આવનારા પાંચ દિવસમાં તમને જરૂર છે પાંચ લાખ રૂપિયાની. શું કરવું એનો વિચાર કરતા હો ત્યારે યાદ આવે અમદાવાદના ચોખાબજારના કબૂતરખાનાની. કોઈ જાણકારને લઈ જાઓ એક કબૂતરખાનામાં. એ આપશે તમને રૂ. 4,75,000 અને દસ દિવસ બાદ તમારે એને આપવાના થશે રૂ. 5,00,000. કેટલા ટકાનું વ્યાજ થયું એ વિચાર્યા વિના તમે આ શરત સ્વીકારો છો. આવા કિસ્સામાં તમે શિકાર બન્યા ‘બાઉન્ડેડ રેશનાલિટી’ના. સારાં-નરસાંનો ઊંડો વિચાર કર્યા વિના, લાંબા ગાળાની અસરો તપાસ્યા વિના, દિમાગમાં જે પ્રથમ આવે તેનો સ્વીકાર કરવાની ભૂલનું આ નામ છે. નોબલ પ્રાઈઝના વિજેતા પ્રો. હર્બટ સાઈમનસાહેબે 1955માં બાઉન્ડેડ રેશનાલિટીની સૌપ્રથમ ચર્ચા કરી. એમણે બાઉન્ડેડ રેશનાલિટીની સરખામણી કરી કાતર સાથે. આ કાતરની એક બ્લેડ છે આપણાં દિમાગની કેપેસિટી. બીજી બ્લેડ છે આપણા નિર્ણયો ઉપર પડતી એન્વાયર્ન્મેન્ટની અસરો. આપણે ખૂબ જ અટપટી દુનિયામાં અગત્યના નિર્ણયો લેતા રહીએ છીએ. સર્વોત્તમ નિર્ણયો લેવાનો આપણી પાસે નથી હોતો સમય, નથી હોતી આવડત, નથી હોતું જ્ઞાન, અનુભવ... બધું જ ભાડે મળી શકે છે. જાણકારો મોજુદ છે, પણ આપણે એમની મદદ ન લેવાનાં બહાનાં શોધતાં રહીએ છીએ અને દિમાગમાં સૌપ્રથમ આવતું સોલ્યુશન લઈ, આરામથી પસ્તાવાની નોબત આવે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. બાઉન્ડેડ રેશનાલિટી, લાંબા ગાળાના અગત્યના નિર્ણયો લેવામાં બાધા નાખે છે. માટે... દરેક નિર્ણયનો કોસ્ટ બેનિફિટ રેશિયો ખૂબ ધ્યાનથી તપાસો. જાણકારોની મદદ લેવામાં કશો હિચકિચાટ રાખશો નહીં. સંસ્થાને લર્નિંગ ઓર્ગેનાઈઝેશન બનાવો. પ્રતિસ્પર્ધીઓ કરતાં વધારે ઝડપથી શીખો. જે જ્ઞાન સંસ્થામાં નથી તે જ્ઞાન ધરાવતા નોલેજ વર્કરોની ભરતી કરો. નિર્ણયો ઉપર ઈમોશન્સ અને એન્વાયર્ન્મેન્ટ અસર કરે છે એ ભૂલશો નહીં. મેનેજમેન્ટના નિષ્ણાત કાર્લ વીકસાહેબે થોરામાં ઘનું કહ્યું છે, ‘તમે સાચાં છો એ રીતે દલીલ કરો અને ખોટાં છો એ રીતે સાંભળો.’ ⬛ baheramgor@yahoo.com
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.