ક્રાઈમ ઝોન:રેલવે પ્લેટફોર્મની બેન્ચ પર બેસવાના વિવાદમાં બાહુબલીના ડ્રાઈવરે કોન્સ્ટેબલને થપ્પડ મારી

13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નેતાજીના અંધાધૂંધ ગોળીબારમાં કોન્સ્ટેબલનું મોત
  • નેતાલોગને સજા થાય ત્યારે આપણને સંતોષ-આનંદ થાય, પણ આવા લોકોને ચૂંટવામાં આપણે જ જવાબદાર નથી?

સ્થળ : ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લાનું શાહગંજ શહેર. સમય બપોરનો. સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એકની બેન્ચ પર બેસવાના મામલામાં બે પક્ષ બાખડી પડ્યા. મામલો વકર્યો એટલે ગવર્નમેન્ટ રેલવે પોલીસના જવાનો દોડી ગયા. જીઆરપી જવાન રઘુનાથ સિંહે સમજાવવાનો પ્રયાસ કર્યો તો એક જણે અક્કડ બતાવી: જાનતે નહીં કા હમ કૌન હય? રઘુનાથ સિંહે વધુ પ્રયાસ કરતા એ મહાનુભાવે એને તમાચો ચોડી દીધો. વધુ સિપાહીઓ ધસી આવ્યા અને થપ્પડબાજને જીઆરપી ચોકીમાં પૂરી દેવાયો.

થોડી વારમાં તો સ્ટેશન પર જાણે ગબ્બર, શાકાલ અને ડો. ગેંગના માણસો ઉતરી આવ્યા. કોઈના હાથમાં રિવોલ્વર ચમકે, કોઈક કાર્બાઈન રાઈફલ ઉછાળે અને કોઈક દેશી તમંચા પંપાળે. આ ટોળકીના મુખિયાએ અમજદ-અમરીશ પુરીના અંદાજમાં જીઆરપી ચોકીને પડકાર ફેંક્યો કે તાકાત હોય તો હવે લડી લો. એના ઈશારે અંધાધૂંધ ગોળીબાર શરૂ થયો. દહેશત અને ભાગદોડ વચ્ચે પેલા થપ્પડબાજને છોડાવીને લઈ ગયા. આમાં અજય સિંહ નામના જીઆરપી કોન્સ્ટેબલનો જીવ ગયો ને ત્રણ જવાન ગંભીરપણે ઘાયલ. એકને તો નવ નવ ગોળી વાગી, પણ જીવ બચી ગયો. સાઉથની ડબ્ડ હિન્દી ફિલ્મના સીન જેવી આ ઘટનામાં થપ્પડબાજ હતો રાજકુમાર, સ્થાનિક બાહુબલીનો ડ્રાઈવર ને સ્ટેશન પર એને છોડાવવા પહોંચી ગયેલા બાહુબલી હતા ઉમાકાંત યાદવ. બહુજન સમાજ પાર્ટી, સમાજવાદી પક્ષ અને રાષ્ટ્રીય લોકદળની પાર્ટીના જોરુકા નેતાજી.

આ ઘટનાથી હોબાળો ન મચે તો જ નવાઈ. ઉમાકાંત યાદવ બધી રીતે પૂરા અને પહોંચેલા નેતા. ત્રણ વાર વિધાનસભ્ય અને જેલમાં રહીને ચૂંટણી જીતીને લોકસભાની ચૂંટણી જીતવાની કેપિસિટીવાળો માણસ. શરૂઆતમાં આ હત્યાકાંડની તપાસ જીઆરપીએ કરી. પછી ક્રાઈમ બ્રાન્ચ સીઆઈડીને કેસ સોંપાયો. કદાવર અને બાહુબલી નેતાનો બધા પક્ષોને ખપ. 1995ની ચોથી ફેબ્રુઆરીના આ હત્યાકાંડના કેસમાં શું થયું? તારીખ પે તારીખ પે તારીખ ચિલ્લાવામાં સની દેઓલનું ગળું એસટી બસની ટિકિટની જેમ ફાટી જાય એમ ખટલો 27-27 વર્ષ ચાલતો રહ્યો. ચુકાદા સુધી પહોંચવામાં અધધ 598 સુનાવણી થઈ એમાં 19 સાક્ષીને કોર્ટમાં રજૂ કરાયા હતા.

