મનદુરસ્તી:તમે માનો કે ન માનો, એની ઉપર કંઇક તો મેલું કરવામાં આવ્યું છે!

10 દિવસ પહેલાલેખક: ડૉ. પ્રશાંત ભીમાણી
  • કૉપી લિંક
  • આ મનોસંઘર્ષો કન્વર્ઝન ડિસઓર્ડર કે હિસ્ટીરિયા નામની મનોવિકૃતિ સ્વરૂપે બહાર આવ્યા

‘સાહેબ, તમે માનો કે ન માનો, સરિતાના શરીરમાં કંઇક તો અપવિત્ર આત્મા જેવું પ્રવેશ્યું છે જ! અમે એની તકલીફ હવે જોઇ શકતા નથી. છેલ્લાં બે વર્ષથી એ પીડાય છે. ગમે ત્યારે એ બેભાન થઇ જાય. હાથ ખેંચાવા માંડે. શરીરમાં ઝટકા આવે. આંખોના ડોળા ઉપર ચડી જાય. જમીન પર પડી જાય. લગભગ એક-બે કલાકે એ પાછી નોર્મલ થાય. અમારા એક સગાના કહેવાથી અમે કંઇક વિધિ પણ કરાવડાવી. કોઇએ એને કંઇ મેલું કરી તો નથી નાખ્યું ને! એ પણ જોવડાવ્યું તો એમાં ખબર પડી કે, અમારી નજીકની જ કોઇ વ્યક્તિ છે. એણે સરિતાને ખાવામાં ભેળવીને કંઇક આપી દીધું લાગે છે. એના ઉપર કંઇક તો મેલું થયું જ છે. ડૉક્ટર, આ બધાંમાં અમે બહુ માનતા નથી પણ તોય પેલું કહે છે ને કે, દુઆ અને દવા બંને કામ કરે, એટલે નક્કી કર્યું કે તમને પણ બતાવી દઇએ. આમ પણ મારા કાકાજી અમેરિકામાં ડૉક્ટર છે. એમણે ખાસ કહ્યું એટલે અમે આવ્યાં છીએ.’ સાસુ જયાબહેન અને સસરા સુમિતભાઇ બંનેનો આ એક જ સૂર હતો. સરિતાનો પતિ કેયૂર આવ્યો હતો, પણ એ ચૂપચાપ બહાર વેઇટિંગ રૂમમાં બેઠો હતો. સરિતાની સારવાર શરૂ થઇ. એની સમસ્યાની વિગતવાર પૂછપરછ થઇ. ક્લિનિકલ એસેસમેન્ટ અને હિસ્ટ્રી લીધા પછી એવું સ્પષ્ટ થયું કે સરિતાને ‘કન્વર્ઝન ડિસઓર્ડર’ નામની બીમારી હતી. એનું સૌથી મોટું લક્ષણ ન્યુરોલોજીકલ બીમારી એપિલેપ્સી જેવું લાગે પણ કેટલાંક ઇન્વેસ્ટિગેશન્સ કર્યાં પછી એવું કંઇ નિદાન ન થાય તો એને મગજનો રોગ નહીં પણ મનોવિકૃતિ તરીકે ગણવામાં આવે છે. કન્વર્ઝન ડિસઓર્ડરનો માનસિક રોગ પહેલાં હિસ્ટીરિયાના નામથી ઓળખાતો હતો. આમાં ઘણી વાર દર્દીને ખૂબ નબળાઇ કે પેરાલિસિસ જેવો અનુભવ થાય. આખા શરીરે ખેંચ આવ્યા કરે. ક્યારેક દર્દી બોલવાનું બંધ કરી દે. સામાન્ય રીતે સાંવેદનિક અને ચેષ્ટાકીય એમ બે પ્રકારનાં લક્ષણો હોય છે. પણ, બહુ ઊંડાણમાં નહીં જતાં એટલું તો સમજવું જરૂરી છે કે, કન્વર્ઝન ડિસઓર્ડરની ખેંચ અને એપિલેપ્સીની ખેંચમાં તફાવત હોય છે. એપિલેપ્સીની ખેંચમાં દર્દીના દાંત વચ્ચે જીભ આવી જવી, ક્યારેક પેશાબ થઇ જવો કે પડવા-વાગવાથી ઇજા થયેલી જોવા મળે છે. જ્યારે સરિતા જેવા કિસ્સામાં આવું કંઇ જોવા મળ્યું નહીં. ઉપરાંત, ન્યુરોલોજીકલ અને સાયકોલોજીકલ સીઝર કે ખેંચના સમયગાળામાં પણ તફાવત હોય છે. આ બંને વચ્ચે ચોક્કસ નિદાન જરૂરી છે. સરિતાના અચેતન