[2] ને પોતાને જો ચાલુ પગારે રહેવું ન પરવડતું હોય તો બીજા પાંચસો જુવાનો આટલા પગાર માટે એ ચક્કરમાં જોડાવા તૈયાર છે! આ જ્ઞાન એને કોણે કરાવ્યું? ચારેક મહિનાનાં ચડત બિલો લઈને નાણાંની ઉઘરાણીએ આવનારા કાપડિયાએ, દાણાવાળાએ, ઘાંચીએ, મોચીએ, ધોબીઅે અને હજામે. ‘પૂરું થતું નથી, પગાર વધારી આપો: મેં હવે સંસાર માંડ્યો છે.’ એવી માગણી લઈને એક દિવસ સાંજે જ્યારે એ મેનેજરના ટેબલ સામે જઈ ઊભો રહ્યો, ત્યારે એને જવાબ મળ્યો કે ‘બીજે ઠેકાણે વધુ મળતું હોય તો શોધી લો! સંસાર માંડ્યો તેનું તો શું થાય? અમે કંઈ તમને તમારો સંસાર ચલાવી દેવાનું ખત નથી કરી આપ્યું: ઉતાવળ નહોતી કરવી.’ તે દિવસના છ ટકોરા એના માથા પર છ હથોડા જેવા પડ્યા. તે છ બજ્યે જ્યારે સર્વ મહેતાજીઓને એણે પોતાની બાજુમાં જ ઊભીને નળ ઉપર હાથ-મોં ધોતા દીઠા, ત્યારે એ દરેકને એણે દુશ્મન માન્યો. એ તમામના હાસ્યવિનોદમાં એણે પોતાના ગૃહસંસારની ઠેકડી થતી કલ્પી લીધી. એ બધા જાણે પોતાની થાળીમાંથી રોટલી ઝૂંટવી લેતા હોય એવું એને ભાસ્યું. પોતાની આસપાસ આટલી બધી ભીડાભીડ છે એ ખબર એને તે સંધ્યાએ પહેલવહેલી પડી. [3] ‘આ કબાટની ચાવી ક્યાં મૂકી છે?’ ઘેર આવીને એક દિવસ એણે પત્નીને પૂછ્યું: એ પ્રશ્નમાંથી નવસંસારની મીઠાશ ઊડી ગઈ હતી. સ્ત્રી ચાવી શોધવા લાગી. ‘ક્યાંક ડાબે હાથે મુકાઈ ગઈ છે એટલે સાંભરતું નથી’ એવી રમૂજ કરતી એ ખૂણાખાંચરા પર હાથ ફેરવતી હતી, પણ પતિને એવી રમૂજો હવે અણગમતી થતી જતી હતી. ચાવી શોધીને એણે પતિને આપી. પતિનું મોં ચડેલું ભાળીને પોતે એક બાજુ ઊભી રહી. કબાટ ઉઘાડીને પતિએ સ્ત્રી ઊભેલી તે બાજુનું બારણું જોરથી-દાઝથી ખોલી નાખ્યું. પત્નીના લમણા ઉપર અફળાઈને બારણાએ ઈજા કરી. જાણે પતિએ તમાચો ચોડી દીધો. ખસિયાણી પડીને એ ઊભી રહી. ‘આમાંથી પૈસા ક્યાં ગયા?’ પતિએ પૂછ્યું. ‘એ તો આપણે તે દિવસે કાપડવાળાને ચૂકવવામાં-’ ‘મને એ ખબર નથી.’ આ સવાલોમાં પતિનો ઈરાદો સ્ત્રીનું લેશ પણ અપમાન કરવાનો નહોતો. એને પત્ની ઉપર કશો સંદેહ પણ નહોતો. પોતે શું પૂછી રહ્યો છે એનું પણ તેને ભાન નહોતું. અકળામણથી ઠાંસીને ભરેલા એના મગજનો આ કેવળ ઉદ્દેશહીન પ્રલાપ જ હતો. જગત પરની ચીડ ક્યાંક કોઈની ઉપર અને કોઈ પણ હિસાબે ઠાલવી નાખવી પડે છે. ઘણાખરા પતિઓને એ કાર્ય સારુ ઘર જેવું કોઈ બીજું અનુકૂળ સ્થાન નથી હોતું અને પરણેલી સ્ત્રી જેવું કોઈ લાયક પાત્ર નથી હોતું. બાઘા જેવી બનીને ચૂપ ઊભેલી પત્ની આ માણસને વધુ ને વધુ ચીડનું કારણ બની ગઈ. પોતાની અત્યારની આર્થિક સંકડામણનું નિમિત્ત પોતાનું લગ્નજીવન છે, એટલે કે લગ્ન છે, એટલે કે આ સ્ત્રી પોતે જ છે, એવી વિચાર-કીડીઓ એના મનમાં જડાતી થઈ. ઉગ્ર બનીને એ થાકેલો અકળાયેલો પાછો કપડાં પહેરવા લાગ્યો. ‘ક્યાં ચાલ્યા?’ ગરીબડે મોંએ પત્નીએ પૂછ્યું. ‘જહન્નમમાં! એ બધી જ પંચાત?’ એટલું કહીને પુરુષ બહાર નીકળ્યો. સ્ત્રી અંદરથી બારી ઉપર આવી ઊભી, ચાલ્યા જતા પતિને એણે આટલું જ કહ્યું: ‘આમ તો જુઓ!’ પુરુષે એક વાર બારી પર દૃષ્ટિ નાખી. સ્ત્રી કશું બોલી તો નહીં, પણ એનો દેહ જાણે કે બોલતો હતો: ‘તમે એકને નહીં પણ બે જીવને મૂકીને જાઓ છો, યાદ છે?’ પુરુષને સમજ પડી. સ્ત્રીની આંખોની કીકીઓમાંથી, છાતીમાંથી, થોડી થોડી દેખાઈ જતી કમ્મરની ભરાયેલી બાજુઓમાંથી કોઈક યાત્રી એમને ઘેર નવ મહિનાની મજલ કરતો ચાલ્યો આવતો હતો. બેઉનાં મોં સામસામાં સ્થિર બનીને મલકી રહ્યાં. માતૃદેહના રોમ રોમ રૂપી અનંત કેડીઓ પર થઈને જાણે એક બાલ-અતિથિ દોડ્યું આવતું હતું. એના મોંમાંથી ‘બા, બાપુ!’, ‘બા, બાપુ’ એવા જાણે અવાજ ઊઠતા હતા. અને કંકું-પગલીઓ પડતી આવતી હતી. પતિ પાછો ઘરમાં ગયો. અેણે પત્નીને અનંત મૃદુતા અને વહાલપથી પંપાળી. એના માથાની લટો સરખી કરી. પોતે શોષ્યું હતું તેનાથી સાતગણું લોહી પાછું ચૂકવવા મથતો હોય એવી આળપંપાળ કરવા લાગ્યો. પોતે જાતે ચહા કરીને પત્નીને પાઈ. ફરી એકવાર જગતની ભીડભાડ ભુલાઈ ગઈ. ઓફિસના મહેતાઓ ફરી પાછા એને પોતાના જેવા જ નિર્દોષ મિત્રો દેખાવા લાગ્યા. લેણદારોની પતાવટ એ બીજા નવા લેણદારો નિપજાવીને કરવા લાગ્યો. લોટરીમાં ઈનામનો ખળકો આવી જવાની તકદીર-યારીમાં આસ્થા ધરાવનાર કોઈ નિર્ધનની પેઠે આ જુવાનને પણ કોણ જાણે શાથી શ્રદ્ધા આવી કે પત્નીને બાળક અવતરવાથી ભાગ્યચક્રનો આંટો ફરી જશે! અથવા કોઈક ચમત્કાર અવશ્ય બની જશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.