તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બુધવારની બપોરે:ફ્લાઈટ પકડતાં પહેલાં

અશોક દવે3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ફેમિલી સાથે ફોરેનની ફ્લાઈટ પકડવાની હોય ત્યારે ઘરનો માલસામાન વેચવા કાઢ્યો હોય, એવું રૂમો ભરી-ભરીને વેરણછેરણ પડ્યું હોય. ફ્લાઈટ અઠવાડિયા પછીની ભલે હોય, પણ લઈ જવાનો સામાન તો અત્યારથી ગોઠવવા માંડવો પડે ને? નાની-મોટી થઈને હજારો નહીં તો સેંકડો ચીજો બેગોમાં ભરવાની હોય અને એરલાઈન્સવાળાઓમાં તો સહેજ પણ વિવેક હોતો નથી કે, ઘેર આવીને સામાન-બામાન બંધાવે! ઠેઠ એરપોર્ટ પર વજનો કરવા બેસશે અને ચાર આની ભાર પણ સામાન વધ્યો તો આ મોટો વધારાનો લગેજ ચાર્જ ભરવાનો! એ લોકો ઘરે આવીને જુએ તો ખબર પડે કે, આખા ને આખા રૂમો ભરાઈને સામાન વેરણછેરણ પડ્યો છે, એમાં લઈ જવા કરતાં નહીં લઈ જવાની ચીજો વધારે હોય. જે રૂમમાં જઈએ ત્યાં એ જ ઠેબે ચઢતી હોય. એરલાઈન્સવાળાઓમાં થોડીય માનવતા વધી હોય તો 4-5 એરહોસ્ટેસો મદદ કરવા આપણે ઘેર મોકલી આપવી જોઈએ, જેથી ફ્લાઈટમાં ચઢ્યા પછી એ લોકોને અમે બહુ નડીએ નહીં! હવેની તો એરહોસ્ટેસોય બહેન જમના અને બહેન ચંપા જેવીઓ હોય છે, એટલે એરલાઈન્સવાળા જ નહીં, વાઈફોનેય ચિંતા કરવી પડતી નથી. લગ્નનાં 15-20 વર્ષ પછી તો વાઈફોનેય ધરપત રહે છે કે, ગોરધન મારી પાછળેય હવે લપટાતો નથી, તો આ ચંપા-જમનામાં કયું મૂડીરોકાણ કરવાનો? એમ તો પાછો ટેસ્ટવાળો છે. ફ્લાઈટમાં લઈ જવાના સામાનના ઢગલે-ઢગલા રૂમોમાં અહીંથી ત્યાં વેરાયેલા પડ્યા હોય, એમાં ભારે કાળજી રાખીને બનાવેલા લિસ્ટ મુજબ ‘ટિક’ કરતા જવું પડે કે, સ્પોર્ટ્સ શૂઝ આવી ગયાં. દસ જોડી પેન્ટ-શર્ટ્સ અને વાઈફનાં 40 ડ્રેસ પેક થઈ ગયાં. હવે તો ત્યાંય કોઈ સાડી પહેરતું નથી અને અહીં ત્યાં જેવાં સ્લેક્સ કે તૈયાર પેન્ટ મળે નહીં, છતાં લેવાં તો પડે. ના, ના, કરતાંય થેલીઓ બહુ વધી જાય છે. શેમાં શું ભરવું અને ભર્યાં પછી કઈ થેલીમાં શું-શું ભર્યું છે, એ યાદ રાખવું એમ કંઈ સહેલું નથી. નાનકડી ડાયરીમાં બધું નોંધતા તો જઈએ, પણ અડધું ઘર તો એ ડાયરી શોધવામાં તૂટી ગયું હોય! પરસેવા ત્યાં છૂટી જાય છે કે, બધું ભરાઈ ગયા પછી વધેલા સામાનને પાછો ક્યાં મૂકવો, એ યાદ રહ્યું હોતું નથી અને જેમ-તેમ ડૂચા કરીને તો જ્યાં ત્યાં મુકાય નહીં. ઈન્ડિયા પાછાં આવીએ ત્યારે એ જ સામાન પાછો કામમાં લેવાનો હોય અને ભલે ને પાછાં પાંચેક વર્ષ પછી આવવાનાં હો, પણ એમાં કંઈ આટલી મોંઘી ચીજો આંઈ ઈન્ડિયામાં કોઈને બસ, એમ જ ગિફ્ટમાં આપતાં જવાય છે? … એક ફેમિલીને તો વધેલા સામાનમાં આખેઆખા બા વધતાં હતાં... એમને કઈ બેગમાં ભરવાં? વાત લંડન-ફંડનની