માનસમાં અનેક સંઘર્ષો પડેલા હતા. એના અરેન્જ્ડ મેરેજ હતાં. લગ્નને દોઢ વર્ષ થઇ ગયાં. એ પહેલીવાર આ શહેરમાં આવી હતી. કેયૂર સાથે અચાનક એનાં લગ્ન થઇ ગયાં હતાં. સગાઇના પંદર દિવસમાં તો લગ્ન લેવાઇ ગયાં હતાં. લગ્ન પછીનાં દોઢ વર્ષમાં સૌથી આશ્ચર્યની વાત તો એ હતી કે સરિતા અને કેયૂરના કોઇ શારીરિક સંબંધ બંધાયા જ નહોતા. સરિતા જ્યારે જ્યારે કેયૂરને ઇચ્છા દર્શાવતી ત્યારે એ કોઇ ને કોઇ બહાનાં હેઠળ સરિતાને ટાળતો. હવે એને બીજા ઘરવાળા બાળક માટે દબાણ કરતા હતા, પણ એ કોઇને કહી શકી નહોતી કે કેયૂર જ નજીક આવવા તૈયાર નથી. એનાં મમ્મી તો નાનપણમાં જ ગુજરી ગયેલાં. ઉપરાંત સરિતાના પપ્પા એના લગ્નના બે મહિના પહેલાં જ કેન્સરમાં મૃત્યુ પામ્યા હતા. એ વખતે એમણે સરિતા પાસે પ્રોમિસ લીધું હતું કે તું ઝડપથી કેયૂર સાથે જ લગ્ન કરીશ તો મને શાંતિ મળશે. કેયૂર અને સરિતાના બંનેના પપ્પા એકબીજાના ખાસ મિત્રો હતા. હવે સરિતાએ લગ્ન તો કર્યાં પણ કોઇ ઇમોશનલ કે ફિઝિકલ નિકટતા નહોતી. એ લગ્નમાંથી બહાર નીકળી શકે એમ નહોતી. ન કહેવાય અને ન સહેવાય એવી સ્થિતિએ સરિતાના અચેતન માનસમાં સંઘર્ષો ઊભા કર્યા. આ મનોસંઘર્ષો કન્વર્ઝન ડિસઓર્ડર કે હિસ્ટીરિયા નામની મનોવિકૃતિ સ્વરૂપે બહાર આવ્યા. અને પછી મંત્ર-તંત્ર અને મેલી વિદ્યાની ઘટમાળ શરૂ થઇ ગઇ હતી. તમને એ જાણીને નવાઇ લાગશે કે આર્ટિફિશિઅલ ઇન્ટેલિજન્સ અને મોબાઇલના આ આધુનિક યુગમાં પણ વિશ્વના 100 કરોડથી વધુ લોકો જાદુ-ટોણામાં વિશ્વાસ કરે છે. 95 દેશોમાં ‘પ્યૂ રિસર્ચ’ દ્વારા કરાયેલા સર્વેમાં આ વાત જાણવા મળી છે. અમેરિકન યુનિવર્સિટીના સમાજશાસ્ત્રી અને મુખ્ય સંશોધક બોરિસ ગેર્શમેન પ્રમાણે આવો અંધવિશ્વાસ અનેક લોકોમાં મોટા સંઘર્ષોનું કારણ બને છે. સરિતાની ટ્રીટમેન્ટ ઓફ ચોઇસ હિપ્નોથેરાપી અને કાઉન્સેલિંગ હતાં. કેયૂરનું પણ અલગથી કાઉન્સેલિંગ થયું. સરિતા જૂના મનોસંઘર્ષો અને પપ્પાને આપેલી પ્રતિજ્ઞાની અપરાધભાવનાથી મુક્ત થઇ. પતિ-પત્ની બંનેનું સજોડે પણ કાઉન્સેલિંગ થયું. કેયૂરનું સરિતા પ્રત્યેનું મનોવલણ પોઝિટિવ થયું. બંને જણાં શારીરિક અને માનસિક રીતે નજીક આવતા ગયાં. જેમ જેમ સરિતાને આ સપોર્ટ મળતો ગયો, તેમ તેમ એનામાં ઝડપથી સુધારો આવતો ગયો. હવે સરિતા એક મુક્ત નદીની જેમ ઉછળકૂદ કરતી સ્વસ્થ વ્યક્તિ બની ગઇ છે. વિનિંગ સ્ટ્રોક : વેદાંત અને અધ્યાત્મ એવું કહે છે કે, આપણા શરીરમાં ઓલરેડી આત્મા છે, એને પવિત્રતા કે અપવિત્રતા સાથે કોઇ સંબંધ નથી. એટલે કોઇ અપવિત્ર ગેસ્ટ-આત્માને પ્રવેશવાના સ્કોપ નથી હોતા!{ drprashantbhimani@yahoo.co.in