શબ્દના મલકમાં:સૌરાષ્ટ્રનું ભાતીગળ પ્રજાજીવન કથાવાર્તામાં ઉત્તમ રીતે આલેખનાર કવિ

મણિલાલ હ. પટેલ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રજાની મર્યાદાઓ અને સમાજજીવનની આંટીઘૂંટીઓ આલેખવા સાથે મડિયાને રાજકારણની સોગઠાંબાજી વર્ણવતાં આવડે

આપણા પ્રસિદ્ધ નવલકથાકાર-વાર્તાકાર ચુનીલાલ મડિયાની જન્મ-શતાબ્દીનું આ વર્ષ ચાલે છે. એમનો જન્મ 12-8-1922માં ધોરાજી વતન-ગામમાં થયો હતો. પિતા કાલિદાસ અને બા કસુંબાબહેન! પ્રથમ પત્ની હતાં કુસુમબહેન. બીજાં પત્ની દક્ષાબહેન! એમને બે દીકરા: અપૂર્વ અને અમિતાભ! દીકરી પૂર્વી. અમિતાભ મડિયા જાણીતા ચિત્રકાર છે. મડિયાના સાહિત્યનું એમણે સંપાદન કર્યું છે. ચુનીલાલ મડિયાએ થોડો અભ્યાસ વતનમાં કરેલો. 1939માં મેટ્રિક થઈને અમદાવાદની એચ.એલ. કોલેજ ઓફ કોમર્સમાં દાખલ થયેલા. મુંબઈની સિડનહામ કોલેજમાંથી 1945માં બી.કોમ પૂર્ણ કરેલું! 1946માં જન્મભૂમિમાં જોડાયેલા. 1950માં ‘યુસીસ’માં ગુજરાતી વિભાગમાં સેવા આપવાનું સ્વીકારેલું. 1955માં અમેરિકા પ્રવાસ કરેલો. 1962માં ‘યુસીસ’ છોડ્યું. 1966થી ‘રુચિ’ સાહિત્ય સામયિક શરૂ કરેલું, જેમાં જયંત પાઠકની સ્મરણકથા ‘વનાંચલ’ હપ્તાવાર પ્રગટ થઈ હતી. મડિયા નવલકથા-વાર્તાના માણસ… એનું એમને નિત્યનું ખેંચાણ! પત્રકારત્વ પણ એમના રસનો વિષય! દેશ-વિદેશનું સાહિત્ય વાંચનારા મડિયાએ કથાવાર્તાનાં ઉત્તમ વિવેચનો આપવા સાથે કથાવાર્તાની વિભાવનાઓ વિશે પણ લેખો કરેલા! બારથી વધારે નવલકથાઓ અને દસથી વધારે વાર્તાસંચયો આપનાર મડિયાએ છ જેટલાં નાટક-એકાંકીના ગ્રંથો અને ચારથી વધુ વિવેચનનાં પુસ્તકો ઉપરાંત અનુવાદો અને સંપાદનો પણ આપ્યાં છે. મુખ્યત્વે કથાસાહિત્યના સર્જક-વિવેચક લેખે તેઓ જાણીતા છે. ‘વ્યાજનો વારસ’, ‘ઈંધણ ઓછાં પડ્યાં’, ‘વેળા વેળાની છાંયડી’, ‘લીલુડી ધરતી-1-2’, ‘કુમકુમ અને આશકા’, ‘સધરા જેસંગનો સાળો-1-2’ અને ‘આલા ધાંધલનું ઝીંઝાવદર’ એમની નોંધપાત્ર નવલો છે. સોરઠની ધીંગી ધરાનાં એવાં જ પાણીદાર પાત્રો વડે મડિયાએ મેઘાણી પછી સોરઠ પ્રદેશના બહુસ્તરીય પ્રજાજીવનને તાગવાનો સંનિષ્ઠ પ્રયાસ કર્યો છે. ‘કુમકુમ અને આશકા’ ઐતિહાસિક નવલ લેખે ધ્યાન ખેંચે છે. ભીમદેવના વખતનું સોમનાથ આલેખાયું છે. મડિયાનું મહત્ત્વનું પ્રદાન એમની ત્રણ-ચાર હાસ્યરસની નવલો છે. ‘સધરા જેસંગનો સાળો’ વગેરે આજે પણ વાચનક્ષમ છે. પ્રજાની મર્યાદાઓ અને સમાજજીવનની આંટીઘૂંટીઓ આલેખવા સાથે મડિયાને રાજકારણની સોગઠાંબાજી વર્ણવતાં આવડે છે. 