જીઆરપી ચોકી પર બેફામ ગોળીબાર કરીને એક જવાનનું મોત નિપજાવવા બદલ બસપાના માજી સાંસદ ઉમાકાંત યાદવને આજીવન કારાવાસની સજા જૌનપુરની એમપી-એમએલએ કોર્ટે ફરમાવી અને સાથે પાંચ લાખનો દંડ. આ ઉપરાંત રાજકુમાર યાદવ, ધર્મરાજ યાદવ, મહેન્દ્ર, સુબેદાર અને બચ્ચુલાલ સહિતના છ આરોપીને આજીવન કેદ ઉપરાંત રૂ. 20-20 હજારના દંડ પણ ફટકારાયા. ચુકાદો સંભળાવતી વખતે જજ શરદકુમાર ત્રિપાઠીના શબ્દ નોંધપાત્ર હતા : ‘જો જીઆરપીએ કોઈને લોકઅપમાં પૂરી દીધો હોય તો વિધાનસભ્ય હોવાના લીધે ઉમાકાંત યાદવે પોતાના કર્તવ્યનું પાલન કરવાનું હતું. જોકે, આમ કરવાને બદલે તેમણે પોતાના સાથીદારો સાથે જીઆરપી ચોકી પર ગોળીઓ છોડી જે સ્પષ્ટપણે અપરાધ છે.’ સરકારી વકીલે તો જન્મટીપને બદલે વધુ આકરી એટલે કે મોતની સજાની માગણી કરી હતી. નિશ્ચિત મનાય કે આ ચુકાદાને ઉપલી અદાલતમાં પડકારાશે.

આ સજા સાંભળીને બહાર આવતી વખતે ઉમાકાંત યાદવ હસી રહ્યા હતા, જાણે વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાઈને સરકાર રચવાનો દાવો નોંધાવવા રાજ્યપાલને મળવા નીકળ્યા હોય. એક સમયે પૂર્વાંચલના રાજકારણનો ચર્ચાસ્પદ ચહેરો ગણાતા ઉમાકાંત યાદવને અગાઉ પણ અદાલત અને કાયદો-વ્યવસ્થા પોંખી ચૂક્યા છે. બહુચર્ચિત ગેસ્ટહાઉસ કાંડમાં પણ ઉમાકાંત છાપે ચડ્યા હતા. 1995ની બીજી જૂને મીરાબાઈ રોડ પરના ગેસ્ટહાઉસમાં બસપાનાં સુપ્રીમો માયાવતી પક્ષના વિધાનસભ્યો સાથે ચર્ચા કરી રહ્યાં હતાં. બસપાએ ટેકો પાછો ખેંચી લેવાથી મુલાયમ સિંહની સમાજવાદી પાર્ટીની સરકાર લઘુમતીમાં આવી ગઈ હતી. એ સમયે સમાજવાદી પાર્ટીના રોષે ભરાયેલા કાર્યકર્તાઓએ ગેસ્ટહાઉસ પર હુમલો કર્યો. સમાજવાદી પાર્ટીના નેતાઓએ ખૂબ મારપીટ કરી હતી. બસપાના કાર્યકરોએ માંડ માંડ માયાવતીને બચાવ્યાં હતાં. આ હુમલાના કેસમાં ઉમાકાંત યાદવ ઉપરાંત મુલાયમના ભાઈ શિવપાલ યાદવ અને માફિયા ડોન અતીક અહમદ સહિતના નેતાઓનાં નામ બહાર આવ્યાં હતાં.

જોકે, આ તો રાજકારણ છે. આ જ ઉમાકાંત 2004માં મછલીશહર લોકસભાની ચૂંટણીમાં બસપાના નેતા તરીકે જેલમાં રહીને લડ્યા હતા. આ ચૂંટણીમાં તેમણે ભાજપના ધૂરંધર નેતાને હરાવ્યા હતા. 2007માં યુપીમાં માયાવતીની સરકાર બની. એ સમયે એક મહિલાનું ઘર બળજબરીથી તોડી પડાવવાના મામલામાં ઉમાકાંત યાદવ પોલીસથી નાસતા ફરતા હતા. એ સમયે માયાવતીએ એમને મુખ્યપ્રધાનના સત્તાવાર નિવાસસ્થાને મળવા માટે લખનૌ બોલાવ્યા. એ જ સમયે સીએમ હાઉસ સામે તૈનાત પોલીસે ઉમાકાંત યાદવને પકડી લીધા. આ સાથે એમની રાજકીય કારકિર્દીનો અસ્તાચળ શરૂ થઈ ગયો. ફરીવાર ચૂંટણી લડવા જ ન મળી. કોઈ અપરાધી ઘટનામાં નેતાલોગને સજા થાય ત્યારે આપણને સંતોષ-આનંદ થાય. સાથોસાથ ફરિયાદ જાગે કે સજા કરવામાં વિલંબ શા માટે? પણ આવા લોકોને ચૂંટવામાં આપણે જ જવાબદાર નથી?

અન્ય સમાચારો પણ છે...