તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડૉક્ટરની ડાયરી:દૂર તક છાયે થે બાદલ ઔર કહીં સાયા ન થા ઈસ તરહ બરસાત કા મૌસમ કભી આયા ન થા

ડૉ. શરદ ઠાકર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ચોમાસાની ઋતુ હતી. છેલ્લા ત્રણ દિવસથી અનરાધાર વરસાદ વરસતો હતો. સાણંદથી થોડા કિલોમીટર દૂર આવેલું એક ગામ અને એ ગામમાં આવેલું એક પ્રાઇમરી હેલ્થ સેન્ટર. ડો. પટેલ ચિંતિત મુદ્રામાં બેઠા હતા. સ્થાનિક કર્મચારીઓ તો બધા આવી ગયા હતા પણ બહારગામથી આવતા સિસ્ટર આજે આવ્યાં ન હતાં. ઊડતી-ઊડતી વાત આવી હતી કે સિસ્ટર જ્યાં રહેતાં હતાં એ ગામડું ચારે બાજુથી પાણીથી ઘેરાઇ ગયું હતું. બધાં ઘરોમાં પાણી ઘૂસી ગયાં હતાં. ડો. પટેલને લાગ્યું કે માનવતાની રુએ એમની ફરજ બનતી હતી કે એ સિસ્ટરનાં ઘરે જઇને જાતતપાસ કરીને રાહતસામગ્રી પહોંચાડવી જોઇએ. ડોક્ટરે યુવાન ડ્રાઇવરને બોલાવીને પૂછ્યું, ‘પરમાર, હિંમત છે તો સેન્ટરની જીપમાં બેસીને દક્ષા સિસ્ટરનાં ગામ તરફ આંટો મારી આવીએ.’ ડ્રાઇવર હોશિયાર પણ હતો અને હિંમતવાન પણ. જીપમાં બેસીને બંને નીકળી પડ્યા. વરસાદ હજુ પણ ચાલુ જ હતો. જમીન ક્યાંય દેખાતી ન હતી. રસ્તો, ખેતર, નદી-નાળાં, પુલ બધું જાણે એકાકાર થઇ ગયું હતું. ડ્રાઇવરને રોજની અવરજવરને કારણે ખબર હતી કે રસ્તો કઇ દિશામાં આગળ વધે છે અને ક્યાંથી વળાંક લે છે; એ અનુભવના આધારે એ જીપ હંકાર્યે જતો હતો. એક જગ્યા પર આવીને જીપ ઊભી રહી ગઇ. તે સ્થળ લોલિયા ડીપના નામથી પ્રખ્યાત છે. આપણે જે ઘટના વિશે વાત કરી રહ્યા છીએ એના અગાઉનાં વર્ષે અહીં એક ભયંકર દુર્ઘટના બની ગઇ હતી. આવી જ જળબંબાકાર હાલતમાં એક બસ ડ્રાઇવરે આ જગ્યા પરથી બસ લઇ જવાની મૂર્ખામી કરી હતી. બસમાં બેઠેલા શાણા પેસેન્જરોએ ના પાડી હોવા છતાં ડ્રાઇવર માન્યો ન હતો. બસ જળના પ્રવાહમાં તણાઇ ગઇ હતી. પરિણામે ડ્રાઇવર સહિત 31 જણાનાં મૃત્યુ થયાં હતાં. આ સમાચાર અખબારોમાં પણ ચમક્યા હતા. ‘સાહેબ, શું કરીશું?’ ડ્રાઇવરે ડો. પટેલને પૂછ્યું. ડો. પટેલે લોલિયા ડીપમાં ઊછળતાં મોજાં તરફ જોઇને ડ્રાઇવરને કહ્યું, ‘હું તો માનું છું કે જે કામ માટે નીકળ્યા છીએ તે પૂરું કરીને જ પાછા વળીએ. તારામાં હિંમત છે?’ ડ્રાઇવર હસ્યો, ‘મારામાં તો હિંમત છે પણ તમારામાં છે? બરાબર વિચાર કરીને જવાબ આપજો સાહેબ.’ તે સમયે ત્યાં બીજાં બે વાહનો ઊભાં હતાં. એક વાહનમાં કલેક્ટર બેઠા હતા. બીજું વાહન મિલિટરીનું હતું. બંને વાહનોના ચાલકોએ આગળ વધવાને બદલે પાછા ફરવાનો નિર્ણય કર્યો હતો. એ લોકોને જ્યારે ખબર પડી કે ડો. પટેલ સામે ઘૂઘવતા દરિયામાં પડતું મૂકવાનો વિચાર કરી રહ્યા છે ત્યારે તેઓ ચોંકી ઊઠ્યા. કલેક્ટર જાતે આવીને ચેતવી ગયા, ‘ડોક્ટર ગાંડપણ ના કરશો. પાછા વળી જાવ.’ મિલિટરીનાં વાહનમાંથી પણ એક આર્મી ઓફિસર આવીને સમજાવી ગયા. ડોક્ટરે એમને કોઇ જવાબ ના આપ્યો. એમણે ડ્રાઇવરે પૂછેલા સવાલનો જવાબ આપવાનો બાકી હતો એ આપી દીધો, ‘જીપ આગળ જવા દે.’ ડ્રાઇવરે ફર્સ્ટ ગિયરમાં જીપ દોડાવી મૂકી. એની તમામ ઇન્દ્રિયો અત્યારે જીપ ચલાવવાના કાર્યમાં કેન્દ્રિત થઇ ગઇ હતી. આ રસ્તાનો એ ભોમિયો હતો પણ અત્યારે પરિસ્થિતિ ભિન્ન હતી. પાણીના લોઢ ઊછળતાં હતાં. જો અચાનક એન્જિનમાં પાણી ભરાઇ જાય અથવા જીપ બંધ પડી જાય તો મૃત્યુ નિશ્ચિત હતું. પાણીના પ્રવાહમાં જીપ તણાઇ જવાનો પણ ભય હતો. ડ્રાઇવર સ્ટીયરિંગ પર હાથ, એક્સિલરેટર પર પગ અને સામેની દિશા તરફ નજર ચોંટાડીને આગળ વધી રહ્યો હતો. ડો. પટેલ ભગવાનનું નામ લેતાં-લેતાં સમય કાપી રહ્યા હતા. એક-એક ઇંચનું અંતર એક-એક કિલોમીટર જેટલું લાંબું લાગતું હતું. જાણે એક યુગ પસાર થઇ ગયો! આખરે જીપ લોલિયા ડીપ પસાર કરીને બહાર નીકળી ગઇ. દક્ષા સિસ્ટરનું ગામ હજી થોડાક મીટર છેટું હતું. મજાની વાત એ બની કે ડોક્ટર અને ડ્રાઇવરની હિંમત જોઇને પાછા વળવાનો નિર્ણય કરી ચૂકેલાં મિલિટરી વાહનના ડ્રાઇવરે પણ પોતાનો નિર્ણય બદલી નાખ્યો હતો. કલેક્ટર તો ડહાપણ વાપરીને પાછા ફરી ગયા હતા, પણ મિલિટરી વેન ડોક્ટરની જીપને ફોલો કરતી-કરતી લોલિયા ડીપ પસાર કરી ગઇ હતી. આગળ જતા લોલિયા ગામ આવ્યું. અહીં માથોડા જેટલાં પાણી ભરાયાં હતાં. ડ્રાઇવરે કહ્યું, સાહેબ, અહીંથી આગળ જવામાં જોખમ છે. ગામની અંદરના રસ્તાથી હું અજાણ્યો છું. શું કરીશું?’ ડોક્ટરે વિચારીને જવાબ આપ્યો, ‘જીપ અહીં જ મૂકી દઇએ. આપણે પગપાળા ચાલીને સિસ્ટરનાં ઘર સુધી પહોંચી જઇએ.’ મિલિટરી વેનમાંથી આર્મી ઓફિસર નીચે ઊતર્યા અને સૂચન કર્યું, ‘ડોક્ટર, તમે પગે ચાલીને જવાની ભૂલ ના કરતા. અમારી પાસે રબરની બોટ છે. હવા ભરવાનો પંપ પણ છે. હું તમને એક બોટ આપું છું. એમાં બેસીને તમે જઇ શકો છો.’ આર્મી ઓફિસરનો આભાર માનીને એમણે આપેલી બોટમાં સવાર થઇને હલેસાં મારતાં-મારતાં ડોક્ટર અને ડ્રાઇવર ગામમાં પ્રવેશ્યા. મકાનોની બારીઓમાંથી ડોકાતાં ગામ લોકોને પૂછતાં-પૂછતાં દક્ષા સિસ્ટરનાં ઘર સુધી પહોંચી ગયા. સિસ્ટરનું મકાન ઊંચા ટેકરા પર આવેલું હતું તો પણ તેના ઓટલા સુધી પાણી પહોંચી ગયું હતું. ડોક્ટરને આવેલા જોઇને સિસ્ટર અને તેના પતિ અપાર આશ્ચર્યમાં ડૂબી ગયાં. સિસ્ટરે ઠપકાના સૂરમાં પૂછ્યું પણ ખરું, ‘આટલા વરસાદમાં અહીં સુધી આવવાની હિંમત તમે કરી જ શા માટે? જો તમને કંઇક થઇ ગયું હોત તો?’ જવાબ આપવાના બદલે ડોક્ટરે ડ્રાઇવર તરફ જોઇને ઇશારો કર્યો. ડ્રાઇવરે પ્લાસ્ટિકના બે મોટા થેલા સિસ્ટરની સામે ધરી દીધા. એમાં ઘઉંનો લોટ, દાળ, ચોખા, તેલ, કાંદા, બટાકા, બ્રેડ અને બિસ્કિટ્સનાં પેકેટ્સ હતાં. દક્ષા સિસ્ટર આભારવશ બનીને જોઇ રહ્યાં. ડોક્ટરે કહ્યું, સિસ્ટર, ‘આ બધું અમારે માનવતાને ધ્યાનમાં રાખીને કરવું પડે. મારી ધારણા હતી કે આવા વરસાદમાં તમે ઘરની બહાર...’ ડોક્ટરનું વાક્ય પૂરું થાય તે પહેલાં સિસ્ટરના પતિ બોલી ઊઠ્યા, ‘સર, તમારી ધારણા ખોટી હતી. મારી પત્ની દક્ષાને હજુ તમે ઓળખતા નથી. ગઇ કાલે સાંજે અહીંથી દસેક કિલોમીટર દૂરના ગામડામાં એક સ્ત્રીને સુવાવડનું દર્દ ઊપડ્યું હતું. એના પતિએ અહીંની એક દુકાનમાં ફોન કરીને જાણ કરી અને કહ્યું કે દક્ષાબહેનને સંદેશો આપજો. મારી પત્ની ખભા સુધીનાં પાણી કાપીને એ ગામમાં પહોંચી ગઇ અને રાત આખી જાગીને એ બાઇની સુવાવડ કરાવી આપી. જો એ ન ગઇ હોત તો એ સ્ત્રી અને એનું બાળક મૃત્યુ પામ્યાં હોત! તમે આ બધું લઇને આવ્યા એ ખૂબ સારું કર્યું કારણ કે ઘરમાં લોટ અને ચોખા સિવાય કંઇ જ બચ્યું નથી.’ ચોમાસું પૂરું થઇ ગયું. બધું યથાવત્ બની ગયું. એક દિવસ આરોગ્ય ખાતાના મોટા અધિકારી ડો. પટેલવાળા પી. એચ. સી.ની મુલાકાતે આવ્યા હતા. વાતવાતમાં ડો. પટેલે એ અધિકારી સમક્ષ દક્ષા સિસ્ટરનાં વખાણ કર્યાં. એમની ફરજનિષ્ઠા અને હિંમતને ઉજાગર કરતી ચોમાસાની ઘટના કહી સંભળાવી. અધિકારી ખૂબ ભલા અને કદરદાન હતા. એમણે તરત જ દક્ષા સિસ્ટરને બોલાવ્યાં અને એમની કામગીરી બદલ પ્રશંસા કરી અને કહ્યું, ‘સિસ્ટર, મારે તમારું સન્માન કરવું છે. જો હું ધારું તો બસ્સો રૂપિયાની શાલ ઓઢાડીને પણ એ ઔપચારિકતા પૂરી કરી શકું છું. પણ મારે એવું નથી કરવું. હું જાણું છું કે તમે મૂળ આ ગામના રહેવાસી નથી. ખૂબ દૂરના ગામડેથી તમે અહીં નોકરી કરવા આવ્યાં છો. તમારાં સ્વજનોથી તમે દૂર રહો છો. આજે હું ખૂબ ખુશ છું. બોલો, હું તમારી બદલી ક્યાં કરાવી આપું? તમે જે સ્થળે કહેશો ત્યાં તમારી ટ્રાન્સફર થઇ જશે.’ મોટાસાહેબની આ દરખાસ્ત ખૂબ જ આનંદ પ્રેરે તેવી હતી. સરકારી કર્મચારીઓ માટે જિલ્લાફેર થતી બદલી અત્યંત મુશ્કેલ હોય છે. દક્ષા સિસ્ટર માટે આ એમની કારકિર્દીની એક અમૂલ્ય તક હતી. એમણે માત્ર માથું ઝુકાવીને બે હથેળીના ખોબામાં મોટાસાહેબનો પ્રસ્તાવ ઝીલી લેવાનો જ હતો, પણ એમણે જે કહ્યું એ સૌની કલ્પના બહારનું હતું. ‘સર, તમારી ઉદારતા માટે આભાર માનું છું પણ મારે બીજે ક્યાંય જવું નથી. મારાં સાસુ-સસરા ખૂબ પ્રેમાળ છે. અહીંથી ઘણાં દૂર છે. એમની સાથે રહેવા મળે તો મને ખૂબ ગમે, પરંતુ હું જાણું છું કે અહીંનાં લોકોને મારી ખૂબ જરૂર છે. હું અહીંથી જઇશ તો મને બીજા દર્દીઓ મળી રહેશે પણ અહીંના દર્દીઓને મારા જેવી નર્સ નહીં મળે.’ આટલું બોલતામાં દક્ષાસિસ્ટરની આંખમાં આંસુ આવી ગયાં. ત્યાં હાજર તમામ લોકોની સાથે મોટાસાહેબ પણ અશ્રુ સારી બેઠા.⬛ શીર્ષક પંક્તિ : કતીલ શિફાઈ (સત્યઘટના. કથાબીજ : ડો. નટુભાઇ પટેલ) drsharadthaker10@gmail.com

અન્ય સમાચારો પણ છે...