નીકળે, એટલે મારાં સ્વર્ગસ્થ સાસુ એમની ફેમસ હેડકીઓ સાથે યાદ આવે. પૂરાં વર્લ્ડમાં એક સાથે તત્તણ હેડકીઓ એમનાં સિવાય બીજાં કોઈને ખાતાં જોયો કે જોઈ નથી. દેશમાં ‘લોખંડી પુરુષ’ તરીકે એક સરદાર પટેલ થઈ ગયા, પણ ‘લોખંડી સ્ત્રી’ની કોલમ આજ સુધી ખાલી રખાઈ હતી. લોખંડથીય જો કોઈ મજબૂત હોય તો એ મારા સાસુમા હતાં. ગમે તેટલા ઓગાળો, ઓગળે નહીં! મને યાદ છે ત્યાં સુધી એમણે પૂરાં 88 વર્ષ ખેંચી કાઢ્યાં હતાં. અમારા કોઈનો કશો વિચાર કર્યા વગર! એમનાં બંને દીકરા લંડનમાં રહે અને વારાફરતી દર વર્ષે એકાદવાર બાને મળવા આવે. પણ આ લોખંડી સ્ત્રી તો બંને ‘ભાયું’ (ભાઈઓ) લંડન પાછા જવાના હોય તે દિવસે ભરચક આંસુઓ કાઢે. બંને દીકરાઓ એમની મમ્મી કે એમના મજબૂત ‘બનેવી’ જેવા નહીં. બિચારા ભલા અને તદ્દન ભોળા માણસો. માણસ 88-89એ પહોંચ્યું હોય, પછી કેટલું લાંબું ખેંચવાનું હોય? છોકરાઓ પરદેશથી આંટાફેરા કરીને કેવા તૂટી જાય ને આ બાજુ જમાઈ તરીકે ભલે આપણે કોઈ બુદ્ધિનાં કામો કરવાનાં ન હોય, તો પણ સાસુને સાચવવા બુદ્ધિનું નહીં તો જીવનભરનાં સખત પરિશ્રમનું તો કામ ખરું કે નહીં? ગરીબ જ્ઞાતિની ભોજનશાળામાં જમવાના ડંકા વાગે ને છોકરાંઓ બધાં કામો પડતાં મૂકીને, કાઠિયાવાડી ઉચ્ચાર મુજબ, ‘ધોડતા ધોડતા’ રસોડે આવે ને આવીને જુએ તો મહારાજે છોકરાંઓને શાક સમારવાં બોલાવ્યાં હોય, એમ મારા બંને સાળાઓ આવ્યા તો હોય મોટી અને આખરી આશાઓ લઈને, પણ આવીને જુએ તો એમનાં મોમ પલંગમાં અડધી પલાંઠી વાળીને સોપારી કાતરતાં બેઠાં હોય ત્યારે, ‘હશે... ઈશ્વરને ગમ્યું તે ખરું... આવતા ફેરે વાત!’ એવો દિલાસો ભાયું લઈ લે. પણ દીકરાઓને પાછા જવાનો દિ’ આવે, ત્યારે માજી શબરી જેવાં નિ:સહાય થઈને પલંગમાં ગૂંચળું થઈને પડ્યાં હોય અને લીલા ચીટણીસ જેવો હૃદયદ્રાવક અવાજ કાઢીને બોલશે, ‘હા ભાઆ’ય... જાઓ તમતમારે! બીજી વાર આવો તીયારે હું તો નંઈ હોઉં! બસ. આ તમારી ઘરડી માને ભૂલશો નહીં ને મારાં હાટું બજરની બે ડાબલી લેતાં આવજો... (‘બજર’ એટલે ‘છીંકણી’) સમો એટલો કરુણ બંધાયો હોય કે, બંને ભાયુંની આંખોય ભીની થઈ જાય ને માને છેલ્લી વાર જોવાની હોય, એવાં સપનાંઓ સાથે જતાં-જતાં જોયે રાખે. ‘હવે આવતા વખતે ધક્કો ન પડે તો સારું...! આ છઠ્ઠી વાર આવ્યા પણ બા હજી હેમખેમ છે. હવે તો જોબમાંથી રાજીનામું આપીને જ આવવું પડશે!’ ને એમનો ફફડાટ સાચો પડે. ‘હવે આ છેલ્લો ધક્કો લાગે છે, એવું બેનુંએ દર વખતે ‘વોટ્સએપ’માં લખ્યું હોય... પણ ભાયું આવે ત્યારે સગામાં બીજા 8-10ને દર વખતે મૂકવા જવું પડ્યું હોય, એ જોઈનેય બામાં કોઈ ઝનૂન ન ઉપડે, બોલો...! {ashokdave52@gmail.com

અન્ય સમાચારો પણ છે...