ડૉક્ટરની ડાયરી:ભીગ જાતા હૈ બહુત કુછ અંદર હી અંદર,જબ દિલ કી છત ટપકતી હૈ ધીરે ધીરે

શરદ ઠાકર24 દિવસ પહેલા
  • કૉપી લિંક

બાવીસ વર્ષની માયા અને ત્રેવીસ વર્ષનો હિતેષ. એક નાનકડો દીકરો પિન્ટુ. ભાડાની રૂમમાં રહે, ગરીબીમાં સબડે અને મજૂરીની આવકમાં પેટ ભરે. પિન્ટુ સહેજ મોટો થયો ત્યારે હિતેષ-માયાને પહેલીવાર ખબર પડી કે એ મૂકબધિર હતો. કારમો આઘાત લાગ્યો. નિષ્ણાત ડોક્ટરે બાળકને તપાસીને સલાહ આપી, ‘વિજ્ઞાન પાસે ઉપાય છે. ધીમે ધીમે ભગવાન સહુ સારા વાનાં કરશે. ભવિષ્યમાં સર્જરીની જરૂર પડશે. અત્યારે એને સ્પીચ ટ્રેનિંગ સેન્ટરમાં લઈ જાવ.’ દુકાળમાં અધિક માસ. પાતળી કમાણીમાંથી જાડો હિસ્સો પિન્ટુની સારવાર પાછળ પગ કરી જવા લાગ્યો. હિતેષ તો રોજ કામ પર જાય એટલે પિન્ટુને પ્રતિદિન બબ્બે કલાક માટે સેન્ટર પર લઈ જવા-પાછો લાવવા માટે રિક્ષા બંધાવવાની જરૂર ઊભી થઈ. જેટલા રિક્ષાવાળાઓને પૂછ્યું એ બધાએ સાચી રીતે જ વધારે રૂપિયા માગ્યા. એક સમીર નામનો રિક્ષાવાળો દિલદાર નીકળ્યો. દયાળું નહીં, દિલદાર. સમીરે પિન્ટુની હાલત તરફ ન જોયું, પણ એની મમ્મી માયાની કાયા તરફ જોયું. પછી પાન ચાવતાં-ચાવતાં, માથાના વાળને ઝટકો મારતાં કહી દીધું, ‘જો તુમ્હારે દિલમેં આયે, દે દેના.’ આ ‘દિલ’વાળો મર્મ ભોળિયો હિતેષ ન સમજ્યો, પણ નમણી કાયા ધરાવતી માયા સમજી ગઈ. પિન્ટુ બબ્બે કલાક સેન્ટરમાં સ્પીચ થેરેપી લેતો હોય, એટલો સમય માયા રિક્ષામાં જ બેસી રહે. રંગીલો સમીર એની વિશેષ ખાતર-બરદાસ્ત કરતો રહે, ‘કુછ ઠંડા પીઓગી? પાન ખાઓગી? ભૂખ લગી હૈ? સામને કી લારી સે ભજીયે લે આઉં?’ માયા ગરીબીમાં જીવીને ઘણા બધા અભાવોથી પીડાતી રહી હતી. મહેનતુ પતિ પાસે પત્ની સાથે રોમાન્સ કરવાનો સમય ન હતો. ઉપરથી દિવ્યાંગ દીકરાએ જુવાન માયાની જિંદગીમાંથી તમામ ખુશીઓનું ખૂન કરી નાખ્યું હતું. એક નબળી ક્ષણે માયા ભૂલ કરી બેઠી. પિન્ટુ સેન્ટરમાં પોતાનો અવાજ પામવા માટે, જિંદગીમાં પહેલીવાર ‘મા’ બોલવા માટે અથાક કોશિશ કરી રહ્યો હતો ત્યારે એક કમભાગી ક્ષણે સમીરે માયાને પોતાની સાથે ભાગી જવા માટે ઉશ્કેરી અને માયા સંમત થઈ ગઈ. બંનેએ શાદી કરી લીધી. સમીરના ઘરમાં બેઠ્યાં પછી માયાની જિંદગી