બુધવારની બપોરે:રસ્તો ઓળંગતી સુંદરી

અશોક દવે15 દિવસ પહેલા
  • કૉપી લિંક

શહેરના ચાર રસ્તે એક ખૂબસુરત લાવણ્યમયી યુવતી રસ્તો ક્રોસ કરવાનું વિચારી રહી છે. એ સ્ત્રી હોવા છતાં વિચારીને ‘રસ્તો ક્રોસ કરે છે’, એ હજી ઘણા વાચકોના મનમાં નહીં ઉતરે. છતાં જોઈ લઈએ… લાઈફમાં આવો રસ્તો ક્રોસ કરવા ‘દિવ્ય ભાસ્કર’ના લેખકો કેવી હેલ્પમાં આવે છે! ગુણવંત શાહ - (વિચારોના વૃંદાવનમાં) : ઈંગ્લેન્ડના મહાન શબ્દપુરુષ બર્ટ્રાન્ડ રસેલ મારે ઘેર આવ્યા ને અમે પુષ્પના બીજમાંથી સમગ્ર સૃષ્ટિ માટે અહિંસક છાશ કેવી રીતે બનાવવી, તેની ચર્ચા ઉપર બેઠા, ત્યાં જ નોબેલ વિજેતા અમર્ત્ય સેનનો કોલ આવ્યો કે, તમારા વડોદરામાં કોઈ યુવતી રસ્તો ક્રોસ કરતી હોય ત્યાં છાણના પોદરાનું હોવાપણું દેશના વિકાસને રૂંધે છે, એટલે હું આવી શક્યો નથી. મિસ્ટર બર્ટ્રાન્ડને મારી ‘હાય’ પાઠવશો, આશુ પટેલ - (બ્લેક એન્ડ વ્હાઈટ) : દેશમાં વધી રહેલા બળાત્કારો માટે શહેરના ચાર રસ્તા ઓળંગતી યુવતીઓ જવાબદાર છે. અન્ય રસ્તે તો કેવળ કોર્નર પરની લારીએ ઊભેલા લાચાર હસબન્ડો જ એને જોશે, પણ ચાર રસ્તે તો ચારે બાજુથી ખેપાનીઓ એને મેલી નજરે જોશે. આ દૂષણ દૂર કરવું હોય તો ચારમાંથી ત્રણ રસ્તા કઢાવી નાંખવા જોઈએ. સંજય છેલ - (અંદાઝ-એ-બયાં) : (ટાઈટલ્સ) રસ્તો ઓળંગવા યુવતીએ રિક્ષા કરી લેવી જોઈએ (છેલવાણી). વડીલો યુવાનોની આમન્યા રાખીને યુવતીના માર્ગેથી દૂર કેમ ન રહે? (ઈન્ટરવલ). એન્ડ ટાઈટલ્સ - ઈવ : ત્યાં શું જુએ છે, વાંદરા? આદમ : બસ, મારા મનોવ્યાપારમાં બારેમાસ તું જ હોય છે! હું એનામાંય તને જોઉં છું. પ્રફુલ શાહ - (ક્રાઈમ ઝોન) : એ યુવતી હતી કે એની હરતી ફરતી લાશ હતી? સબ ઈન્સ્પેક્ટર જોરાવરસિંઘે ચાર રસ્તે ઊભા રહીને, યુવતીની સાથે ચાલતા ઘનશ્યામને રીમાન્ડ પર લીધો... એ ઘનશ્યામ નહોતો.... એની લાશ હતી. સાંઈ-ફાઈ - (સાંઈરામ દવે) : હળવદ વાંહેના ચરખડી ગામથી આવેલી જોબનવંતી યુવતી એસ.ટી.