- ઝવેરચંદ મેઘાણી
- ઝવેરચંદ મેઘાણીના 125મા જન્મવર્ષની ઉજવણી
ભાગ-3
[1] બી જા દિવસને પ્રભાતે ધર્મમંદિરની અંદર બુદ્ધ પ્રભુની ધ્યાનસ્થ પ્રતિમાની છાયામાં એક દેશી પુરોહિતના અગમ્ય મંત્રોચ્ચાર પ્રમાણે આ વિદેશી નાવિક અને અઢાર વર્ષની ચુ-ચુ સેન એક મુદતબંધી લગ્નની ગ્રંથિમાં જોડાઈ ગયાં.
દેવાલય હતું, દેવપ્રતિમા હતી, દીપમાલા અને ધૂપ-નૈવૈદ્ય હતાં, ધર્મગુરુના સ્તોત્રોચ્ચાર હતા. વડીલો અને અન્ય લગ્ન-સાક્ષીઓની નાની મેદની હતી. વરકન્યાનાં અંગ ઉપર મંગલ વસ્ત્રપરિધાન હતાં. લગ્નક્રિયા તો એની એ પ્રચલિત જ હતી. આવો ગૌરવયુક્ત લગ્નસમારંભ એ અઢાર વર્ષની ચુ-ચુ સેનના દિલ પર એક કાયમી વિવાહની જ છાપ પાડી ગયો. ઠરાવેલી નાની મુદત વિશે એને ઝાઝું ભાન નહોતું રહ્યું. અલાયદું ઘર વસાવીને યુગલ રહેવા લાગ્યું. ‘મારું પતંગિયું! મારું પતંગિયું!’ એ શબ્દો વરના મોંમાંથી સુકાતા નહોતા, ને નાનકડી ચુ-ચુ સેન એના પહોળા ખોળામાં સમાતી નહોતી. પતિના ચરણોને પોતાની આંખો પર ચાંપતી ચુ-ચુ સેન આ વિદેશીને પૂછતી કે ‘તમારા દેશમાં લગ્ન કેવાં હોય?’ સુખમાં ગરકાવ બની રહેલ સ્વામી ઘેનમાં ને ઘેનમાં બોલી ઊઠ્યો કે અમારે ત્યાં તો સ્ત્રી-પુરુષ સામસામી પ્રતિજ્ઞા કરે કે- ‘મૃત્યુ આપણને નહીં વિછોડે ત્યાં સુધી, જીવનની છેલ્લી ઘડી સુધી હું તારી રક્ષા કરીશ, સેવા કરીશ, બેવફા નહીં બનું.’ આ પ્રતિજ્ઞાના સૂર ચુ-ચુ સેનની આંખોમાં શ્રદ્ધાનું સંગીત રેડતા હતા.
[2] વિદેશી નૌકાને નિદાય થવાના બે પાવા તો વાગી ચૂક્યા હતા. નૌકાનાં યંત્રો ધબકતાં હતાં. સીડી ખેંચાઈ જવાને બહુ ઝાઝી વાર નહોતી. એ વખતે બે માસની અવધ પૂરી કરીને જુવાન નાવિક પોતાના કામચલાઉ લગ્નજીવનમાંથી બહાર નીકળતો હતો. એની સાથે ચુ-ચુ સેન એને વિદાય દેવા આવતી હતી. ‘બસ, ચુ-ચુ સેન!’ નાવિકે એને અટકાવી: હવે પાછી વળી જા!’ ‘પાછા ક્યારે આવશો?’ યુવાન થોભી ગયો, જવાબ ગોઠવતાં એને થોડી વાર લાગી. એણે કહ્યું: ‘પાછાં ચકલાં માળા બાંધશે ને, ત્યારે.’ છેલ્લી ચૂમી ઝીલીને ચુ-ચુ સેન ત્યાં ઊભી રહી. બે-ત્રણ વાર પાછા વળી વળી દર્દભરી નિહાગ નાખતો નાવિક અદૃશ્ય બન્યો ત્યાં સુધી એ ન ખસી. ને જ્યારે નૌકાનો ત્રીજો પાવો સંધ્યાના ભૂખરા ઉજાસે ચીરતો એના કાન પર પડઘાયો, ત્યારે ચુ-ચુ સેનની આંખો ઝાડમાં પાંદડાં તપાસતી હતી. ફાગણ-ચૈત્રની ઊઘડતી કૌમુદીમાં ચકલીઓના માળા ધીરા ધીરા ચીંચીકારે ગુંજતા હતા.
[3] ‘જાગ્યો કે, દુત્તા! નીંદર જ ન મળે કે?’ ઓગણીસ વર્ષની માતા આઠ મહિનાના બાળકને પારણામાં નિહાળતી પૂછતી હતી. ‘બાપા-પા-પા-પા!’ બાળક હાથપગ આફળતો જીભના ગોટા વાળતો હતો. ‘હં-હં!’ માનું મોં ભર્યું ભર્યું મલક્યું: ‘બા-પા! લુચ્ચો ઝટ ઝટ ‘બા-પા’ જોવા છે, ખરું કે? પણ હમણાં નહીં. હજુ આ ચકલીઓ માળા ક્યાં નાખે છે? હજુ તો શિયાળો છે, બચ્ચા! ચકલીઓ થિજાઈને લપાઈ રહી છે. પછી ટાઢ ઊડશે, તડકી નીકળશે, વહાણલાં સોનલવરણાં બનશે, ચકલીઓ ગાતી ગાતી માળા નાખશે ત્યારે ‘બાપા’ આવશે, સમજ્યો?’ એટલું કહીને માએ બાળકની હડપચી હલાવી: ‘સમજ્યો કે?’ ‘બા-બા-પા-પા!’ બાળકના મોંમાંથી સનાતન ભાષા સંભળાઈ. ‘દુત્તો નહીં તો! જો તો ખરી, ઓળખ્યા-પારખ્યા વિના નામે બોલાવવા લાગી પડ્યો! ખબરદાર! ચૂપ! લપાટ મારીશ, જો હવે એને બોલાવશે તો!’ માએ નાક પર આંગળી મૂકી, હળવા હાથની લપાટ ચોડી. ખિલખિલાટ હસી પડતા બાળકના મોંમાંથી જવાબ આવ્યો: ‘બા-પા-પા-પા!’
‘હત ધુતારા!’ મા હસી પડી: ‘આજથી જ બાપની ભેરે થઈ ગયો કે? જોઈ રાખજે. હવે તારે બેન આવશે ને, એટલે અમેય તમારી બેની સામે બે જણાં થાશું, જોઈ રાખજે તું, પાજી!’ ‘બા-પા-પા-પા’ના બાલ-સ્વરો છેક ઘરની બહાર જઈ પહોંચતા હતા, અને રસ્તે જતાં લોક એ સાંભળીને એકબીજા સામે મિચકારા કરતાં હતાં. ‘ગાલાવેલી છે ગાલાવેલી!’ રસ્તા પરની કોઈ કોઈ સ્ત્રીઓ બોલતી હતી: ‘વાટ જોઈને બેઠી છે! લેજે હડસેલા! જો પેલો આવવા બેઠો છે તે!’ (ક્રમશ:) (‘પ્રતિમાઓ’ પુસ્તકમાંથી સાભાર)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.