બરબાદ થઈ ગઈ, પણ એનું કારણ એ પોતે હતી એટલે આપણે એની વાત નથી કરવી. સૌથી કરુણ હાલત પિન્ટુની થઈ ગઈ. એ બાળકનો શો વાંક હતો? જન્મથી જ એને ન બોલી શકવાનો અભિશાપ મળ્યો. ઉપરથી એના પોતાના કશા જ ગુના વગર એણે માને ગુમાવી દીધી. જગતના આકરા ઉનાળા સામે રક્ષણ આપવા જેવું એક છત્ર હતું એ ચાલ્યું ગયું. બાપ હિતેષ શું કરે? બીજા લગ્નનો તો સવાલ જ ન હતો. પૈસાનો અભાવ અને દીકરાની દિવ્યાંગતાને સ્વીકારે તેવી સ્ત્રી ક્યાંથી મળે? એણે જેમ તેમ કરીને પિન્ટુને ઉછેરવા માંડ્યો. બાપ-દીકરો ક્યારેક ચા-બિસ્કિટ ખાઈને તો ક્યારેક મમરા ખાઈને ચલાવી લેતા હતા. પિન્ટુ આઠ વર્ષનો થયો. અત્યાર સુધીની વાત વાંચીને તમારા મનમાં સ્વાભાવિકપણે જ એક પ્રશ્ન થતો હશે કે ‘ડો.ની ડાયરી’નાં પાનાં પર ગરીબ બાપ અને એના અભાગી દીકરાની કથા કઈ રીતે આવી શકી? સાચું કહું તો મેં આજ સુધી આ બંનેને જોયા નથી, એમને ક્યારેય પ્રત્યક્ષ મળ્યો નથી. હિતેષભાઈ વર્ષોથી આ કોલમના વાચક રહ્યા છે. થોડા દિવસો પહેલાં એમણે કોઈકના મોબાઈલ પરથી મને ફોન કર્યો. એમની ઉપર એક નવી આફત તૂટી પડી હતી. એમણે મને જાણ કરી. ‘સાહેબ, છેલ્લાં છ-સાત વર્ષથી હું અને મારો દીકરો મરતાં-મરતાં જીવી રહ્યા છીએ. હવે જીવતા રહેવાની કોઈ આશા બચી નથી. બે દિવસથી મારા પિન્ટુને ઝીણો તાવ, ઊલટી-ઊબકા અને પેટનો દુખાવો રહેતો હતો. સાદા ડોક્ટરથી મટ્યું નહીં એટલે મોટા ડોક્ટર પાસે જવું પડ્યું. એમણે કીધું કે એપેન્ડિક્સ ઉપર સોજો આવ્યો છે. તાત્કાલિક ઓપરેશન કરવું પડશે, નહીંતર પિન્ટુના પેટમાં સેપ્ટિક થઈ જશે. સાહેબ, મારી પાસે ફૂટી કોડી પણ નથી. હું શું કરું?’ ‘તમે પ્રાઈવેટ દવાખાનામાં જવાને બદલે પિન્ટુને ગવર્નમેન્ટ હોસ્પિટલમાં કેમ નથી લઈ જતા?’ મેં સલાહ આપી. આપણને બધાંને આવી ટેવ હોય છે, કોઈ મદદ માગે ત્યારે સહાય આપવાને બદલે આપણે સલાહ આપતાં હોઈએ છીએ. ‘સાહેબ, તમે પણ આવું કહેશો? અહીંના સર્જને મને આવું જ કહ્યું છે. હું ગરીબ છું, સાહેબ, પણ મારા દીકરા માટેનો મારો પ્રેમ ગરીબ નથી. વર્ષોથી તમને વાંચતો આવ્યો છું. થાય તો કંઈક મદદ કરો. એક નમાયા, મૂંગા-બહેરા છોકરાનો જીવ બચાવવા માટે…’ પછી અવાજ તૂટ્યો, કંઠ રૂંધાયો, એક હળવું ધ્રૂસકું સંભળાયું અને હિતેષે વાત પૂરી કરી દીધી, ‘મારા ચામડીના જોડા બનાવીને તમને પહેરાવીશ.’ ‘એક મિનિટ ભાઈ, તું ફોન કાપી નહીં નાખતો.’ મેં વિચારી લીધું. પિન્ટુનું ઓપરેશન થશે અને એ જ દવાખાનામાં થશે. મારી સૌથી મોટી મજબૂરી એ હતી કે એ બાપ-દીકરો અમદાવાદમાં રહેતા ન હતા. જો એવું હોત તો હું મારા કોઈ મિત્ર સર્જનને બોલાવીને મારા જ ઓપરેશન થિયેટરમાં પિન્ટુનું ઓપરેશન કરાવડાવી આપત. દવાઓ, એનેસ્થેસિયા અને સર્જનની ફી જેટલી થાય તે હું ભરી આપત. આવા કામમાં મને સાથ આપે તેવા કેટલાક દયાળુ દાતાઓ પણ છે જ, પણ હિતેષ તો સૌરાષ્ટ્રમાં રહેતો હતો. ‘એક કામ કર.’ મને તત્ક્ષણ જે સૂઝ્યું તે મેં કહ્યું, ‘તું ત્યાંના સર્જન સાથે મને વાત કરાવ.’ હિતેષની એટલી હિંમત ન હતી કે એ ત્યાંના સર્જનને મારી સાથે વાત કરવાનું કહે. મેં એની પાસેથી સર્જનનું નામ અને મોબાઈલ નંબર જાણી લીધાં. ડોક્ટર મારા માટે અજાણ્યા હતા, પણ મેં ફોન તો કર્યો જ. મારું નામ સાંભળીને એ ઓળખી ગયા. કહ્યું, ‘સર, જ્યારે મેડિકલ કોલેજમાં ભણતો હતો ત્યારે હોસ્ટેલમાં બુધ-રવિની પૂર્તિમાં તમારી કોલમ વાંચવા માટે અમારી વચ્ચે…’ ‘એ બધું છોડ. મુદ્દાની વાત કરું. પિન્ટુના ઓપરેશનનું બિલ કેટલું થશે? બિલ મારે ચૂકવવાનું છે.’ મોબાઈલ શાંત થઈ ગયો. એકાદ મિનિટની ખામોશી પછી અવાજ સંભળાયો, ‘એવું ન કરો તો સારું, સર. આવા કેસનું બિલ હું પચાસથી સિત્તેર હજાર લઉં છું. પણ તમે… વધુ શું કહું? એક કાગડો બીજા કાગડાનું માંસ ખાતો નથી એવી કહેવત છે. હું અને તમે તો ડોક્ટર્સ છીએ.’ મારા આગ્રહને માન આપીને એણે વીસ હજારમાં બધું કરી આપવાની સંમતિ દર્શાવી. મારા કહેવાથી બીજા બધાને શા માટે આર્થિક નુકસાન પહોંચાડવું? મેડિસિન્સ, થિયેટર ચાર્જ અને હોસ્પિટલાઈઝેશન માટેની ફી આપવા-લેવાનું નક્કી થયું. ફોન પૂરો થયો. મેં પાયામાં જ મારી અંગત પાંચ હજાર રૂપિયાની ઈંટ મૂકવાનું નક્કી કરી લીધું. બાકી રહ્યા પંદર. એ બહુ મોટી રકમ ન હતી. મેં કોઈની આગળ ટહેલ નાખવાને બદલે ત્રણ-ચાર પરિચિતોને માત્ર એક ‘વન લાઈનર મેસેજ’ મોકલી આપ્યો. માત્ર ન્યૂઝ જ આપ્યા: ‘એક બાળકના ઓપરેશન માટે પંદર હજાર રૂપિયા એકઠાં કરી રહ્યો છું.’ તરત જ બે સ્ત્રી શક્તિઓના જવાબ આવી ગયા. જલજા ધોળકિયા અને સોનલબહેન નામની બે બહેનોએ પાંચ-પાંચ હજારની એક-એક ઈંટ મોકલી આપી. મેં નક્કી કર્યું કે બીજા પાંચ પણ હું જ ભોગવી લઈશ. પિત્તળ જેવી વાત માટે સોના જેવા મિત્રોને ક્યાં તકલીફ આપવી? મારા માટે આ પ્રકરણ સમાપ્ત થયું. હું હળવોફુલ બની ગયો. વિચારી રહ્યો કે અત્યારે મેં નેવું ટકા જેટલી પ્રાઈવેટ પ્રેક્ટિસ આટોપી લીધી છે. દર મહિને એક મેજર સર્જરી કરું છું. એમાંથી જે ધન મળે છે એના બદલામાં ચારેક પિન્ટુઓના પ્રાણ બચાવી શકાય. એ માટે કોઈને કહેવાની શી જરૂર? બરાબર એ સમયે મોબાઈલ રણક્યો. અનસેવ્ડ નંબર હતો. મેં રિસિવ કર્યો. કોઈ પુરુષસ્વર પૂછી રહ્યો: ‘હું પ્રવીણભાઈ બોલું છું. તમે ભૂલી ગયા હશો. આજથી બાવીસ વર્ષ પહેલાં આપણે મળ્યા હતા.’ ‘બોલો ને, પ્રવીણભાઈ.’ મારું ધ્યાન અતીતને યાદ કરવા તરફ ન હતું. હું તો બે દિવસ પહેલાં મળેલા માણસોને પણ યાદ નથી રાખી શકતો. પ્રવીણભાઈ બોલી રહ્યા હતા: ‘સાહેબ, અત્યારે અચાનક એક વિચાર આવ્યો છે. અચાનક જ, હોં! કોઈના કહેવાથી નહીં. મારી અંદરથી મને સૂઝ્યું કે હું તમને દસ હજાર રૂપિયા… કોઈ ગરીબની સારવાર… ઓપરેશન…. મને પૂરો વિશ્વાસ છે કે… વધારે જોઈતા હોય તો કહેજો…’ એ સતત બોલતા ગયા, હું રડતો રહ્યો. એમની વાત પૂરી થઈ એ પછી મેં કહ્યું, ‘ભાઈ, તમે કહ્યું એ બધું સાચું, પણ એક વાત ખોટી. તમે કહ્યું ને કે આ તમારી અંદરથી સૂઝ્યું છે. કોઈના કહેવાથી નહીં…! તમને ખુદને ખબર નથી કે તમને આવું કરવાનું કોણે સુઝાડ્યું છે. બાર વર્ષે બોલે એને બાવો કહેવાય, પણ બાવીસ-બાવીસ વર્ષ પછી અચાનક કોઈ માણસની પાસે બોલાવડાવે એને ભગવાન કહેવાય. આ સૃષ્ટિમાં ચૈતન્યનો એક અસીમ મહાસાગર લહેરાય છે, એના તરંગોમાં વહેતી વહેતી વાત ઉપર બેઠેલા જાદુગર પાસે પહોંચી જાય છે. એ જાદુગર તો હોટલાઈન લઈને બેઠો છે. એના ઘરે દેર નથી અને અંધેર પણ નથી.’ પિન્ટુનું ઓપરેશન થઈ ગયું છે. હવે હું એના સાંભળ‌વા માટેના ઈલાજ વિશે વિચારી રહ્યો છું. એ પણ થઈ જશે. હોટલાઈન ઉપર મને વિશ્વાસ છે. (સાવ સાચી ઘટના. પિન્ટુ અને હિતેષભાઈની ઓળખ છુપાવવા માટે આવશ્યક ફેરફારો કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...