ની બસમાંથી ઠેકડો મારીને હેઠી ઉતરી. મા જગદંબાના અવતારસમી એની પવિત્ર આંયખુમાં ભાળવાની હામ અમદાવાદીઓ પાસે ક્યાં હતી? તોય બેનડીયું માટે ચાર રસ્તો ચોખ્ખોચણાક રાખતું શહેરી યૌવનધન થાબડભાણાને પાત્ર છે. ડો. શરદ ઠાકર - (ડોક્ટરની ડાયરી) : શરીરના એક એક રતલમાં ઠાંસી ઠાંસીને યૌવન ભરેલી ‘ઓગણિસા’એ કોલેજના પ્રથમ વર્ષમાં પગ મૂકતા પહેલાં, પહેલો પગ નારણપુરા ચાર રસ્તે મૂક્યો, ત્યાં જ એના પગે કાંઈ અથડાયું. જોતા જ એ ચોંકી. એ કોઈનો પડી ગયેલો રોકડો રૂપિયો હતો. ઓગણિસાએ પણ લાઈફમાં આવા અનેક રૂપિયા ગુમાવ્યા હતા, પછી શું કામ એ રોકડો ઉપાડી ન લે? જગદીશ મેકવાન - (અગોચર પડછાયા) : સામેના ગલ્લેથી 120નું પાન બંધાવીને એ પ્રેતયોનિ લાલમલાલ મોંઢે ચાર રસ્તાની વચ્ચે આવીને ઊભી રહી. વટેમાર્ગુઓને એ લાલ રંગ પાનના કાથાનો નહીં, કોઈના ગળે બચકું ભરીને ચૂસેલા લોહીનો લાગતો હતો, ને તોય હિંમત કરીને એક I-20વાળાએ કાર ઊભી રાખીને પૂછ્યું, ‘એ... ઈન્કમટેક્સનું રિટર્ન ભરવાની છેલ્લી તારીખ કઈ છે?’ વટેમાર્ગુઓએ જોયું તો I-20 માથા વગરનું ધડ ચલાવતું હતું. ડો. અશોક ચાવડા - (ફૂલદાની) : ‘શાંતાના ગોરધન પર આપને ખુમારી છે... મેંય શાંતાની બાના પગ દાબ્યા છે’... સમાજમાં આવી અનેક શાંતાબહેનોના ગોરધનોના પગ નહીં, ગળું દબાવવા જેવા હોય છે. આવા ગોરધનો રોજ સાંજ પડે ચાર રસ્તે ઊભા રહીને શાંતા સિવાયની બાઓની રાહ જોતા હોય છે. ન કરવો હોય તોય પરાણે રસ્તો ક્રોસ કરાવી આપે છે... આમાં શાંતુ બગડે જ ને? અંકિત ત્રિવેદી - (જીવનના હકારની કવિતા) : પ્રકૃતિને વેરવિખેર પડેલી વનરાઈઓનાં ગાજ-બટન ટાંકવાનાં હોતાં નથી. ઝાડસ્થ થઈ ચૂકેલી અનેક વેલ ચાર રસ્તે આવવા માંગે છે, જેથી ચારે દિશામાં લીલોતરી ધુમ્મસની માફક છવાઈ જાય, પણ પ્રસ્તુત કાવ્યકણિકામાં ચાર રસ્તાની બદમાશી અને વનરા તે વનની લીલી પાંદડીઓ તેનો પ્રતિકાર કરીને આખું નારણપુરૂં લીલ્લું લીલ્લું કરી શકે, એવો સ્થાયીભાવ જોવાનો છે : ‘થડ ગુણ્યા પાંદડાં વત્તા વાદળાં, રસ્તો પાર કરવા કાચની શીશી જેવી આવીને ઊભી કમળા.’ હેમલ વૈષ્ણવ - (લઘુકથા) : બા તો 97 વર્ષનાં હતાં. છેલ્લાં 46 વર્ષથી સગાંસંબંધીઓ એમની ખબર કાઢવા આવતા રહ્યા. એ બધા ઉપડી ગયા ને બા હજી હેમખેમ છે. બા માટે ચાર રસ્તો શું ને ઉપરનો રસ્તો શું! વિક્રમ વકીલ - (દીવાન-એ-ખાસ) : સોનિયા ગાંધીએ કડકાઈથી પ્રિયુ બેટાને સફદરજંગના ચાર રસ્તે ઊભા રહેવાની ના જ પાડી હતી. કહે છે કે, ત્યાં મોદીના માણસો રોજ ‘ઊભી-ખો’ રમવા આવતા હોય છે. બસ, એક વાર રાહુલને ‘ખો’ને નામે પાછળથી કોઈએ ધક્કો મારી દીધો. કહેવાની જરૂર ખરી કે પ્રસ્તુત ધક્કો મોદીના માણસોએ મરાવ્યો હતો! મધુ રાય - (નીલે ગગન કે તલે) : અહીં ન્યુજર્સીમાં છગનવાલાના ફ્લેટની નીચે પૂરા સોળ વર્ષની એક કોઢભરી કન્યા ઊભી છે. (ક્ષમા-સુધારો: કન્યા કોઢભરી નહીં, ‘કોડભરી’ વાંચવું!) એણે તો અહીંના ચાર કે આઠ રસ્તા જોયા ન હોય, પણ છગનવાલાના આશિષથી એ આઠ ને ચાર ‘બાર રસ્તે’ આવેલા શિવ મંદિરમાં દર્શન કરી આવી. શિવજીએ આશીર્વાદ કન્યાને બદલે છગનવાલાને આપ્યા. મન્નુ શેખચલ્લી - (હવામાં ગોળીબાર) : અપર કરતાંય લોઅર ક્લાસની ફ્લાઈટમાં મલ્ટિપ્લેક્સની સુવિધાઓ સાથે ગૌરાંગીએ ટિકિટ લીધી. દેશની પ્રજાને શહેરના ચાર રસ્તાઓ નડે છે, પણ ગૌરાંગીને ફ્લાઈટમાં ચઢ્યા પછી ન આગળ જવાય, ન પાછળ જવાય... પાછળમાં એરપોર્ટના ટાર્મેક ઉપર હેઠી પડે ને આગળ પ્લેનના પાઈલોટો પોતાની સાથે બેસવા ન દે, પણ એ હતી જામનગરની, એટલે કંટાળીને ટાઈમ બગાડ્યા વિના છકડો કરીને મુંબઈ જઈ આવી. ડો. પારસ શાહ - (જાણવું જરૂરી છે) : સમસ્યા : ‘પત્નીને ગર્ભ રહેતો નથી!’ હું 46ની ઉંમરમાં આઠ વખત ઓફિશિયલી પરણી ચૂક્યો છું, પણ એકેય પત્નીને ગર્ભ રહેતો ન હોવાથી બધીઓને તગેડી મૂકી છે. નવમી કરું કે આઠેયને પાછી લાવું? ઉકેલ : કોઈ પુરુષને મોકલો. અનાથાશ્રમના સંચાલક ઉપર ચિઠ્ઠી લખી આપું છું. ડો. પ્રશાંત ભીમાણી - (મનદુરસ્તી) : ચકલી, તાંબાનું પતરું, ખુલ્લો દરિયો, પ્લાસ્ટિકનું તળાવ, ચાર રસ્તે ઊભેલી યુવતીના હાથમાં ગૂગલ-મેપ... છતાં એ ચાર રસ્તો ક્યાં છે, તે શોધી ન શકી! અશોક દવે - (બુધવારની બપોરે) : મારાથી એનું દુ:ખ જોઈ ન શકાતા, એને ખબર ન પડે એમ એનો હાથ પકડીને મેં ’કુ...રસ્તો ક્રોસ કરાવું, પણ ત્યાં જ સાડા છ ફૂટ ઊંચા નેહરુ બ્રીજની સડક જેવા ટટ્ટાર એના ફાધર આવી ગયા... મારા ભાગ્યમાંથી એક પુણ્ય ગયું!{ ashokdave52@gmail.com

અન્ય સમાચારો પણ છે...