1946માં પ્રકાશિત થયેલી અને મડિયાની ધ્યાનપાત્ર ગણાયેલી નવલકથા ‘વ્યાજનો વારસ’ નવલકથાનાં સ્થાપિત ધોરણોથી ‘જરા હટકે’ ચાલે છે છતાં એનું રચના-વિધાન પ્રમાણમાં દૃઢબંધ છે. સૌરાષ્ટ્રમાં ધીરધાર કરનારા એક કુટુંબની ખટપટ લીલાઓ અહીં આલેખાઈ છે. આભાશાની મિલકતના એકમાત્ર વારસ રીખવનું યુવાનીમાં જ મૃત્યુ થાય છે અને આભાશાની મિલકત પચાવી પાડવાના ઉધામા શરૂ થાય છે. જોકે, અંતે લક્ષ્મીનો સાચો ઉપયોગ કરનારા તીર્થક્ષેત્ર જેવા માણસો યોગ્ય વહીવટ કરે છે, કરાવે છે. મડિયાની બીજી ‘કીર્તિદા’ કૃતિ છે : ‘લીલુડી ધરતી-1-2’ ગુંદાસર ગામના કૃષિ-પરિવેશ વચ્ચે અરૂઢ કથાવસ્તુ લઈને ચાલતી આ પ્રયોગશીલ નવલકથામાં કથાકથન કરતાં વધારે તો સંવાદોની મજા છે. મડિયામાંનો નાટ્યકાર અહીં દેખાશે. એક સગર્ભા પરણિતા (સંતુ)ના પતિના અવસાન પછી એના પર કલંક લગાડતું આળ મૂકાય છે ને કથામાં ખરા સંઘર્ષની જમાવટ થાય છે. સંતુ-ગોબર-માંડણની મુખ્ય કથામાં માંડણની ખલતા અને સંતુની પ્રામાણિકતા તથા ધીરજ ખરેખર ધ્યાનપાત્ર છે. મડિયા સફળ અને મોટા ગજાના વાર્તાકાર. બાર સંચયોમાં એમની 250 વાર્તાઓ મળે છે. મડિયાએ મૌલિક વાર્તાઓ જ વધુ આપી છે. એમની વાર્તાઓમાં સોરઠી પ્રજાજીવનની ભાતીગળ તાસીર છે. તમામ સ્તરનાં લોકો તથા એમની પ્રેમસંવેદનાઓ, પીડાઓ, અરમાનોને મડિયા પ્રભાવકતાથી આલેખે છે. એમની વાર્તા ‘અભુ મકરાણી’ ઉપરથી કેતન મહેતાએ ‘મિર્ચ-મસાલા’ નામે ઉત્તમ ફિલ્મ બનાવી હતી. ‘અંત:સ્ત્રોતા’ વાર્તામાં જેલ ભેદીને ભાગેલો પુરુષ પ્રૌઢ પત્નીને ભોગવી લેવા ચાહે છે. પત્ની પણ રાજી જ છે, પણ પાછળ તો વાર ચઢી છે ને કેદી જો તાબે ન થાય તો દીકરાની સરકારી નોકરી જાય એમ છે. કેદી સામે ચાલીને પકડાઈ જવા નીકળે છે. ‘કાકવંધ્યા’, ‘ચંપો અને કેળ’, ‘વાની મારી કોયલ’ અને ‘કાળી રાત…’ જેવી વાર્તાઓ રતિસુખ અને એનાં નોખાં તથા વરવાં રૂપો રજૂ કરે છે. મડિયાની ભાષાશૈલી પણ બળૂકી છે. ઉમાશંકરે ‘મડિયારાજા’ વ્યક્તિચિત્રમાં મડિયાનું જાદુઈ વ્યક્તિત્વ અને ધારદાર સર્જકતા વર્ણવ્યાં છે. 29 ડિસેમ્બર, 1968ના રોજ મડિયા અણધાર્યા હાર્ટએટેકથી મૃત્યુ પામ્યા. માત્ર 46 વર્ષની વયે જીવનલીલા સંકેલાઈ ગઈ છતાં મડિયાએ 23-24 વર્ષના લેખનગાળામાં ચાલીસથી વધારે ગ્રંથો આપ્યા છે. ⬛ manilalpatel911@yahoo.com

અન્ય સમાચારો પણ છે...