ્મની સ્ક્રિપ્ટ નિર્દેશક રવિ ચોપડાએ સંભળાવી ત્યારે એ સાંભળીને ખૂબ રડી. નિર્દેશકને થયું કે કરુણ વાર્તા સાંભળીને એ રડી રહી છે, પણ તબ્બુએ કહ્યું, ‘મને રડવું એટલે આવે છે કે તમે મને બચ્ચનની પત્નીનો રોલ ઓફર કર્યો! હું એટલી ઘરડી લાગું છું?’ માટે કોણ, કોના માટે, ક્યારે અને શા માટે રડે એનું કાંઇ કહેવાય નહીં, પછી એ નેતા હોય કે અભિનેતા. એકવાર ધર્મેન્દ્રએ એમની માનો રોલ કરનારી અભિનેત્રીને જોઇને સીન કરવાની ‘ના’ પાડી દીધી. નિર્દેશકે ખૂબ સમજાવ્યું કે આ નવી અભિનેત્રી સારી છે, માનો રોલ સારો ભજવશે વગેરે વગેરે પણ બહુ દલીલો પછી ધર્મેન્દ્રએ કાનમાં કહ્યું: ‘ગઇકાલે જ હું આ છોકરીને મળેલો અને મળતા વેંત જ અમારા વચ્ચે ઇન્સ્ટન્ટ રોમાન્સ શરૂ થઇ ગયેલો! આજે એને ‘મા’ કઇ રીતે માની શકું?’ આમાં હસવું કે રડવું? જો કે રુદન રુદનમાંયે ફેર હોય છે. ઘણાં લોકો રડીને રાજ કરે એમ કહેવાય છે, પણ જે રાજ કરતું હોય એ જ રડે ત્યારે જરા વિચિત્ર પણ લાગી શકે. એક જમાનામાં મુંબઇમાં કરુણ ગુજરાતી નાટકોમાં લોકોને આકર્ષવા જાહેરાતોમાં ખાસ લખવામાં આવતું: ‘પ્રેક્ષકોએ રૂમાલ લઇને આવવું!’ ત્યારે લોકો પૈસા આપીને પણ રડવા જતાં! ખરેખર, રુદનથી મોટું શસ્ત્ર કોઇ નથી. એ તમને રાતોરાત સફળતા અપાવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો