રણ-મેરામણને કાંઠેથી:પ્રજાના ભેરુબંધ પ્રતાપી પત્રકાર

2 મહિનો પહેલાલેખક: નિરુપમ છાયા
  • કૉપી લિંક

આઝાદી માટેના સંઘર્ષ કાળમાં કચ્છના એક પત્રકાર અને લોકનેતા છગનલાલભાઈ મહેતાને કચ્છનાં ઈતિહાસ, ભૂગોળ, સંસ્કૃતિ, પ્રજામાનસ અને મિજાજ તેમજ અંતરંગ પરિબળોનો ઊંડો પરિચય હતો. કચ્છમાં જવાબદાર રાજ્યતંત્ર માટેની લડતમાં છગનલાલભાઈએ યુસુફ મહેરઅલી, શૂરજી વલ્લભદાસ, તેરસીકાકા, પ્રો. કે. ટી. શાહ સાથે મળીને સતત સંઘર્ષ કર્યો. એને કારણે લોકોમાં જાગૃતિનો જુવાળ આવ્યો. ભયભીત શાસને આતંક ફેલાવવા માંડ્યો. કાંતિપ્રસાદ અંતાણી અને અન્ય કેટલાક નેતાઓને આશારામ આપઘાત કેસમાં ફસાવી સજા કરાઈ. તેમને જેલમાં અમાનુષી માર મારવામાં આવ્યો. એ ઘટનાની તપાસ માટે નિમાયેલી છગનલાલભાઈ અને ગુલાબશંકર ધોળકિયાની સમિતિએ પ્રત્યક્ષ તપાસ કરી કડક અહેવાલ આપ્યો. છગનલાલભાઈ પ્રજાકીય પરિષદમાં પણ એટલા જ સક્રિય રહ્યા. પરિષદના માંડવી અધિવેશનમાં તેમણે તેજાબી ભાષણ કર્યું. તેમના શબ્દો, ‘જમણે હાથે પહેરાવેલો તાજ પ્રજા ડાબે હાથે ઉતારી શકે છે.’ કચ્છની પ્રજાના સ્મૃતિપટ પર કાયમને માટે કોતરાઈ ગયા છે. માંડવીના વહીવટદારે કચ્છ રાજ્યના દીવાનને એક ખાનગી અહેવાલમાં જણાવ્યું, ‘ગઈકાલે ઠરાવ પસાર થયા તેની ટીકાઓ થઈ, ભાષણો થયાં. એક ઠરાવ પર છગનલાલ મહેતા અસાધારણ બોલ્યા હતા.’ લડત માટે નવયુવકોને તૈયાર કરવા તેમણે ૧૯૩૪માં અંજારમાં કચ્છ યુવક સંમેલન બોલાવવાની પ્રેરણા આપી. આ રીતે તેઓ સંઘર્ષ અને પ્રજાના ઘડતર માટે પણ એટલા જ સક્રિય રહ્યા હતા. છગનલાલભાઈ ગુજરાતવ્યાપી અને દેશવ્યાપી પ્રતિભાઓ અને પ્રવૃત્તિઓના સંપર્કમાં પણ રહ્યા હતા. કવિ નાનાલાલ, ચુ. વ. શાહ, નારાયણ વિસનજી ઠક્કુર, અમૃતલાલ શેઠ, ઇન્દુલાલ યાજ્ઞિકના નિકટવર્તી વર્તુળોમાં તેમનો સમાવેશ થતો હતો. આર્ય સંસ્કૃતિનો તેમના પર ઊંડો પ્રભાવ હતો. તેમણે હિંદુ જાગૃતિનું કાર્ય કર્યું અને ધમકીઓને વશ થયા વગર આર્યસમાજના સક્રિય સભ્ય રહ્યા. મહાત્મા ગાંધીની દાંડી યાત્રામાં પણ પુત્રી રમીલાને લઈને જોડાયાં હતાં. મહાત્મા ગાંધીની અધ્યક્ષતા હેઠળની ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની વિદેશી કાપડ બહિષ્કાર સમિતિની પ્રવૃત્તિને ગુજરાતમાં સક્રિય કરવામાં પોતાની સેવાઓ આપવાની તૈયારી દર્શાવતો પત્ર એમણે ૧૬ એપ્રિલ, ૧૯૨૯ના રોજ લખ્યો હતો. પત્રકાર તરીકેના વ્યક્તિત્વનું તેમનું એક વિશેષ પાસું હતું. આજે શોધનિષ્ઠ પત્રકારત્વ (Investigating Journalism) તરીકે ઓળખાય છે એ પ્રકારના વૃતાંતલેખો પણ ‘હિંદુજીવન’ અને ‘વતન’માં છપાયેલા જોવા મળે છે. કચ્છનાં દૂર દૂરનાં ગામડાંમાં વસતી અજ્ઞાન ભોળી પ્રજા પર ગુજારાયેલા જુલમની કે પ્રજાકીય કાર્યકર વિરુદ્ધ રચાયેલા કાવતરાની ઝીણામાં ઝીણી વિગત અને પુરાવા તેમાં નીડરતાથી રજૂ કરવામાં આવેલાં છે અને તેના બદલામાં કોર્ટ-કચેરીમાં ઘસડાવાની તૈયારી પણ તેમણે રાખેલી હતી એવા અનેક કિસ્સાઓ છે. રાજકીયની જેમ તેમના સામાજિક વિચારોનો ઝોક પણ ઉદ્દામવાદી હતો. તેમના પત્રકારત્વને ખીલવવામાં આ બધાંનો ફાળો હતો. સામાજિક નવચેતનાને ઉત્તેજે અને વાચકોની વાંચનભૂખને પણ સંતોષે એવી ઘણી સામગ્રી આ અખબારોમાં પીરસાતી. રસમય વૃતાંતની કટારો, ધારાવાહી નવલકથાઓ પણ અપાતી. તેમણે પોતે પણ મોગલ કે રાજપૂતકાળની પશ્ચાદભૂ પર પ્રેમશૌર્ય કથાઓ લખી. દળદાર વસંત અંકો તેમ જ દીપોત્સવી અંકો પણ બહાર પડતા. કચ્છના આ સંઘર્ષકાળમાં પ્રવૃત્ત અગ્રણીઓએ પણ છગનલાલભાઈનાં વ્યક્તિત્વ અને કાર્યની નોંધ લીધી છે. કાંતિપ્રસાદ અંતાણી લખે છે, ‘મધ્ય યુગ રાજાશાહી, આપખુદ વહીવટ નીચે કચડાતી, પીડાતી અને ફોલાતી પ્રજાને ઊંચે લાવવા તેમનાં દુ:ખો અને ફરિયાદોને પ્રકાશમાં લાવવા તે સમયે દેશી રાજ્યોમાં જેણે ઝંડો ફરકાવ્યો હતો, આત્મત્યાગની દીક્ષા લીધી હતી અને પ્રજાની રાજકીય જાગૃતિ માટે મેદાને પડ્યા હતા...તેવાં નામો પૈકી એક છગનલાલ ભવાનીશંકર મહેતાનું નામ છે. કચ્છમાં જ્યારે અમલદારશાહી ફૂલી હતી, રાજાશાહીનો મધ્યાહન હતો ત્યારે તેમના કાન આમળીને તેમણે ફરજ બજાવવી શરૂ કરી હતી. તેમણે પીડિતોની આંતરડીનાં ગીત ગાયાં છે, પોતાની જાત કે કુટુંબને હોડમાં મૂકીને પણ પ્રજાજાગૃતિ માટે સ્વેચ્છાએ ગરીબી કે ફકીરીને ભેટતાં ક્ષોભ કે વિષાદ અનુભવ્યાં નથી.’ તો કચ્છના રાજકીય નેતા સદગત ગુલાબશંકર ધોળકિયા તેમના આ ઐતિહાસિક કાર્ય વિષે લખે છે: ‘જે થોડીએક વ્યક્તિઓએ કચ્છના પ્રજાકીય જીવનને વ્યવસ્થિત સ્વરૂપ આપવા રાજકીય આંદોલનો જગાવ્યાં, તેઓ પૈકીના એક તરીકે, કચ્છી પ્રજાકીય પરિષદના સર્જનની પ્રેરણામાં ભાઈ છગનલાલનો ઘણો મોટો ફાળો હતો. કચ્છની પ્રજાકીય પ્રવૃત્તિઓના ઈતિહાસમાં ભાઈ છગનલાલનું નામ એક અઠંગ લડવૈયા તરીકે હંમેશને માટે અંકિત રહેશે.’ કચ્છી પત્રકારત્વના ઇતિહાસના આલેખક પ્રવિણચંદ્ર શાહ નોંધે છે, ‘જેમની દૃષ્ટિ, કલમ અને રોજિંદી કારકિર્દીમાં દેશવ્યાપી ઊથલપાથલવાળાં રાજકારણ અને સામાજિક ન્યાય માટેની બુલંદ માંગનો સમન્વય કચ્છ અને કચ્છીઓની પશ્ચાદ ભૂમિકામાં સતત રહેતો. છગનલાલ મહેતા આવા અનૂઠા પત્રકારવંશની કચ્છ-ગુજરાતની પત્રકારત્વને યાદગાર ભેટ હતી.’ કચ્છનાં ચાર શહેરોની નગરસભાઓની બીજી ચૂંટણી વખતે ‘જાગતા રે’જો’ પુસ્તકે ઝંઝાવાત ઊભો કર્યો. ફી વધારા સામે લડત, માધાપર હોસ્પિટલના પ્રશ્ને અન્ય આગેવાનો સાથે સત્યાગ્રહ એ રીતે અન્યાય સામે પણ અવાજ ઉઠાવતા રહ્યા. એમની સ્મૃતિનું ઉચિત જતન કરવા સદ્્ગતનાં પુત્રી ડો. જ્યોત્સનાબહેન મહેતાએ ડો. ધીરેન્દ્ર મહેતાના માર્ગદર્શન અનુસાર સાહિત્ય, શિક્ષણ, રાજનીતિ, સમાજ, ધર્મ અને વિજ્ઞાનના આજના સંદર્ભમાં સંબંધનું ચિંતન રજૂ કરતી વ્યાખ્યાનશ્રેણીનું આયોજન કર્યું. તત્સમયના વિદ્વાન વક્તાઓનાં વ્યાખ્યાનોને ઉષ્માસભર આવકાર મળ્યો. ૨૦મી જુલાઈ, ૧૯૫૭ના તેમની ચિર વિદાયથી કચ્છના રાજકીય ક્ષેત્રમાં ઘૂમતા એક નીડર કાર્યકરની પ્રજાને ખોટ પડી.⬛jcanjar201@gmail.com

અન્ય સમાચારો પણ છે...